Search This Blog

13/06/2012

એક સુંદર મનમોહિની.. અને લિફ્‌ટ

આ થોડો નિરીક્ષણનો વિષય છે. આવશે મજા. યાદ કરી જુઓ લિફ્‌ટની રાહ જોઈને ઊભેલાઓને. આ એક એવું સ્થળ છે, જ્યાં ચેહરા ઉપર હાવભાવ કયા રાખવા તેની કોઈને સૂઝ પડતી નથી. અદબ વાળવી, એક પગ સહેજ આગળ લંબાવીને ઊભા રહેવું, સાથે ઉભેલાઓમાંથી કોઈની સામે જોવાઈ ન જાય, તેની તકેદારી રાખવી, બીજે ક્યાં ક્યાં અને શું કામ જોવું, કોઈ પણ હલનચલન વગર માત્ર ઉભા રહેવું ને છેવટે ગમે ત્યાં જોયે રાખવાનું હોય છે. વિશ્વભરમાં આજ સુધી લિફ્‌ટની રાહ જોઈને ઉભેલો કોઈ પણ શખ્સ બન્ને હાથ નીચે ઝૂલતા રાખીને ઊભો રહી શક્યો નથી. હાથ પાસે એ કંઈકને કંઈક કરાવે જ. મોટે ભાગે અદબ વળાતી હોય છે. નજર સામેથી લશ્કર પસાર થવાનું હોય ને લિફ્‌ટમાંથી રાષ્ટ્રપતિ ઉતરવાના હોય એમ, અહીં ભોંયતળિયે અદબ વાળીને ઘણા શિસ્તથી ઊભા રહે છે. ઑફિસમાં એમના ચેહરાના હાવભાવ જરા અલગ અને વટવાળા હોય. ઘરમાં હિંચકે બેઠા પછી ઠાકુરના ઠાઠ- ઠઠારા નોખા હોય, ભીનામાં લપસી પડ્યા પછી ફૂલો પંપાળતી વખતના મોઢાના રંગ તદ્દન જુદા હોય ને કોઈના ખભે બચકું તોડી લેવાનું હોય, ત્યારે હાવભાવ અલગ હોય...! બાજુમાં અ.સૌ. ધનલક્ષ્મીબેન જેવી કોઈ યુવતી ઉભી હોય ને ઘડપણમાં આપણી લાકડી બની રહેશે એવા સપનાઓ સાથે એના ખભે ટેકો દઈને ન ઉભા રહેવાય. હાફૂસ ભાવતી ગમ્મે તેટલી હોય, પણ એની ઉપર ચીઝ કે બટર ચોપડીને ના ખવાય એટલે ના ખવાય... ખોટી મગજમારીઓ કરવાની જ નહિ !... કોઈ પંખો ચાલુ કરો !

ચારેક જણા ઊભા હતા, લિફ્‌ટ નીચે આવવાની રાહ જોઈને લિફ્‌ટ આજે નહિ તો કાલે નીચે આવવાની જ છે, એ સત્ય વિજ્ઞાને પણ સ્વીકાર્યું હોવા છતાં ધીરજ કોઈની રહેતી નથી, એટલે જે આવે એ બટન દબાવી લે છે. કેમ જાણે, આગળવાળાઓએ બટનના બદલે ભીંતમાં આંગળા ઘોંચ્યા હશે ! હું તો આઠમો હતો, તો ય મેં દબાવ્યું. ભ, વખત છે, આગળવાળાઓ ભૂલી ગયા હોય... એક વખત દબાવી જોવામાં વાંધો શું ?

જો કે, હવે ઑનેસ્ટ બનવામાં વાંધો નથી કે, આગળ સાત ઊભા હતા, તો ય હું બટન દબાવી આવ્યો, એનું અસલી કારણ અરબસ્તાનનું તાજું પરફ્‌યુમ છાંટીને લિફ્‌ટમાં બેસવા આવેલો હું યુવાન હતો, ને સદનસીબે, ત્રીજા નંબરે કોક એવું ય ઉભું હતં કે, લિફ્‌ટમાં ઊભા રહેતી વખતે આપણો સીટ-નંબર એની બાજુમાં આવે તો મનને જ નહિ, તનને ય સારું લાગે એ મનમોહિની આપણા શ્વાસની એટલે કે અત્તરની ખુશ્બો લે, તો એનું ય જીવન સુખી થાય. લિફ્‌ટમાં એ આપણી બાજુમાં ઊભી રહેશે, એ કેવું મનોરમ્ય દ્રશ્ય હશે ? (અહીં... મનોરમ્યઆવે કે મનોહરસારું લાગે... ? મને આ લેખ છપાયે દિન- ૭માં જાણ કરવી.) મને પાછું એવું અભિમાને ય નહિ કે મહિલાઓની બાજુમાં તો ના જ ઉભા રહેવાય... બા ખીજાય !ઘણા સાંકડા મનના લોકો હજી સ્ત્રીઓને પોતાની સમકક્ષ ગણતા નથી. એ આપણી બરોબરીની ન કહેવાય, એમ માનીને કેટલાક તો પુરૂષો ય હવે હિલવાળા શુઝ પહેરે છે... (આટલું હાસ્ય જરા ઝીણું છે... બધાને સમજાશે, એવી કોઈ ગણત્રી લેખકની નથી.) રૂપાળી સ્ત્રીઓ આવતી હોય ત્યારે અનેક લોકોને મેં સગી આંખે બાજુમાં ખસી જતા જોયા છે... હું તો કહુ છું, આવી આભડછેટ શા માટે ?... શા માટે ? હા, લિફ્‌ટ- સંસ્કૃતિમાં ઘણા ઉમંગભર્યા યુવાનો સ્ત્રીઓ માટેની આવી આભડછેટ મીટાવવા, મોટા મનો રાખીને સ્વપ્રયત્ને, પણ કોઈ જોઈ ન જાય એમ બાજુમાં ઊભેલી સ્ત્રીના ખભા સાથે ખભો મિલાવવાની કોશિષ કરે છે. આમાં ઉચ્ચ કૂળની મહિલા હોય ને એને ન ગમતું હોય ને મોંઢા ચઢાવીને સંકોચાઈને ઊભી રહે, તો બાદલોં કે ઉસ પાર... ની જેમ બાજુમાં બીજું કાળું વાદળું એને અડીને ઊભું રહેવા માંગતું હોય ! મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો હતો, એમાં આમનો તનમનથી ટેકો ! નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે, લિફ્‌ટમાં સ્ત્રીની બાજુમાં ન જ ઊભા રહેવાય, એવું મિથ્યાભિમાન કદી ન રાખવું... તેહ તણો ખરખરો ફોક કરવો.’ (સુધારો : આવું નરસિંહ મહેતાએ નહિં, સ્વ. રમણભાઈ નીલકંઠે કીઘું હતું. (સ્વ. રમણભઈ ...??? ઓકે. અમારા આગામી સુધારાઓની પ્રતિક્ષા કરો.)

મારી આગળ આવેલા બે યુવાનો સાલા મારાથી ઉંમરમાં નાના અને અમારા બધાથી વઘુ યુવાન અને હેન્ડસમોહતા. સાલી હરિફાઈઓ ૫૦-પછી જ નડે છે. આપણે ત્રણ ભગવાનો સાથે ઓળખાણ, મહાદેવજી, ભગવાન મહાવીર સ્વામી અને હનુમાનજી, એટલે મેં છત તરફ જોઈને ત્રણેને પ્રાર્થના કરી દીધી કે, ‘હે દીનાનાથો, લિફ્‌ટમાં મારી બાજુમાં તમારા ત્રણેય ની ભાભીનો નંબર ન આવે, કોઈ વાંધો નહિ, પણ પેલા હેન્ડસમ છોકરાઓની બાજુમાં તો આ અબળાને ન જ ઊભી રાખીશ. બે વરૂઓની વચ્ચે માસુમ સસલીને ન ગોઠવીશ, પ્રભો ! આજકાલ કેવા કેવા મવાલીઓ લિફ્‌ટોમાં ચઢી બેસે છે !

જો કે, એ બન્ને તો એમની વાતોમાં મશગુલ હતા. એમણે તો પેલી સામે જોયું પણ નહિ. એકાદવાર દ્રષ્ટિ પડી ગઈ, તો ય ફરી પેલી ઉપર નજર નાંખી નહિ. ખોટું નહિ બોલું.. સંબંધ બંધાયા પછી મારું જ ખરાબ દેખાવાનું છે, પણ પેલીએ આ બન્ને સામે બે-ત્રણ વાર જોયું હતું, છતાં આ બન્ને પાસે તો એવો ટાઈમ જ ક્યાં હતો ? આવડી આ જ જો જો કરતી હતી... હંહં...! ભ, સંસ્કાર સંસ્કારનો ફેર તો પડે જ છે !

છેવટે મંગલ મંદિરના દ્વાર ખૂલ્યા.

લિફ્‌ટ અને મંદિર વચ્ચે કેટલો ફેર ?

એક નાની જગ્યામાં ટૂંક સમય માટે અનેક લોકો ધુસમધુસી કરે છે... અહીં રહેવા કોઈ નથી આવતું. આ એવી જ જગ્યા છે, જ્યાં હોટેલના વેઈટરની જેમ પાઈ-પૈસાની ટીપલોકો ભગવાનને આપતા જાય છે, પણ લિફ્‌ટમેનને કોઈ શકોરું ય આપતું નથી. બીજો મહત્વનો ફેર એ છે કે, મંદિરમાં ઉપર જવા માટે શોર્ટ-કટ હોય, લિફ્‌ટને શોર્ટ-કટથી ઉપર લઈ જવાતી નથી... ઘણી વાર સીધા રસ્તે ખૂબ ઝડપથી નીચે બેશક આવે છે.

લિફ્‌ટમેન દયાળુ હશે કે, જેટલા સમાય, એનાથી ય વધારે મુસાફરોને લેવા માંડ્યો. ધુસ્યા એ બધાએ લિફ્‌ટની દિવાલો પર ગરોળીની જેમ ચીપકવું પડ્યું હતું. મારો જમણો ગાલ લિફ્‌ટની દિવાલ સાથે જડાયેલો હતો. ૨૭૪-દિવસ પહેલા માથામાં તેલ નાંખેલા એક બુઢ્ઢાનું માથું મારા નાક નીચે આવતું હતું. બાળમંદિરના કમ્પાઉન્ડમાં બાળકોને છુટ્ટા મૂકી દીધા હોય એમ, લગભગ ૧૮-જણાના તપેલા શ્વાસો લિફ્‌ટમાં ધૂમે રાખતા હતા. અડે તો ય લ્હાય બળે, એવા ગરમ શ્વાસો, બોલો ! વૈભવલક્ષ્મીની યાદ આવી... પેલી નીચે ઊભી હતી એ..! યાદ કિયા દિલ ને કહાં હો તુમસુધીનો આપણ પોકાર વ્યાવહારિક હતો, પણ ઝૂમકી બહાર હૈ જહાં હો તુમ...ફિટ બેસતું નહોતું. પરસેવાની ગંધોમાં ઝૂમતી-બૂમતી બફારો-ફહારો શેની હોય..?

નડિયાદ આવે એટલે મને અઠાડવો’, એવી સૂચના રેલવે-ટી.સી.ને ઘણા મુસાફરો આપતા હોય છે, એવા આદેશ સાથે બે-ત્રણ જણે લિફ્‌ટવાળાને, ‘પહેલા માળે ઊભી રાખજોનો આદેશ આપ્યો, એમાં લિફ્‌ટમેન બગડ્યો, ‘પાટીયું વાંચતા નથી, પહેલા માળે લિફ્‌ટ નહિ જાય...? ... ક્યાંથી આવા ને આવા ચાલ્યા આવે છે ?’ આમાંનું બીજું વાક્ય એ મનમાં બોલ્યો હશે, એવું અમને બધાને લાગ્યું.

એક તો ઉનાળાઓ ને એમાં ય વરસાદ પછીનો બફારો. આવામાં કોઈ આપણને સ્માઈલ આપે તો ય ન ગમે. તેમ છતાં, હસતું મોઢું રાખીને, મને ચીપકેલા ને માથે તેલ નાંખેલા બુઢ્ઢો બહુ ઝેરી સ્માઈલ સાથે મારી સામે જોઈને કહે, ‘ભાઆય... આ તો પંખીનો માળો છે.. ઘડી-બે ઘડીમાં તો ઊડી જાશું...!

એ ડોહા... પહેલા મારા પગ ઉપરથી તારો પગ હઠાય ને પછી માળામાંથી ઊડજે...હું આમ પાછો, ઘરની બહાર નીકળ્યા પછી વિવેકી ખરો, એટલે આવું તો મનમાં બોલ્યો, પણ ઉંમરનો લિહાજ રાખીને મેં કીઘું, ‘હા વડીલ... આ તો પંખીનો માળો છે.. કૃપા કરીને આપની ચંપલ મારા અંગૂઠા પરથી હઠાવશો ?’

એ હઠાવે, તે પહેલા જ મોટો લોચો વાગી ગયો. અચાનક આખા બિલ્ડીંગની વીજળી ગઈ ને લિફ્‌ટ ઊભી રહી ગઈ... પત્યું ...? પહેલી ફક્ત એક જ સેકન્ડ સ્તબ્ધતા અને પછીનીમાં...

ઓહ... લાઈટો ગઈ લાગે છે.

લાઈટો નહિ, વીજળી ગઈ કહેવાય.

ઉફ... આ અચાનક શું થઈ ગયું ?’

દેખાતું નથી...? લિફ્‌ટ બંધ થઈ ગઈ છે...

ઓ મિસ્ટર... જરા તમારો હાથ આઘો રાખો... શરમ નથી આવતી, સ્ટુપિડ ?’ ઓહ, આતો કોકના ટહૂકવાનો અવાજ ! સાલો કોક મોરલો કળા કરવા ગયો લાગે છે. મનમોહિનીના મઘુરા કંઠમાં આવી વેદના સાંભળીને અચાનક બધા ધર્મેન્દ્રો થઈ ગયા, ‘કૂત્તેએએએ... મૈં તેરા ખૂન પી જાઉંગા...!અફ કોર્સ, આવું બોલ્યું કોઈ નહિ, પણ મનમાં તો આવા ગુસ્સા આવે કે નહિ ? બધાને આવ્યા, પણ અમારામાંથી કૂતરો કોણ હતો ને કૂતરો મોર બનીને ક્યાં કળા કરી આવ્યો છે, એની ય ખબર પડતી નહોતી. ચર્ચા શરૂ થઈ ગઈ કે, આપણા દેશમાં સંસ્કૃતિ કે સંસ્કાર છે જ નહિ. એક અબળા નારીની લજ્જા સાથે આવો ખીલવાડ...? (‘કયો નસીબદાર કરી આવ્યો ?’) એની બોલાબોલી ચાલુ થઈ. આવાઓને તો લિફ્‌ટમાં જ ધીબી નાંખવા જોઈએ. એક જણે સિક્સ્ટી સિક્સની સાલમાં આવું બન્યું હતું, એમાં પોતે પેલાનો કેવો લાફો મારી દીધો હતો, એની વાત કરી. બીજાએ ઝીલી લીધી, ‘અરે બોસ, ત્યારે તો કાંઈ ખબર જ નથી... હજુ ગયા બુધવારે જ સચિવાલયની લિફ્‌ટમાં એક નફ્‌ફટને મેં કોલરથી ઝાલ્યો હતો... માતાઓ અને બહેનો સાથે આવો દુર્વ્યવહાર હું સાંખી જ ન લઉં...

.... એમાં લિફ્‌ટ ચાલુ થઈ ગઈ... બધા ફટાફટ બહાર નીકળી ગયા. ખાઘું, પીઘું ને રાજ કર્યું.

સિક્સર
- રાહુલ ગાંધીના બંગલાની સામે જ બંગલો મળતો હોવા છતાં, તેન્ડુલકરે બંગલો લેવાની ના પાડી દીધી !
- , પડોસ સારો હોવો જોઈએ, એવું તો દરેક માણસ ઇચ્છતો હોય ને ?

No comments: