Search This Blog

08/06/2012

બંદિની (’૬૩)

ફિલ્મઃ બંદિની (૬૩) 
નિર્માતા- દિગ્દર્શક : બિમલ રોય 
સંગીત : સચિનદેવ બર્મન 
ગીતો : શૈલેન્દ્ર અને ગુલઝાર 
થિયેટર : રીલિફ (અમદાવાદ) 
રનિંગ ટાઇમ : ૧૫૭ મિનિટ્‌સ- ૧૫ રીલ 
કલાકારો : અશોકકુમાર, નૂતન, ધર્મેન્દ્ર, રાજા પ્રાંજપે, તરૂણ બોઝ, ચંદ્રિમા ભાદુરી, મોની ચેટરજી, અસિત સેન, સત્યેન કપ્પુ, લીલા, બેલા બોઝ, હીરાલાલ, રાજ વર્મા, ભોલા, બેન્જામિન, લલિત રાય, અભિમન્યુ, શર્મા, પરેશ, રાધેશ્યામ, પરદેસી, લક્ષ્મી, સુલોચના ચેટરજી, કલ્પના, દયાવતી, કૃષ્ણ દુગ્ગલ, મેહરબાનુ અને પરવિન પોલ. 

ગીતો 
૧. મોરા ગોરા અંગ લઈ લેમોહે શામ રંગ દઈ દે – લતા મંગેશકર 
૨. ઓ પંછી પ્યારેસાંઝ સકારેબોલે તું કૌન સી બોલી – આશા ભોંસલે 
૩. અબ કે બરસ ભેજો ભૈયા કો બાબુલ સાવન મેં લિજો બુલાય – આશા ભોંસલે 
૪. ઓ જાનેવાલે હો સકે તો લોટ કે આનાયે બાટ તૂ યે ઘાટ કહીં – મૂકેશ 
૫. મત રો માતા લાલ તેરે બહુતેરેજનમભૂમિ કે કામ આયા – મન્ના ડે 
૬. ઓ રે માંઝીમોરે સાજન હૈ ઉસ પારલે ચલ પાર – સચિનદેવ બર્મન 
૭. જોગી જબ સે તુ આયા મેરે દ્વારેહો મોરે રંગ ગયે સાંઝ સકારે – લતા મંગેશકર 

વાત અભિનયની નીકળી હોય ને તમે એક જ ફિલ્મમાં નૂતન અને અશોકકુમારને સાથે જોતા હો, એવા નસીબો તો જિંદગીમાં હાર્ડલી કોઈ ૪- ૫ વાર આવે છે... અને એમાં ય એ બન્નેને લઈને બિમલ રૉયે કોઈ ફિલ્મ બનાવી હોય, ને તમે એ ફિલ્મ જોઈ હોય, તો તમારે તમારા જ ફોટાની પૂજા કરવી જોઈએ કે, તમારામાં બઘું જ સર્વોત્તમ જ જોવાની કુદરતી શક્તિ પડેલી છે. એક ગીતા બાલીને બાદ કરતાં, નૂતનથી વધારે સારી બીજી કોઈ હીરોઇન તો હજી બીજા બસ્સો વર્ષો સુધી આવવાની નથી ને ? ચેહરો તો એનો ૩૦ હજાર હાવભાવ સર્જી શકતો. એના અવાજમાં પેદા થતો ભાવ કોઈ સંગીતકારની મઘુરિમ તાન સરીખો, ઓવરઓલ પર્સનાલિટી એવી કે નૂતન આપણી બાજુના ફ્‌લેટમાં રહેતી હોત તો, કોઈ પણ બહાનું કાઢીને રોજ વિનંતી કરવા જાત કે, ‘માં, એકવાર મારા માથે હાથ મૂકો ને !’ 

એ જ ક્લાસ આપણા દાદામોનીનો ! અશોકકુમારની બરોબરીએ ઉભો રહી શકે, એવો તો પછી સમગ્ર ભારતમાં એક જ અદાકાર આવ્યો અને હજી છે, ‘અમિતાભ બચ્ચન...ને તો ય, ‘મેરે સાજન હૈ ઉસ પાર, મૈં મનમાર, તૂ ઇસ પાર, ઓમેરે માઝી હદ કી પાર, લે ચલ પાર...ગીત દરમ્યાન આવે છે, એવા ચહેરાના ભાવો દાદામોનીએ તમામ ફિલ્મોમાં ઊભા કર્યા છે, ત્યાં પછી બચ્ચન બાબુ ય કામના નહિ ! 

બિમલ રૉયે પોતે દિગ્દર્શિત કરેલી આ છેલ્લી ફિલ્મ હતી. નૂતને અગાઉ બિમલ દાની ફિલ્મ સુજાતાસફળ બનાવી હતી, છતાં આ ફિલ્મ બંદિનીમાં બિમલ દાએ વૈજયંતિમાલાને હીરોઇન તરીકે પસંદ કરી હતી, જેની પાસે અન્ય ફિલ્મો વિપુલ પ્રમાણમાં હોવાથી, ધોધમાર ઇચ્છા છતાં વૈજુને બંદિનીછોડવી પડી હતી. અહીં નૂતને જે રોલ કર્યો છે તે બરોબર છે કે વૈજુ હોત તો વધારે કે ઓછી ઠીક હોત, તે ધારણાઓનું પ્રમાણભાન તમારે સાચવવાનું છે. મારો ઓપિનિયન તમે ઘ્યાનમાં લેવાના નથી, નહિ તો નૂતન જ આ કે સુજાતામાં શોભે. બિમલ દા માટે ફેવરિટ તો વૈજુ ય એટલી જ હતી, તો જ પોતાની બે મોટી ફિલ્મો મઘુમતિને દેવદાસમાં વૈજુને લીધી હોય ને ! 

કોઈ સ્ત્રી કેટલી ઉંચાઈઓ સુધી સુંદર હોઈ શકે, એનું દ્રષ્ટાંત જોવું હોય તો બંદિનીમાં નૂતનને મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દેગાતી સાંભળો અને જુઓ. આ તે કેવી સુંદરતા, જેને જોઈને ખરાબ દ્રષ્ટિવાળા પુરુષના મનમાં ય વિકૃત નહિ પણ પવિત્ર વિચારો આવે ને બિલકુલ આપણી માં સરીખી લાગે, નૂતનમાં સાધના કે વૈજયંતિમાલા જેવું ગ્લેમર નહોતું, તેનો અર્થ એ પણ નહિ કે તેની સુંદરતામાં આઠ આની ય ઓછી હતી. તમે જ તમારા પૂરા જીવન દરમ્યાન જોયેલી હજારો સ્ત્રીઓને યાદ કરી જુઓ... સુંદર હોવા છતાં પૂજ્યભાવ જાગે, એવી કેટલી સ્ત્રીઓ જોઈ... ? જવાબ હું જ આપી દઉં. તમે આવી બે સ્ત્રીઓ જોઈ છે... એક તમારી મા અને બીજી તમારી દિકરી. આ જ ગીત મોરા ગોરા અંગ લઈ લેમાં પંડિત સામતાપ્રસાદજીએ તબલાનું બાયુ બહુ મીઠડું વગાડ્યું છે... પેલા નાચે મન મોરા મગન તિકદા ધીગીધીગીની જેમ ! આમે ય, બર્મન દાદાના ગીતોના અંતરાઓ વચ્ચે અલગ અલગ ઘૂનો હોય ઓ. પી. નૈયરમાં ક્યારેય નહિ. ઓ.પી. ઉઘાડેછોગ કહેતા, ‘એક ગીતના ત્રણ અંતરાઓમાં હું ત્રણ ત્રણ ઘૂનો વેડફી શું કામ નાખું ? મારા બીજા ત્રણ ગીતો બની જાય !’ 

ફિલ્મની પટ્ટી ઉપર બની એટલે બંદિનીને ફિલ્મ કહેવી પડે, બાકી તો એ સરીયામ કવિતા હતી. અમને લેખકોને ઇર્ષ્યા આવતી હોય તો ફક્ત કવિઓની (સારા કવિઓની !) કે જે વાત પહોંચાડવા માટે અમારે દોઢ- દોઢ પાનાના લેખો કે છસ્સો- છસ્સો પાનાની નવલકથાઓ લખવી પડે છે, એ વાત કેટલી સાહજિકતાથી આ કવિઓ માત્ર- ત્રણ ચાર પંક્તિઓમાં વ્યક્ત કરી શકે છે ? આવું વાંચીને અમે હિંદીમાં પેલું શું કહે છે... ? હા, કે હક્કાબક્કારહી જઈએ છીએ ! બિલકુલ આ જ નિરીક્ષણ બિમલ દાની અદ્‌ભુત ફિલ્મ બંદિનીમાટે કરી દીઘું છે કે, બીજા ફિલ્મ સર્જકોને પોતે શું ચીજ છે તે સાબિત કરવા વર્ષોના વરસ ફિલ્મો ઉતારતા રહેવું પડે છે... બિમલ રૉયે આપણી માત્ર ૧૫૭ મિનિટો વાપરીને સાબિત કરી દીઘું છે.. ગ્રેટ દાદા... યૂ વેર સિમ્પલી ગ્રેટ ! ફિલ્મને લગતી તમામ ગલીઓને રાજમાર્ગ બનાવવાનું નકશીકામ બારીકાઈથી થયું છે. ફિલ્મ બનાવવા માટે વાર્તા બંગાળના સર્વોત્તમ પૈકીના એક ગણાતા વાર્તાકાર જરાસંઘની લેવામાં આવી. આ જરાસંઘ વ્યવસાયે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, મજબૂરીથી માણસ અને શોખથી વાર્તાલેખક હતા. વગર ગુન્હે એમણે જીંદગી જેલમાં વિતાવીને, એનો પાછો પગાર લેતા હતા એ સઘળા અનુભવો જરાસંઘને, આ વાર્તાને વાસ્તવિક સમી બનાવવાના કામમાં આવ્યા હતા. આખી ફિલ્મ સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભે હોવાથી, એ સમયની જેલની પાર્શ્વભૂમિકા મૂકાઈ છે. સ્ક્રીન-પ્લૅ નબેન્દુ ઘોષે લખ્યો હતો. 

વાચકો બઘુ જાણે જ છે, છતાં કોકને ન ખબર હોય માટે કહી દઉં કે, વાર્તા અને સ્ક્રીન-પ્લૅ, એટલે કે પટકથા, એ બન્ને વચ્ચેનો ફરક સમજવામાં સરળ પણ લખવામાં કઠિન છે. વાર્તા તો મહાત્મા ગાંધીની આત્મકથા પણ હોઈ શકે, પણ ફિલ્મ બને ત્યારે ફ્રેમ-ટુ-ફ્રેમ વાર્તા કેટલી અને કેવી મૂકવી, એ કામ પટકથા લેખકનું છે. સંવાદ લેખક પાછા જુદા હોય. અહીં વાર્તા એવી છે કે, સમયગાળો ભારતના ૧૯૩૦ના સમાજનો લેવાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામના એ દિવસોમાં વળી પાછું હિંદીમાં શું કહે છે કે, ‘ખૂન ખૌલ ઉઠતા હૈ...એ લૅવલની દેશભક્તિ યુવાનોમાં ધગધગતી હતી. ફિલ્મનો હિરો બિકાશ (અશોકકુમાર) આવો જ એક સંગ્રામી છે, જે અનાયાસ કલ્યાણી (નૂતન)ના પ્રેમમાં પડે છે, પણ દેશના કામે ભાગી છૂટવાનું હોવાથી બન્નેનું મિલન થતું નથી. નૂતન નાનકડા ગામના એક પોસ્ટ-માસ્ટર (રાજા પ્રાંજપે)ની દીકરી છે. પ્રેમકથા ગામમાં પહોંચી ગઈ હોવાથી આવા કેસોમાં ગામલોકો જે ઑલવૅયઝ કરતા હોય છે, તે કર્યું - આ બન્નેની બદનામી, એટલે નૂતન ગામ છોડીને શહેરમાં આવતી રહે છે. કમાવવા માટે એક ગાંડી સ્ત્રીની સંભાળ રાખવાની નોકરી સ્વીકારે છે, પરંતુ જાણે-અજાણે પોતાના સર્વ દુઃખોનું મૂળ આ ગાંડી જ છે, તેવું માનવાના ગુસ્સામાં નૂતન પેલી ગાંડીનું ખૂન કરી બેસે છે, જે વાસ્તવમાં અશોકકુમારની પત્ની હોય છે. નૂતનને જેલ થાય છે અને જેલમાં ડોક્ટરની ફરજ બજાવતા દેવેન્દ્ર (ધર્મેન્દ્ર)ની નજરમાં વસી જાય છે. (ડૉક્ટરોને આવી ફરજો બજાવવા જેલમાં મોકલાય છે... ?) આનાકાની કરતા નૂતન પણ તેને દિલ લઈ બેસે છે. એમ કાંઈ ડોક્ટરની મા (સુલોચના ચેટર્જી) એક ખૂની અને તે પણ પેલું ઉર્દૂમાં શું કહે છે... યસ, ‘સઝાયાફ્‌તા ખૂનીસાથે ? બાની ય બા કેવા ખીજાય ? પણ ધર્મેન્દ્ર અને નૂતનને પરણાવવા કે નહિ, તે બિમલ રૉયે નક્કી કરવાનું છે, ધરમની માં નહિ, એટલે ફિલ્મના અંતે શેહનાઈઓ છૂટથી વગાડવામાં આવે છે, પણ તે પહેલાં હુગલી નદીના કાંઠે એક બોટમાં સવાર થતા પહેલા નૂતનને તેનો જૂનો પ્રેમી અશોકકુમાર અત્યંત બિમાર અને બિસ્માર હાલતમાં મળી જાય છે. જૂનો પ્રેમ નવો થઈને ફૂટુ-ફૂટુ કરે છે... ને એમાં અશોકકુમાર ફાવી જાય છે ને ધર્મેન્દ્ર બચી જાય છે, એટલે કે નૂતન અશોકકુમાર પાસે જતી રહે છે. 

બિમલ દાની તમામ ફિલ્મો સ્વચ્છ હોય. ફિલ્મના પાત્રોના વર્તન, સંસ્કાર, ભાષા અને ફિલ્મનો સંદેશો આપણા સારા ઘરોના પ્રેક્ષકોને પોતાના લાગે. અહીં ઘટનાઓ તરત- તરત આકાર લે છે, એટલે ફિલ્મ જોવાની ગતિને વિક્ષેપ ન પડે. ફિલ્મનું કોઈ પણ દ્રષ્ય દોઢેક મિનિટથી વધારે લંબાતુ નથી અને તે પણ વાર્તાનો ભાગ હોય. (ક્યારેક તો અહીંનો બદમાશે ય સજ્જન લાગે !) અમારી કાઠીયાવાડની ભાષામાં કહે છે ને કે, ‘એમાં આછકલાઈ નો હોય !આવા મોટા સર્જકો બીટવિન ધી લાઇન્સઘણું કહી શકતા હોય છે, જ્યાં અર્થ કે શબ્દોની જરૂર ન પડે. મહિલા-જેલમાં કેદી નૂતન અને ડોક્ટર ધર્મેન્દ્ર વચ્ચે પ્રણય-અંકુરો ફૂટી રહ્યાની ચાડી આસિસ્ટન્ટ જેલર (ઇફિ્‌તખાર), જેલ સુપ્રિન્ટૅન્ડેન્ટ (હીરાલાલ)ને આપે છે, તે પછી હીરાલાલ જેલની મુલાકાત લે છે અને નૂતનની કોટડીની બહાર (નૂતને ઉગાડેલા) ફૂલો જોઈને પૂછે છે, ‘વાહ...ક્યા ખૂબસૂરત ફુલ હૈ... ?’ એટલું પૂછીને ફૂલો પર સોટી ફટકારતા કહે છે, ‘લેકીન જેલમેં યે સબ હરગીઝ નહિ હોના ચાહિયે...’ 

બંદિનીબ્લેક-ઍન્ડ-વ્હાઇટ અને બોલવામાં જરા અઘરો પડે તેવો શબ્દ ઉત્કૃષ્ઠફોટોગ્રાફી માટે કમલ બૉઝને ફિલ્મ ફેરએવોર્ડ મળ્યો હતો. ફિલ્મનાં એક દ્રષ્ય માટે તો કૅમેરા કેવા સુંદર સ્થાને ગોઠવાયો છે. આશા ભોંસલેના હૃદયદ્રાવક ગીત, ‘અબ કે બરસ ભેજો, ભૈયા કો બાબુલના પ્રારંભે, જેલની ૨૦ ફૂટ તોતિંગ અને મજબૂત ઊંચી દિવાલની પેલે પાર શું હશે, તે વિસ્મયથી જોવા બેઠેલી નૂતન ઉપર શિયાળાની સવારનો તડકો, દિવાલ પરનો પડછાયો અને ફૅડ થતું જતું અંધારું મનોરમ્ય લાગે છે. 

બર્મન દાદાને તો મેદાન મળી ગયું છે, પણ શૈલેન્દ્રભાઈની અસલ ખૂબીઓ અહીં તમને જોવા મળે. અંબૂવા તલે ફિર સે ઝૂલે પડેંગે, રિમઝીમ પડેગી ફૂહારેં, લૌટેંગી તેરે આંગન મેં બાબુલ, સાવન કી ઠંડી બહારે, છલકે નયન મોરા કસકે રે જીયરા...આ ગીત માટે શૈલેન્દ્રભાઈના ચરણ ચુમવા પડે. બિમલ દાએ ખૂબી બતાવવાનો મોકો અહીં ઝડપી લીધો છે. ગીતના અંતરામાં શબ્દોમાં, ‘રિમઝીમ પડેગી ફુહારેઆવે છે, ત્યારે ફુહારોની સાથે અહીં જેલમાં કેદી ગાયિકા (લીલા) દળવાની ઘંટીમાં દાણા (ફૂહારોની કેવી પ્રતિકાત્મક સરખામણી !) નાંખતી દેખાય છે. વર્ષોથી પરિવારથી વિખૂટી પડેલી મહિલા કેદીઓને ઘર યાદ આવતું હોય ત્યારે ભાઈ પહેલો યાદ આવે. આ વેદનાને મૌનથી સમજાવવા બિમલ રૉયે નૂતનને પેલી ઊંચી જેલની દિવાલોની ઉપર જોતી દર્શાવાઈ છે. 

જગત જવા દો, પણ આખા ભારતની સવા સો કરોડની વસ્તીમાંથી એક પૂજનીય મન્ના-ડે દાદા સિવાય બર્મન દા અને શૈલેન્દ્રભાઈનું અણમોલ દેશભક્તિનું ગીત મત રો માતા લાલ તેરે બહુતેરેઆવા ભાવથી કોઈ ગાઈ ન શકે. બ્રિટિશ સરકાર સામે જંગે ચઢવા બદલ એક કૈદીને ફાંસી આપવા માટે લઈ જવાઈ રહ્યો છે. સુનસાન જેલની ઉંચી દિવાલોની પેલે પાર આ યુવાન કૈદીની ગરીબ વિધવા માતા અને ચાર વર્ષની બાળકી બેઠા બેઠા દીકરાની આખરી ઘડીએ પોતાની લાચારી પર રોઈ રહ્યા છે, ત્યારે દિવાલની આ બાજુ ફાંસીએ ચઢવા જઈ રહેલો દેશભક્ત યુવાન ખુમારીથી આ ગીત ગાતો જઈ રહ્યો છે, ‘મત રો માતા લાલ તેરે બહુતેરે...મને કોઈ શરમ નથી આવતી એ કબૂલ કરતા કે, ગીતમાં જનમભૂમિ કે કામ આયા મૈં બડે ભાગ હૈ મેરે...સાંભળીને હું નાના બાળકની જેમ ઘ્રૂસકે ઘ્રૂસકે રડ્યો છું. આ લેખ આગળ લખવા માટે બીજા બે દિવસ સુધી મારામાં શક્તિ નહોતી. કેવા કેવા દેશભક્તોએ આપણા માટે જીંદગીઓ કુરબાન કરી છે...! સાલી વિધિની વક્રતા તો જુઓ. એક તરફ ફાંસી અપાઈ જાય છે ને બીજી તરફ જેલના (બ્રિટિશ) નિયમ મુજબ, જેલના ધુમ્મટ પરથી, ‘સબ ઠીક હૈ...ની બાંગ સમગ્ર જેલમાં ફરી વળે છે ! 

આ ફિલ્મ બંદિનીએ ઘૂમ તો ફિલ્મફૅર એવોર્ડસમાં ય મચાવી દીધી હતી, એક સામટા છ એવોર્ડ્‌સ જીતીને ! શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ સિનેમેટ્રોગ્રાફી (કેમેરા), શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સાઉન્ડ. દાદા બર્મન બહુ નિરાશ અને ગુસ્સે થઈ ગયા હતા, આટલું સુમઘૂર સંગીત આપવા છતાં એમને એવોર્ડ ન મળ્યો. એમના ગુસ્સામાં આપણો ટેકો ગણવો, પણ એવોર્ડ મળ્યો કોને, એ જાણ્યા પછી સંતોષ પામવો કારણ કે, શ્રેષ્ઠ સંગીતકારનો એ વર્ષનો એ એવોર્ડ ફિલ્મ તાજમહલમાટે રોશનને મળ્યો હતો. દાદા બર્મન તો લાઇનમાં ય નહોતા. આ એવોર્ડની હરિફાઈમાં દિલ એક મંદિરઅને મેરે મહેબૂબમાટે શંકર- જયકિશન અને નૌશાદમીયાં હતાં. મારું તો અત્યારે ય કાંઈ ચાલતું નથી, નહિ તો બર્મન દાદાને પસંદ કર્યા હોત. આશા ભોંસલેનું અબ કે બરસ ભેજો ભૈયા કો બાબુલતો સાંભળનાર કોઈ પણ ભાઇ-બહેનને રોવડાવી દે એવું અસરકારક ગીત છે. ગુલઝારે આ ફિલ્મથી ગીતકાર તરીકે પ્રવેશ કર્યો, ‘મોરા ગોરા અંગ લઈ લેલખીને... ને ફિલ્મોમાં તદ્દન તરોતાઝા લાગે એવો કેવો સુંદર શબ્દપ્રયોગ કર્યો છે, ‘તોહે રાહુ લાગે બૈરી, મુસ્કાય જી જલાઈ કે...હિંદી ફિલ્મ ગીતોના ચાહકો એક વાતે ગુલઝારનો હરદમ આભાર માનશે, આપણને મજરૂહો કે જયપુરીઓના એકના એક ઘીસાપિટા હુસ્ન, ઇશ્ક, મુહબ્બત, દિલ, જીયા, સજદા, સનમ, મતવાલા ને દિલવાલાજેવા બોરિંગ શબ્દોને બદલે દર વખતે કંઈક નવું આપ્યું, ‘ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈજેવી ઉત્તમ રચના ગુલઝારને સૂઝી છે. એ વાત જુદી છે કે, ‘પુકારો મુઝે નામ લેકર પુકારોજેવા રસ અને અર્થ ઝરતા દસ-બાર ગીત લખ્યા પછી તદ્દન નોનસેન્સ ગીતો પણ ગુલઝાર જ વર્ષોથી લખી રહ્યા છે. મેરા કુછ સામાન, તુમ્હારે પાસ પડા હૈવાંચીને રાહુલ દેવ બર્મન ગુસ્સે થઈ ગયા હતા કે, ‘કાલ ઉઠીને તો તમે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનું હેડિંગ લખી લાવશો એટલે મારે એની ઉપર ગીત બનાવવાનું ? હજી કહું છું, હિંદી ફિલ્મોમાં સાહિર લુધિયાનવી, પંડિત ગોપાલપ્રસાદ નીરજઅને રાજીન્દર કૃષ્ણને બાદ કરતા કોઈ કરતા કોઈ ગીતકારને ઝૂકીને સલામ કરવી પડે તેમ નથી. 

No comments: