Search This Blog

29/06/2012

ફિલ્મ : મમતા (’૬૬)

ગીતો
૧...ચાહે તો મોરા જીયા લઈ લે સાંવરીયા, ચાહે તો મોરા જીયા.....લતા મંગેશકર
૨...રહેં ન રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા......લતા મંગેશકર 
૩...રહેતે થે કભી જીનકે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ...લતા મંગેશકર 
૪... છુપા લો યૂં દિલ મેં પ્યાર મેરા કે જૈસે મંદિર મેં લૌ દિયે કી...લતા-હેમંત કુમાર 
૫...હમ ગવનવા ન જઈબે હો બિના ઝૂલની, હમ ગવનવા ન......લતા મંગેશકર 
૬...સકલ બન ગગન પવન ચલત પુરવાઈ, માંઇ રિતુ બસંત આઈ....લતા મંગેશકર 
૭...વિકલ મોરા મનવા ઉન બિન હાય, આયેના સજનવા, રૂત બિતી... લતા મંગેશકર 
૮...રહે ન રહે હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા.....સુમન કલ્યાણપુરી-રફી 
૯...ઈન બહારોં મેં એકેલે ના ફિરો, રાહ મેં કાલી ઘટા રોક ના લે.....આશા-રફી

ફિલ્મ : મમતા (૬૬) 
નિર્માતા : ચારૂ ચિત્ર 
દિગ્દર્શક : અસિત સેન 
સંગીતકાર : રોશન 
ગીતો : મજરૂહ સુલતાનપુરી 
વાર્તા : ડૉ. નિહારરંજન ગુપ્તા 
રનિંગ ટાઈમ : ૧૫૦-મિનીટ્‌સઃ ૧૭-રીલ્સ 
થીયેટર : મૉડેલ (અમદાવાદ) 
કલાકારો : અશોક કુમાર, સુચિત્રા સેન, ધર્મેન્દ્ર, બિપીન ગુપ્તા, ડૅવિડ અબ્રાહમ, અસિત સેન, પ્રતિમા દેવી, કાલીપદ ચક્રવર્તી, પહાડી સાન્યાલ, રાજલક્ષ્મી દેવી, છાયા દેવી, જહૂર રૉય, શ્યામ લાહા, કુંદન, વિનોદ શર્મા, બલદેવ મહેતા, ચમન પુરી. 

મૉડેલ ટૉકીઝ અમદાવાદના ગાંધી રોડ પર. અને મૉડેલની થોડે આગળની ખત્રી પોળમાં અમે રહીએ. સાલ ૧૯૬૬-ની. હજી સુનિલ ગાવસકરને ટેસ્ટ ક્રિકેટમાં આવવાને ત્રણ વર્ષની વાર હતી, એટલે દેશને કોઈ વઘુ સારો ક્રિકેટર મળી રહે, એ માટે અમે ખત્રી પોળમાં અગાઉથી જ ક્રિકેટ રમવા માંડેલું. એ સમયના અમારા જેવા કિશોરો માટે ફિલ્મ અને ક્રિકેટ-બે જ ઈન્દ્રીયનું જ્ઞાન, એટલે સમજો ને, હું (એટલે કે આપણો ગાવસકર) બેટિંગ કરતો હોઉં, શમ્મી કપૂર બોલિંગ નાંખતો હોય, વિકેટ-કીપિંગ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્ર દેસાઈ કરતા હોય (સ્વ. હિતુભાઈના ૩૨-લાખ ફોટામાંથી ૩૧-લાખ ફોટાઓમાં બન્ને હાથ નીચે પેટ પાસે પકડી રાખ્યા હોય... પાપી પેટને ખાતર માનવીએ શું શું નથી કરવું પડતું ? બાકીના એક લાખ ફોટામાં ફક્ત મોંઢું કે છાતી આવ્યા હોય ને...!) એટલે વિકેટ-કીપર જે બને એને અમે હિતુભાઈ કહેતા. રાજેન્દ્ર કુમારને તો કોઈએ સિગારેટ લેવા-બેવા મોકલ્યો હોય... (એનું અમારી પોળમાં કોઈ માન નહિ ! ઠીક છે કોક દિ એકાદો બેટ્‌સમેન ન આવ્યો હોય તો એને રમાડીએ.)

...ને અચાનક દોડાદોડ થઈ ગઈ, ‘‘ભાગો, પોલીસ...પોલીસ’’ એમ કહેતા બે-ચાર મવાલી જેવા માણસો એમના છેલ્લા શ્વાસો પકડવા જતા હોય, એવી સ્પીડે પોળમાં અથડાતા-ભટકતા દોડ્યા. મોડેલ ટોકીઝમાં હજી બે દિવસ પહેલા શુક્રવારે આવેલી ફિલ્મ મમતાની ટિકીટોના કાળાબજાર થતાતા ને અચાનક પોલીસે છાપો માર્યો, એમાં આ બધી હડીયાપાટું થઈ ગઈ. એમ બધા ય ભેગાભેગું દોડ્યા. એ તો ઠેઠ જેઠાભાઈની પોળમાં પહોંચ્યા ત્યારે અમારામાંથી કોક બુઘ્ધિશાળીને યાદ આવ્યું (...મતલબ...એ હું તો ન જ હોઈ શકું !) ને ઊભા રહી ગયા કે, ‘‘આપણે શું કામ દોડીએ છીએ...?...આપણે ક્યાં બ્લેક કરવા ગયાતા...?? પોલીસ આપણી પાછળ નથી, ઈ !’’ અમને ફાયદો એ થયો કે, ભાગતા કાલાબજારીયાઓએ અમારા હાથમાં મમતાની બાલ્કનીની ટિકીટો પકડાવી દીધી હતી, ‘‘જાઓ... મફતમાં જોઈ આવો... !’’ જીવનમાં પહેલીવાર કાળાબજાર અમને સત્સંગ જેવું પવિત્ર લાગ્યું. રૂ.૨.૫૦ની બાલ્કનીની ટિકીટો સાવ મફતમાં? હું, ચુસ્ત ગાંધીવાદી ઈશ્વરકાકાનો ભરત અને કલ્પેશ દલાલ બેસી ગયા મોડેલ ટોકીઝમાં ને તરત ઈન્ટરવલ પડ્યો...! ગાંધીરોડ પર મમતાનાકાળા બજાર માટે અમે મોડેલબન્યા હતા...! 

પણ એ અડઘું પિક્ચર પણ અફલાતુન લાગ્યું કે, મહિના પછી લાઈનમાં ઊભા રહીને બીજી ને છેલ્લે ત્રીજી વખત પણ જોઈ આવ્યા. 

આજે ૪૬-વર્ષ પછી અહીં લખવા માટે આ મમતુસાડા-તઈણમી વાર જોયું ને એવો જ આનંદ આવ્યો. ઈસ્ટમેન કલર એટલે કે હિંદીમાં રંગીન ફિલ્મો નિયમિત આવવાની હજી એ શરૂઆત જ હતી. ટેકનિકલર ફિલ્મો એના નિર્માતાઓને મોંઘી પડે, એટલે આપણે ત્યાં મોટા ભાગે ઈસ્ટમેન કલર ફિલ્મો જ આવતી. રાજ કપૂરે સંગમટેકનિકલરમાં ઉતાર્યું હતું. મમતાના ટાઈટલ્સ (પિટ-ક્લાસની ભાષામાં, ‘‘નંબરીયા’’!) માં મોટા અક્ષરે ઈસ્ટમેન કલરલખવામાં આવ્યું હતું... કેમ જાણે આપણને આ ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટ છે કે રંગિન, એની ખબર નહિ પડતી હોય !... વાત કરે છે તે ! 

મેં આજ સુધી જોયેલી સર્વોત્તમ ૧૦-ફિલ્મોમાં મમતાને હું ૧-થી ૧૦-માં ગમે તે નંબર આપી દઉં, તો આપણા સંબંધો બગડવા નહિ જોઈએ ! પેલું હિંદીમાં કહે છે ને, ‘‘વાકઈ...’’ એમ આ વાકઈ ઘણી સુંદર ફિલ્મ છે. હું તો હજી ફક્ત ૪૦-વર્ષોથી જ લખું છુ, એટલે મારી વાતો પર વિશ્વાસ ન બેસે, એ સમજી શકું છું પણ પહેલી વાર હાથ જોડીને વિનંતિ કરૂં છું કે, કોઈપણ ભોગે આ ફિલ્મ જોવાનું ચૂકતા નહિ. ઈવન, તમે પણ પૂરી જીંદગીમાં આવી સરસ ફિલ્મ તો દસ-બાર જ જોઈ હોય ! 

...ને સાલા બંગાળીઓ બહુ રડાવે છે. હિબકાં ભરાવી ભરાવીને રડાવે છે. મમતાઅત્યંત લાગણીશીલ ફિલ્મો બંદિની’, ‘સુજાતા’, ‘આનંદ’, ‘અનાડીકે બંગાળી લેખકો-દિગ્દર્શકોની ફિલ્મોની જેમ એક સેન્સિટીવ ફિલ્મ હતી. અફ કોર્સ, આ ફિલ્મ અને આ સમજ એવા સંસ્કારી પરિવારો પૂરતી સીમિત છે, જેમને એમના સિવાય પણ બીજા પરિવારો સંસ્કારી ગણે છે. જે ઘરમાં ઉચ્ચ કોટિનું વાંચન છે, વાતચીતની ડીસન્સી છે અને ઈવન શોલે-ફોલેકરતા ય આવી લાગણીશીલ ફિલ્મો વઘુ ગમે છે. જે ઘરમાં સ્ત્રીને પત્ની, બહેનમાં કે દીકરીનો દરજ્જો પૂરા સન્માન સાથે મળ્યો છે, એમને મમતાગમવાની. ગમે તેવી અશક્ત માં, જ્યારે વાત એની દીકરીના રક્ષણની આવે, ત્યારે ખૂંખાર વાઘણ બની જાય છે, એ મુદ્દા ઉપર ડો.નિહારરંજન ગુપ્તાએ બંગાળીમાં લખેલી ઉત્તર ફાલ્ગુનીનવલકથાને અસિત સેન જેવા મજેલા દિગ્દર્શકે એ જ નામથી બંગાળી ફિલ્મ બનાવી. રીસ્પોન્સ સારો મળ્યો એટલે હિંદીમાં મમતાનામથી બનાવી. પેલો ગોળમટોળ ડામર કોમેડિયન આસિત સેન જુદો. અલબત, એણે પણ ઘણી ફિલ્મો દિગ્દર્શિત કરી છે. યસ. આપણી વાતની મઘ્યમાં માંનો સંદર્ભ આવે છે. પેલા પરિવારોએ ૬૬-માં આ ફિલ્મ જોઈ જ હોય, છતાં જૂના સ્મરણો તાજાં કરવા વાર્તાનું જીસ્ટ કહી દઈએ. 

કરોડપતિ યુવાન બેરિસ્ટર મનિષ રોય (અશોક કુમાર) તદ્દન ગરીબ અને સંસ્કારી દેવયાની (સુચિત્રા સેન)ના પ્રેમમાં છે. બન્ને લગ્ન કરવાના છે, પણ અશોકની બેરિસ્ટરી પૂરી થાય પછી. એને માટે એને વિલાયત (લંડન) જવું પડે છે, તે દરમ્યાન દેવામાં ડૂબેલા સુચિત્રા સેનના ફાધર (ચમન પુરી)ને દીકરીની મંજૂરી લઈને એના લગ્ન એક બુઢ્ઢા અને નાલાયક શરાબી રાખાલ ભટ્ટાચાર્ય (કાલીપદ ચક્રવર્તી) સાથે કરી દેવા પડે છે. એ ઐયાશ અને જુગારી પત્નીને સેક્સ માટે વેચી દે છે, પેટ ભારે હોવા છતાં. દેવયાની જીવ બચાવવા ટ્રેનમાં ભાગે છે ને ટ્રેનમાંથી કૂદી પડતા પહેલા તવાયફોના કોઠાની મૌસી મીનાબાઈ (છાયાદેવી) એને બચાવી લે છે અને પોતાના કોઠે લઈ આવે છે. પેટમાં સંતાન હોવાથી બીજો કોઈ રસ્તો ન સૂઝતા દેવયાની તવાયફ બની જાય છે, પણ બ્લેક-મેઈલિંગ કરવા રાખાલ અહીં પણ આવી પહોંચે છે. પૈસા આપી દેવાથી એનો છુટકારો થતો ન હોવાથી દેવયાની પોતાની દીકરીને કન્વેન્ટમાં ભણવા મોકલી દે છે અને દીકરીના જીવન કે કરિયર પર પોતાનો બદનામ પડછાયો ન પડે, તે માટે દીકરીને શાબ્દિક અર્થમાં ભૂલી જવાનું સ્વીકારી લે છે. 

આ બાજુ વિલાયતથી પાછા ફરેલા મનિષને બધી જાણ થતા તે ઘૂંધવાઈ ઉઠે છે, પણ ખુલાસો થતા તે હવે પન્નાબાઈબની ચૂકેલી પ્રેમિકા દેવયાનીને અપનાવી લે છે. એની દીકરીનું રક્ષણ કરવા પોતે પણ પરણતો નથી અને પોતાના છત્ર હેઠળ દેવયાનીની દીકરી સુપર્ણાને (સુચિત્રા-ડબલ રોલમાં) મોટી કરીને બેરિસ્ટર બનાવે છે. સુપર્ણા બેરિસ્ટર ઈન્દરનીલ (ધર્મેન્દ્ર)ના પ્રેમમાં છે. અલબત્ત, મનિષ રોય સુપર્ણાને ખબર પડવા દેતા નથી કે એના મૃત્યુ પામેલ(!) માં-બાપ કોણ, બસ, ફરી જોવાના હો, તો તમારો રસભંગ ન થાય માટે અહીં વાતને છોડી દઈએ છીએ. 

ઓહ, દાદામોની અશોક કુમાર... ઓહ સુચિત્રા સેન ! બન્નેએ આ ફિલ્મમાં લાઈફટાઈમ રોલ કર્યા છે. દુઃખ થા કે, સુચિત્રા દેવ આનંદ સાથે ફિલ્મ સરહદઅને બમ્બઈ કા બાબુમાં, દિલીપ કુમાર સાથે દેવદાસઅને મુસાફિરમાં ને છેલ્લે છેલ્લે ગુલઝારની ફિલ્મ આંધીપૂરતી જ હિંદી ફિલ્મોમાં આવી. મુનમુન સેનની એ મમ્મી અને રિયા અને રાયમા સેનની નાની થાય. આશ્ચર્યજનક કહેવાય, પણ જે એવોર્ડ મેળવવા હિંદી ફિલ્મોના તમામ કલાકારો ઝૂરે છે, તે દાદાસાહેબ ફાળકે એવોર્ડસ્વીકારવાની સુચિત્રાએ ના પાડી દીધી હતી ને એ એટલા માટે કે, છેલ્લા કેટલાય વર્ષોથી તે સંપૂર્ણ એકાંત જીવન ગાળે છે. બંગાળી સુપર સ્ટાર સ્વ. ઉત્તમ કુમાર સાથે અનેક બંગાળી ફિલ્મોમાં બન્નેની જોડી આજદિન પર્યંત સર્વોત્તમ કહેવાઈ છે. તા. ૬ એપ્રિલ, ૧૯૩૧ ના રોજ જન્મેલી સુચિત્રા સેનનું સાચું નામ તો, ‘રમા દાસગુપ્તાહતું, પણ વિદ્યા બાલનનું કહાનીજોઈ લીધા પછી બેંગોલી નામોના ઉચ્ચાર માટે અમે સભાન થઈ ગયા છીએ, એટલે ખબર પડી કે, બંગાળીઓ માટે આ નામ ‘‘રોમા દાશોગુપ્તો’’ કહેવાય. દાદામોનીનો તો ફક્ત ફોટો જુઓ તો ય હમણાં કોઈ એક્ટિંગ કરી બેસશે, એવી અપેક્ષા રહે. મમતામાં એમને જોઈ લો, પછી સ્વયં તમારે પણ કબુલ કરવું પડે કે આ લેવલની એક્ટિંગ માટે તો અમિતાભ બચ્ચન કે દિલીપ કુમારોનું ય કામ નહિ. જો કે, ફિલ્મ જોતા જોતા ખૂન્નસ ચઢે..ને વિલન તો એવો જ હોવો જોઈએ ને કે, આપણે સિનેમાના પરદા પર જઈને સાલાને ઠોકી આઈએ... તો એ જ લેવલનો બંગાળી વિલન કાલીપદ ચક્રવર્તીએ ખૂબ અસરકારક કામ કર્યું છે. ધર્મેન્દ્ર તો નવોનવો હતો એટલે ત્યાં સુધીની ફિલ્મોમાં એણે સજ્જન પ્રેમી સિવાય બીજું કશું લાગવાનું નહોતું ને એ એવો લાગે છે... બાજી ફિટાઉન્સ...! ... અને કોઈ હજી પૂછતું કેમ નથી કે, ફિલ્મનું સંગીત કેવું ગુલેગુલઝાર- તુફાને હમદમ હતું ! રોશને ય શ્રેષ્ઠ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી. લતા મંગેશકરના કંઠને નીચોવી લીધો છે. પેલા ત્રણેક રાગો (બહાર, જોગીયા અને પિલુ) પર આધારિત સકલ બન ગગન પવન ચલત પુરવાઈતમે કદી ભૂલ્યા છો ? (ઢાળ કેવો મઘુરો છે, ‘‘માન ભી જાઓ ના, છોડો નરસૈંયા...’’) અને લતા સાથે હેમંત દાનું છુપા લો યૂં દિલ મેં પ્યાર મેરા, કે જૈસે મંદિર મેં લૌ દિયે કી’ (રાગઃયમન) આપણને ગાતા નથી આવડતું, પણ સાંભળતા કેવું ખૂબ આવડી ગયું છે ? ગીતકાર મજરૂહ સુલતાનપુરી માટે કોઈ ઊંચો આદર રખાય એવું બારે માસ નથી, પણ ‘‘બારસોં કે સુલગતે તનમન પર, અશ્કોં કે તો છીંટે દે ન સકે, તપતે હુએ દિલ કે ઝખ્મોં પર, બરસે ભી તો અંગારોં કી તરહ...’’ ખૂબ સંદર લખાયું હોવા છતાં આ ફિલ્મના કોઈ ખૂણે બંધ બેસતું નથી. ફિલ્મની વાર્તામાં આ મીસરાના કોઈ શબ્દો બેસતા નથી. શબ્દો મુજબ લાગે એવું કે, એને છોડીને વિલાયત જઈ આવેલા અશોક કુમાર ઉપર કટાક્ષ છે કે, ‘‘બરસે ભી તો અંગારોં કી તરહ...’’ પણ ફિલ્મમાં એવો કોઈ રેફરન્સ આવતો નથી. એવી જ રીતે, ‘આયે ના સજનવા ૠતુ બીતી જાયે...પણ શેને માટે લખાયું ને મંજૂર થયું, એ ના સમજાય, કારણ કે ૠતુ બીતી ગયા પહેલાનો એનો સજનવો અશોક કુમાર એની પાસેનો પાસે જ હતો. 

ગીતની રેકર્ડ બની નથી, પણ ફિલ્મમાં સંઘ્યા મુકર્જીનો શાસ્ત્રીય કંઠ મુજરામાં બહુ અસરકારક લાગે છે. છાયાદેવી સુચિત્રાને ગાયકી શીખવે છે, ત્યારે સંભળાય છે. મનમોહક ઠૂમરી છે. થોડી નવાઈઓ લાગવા દો, પણ ફિલ્મમાં રહે ન રહે હમ, મહેકા કરેંગેગીત લતા મંગેશકરે તો સોલો ગાયું છે, પણ એક અંતરા માટે આ જ ગીત રોશનલાલે મુહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર પાસે ય ગવડાવ્યૂં છે. એવી જ રીતે, રફી-આશાના યુગલ ગીત, ‘‘ઈન બહારોં મેં અકેલે ના ફિરો’’માં આપણે કોઈએ નહિ સાંભળેલો રફી સાહેબનો એક વધારાનો અંતરો પણ છે. આગળના અંતરાઓ કરતા રફીએ ઢાળ પણ જરા જુદો ગાયો છે, ‘‘બાત યે હૈં ક્યું કિસી કા નામ લૂં, હો ન ઐસા મૈં હી દામન થામ લૂં, જા રહી હો તુમ બડે અંદાઝ સે, મેરી ચાહત કી સદા રોક ના લે...’’ આવું અપ્રાપ્ય લાઈનવાળું ગીત બધા શોખિનો પાસે તો ન પડ્યું હોય, સિવાય કે અમેરિકામાં હિંદી ફિલ્મોના કદાચ સૌથી જાજરમાન સંગ્રાહક શ્રી.સુમન્ત વશી અને રાજકોટના રેડિયો સીલોન-પ્રેમી શ્રી.મઘુસુદન ભટ્ટના ખજાનામાંથી આવું કંઈક મળી આવે. એક નવાઈ કાયમી ઘરી કરી ગઈ છે કે, આટઆટલી ફિલ્મોમાં કામ કરવા છતાં અશોક કુમારને મોટા ભાગના દિગ્દર્શકોએ પરદા પર ગાવા જ દીધા નથી. સાલા બધા અશોકોની આ જ દુર્દશા છે...! આ તો એક વાત થાય ચે... કોઈ પંખો ચાલુ કરો ! 

અને જ્યારે ઉત્તમ જ બનવાનું હોય ત્યારે સમાધાન કોઈ કરતું નથી. નવી નવી ઈસ્ટમેન કલર ફોટોગ્રાફીમાં આંખને ઠંડક મળે, તેવા દ્રશ્યો પ્રકૃતિના પણ વિપુલ પ્રમાણમાં લેવાયા છે. કેમેરાની તમામ ફ્રેમો સરળ અને પ્રેશકને સમજાય એવી લેવાઈ છે. અન્યથા, કલા અથવા કંઈક નવું કરી બતાવવાના જૂનુનમાં સિઘ્ધહસ્ત કેમેરામેનો ફિલ્મી પાત્રોને ફ્રેમમાં એવી રીતે ગોઠવે છે, જે સમજવામાં જ નહિ, જોવામાં ય કઠિન પડે. બિમલ રોય કે ૠષિકેશ મુકર્જીની જેમ અસિત સેન પણ બંગાળી દિગ્દર્શક હતા. આ લોકોની ફિલ્મોમાં વાર્તા કહેવાની રીત, વિષય કે ફોટોગ્રાફી પણ જોવામાં સરળ હોય. વાર્તા સરળતાથી કહેવાની અણઆવડતને કારણે હમણાં આવેલી ફિલ્મ શાંગહાઇએક સારી ફિલ્મ બનતા બનતા સહેજમાં રહી ગઇ. પ્લીઝ મમતાજોશોજી. આવી સંસ્કારી ફિલ્મો વારંવાર નથી આવતી, એ તો તમે ય જાણો છો.

2 comments:

Capt. Narendra said...

તમારો આ બ્લોગ મારા સ્નેહી શ્રી ગજાનનભાઈ રાવલે મોકલ્યો અને જલસા કરાવી દીધા! વાહ, મજા આવી ગઈ. રસદર્શનના પિતા (તળ અમદાવાદીમાં કહેવાનું થાય તો રસદર્શનના બાપ) જેવો આ લેખ અનેક સ્મૃતિઓ જગાવી ગયો. દરેક પાત્રનું માર્મિક વિવરણ ઠેઠ આપણી ભાષામાં કહ્યું, પણ તેમાં તમારી વિદ્વત્તા અને કલાપારખુની સંવેદનશીલતા ડોકિયું કરે છે. વાહ અશોકભાઈ! આભાર અને અભિનંદન.

-p

Ashok Dave said...

THANKS FOR YOUR APPRECIATION.