Search This Blog

17/06/2012

ઍનકાઉન્ટર : 17-06-2012

૧ કામવાળાને સ્કૂટર પર તેડવા જવું પડે, એવા સંજોગોમાં ખુશ કોણ થાય ?
- પડોસીઓ. એ જોઈને કે, આ ભાઈમાં હવે કાંઈ ટેસ્ટ જેવું રહ્યું નથી !
(મઘુકર પી. માંકડ, જામનગર)

૨ પરણેલા પુરૂષની ઓળખ કઈ ?
- ઈરાદા ક્યા હૈ ?
(રમેશ બી. મેહતા, જૂના ડીસા)

૩ સ્ત્રીઓ આયનામાં વારંવાર કેમ જુએ છે ?
- એ જ કે, એનો ગોરધન એનામાં શું ભાળી ગયો હશે ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૪ અન્યને હસાવતા હાસ્યલેખકોનો પોતાનો ચેહરો ગંભીર કેમ હોય છે ?
- એ ગંભીર બેઠા હોય છે, ત્યાં સુધી જ જોવા ગમે એવા હોય છે !
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

૫ અન્ના હજારે અને બાબા રામદેવને જોઈને તમને શું વિચારો આવે છે ?
- એ જ કે, ભારતની સ્ટુપિડ પ્રજાને હજી એકના એક માણસો ઉલ્લુ બનાવી શકે છે !
(શોમા શાહ, અમદાવાદ)

૬ જામનગર સૌરાષ્ટ્રનું પૅરિસ ગણાય છે તો અમદાવાદ ?
- હવે પૅરિસને યુરોપનું અમદાવાદ કહેવાય છે.
(લલિત ઓઝા, જૂનાગઢ)

૭ ભાજપ અને કોંગ્રેસ પાસે એકબીજા ઉપર કાદવ ઉછાળવા સિવાય બીજા કોઈ કામ જ નથી ?
- છે ને! ભારતના રાજકારણમાંથી પોતપોતાનું નામોનિશાન મીટાવવા એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે.
(તુલસી એસ. શાહ, નડિયાદ)

૮ સ્ત્રીઓ પુરૂષોને આકર્ષવા નીતનવા નખરા કેમ કરે છે ?
- પુરૂષો પોતાની ફરજ ભૂલી જાય તો યાદ અપાવવા !
(ધર્મિષ્ઠા વી. શ્રીમાળા, વિરમગામ)

૯ શું આજના બાળકો બગડી રહ્યા છે ?
- આવતી કાલે સુધરી જશે.
(ચિંતન ડી. સુમેસરા, વિરમગામ)

૧૦ ગુજરાતમાં પાટીદારો ભયભીત છે, એવું કેશુભાઈને કેમ લાગ્યું ?
- કેશુભાઈ પણ પાટીદાર છે માટે.
(સિદ્દીક ઈકબાલ પટેલ, અમદાવાદ)

૧૧ શું હવે લાગણીભીનાં સંબંધોનો જમાનો ગયો ?
- હા. મારા મૅરેજ ૭૬-માં થયા હતા !
(રંજનબેન કે. પરમાર, વીડજ)

૧૨ યુવતીઓના ડ્રેસ જોઈને એમ લાગે છે કે, ધોતી-ઝભ્ભાની જેમ સાડી પણ નામશેષ નહિ રહે ?
- એ નામશેષ રહ્યા પછી ય થોડું કપડું તો વધશે !
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૧૩ આજની સ્ત્રીઓ પુરૂષોને પણ શરમાવે એવા કામો કરે છે કે નહિ ?
- એ હા આજકાલ મનમોહન શરમાયા બહુ કરે છે !
(શાંતા મધાભાઈ પરમાર, વિરમગામ)

૧૪ ઈંગ્લિશ ફિલ્મોમાં પોલીસને આટલી વિવેકી કેમ બતાવાય છે ?
- હોય છે માટે.
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

૧૫ મૉડેલ પૂનમ પાન્ડેએ ટિ્‌વટર પર લખ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમ એક સારા હસબન્ડ જેવી છે. ઘરમાં જ પરફૉર્મન્સ સારૂં બહાર નીકળ્યા પછી ફૂ..સ્સ !
- થૅન્ક ગૉડ, એણે નેતાઓ માટે ન લખ્યું એ લોકો તો ઘરમાં ય, ‘ફુસ્સ’ !
(પરેશ નાયક, નવસારી)

૧૬ સરકારી ઑફિસમાં ભગવાનના ફોટા લગાવવાની મનાઈ છે, મતલબ ?
- અજમલ કસાબનો ફોટો રાખી જુઓ પ્રમોશન મળશે !
(ડી.ઝેડ. પટેલ, ગાંધીનગર)

૧૭ તુષાર કપૂર એકાએક ગાયબ કેમ થઈ ગયો ?
- એને ખબર પડી ગઈ છે કે, ઍક્ટિંગ કોને કહેવાય !
( ખુશ્બૂ મારૂ, સુરત)

૧૮ પ્રેમમાં વફાદારી હોય ખરી ?
- એક પતી ગયા પછી બીજા સાથે બેશક હોય ત્રીજો/જી આવે ત્યાં સુધી !
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

૧૯ રાવણને મારવા શ્રીરામે આટલો બધો સમય કેમ લીધો હતો ?
- રાવણને ભગવાન શંકર સુધી પહોંચ હતી.
(ગૌરાંગ અશોક મિસ્ત્રી, સુરાશામળ-ખેડા)

૨૦ જે સોપારી શુભ કાર્યોમાં વપરાતી, તે આજે અશુભ કામોમાં કેમ લેવાય છે ?
- લોહીનું પાણી કરવા !
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૨૧ ઘણી ફિલ્મો જોતા ઊંઘ કેમ આવે છે ?
- ઘરમાં બાકીના કામો પતાવવા વાઈફો ઉઠાડતી હોય છે માટે.
(ૠષિ વૈષ્ણવ, જામનગર)

૨૨ તમને નથી લાગતું કે બાબા રામદેવ કરતા નાગા બાબા વઘુ સારા ?
- ઍક્ચ્યૂઅલી મેં હજી સુધી એકે ય નાગો બાવો જોયો નથી !
(નિત્ય મોઢા, મુંબઈ)

૨૩ ઍનકાઉન્ટરમાં અમારે ફક્ત સવાલ જ પૂછવાનો જવાબ કેમ નહિ ?
- સવાલ કદી આપી ન શકાય ને જવાબ કદી પૂછી ન શકાય.
(મનન હાથી, રાજકોટ)

૨૪ જડબાતોડ જવાબ કોને કહેવાય ?
- જો કાયમ પાકિસ્તાન આપણને આપે છે, એને !
(શિવાની/હિમાની વોરા, સુરેન્દ્રનગર)

૨૫ હસે તેનું ઘર વસે, તો રડે એનું શું થાય ?
- તમે સાસ-બહુની સીરિયલો ઘણી જોતા લાગો છો !
(શિવાની/હિમાની વોરા, સુરેન્દ્રનગર)

૨૬ સારા કામમાં આંગળી કરવાનું ય પૂણ્ય મળે. સુઉં કિયો છો ?
- પૂણ્યો આંગળી કરવાથી નહિ, ચીંઘવાથી મળે !
(કેયૂર વોરા, સુરેન્દ્રનગર)

૨૭ મુહમ્મદ રફી, મૂકેશ અને કિશોર કુમાર. તમારી દ્રષ્ટિએ ક્રમ ગોઠવી આપશો ?
- તમે ઉંમરમાં નાના લાગો છો. આવા મહાન કલાકારોની કદી સરખામણી ન કરાય.
(સીમા સાહિલ જોષી, મહુવા)

૨૮ હવે ખાદ્યે-પીધે સુખી સવર્ણો પણ અનામત માંગતા થઈ ગયા છે, તો પછી બ્રાહ્મણોને અનામત કેમ નહિ ?
- બ્રાહ્મણો ખાધેજ સુખી છે પીધેનહિ !
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

No comments: