Search This Blog

03/06/2012

ઍનકાઉન્ટર : 03-06-2012

૧ રામગોપાલ વર્મા ફિલ્મ બાગબાનની રીમૅક બનાવે તો ડિમ્પલ કાપડીયા સાથે આપ કામ કરો ખરા ?
- ડિમ્પલ સાથે બાગબાનતો શું, ‘હવાબાણમાં ય કામ કરવું પડે!... ભ, પર્સનલ સંબંધો જોવા પડે.
(દેવેન્દ્ર બારોટ, વડોદરા)

૨ પ્રજાની સેવા બાબતે આજના નેતાઓ પ્રજાને જ કેમ આગળ ધરી દે છે ?
- નેતાઓ પ્રજાને પણ આગળ લાવવા માંગે છે.
(પ્રદ્યુમ્નસિંહ કે. વાઘેલા, પેથાપુર)

૩ મારી ત્રણ વર્ષની દીકરી રડે તો હું કહું છું, ‘સુઈ જા, નહિ તો અશોક દવેનું ઍન્કાઉન્ટરવાંચી સંભળાવું છું.તો એ તરત સુઈ જાય છે. આવું કેમ ?
- તમારા કરતા તમારી દીકરી હ્યૂમર વધારે સમજે છે!
(કોમલ તેજસ વોરા, સુરેન્દ્રનગર)

સ્માઈલફક્ત માઘુરી દીક્ષિતનું જ કેમ વઘુ સોહામણું લાગે છે ?
- બહેન, કોક કોક વાર ફિલ્મો જોવાનું ય રાખો!
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

૫ પ્રશ્ન તમને ઊભો થાય તો કોને પૂછો છો ?
- એનો આધાર હું ક્યા વિદ્વાનને મળું છું, એની ઉપર છે ! હમણાં અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ પરથી મેં એક પોલીસવાળાને પૂછ્‌યું હતું, ‘‘રેલ્વે સ્ટેશન કઈ બાજુ ?’’તો એણે તરત જવાબ આપ્યો હતો કે, ‘‘આ જ રેલ્વે સ્ટેશન છે.’’ હવે વિશ્વાસ બેસી ગયા પછી, ફરી ક્યારેક સ્ટેશને જઈશ ને એ મળશે તો આ સવાલ એને પૂછીશ
(લલિત ઓઝા, જૂનાગઢ)

૬ બધા જ મહાન માણસો આપણા જન્મ પહેલા જ થઈ ગયા. હવે કેમ નહિ ?
- એમ નિરાશ થવાને બદલે હજી એકાદ ટ્રાય મારી જોવો સારો !
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

૭ સંપૂર્ણ જ્ઞાની કોને કહી શકાય ?
- ઝૈલસિંઘને.
(ડી.કે. માડવીયા, પોરબંદર)

૮ ભારત દુશ્મન પડોસી દેસો પર હૂમલો કેમ કરતું નથી ?
- ખરાબ લાગે... લોકો વાતો કરે !
(ગૌરાંગ ગોહિલ, જસદણ)

૯ પ્રથમ પ્રેમ કે પ્રથમ લગ્ન ?
- બહુ બદનસીબોને બઘું પ્રથમમાં જ પતી જતું હોય છે !
(સુરેશ એન. બલુ, સુરત)

૧૦ જેલ ભરોઆંદોલન ક્યારે શરૂ થશે ?
- ભરવા જેવું કંઈક મોકલાવો તો શરૂ કરીએ.
(દિનેશ જોશી, મુંબઈ)

૧૧ અસલના જમાનામાં પ્રેમિકાના અપહરણ એને ઘોડાની આગળ બેસાડીને કરવામાં આવતા... આજે મોટરબાઈક ઉપર પાછળ બેસાડીને શાથી કરવામાં આવે છે ?
- ઘોડા ઉપર બહુ પછી વિશ્વાસ નહોતો મૂકી શકાતો.
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૨ અમારા દરેક સારા કામમાં વિધ્ન આવે છે. શું કરવું ?
- વિધ્ન આવી જાય પછી કામ શરૂ કરવું.
(જયેશ કે. સંપટ, મુંબઈ)

૧૩ જેમનું ઘરમાં કાંઈ ચાલતું નથી, ને બહાર વટમાં ફરે, એવા સાથે કેવી રીતે વર્તવું?
- એ ઘરની બહાર નીકળી જાય પછી આપણે એના ઘેર જવું.
(પ્રિયેશ રાડીયા, જામ ખંભાળીયા)

૧૪ હવે વ્યાસપીઠ પર બેસી જઈને કથા-કિર્તનનો ધંધો શરૂ કરવો છે... કરું ?
- બા ખીજાશે નહિ કે, છોકરો અવળે રસ્તે ચઢી ગયો ?
(ડૉ. પ્રવીણગીરી કે. ગોસ્વામી, બોરબંદર)

૧૫ પ્રેમિકા દગો કરે તો શું કરવું ?
- રાધે રાધે રાધે.....!
(ચિરાગ કન્હૈયાલાલ પંચાલ, મધવાસ)

૧૬ પાણી વગરના પલાયનવાદી પતિનું શું કરવું ?
- તે આમાં તો હું ય શું કરી શકવાનો હતો ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૧૭ અન્ના હજારેની મશાલ કેમ હોલવાઈ ગઈ ?
- એ બેવકૂફોના હીરો હતા, મારા નહિ !
(વી.કુમાર નાયી, હિમતનગર)

૧૮ શું મોદી વડાપ્રધાન બનશે ?
- આ કૉલમ માનનીય શ્રી કેશુભાઈ પણ વાંચે છે.
(ભવ્યા એ. રાઠોડ, અમદાવાદ)

૧૯ ભાઈ-બેનના ચેહરા મળતા આવે તે સમજી શકાય પણ, પતિ-પત્નિના ચેહરા ય એકબીજાને મળતા આવતા હોય તો શું સમજવું ?
- લગ્નના ૨૦-૨૫ વરસ પછી ભલભલા પતિ-પત્નીઓના ચેહરા જ નહિ, સંબંધો પણ ભાઈ-બેન જેવા થઈ જાય છે.
(અજય વ્યાસ, બિલખા)

૨૦ મારામાં મારી સ્વર્ગસ્થ સાસુનો અણસાર આવે છે’, એવું ઘણા કહે છે. શું સમજવું?
- સસુરજીથી જરા આઘા રહેજો !
(ગં.સ્વ. જી.સી. માનકર, વડોદરા)

૨૧ તમે લખેલો કરિયરનો સર્વપ્રથમ લેખ ક્યો ?
- ’૬૯ની સાલમાં અમદાવાદ કૉમર્સ કૉલેજના નોટિસ બોર્ડ પર મારો સર્વપર્થમ લેખ એક પત્ર, જનરલ યાહ્યાખાનને’ (પાકિસ્તાનના એ વખતના શાસક.)
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

૨૨ વિધવાને ઓળખવા માટે ચૂડી-ચાંદલાની ગેરહાજરી, તો વિઘુરને ઓળખવા માટે કોઈ નિશાની ?
- ૧૫-૨૦ વર્ષ પછી પૂછજો..... થયા વગર કેવી રીતે બતાવું ?
(વિપુલ પટેલ, તળાજા-ત્રાપજ)

૨૩ ઉત્તરાયણ પછીનું મૃત્યુ કેમ શ્રેષ્ઠ ગણાયું છે ?
- છાના રહો. હજી છ મહિનાની વાર છે.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

૨૪ સનાતન હિંદુ ધર્મની મુખ્ય ખૂબી અને ખામી કઈ ?
- વિશ્વનો ઉત્તમોત્તમ ધર્મ હિંદુ ધર્મ છે કે, એ અન્ય ધર્મોને પણ ઉત્તમોત્તમ સમજે છે.આવો બીજો ફક્ત એક ધર્મ તો બતાવો !
(પ્રવીણ એમ. પંડ્યા, નડિયાદ)

૨૫ વરઘોડામાં લાજ કાઢીને ડિસ્કો કરતી બહેનો શું ભારતીય સંસ્કૃતિ છે ?
- અફ કોર્સ ભારતીય સંસ્કૃતિ છે. કોઈની લાજ લઈને ડિસ્કો કરવા કરતા લાજ કાઢીને કરે, એ તો અભિવ્યક્તિ છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

No comments: