Search This Blog

24/06/2012

ઍનકાઉન્ટર 24-06-2012

૧. તમારી દ્રષ્ટિએ આતંકવાદી એટલે કોણ?
- કૂતરો પણ જેનું ખાય છે, એનું બગાડતો નથી.
(ફર્નાન્ડીઝ કિર્લોસ્કર, અમદાવાદ)

૨. નાની નાની વાતમાં બા ખીજાતી હોય ને વહુની આંખો ભીંજાતી હોય તો શું કરવું?
- ગોરધને જરા મરદ બની બતાવવું.
(કે.એ. ઉપાઘ્યાય, સાવર-કુંડલા)

૩. દીકરી લક્ષ્મીનું સ્વરૂપ હોવા છતાં ઘણા પરિવારોમાં દીકરીના જન્મને વધાવી કેમ લેવાતો નથી?
- લાલચુ અને ડરપોક માં-બાપ.
(રિયા ડી. ઠક્કર, ભૂજ-કચ્છ)

૪. દારૂ પીવાથી જીંદગીના પ્રોબ્લેમ્સ સૉલ્વ થતા નથી, તો શું જ્યુસ પીવાથી થશે?
- એ તો જેણે જ્યુસ પીધો હોય એને ખબર પડે!
(જયેશ ઍવરેસ્ટ, સુરત)

૫. પહેલાના વખતના ‘માસ્તર’ અને આજના ‘સર’ વચ્ચે શું તફાવત?
- બેવકૂફી લાગતી હોય તો ય ભલે લાગે, પણ કેટલાક ટ્યુશનીયા-શિક્ષકો પોતાની જાતને ‘સર’ જ કહેવડાવે છે. એટલે સુધી કે, નામની પાછળ અટકને બદલે ‘સર’ લખાવતા થઈ ગયા છે... ‘સર’ કોને કહેવાય, એની ય ખબર છે...?
(પ્રહલાદ જે. રાવળ, રાજપિપળા)

૬. પગલે પગલે શક કરતા ગોરધનને કઈ ગુટીકા પાઈ દઉં?
- એને શક કરવાનો ચાન્સ ન મળે, એ જોવાની જવાબદારી તમારી છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

૭. મારી બુઘ્ધિનો ઉપયોગ ઑફિસમાં બહુ થતો... હવે નિવૃત્તિ પછી એ ઉપયોગ કરવા માટે શું કરવું?
- ઘરમાં છાનામાના પડ્યા રહો! હું ય એમ જ કરૂં છું.
(કિશોર ગાંધી, રાજકોટ)

૮. અન્કલજી, તમારા ચાહકોની સંખ્યા કેટલી હશે?
- વાચકો હશે... કોઈ મારા ચાહકો હોય, એવું મને તો ક્યારેય લાગ્યું નથી.
(ડિબ્બુ પટેલ, ધો. ૯, અમદાવાદ)

૯ પ્રેમની વ્યાખ્યા શું?
- તમે એના વખાણ કરે રાખો ત્યાં સુધી જ ચાલે, એ પ્રેમ.
(રસિક જે. ધામી, જેતપુર)

૧૦. દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમારમાં સર્વશ્રેષ્ઠ કલાકાર કોણ?
- એ ત્રણેના ફાધરો.
(રાહુલ ઓઝા, ભાવનગર)

૧૧. છોકરીઓ છોકરા જેવા કપડાં પહેરે છે, પણ છોકરાઓ છોકરીઓ જેવા કપડાં કેમ નથી પહેરતા?
- એકાદ વાર દરજી પાસે બ્લાઉઝ-ફ્‌લાઉઝ સિવડાવી જુઓ... જવાબ ગામ આખું દેશે.
(સદરૂદ્દીન ચારણીયા, રાજકોટ)

૧૨. પત્ની કરડતી હોય તો મચ્છર અગરબત્તી કામમાં આવે?
- પત્નીઓ ‘આપણને’ કરડે ત્યાં સુધી જ સારૂં અને સલામત છે, ભ’ઈ!
(મુસ્તુફા જે. સાબુવાલા, લુણાવાડા)

૧૩. સત્ય કડવું હોવા છતાં આગ્રહ એનો જ કેમ રખાય છે?
- મેં તો નકરા સત્યથી ભલભલાને સળગી જતા જોયા છે...!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

૧૪. અવનવી વાનગી બનાવીને જમાડવા છતાં પતિ ખુશ ન થતા હોય તો શું કરવું?
- ભોગ એમના...!
(ફાતિમા એમ.એસ., લુણાવાડા)

૧૫. પડોસીઓ બહાર જતી વખતે એમના બાળકોને સોંપવા આવે છે... એમની પત્નીને કેમ નહિ?
- એમને તમારો અંગત પરિચય હોઈ શકે!
(હિમાંક નાણાવટી, રાજકોટ)

૧૬. માનવસહજ ઈર્ષાવૃત્તિનો તમે કદી ભોગ બન્યા છો ખરા?
- મારી ઈર્ષા કરવી પડે, એવું તો કોઈ તત્ત્વ મારામાં નથી.
(કેશવ કટારીયા, રાજકોટ)

૧૭. પત્ની અને પ્રેમિકા વચ્ચે શું ફરક?
- પ્રેમિકાના બાળકો સાલા... આપણને મામા કહેતા હોય છે!
(ચિરાગ કે. પંચાલ, મધવાસ, લુણાવાડા)

૧૮. ‘ઍનકાઉન્ટર’માં સવાલો સાદા પોસ્ટકાર્ડ પર જ કેમ પૂછવાના?
- ...ને તો ય, લોકો સવાલને બદલે નિબંધ લખીને મોકલે છે ને પછી બૂમો પાડે છે કે, અમારા જવાબ જલ્દી કેમ નથી આવતા. જલ્દી જવાબ જોઇતો હોય તો પોસ્ટકાર્ડ પર નામ, સરનામું, મોબાઈલ નંબર અને સવાલ સિવાય કંઈ ન લખો.
(ૠષિ વૈષ્ણવ, જામનગર)

૧૯. વધારે સારૂં પાત્ર મળશે, એવી આશામાં જીવનભર કૂંવારા રહેનારાઓને તમારો શું સંદેશ છે?
- કોઈના સંદેશની જરૂર પડે, એવી એમને હવે જરૂરત હોતી નથી.
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

૨૦. આગામી વિધાનસભાની ચુંટણીઓમાં તમે ઉમેદવારી નોંધાવો, તો બેશક જીતી જશો.
- નહિ જીતાય. જૂનાગઢના નાગરોનો મને એક પણ વૉટ નહિ મળે.
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

૨૧. તમે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ હાસ્યલેખક હોવા છતાં, આ કૉલમનું નામ અંગ્રેજીમાં કેમ રાખ્યું છે?
- મારે બીજી એક કૉલમ શરૂ કરવી છે, ‘સ્ટેશન-સ્ટેશન’... જરા એનું ગુજરાતી કરીને મોકલાવશો?
(કરીમ વહોરા, વડોદરા)

૨૨. ‘સ્ત્રીની બુઘ્ધિ પગની પાનીમાં,’ વાત કેટલી સાચી?
- જે પુરૂષને એ પાની નીચે દબાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય, એ આવું કહે એ લાઝમી છે.
(કાસમ કક્લ, સિક્કા)

૨૩. ‘સાઘુ તો ચલતા ભલા’નો અર્થ?
- મને સમજ છે ત્યાં સુધી, એક માત્ર સ્વ. ડોંગરે મહારાજને હું સાઘુસરીખો દરજ્જો આપું, બાકી બધા તો ધરખમ પૈસા બનાવી લીધા પછી પણ ‘ચલતા’ નથી.
(અજય વ્યાસ, બિલખા)

૨૪. પુરૂષો સ્ત્રીઓના પગમાં પડે છે કે પ્રેમમાં, એ સમજાતું નથી...!
- જે સ્ત્રી આ બઘું સમજવાની માથાકૂટ ન કરતી હોય, એનું લગ્નજીવન ફૂલટાઈમ સફળ થાય.
(ૠષિતા માલવીયા, બિલખા)

૨૫. પરણેલા પુરૂષ અને કૂંવારા પુરૂષ વચ્ચે સામ્ય શું?
- બન્ને ‘પુરૂષ’ હોય છે.
(શૈલેષ ચૌહાણ, તળાજા)

૨૬. ભર વરસાદમાં એક જ છત્રી નીચે છેલ્લે કોની સાથે પલળવાનો મોકો મળ્યો હતો?
- સાચી ધારણા છે... મારી છત્રીની બહાર હું પલળતો હતો... કાયમ માટે કોરાધાકોડ રહી જવાનો મોકો એને મળ્યો હતો.
(શીતલ/મીરાં મિસ્ત્રી, ભરૂચ)

૨૭. હાસ્ય લેખક હોવાને નાતે તમારા ઘરનું વાતાવરણે ય હળવું ફૂલ્લ રહેતું હશે ને?
- એવું બધે ન હોય ! ડાકૂ-કથાના લેખકના ઘરમાં બધા કામો બંદૂકના ભડાકે ન થતા હોય !
(રમેશ સુતરીયા, મુંબઇ)

No comments: