Search This Blog

27/06/2012

कैसे करुं मुकद्दमा उस पर बेवफाई का ? मेरा दिल वकील उसका

ગાડી ફર્સ્ટ ફ્લોર સુધી આવી શકે તેમ નહોતી, એટલે વાઈફ ગાડી નીચે પાર્ક કરતી હતી, હવે તો પહેલા જેવી ગાડીઓ ને પહેલા જેવા ફલોર પણ ક્યાં થાય છે, ભાઈ ! એ જમાના તો ગીયા...! 

અનુભવો તમને ય હશે કે, ગાડી વાઈફોને પાર્ક કરવા આપો, એટલે જેની ગાડીને ઠોકી દીધી હોય, એ આજે નહિ તો કાલે, આપણને મારવા તો આવવાનો છે. જો કે, હજી ગુજરાતમાં લાજ-શરમ મરી પરવારી નથી અને પુરૃષો સૌજન્યશીલ રહ્યા છે પરિણામે, ગાડી વાઈફે ઠોકી દીધી હોય તો પણ એ લોકો વાઈફ ઉપર હાથ નહિ ઉપાડે, આપણને ઢીબી નાંખવા આવશે. સાલો, ભલાઈનો તો જમાનો જ રહ્યો નથી. પણ એની કે આપણી, કોઈની વાઈફ ઉપર એ લોકો હાથ નહિ ઉપાડે... આપણે કોઈ 'દિ ઉપાડયો છે, તે બીજો ઉપાડી જાય? એક ગોરધન તરીકે હું સ્માર્ટ અને અનુભવી બહુ, (અનુભવીનો મતલબ, એક વાઈફના અનેક અનુભવો સમજવાના છે... અનેક વાઈફોના 'અનેક' અનુભવો નહિ, ઈડિયટ્ટ...!) એઠલે એ બધી ગણત્રીઓ કરીને પાર્કિંગ એને સોંપીને હું ઉપર આવતો રહ્યો.

મારા બન્ને હાથમાં ભારે વજનની ગિફ્ટ પકડેલી હોવાને કારણે કોલબેલ વગાડવા કપાળનો ઉપયોગ કરી જોયો. આજકાલ કપાળ ચોંટાડીને વગાડી શકાય, એવી તો કોલબેલો ય ક્યાં થાય છે ? એ જમાના તો ગીયા...! ઝાઝી વાર ગિફ્ટ પકડીને ઊભા રહી શકાય એમ નહોતું. એક્ચ્યુઅલી, એ ગિફ્ટ એટલે ફૂલનું કૂંડું હતું. વિપુલ-ક્ષમાને ગમશે તો ઠીક છે, નહિ તો એમના માથે પછાડીને પાછા આવતા રહીશું, એવી આપણી ગણત્રી. આવા કુંડા તમે તો જાણો છો કે, નીચેથી કાળા અને ચીકણા હોય (લસરી જાય) ને ઉપરથી એના પાદંડા આપણને ગલીપચી કરતા હોય, એટલે એમ કૂંડા પકડીને ઊભા રહેવું, એ પુરાતન કાળમાં ફક્ત રાજપુતોને ફાવતું અને હાલમાં બ્રાહ્મણોને ફાવે છે. રાજપુતોના કૂંડામાં દુશ્મનોના માથાં મૂકાણાં હોય અને બ્રાહ્મણોના કૂંડામાં તુલસીનો છોડ હોય તો ય ગામમાં વાતું થાય કે, ''હમણાં બહુ કમાણો લાગે છે !''? ઘણીવાર તો કૂંડામાં એકલી માટી જ હોય... છોડ જેને ગિફ્ટ આપીએ એ લોકોએ ફુરસતમાં ઉગાડી લેવાના.

વિપુલ-ક્ષમા કહે કહે બહુ કરતા હતા કે, ''ડિનર પર આવો જ.'' તે મેં 'કુ, ચલો જઈ આઈએ. ભલે આજકાલ પહેલા જેવા 'ડિનરો' ક્યાં થાય છે, પણ બ્રાહ્મણો તો હજી એવા જ થાય છે.... કોક જમવા બોલાવે, તો જઇ આવવાનું ! એ જમાના ભલે ગીયાં !!!

વાઈફ ઉપર આવે તો કાંઈ કામ થાય. આપણી નહિ તો બીજા કોઈની બી વાઈફ કમ-સે-કમ દાદરેથી પસાર થતી હોય તો એને કહી દઈએ કે, ''જરા આ કોલબેલ દબાઈ આલો ને...!'' આમ તો, આપણો ફેસ જોઈને નહિ તો કૂંડુ જોઈને, એ કોલબેલ દબાઈ આલે. આપણે કહેવાની જરૃરે ય શી પડે ! સારા સંસ્કારની હોય તો કૂંડુ એની પાસે પકડાવીને કોલબેલ આપણે દબાવીએ. ખોટાં અભિમાનો શું રાખવાના આ જમાનામાં ! (અહીં સંસ્કારનો અર્થ 'સુંદરતા' સમજવો.)

પ્લસ... બીજું કોઈ ય આવે-જાય નહિ, કે ચલો આવે તો કાં તો કૂંડુ ને કાં તો કોલબેલ દબાવી આપે. આખરે, માનવી જ માનવીના કામમાં આવે ને, ભાઈ? (જવાબઃ સર જી, આવા પ્રસંગે તો બન્ને બાજુ માનવી ઊભા હોય, તો કોઈ કામમાં આવે. જવાબ પૂરો)

વાઈફને વારો બહુ થાય, એટલે હજી ઉપર આવી નહોતી. મારો મોબાઈલ વાગે રાખે, પણ ખિસ્સામાંથી કાઢવો કેવી રીતે ? ભ'ઈ, જમાનો જોઈને આજકાલ પુરૃષોને રીક્વેસ્ટ કરી ન શકાય, પણ ત્યાંથી પસાર થતી ફલેટની કોઈ આદર્શ મહિલા-બહિલા હોત, તો આપણે કહેત બી ખરા કે, 'આ જરા મોબાઈલ કાઢી આપશો ? ભગવાન તમારા બાલબચ્ચાં સુધી રાખે !'

સીડીની બાલ્કની સુધીના ચાર પગથીયાં ઉતરીને નીચે જોયું તો ઉપર જોઈને વાઈફ રાડું નાંખતી હતી, ''હંભળાતું નથી...? ક્યારનો મોબાઈલ કર કર કરૃં છું તે ?''

૭૦-લાખના ડાયમન્ડ-નૅકલેસના કાચના શો-કેસની બાજુમાં, થોરનું ઝાડ ઊગી નીકળ્યું હોય એમ, કોઈની BMW ગાડીની બાજુમાં વાઇફ સજડબંબ ઊભી રહી ગઈ હતી. એ ગુસ્સે થાય ત્યારે સમગ્ર શરીર પૈકીના ફક્ત બે આકારો હલતા દેખાય છે. એક એની જીભ અને બીજી એના પગ નીચેની જમીન. જમીન અફ કોર્સ, એના શરીરનો ભાગ ન કહેવાય, પણ એ ગુસ્સે થઈ હોય, ત્યારે વટેમાર્ગુઓને મારગડો બદલી લેવો પડે, એમ જમીન પરકાયા પ્રવેશ કરીને-આના શરીરમાં સમાઈ જઈને ફાટફાટ થતી હોય... આના તાપથી ! આપણા દેશના મહાન ફિલસૂફ શ્રી અશોક દવેજીએ ક્યાંક કીધું છે કે, 'God disposes what man proposes અર્થાત, માનવી ધારે છે કંઈક, પણ ઈશ્વર કરે તેમ જ થાય છે.' (ફિલસૂફના નામ બાબતે ભૂલચૂક લેવીદેવી.)

જમીન હાલી, ''ઊભા સુઉં રિયા છો... નીચે આવો... આંઈ ગાડીની ચાવી ગાડીમાં રઈ ગઈ છે ને હું બહાર આવી ગઈ...''

સાલું...જે અંદર રહી જવું જોઈતું'તું, એ બહાર છે ને બહાર હોવું જોઈએ, એ અંદર છે... બધો તકદીરનો ખેલ છે ! હવે તો કોઈ પંખો ચાલુ કરો...! આનાથી વધારે હિંમત શું બતાવું ?

હવે તો પહેલા જેવા પંખા ને પહેલા જેવી વાઇફોય ક્યાં થાય છે!....એ જમાના તો ગીયાં !

આમ પાછું મારૃં કામકાજ ગુરૃત્વાકર્ષણના શોધક ન્યૂટન જેવું. મોટા કાણામાંથી મોટી બિલાડી જાય, એ પછી એણે નાની બિલાડી માટે નાનું કાણું બનાવ્યું. કહે છે કે, અકળામણ બુધ્ધિને મારી નાંખે છે. ત્યાં જ ક્યાંક પાળી ઉપર કૂંડુ મૂકીને આવવાને બદલે, હું એ લઈને નીચે ઉતર્યો. સદીઓ અગાઉ બન્ને હાથમાં આ રીતે રૃપિયો ને નારીયેળ પકડીને ઊભા રહેવાનો અનુભવ મને આખી જીંદગી નડયો છે. દાદરા ઉપર એક-બે સામા મળ્યા, એમના હાવભાવ જોઈને એ લોકો મને કૂંડાચોર સમજ્યા હશે. આમ તો હાવભાવ જ નહિ, મારો દેખાવ જોઈને ભૂલ કોઈને બી થઈ જાય એમ છે.

હું એશોઆરામથી હાંફતો નથી. આ વિષય લકઝરીનો નથી. પકડેલે કૂંડે હું વાઈફ પાસે પહોંચ્યો, ''અસોક, આ રાઈંડની ગાડીની ચાવીયું કેવી તકલાદીના પેટની બનાવે છે... હવે ગાડીનો દરવાજો જ ખુલતો નથી...!''

''લે...આ કૂંડુ પકડ...''

''અરે પણ કૂંડુ પાછું સુઉં કામ લેતા આઈવા ? વિપુલભા'યના ઘરે નો મુકતા અવાય ?''

મોટા ભાગની વાઈફો એમના ગોરધનોને અક્કલના બારદાન સમજતી હોય છે ને મારાવાળી તો ઘણીવાર સાચી ય હોય છે, એટલે મેં કોઈ જવાબ ન દીધો. ઓહ, હાથમાં કૂંડું પકડેલી વાઈફ 'મુગલે-આઝમ'માં પૂતળું બનીને ઊભેલી મધુબાલા સમી લાગતી હતી. મધુબાલાને કીધેલું એવું 'આઇ લવ યૂ' વાઇફ ને ય કહી દીધું...... આપણું મોટું મન ! ક્ષણભર માટે તો હું એના પ્રેમમાં પડી ગયો, બોલો ! મેં તો ડૂપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી આપ્યો, એટલે એ સમસ્યા અકળાવનારી ન નીકળી, પણ ફરી પાછું કૂંડું ઉપર ચઢાવવું પડશે, એ ભય મને ભીત કરી રહ્યો હતો. (અહીં આપણે 'ભય' અને 'ભીત'ને છુટા પાડીને ગુજરાતી સાહિત્યને એક નવો શબ્દસમૂહ આપ્યો છે, એ બદલ સમગ્ર સાહિત્ય જગત આપણું ઋણી રહેશે. આભાર, દોસ્તો.)

''લે ડાર્લિંગ, તું કૂંડુ પકડ... હું દાદરાનો કઠેડો પકડું છું... ઉપર જઈએ.''

માનવામાં તો હજુ નથી આવતું, પણ એ માની ગઈ, એ સાલું માનવામાં ન આવે એવી વાત છે. આ વખતે વગર સહકારે હું કોલબેલ દબાવી શક્યો. દરવાજો ખોલવા ક્ષમા આવી, એ સારૃં થયું, નહિ તો સાંજ-સાંજમાં આપણે ક્યાં વિપુલીયાનું મોંઢું જોવું...? આખી રાત બગડે... આ તો એક વાત થાય છે. દોષ ક્ષમાનો જ કહેવાય. ગમે તેવા ગોરધન સાથે પરણાય જ કેમ ? વિપુલીયો પોતે ગમે તેવી લઈ આયો છે ? એણે પોતાનો ટેસ્ટ કેવો ઊંચો રાખ્યો...? ક્ષમામાં અક્કલ હોવી જોઇએ કે, ગમે તેવો ગોરધન ઉપાડી ન લવાય ? બિલકુલ મારી વાઇફ જેવી જ છે, સ્ટુપિડ...!

વાઈફ પાસેથી તો જે અપેક્ષા હતી, એ એણે પૂરી કરી. દરવાજો ખોલતા જ ચીકણું કૂંડુ સરકી ગયું અને ક્ષમાં જન્મી ત્યારે જે ચીસો એની માંએ પાડી હશે, એટલી વિરાટ ચીસો ક્ષમાએ પાડી. એનો અંગૂઠો ચીરાઈ ગયો હતો. લોહી દડદડદડ નીકળે જતું હતું. આપણે ય માણસ છીએ, દુઃખ તો થાય ને કે, વાઈફે કૂંડુ ક્ષમાને બદલે વિપુલીયાના પગ પર પછાડયું હોત, તો સાલો મહિનો ઘેર તો પડયો રહેત...

આ તો મહિના માટે સાલી 'ક્ષમુ' બંધ થઈ ગઈ !

સિક્સર

- આ મલ્ટિપ્લેક્સ થીયેટરોમાં કેવી ઉઘાડી લૂંટો ચાલે છે ? પોપ-કોર્નના ય ૭૫-૧૦૦ રૃપિયા ઠોકી લે છે...!

- આપનારા બેવકૂફો મળતા હોય, એમાં એમને શું વાંધો હોય ?

No comments: