Search This Blog

20/06/2012

ચરકટનો એક્કો, દૂરી, તીરી... એટલે પાક્કી રૉન

બ્લાઇન્ડ- ફાઇન્ડ પતી ગયા પછી પત્તા જોયા. પહેલો જ ચરકટનો એક્કો. એક- બે જણાએ આપણી સામે જોઈ લીઘું... નેવર માઇન્ડ. બીજું પત્તુ ખોલ્યું, ‘‘માય ગૉડ... ચરકટની દૂરી... તાબડતોબ દુનિયાભરના ભગવાનોને કામે વળગાડી દીધા, ‘હે ગણપતિ બાપ્પા... હે મહાવીર સ્વામી, હે અંબે માતા..’ ત્રીજી તો હવે ચરકટની તીરી જ કાઢજો, બાપા... બહુ તૂટી ગયો છું... બે કલાકથી એક ગેઇમ નથી આવી...’’

‘‘આ.. આ....ને એ આઆઆ... શીટ ! ફલ્લીનો છગ્ગો... તારી જાતનો છગ્ગો મા... રોન ના નીકળી...’’

...ને પ્રાચીન કાળમાં હલદીઘાટી, પ્લાસી કે પાણીપતના યુદ્ધો જીતનારો સેનાપતિ આજે એક નાના અમથા નડિયાદના સ્ટેશન પરની મારામારીમાં હારી જાય, એમ આપણે પડી ગયા. ટેબલ પર મિનિમમ રૂા. ૪૦૦- ૫૦૦નો માલ પડ્યો છે... આ જીત તો બે મહિનાથી મારો ખાધે રાખ્યા છે, એ બધાનું સાટું વળી જાત... સાલી એક તીરી ન આઇ...! ...ને એમાં ય છેલ્લે જ્યારે શૉ થાય ત્યારે આખી દુનિયા હળગાઈ મારવાની દાઝો ચડે.. અઠ્ઠા ભારે બાજીવાળો જીતી ગયો... ભ’ઇ હિંમતના પૈસા છે !

તીનપત્તી જેવી બીજી કોઈ લઝ્‌ઝત નથી, એવું એને ધાર્મિકપણે રમનારા માને છે.. ભારત સરકાર ખેલકૂદને સારૂં પ્રોત્સાહન આપે છે. તીન પત્તી પણ ખેલકૂદ- ઓ.કે. ખેલ છે, પણ કૂદ નથી... એટલે અહીં આઘ્યાત્મિક ઢબે વિચારવું રહ્યું કે, શું તીનપત્તીને આપણા જીવન સાથે કોઈ સંબંધ ખરો ? દર ત્રીજી- ચોથી મિનિટે નવી બાજી આવે ને એક એક બાજી જોતી વખતે કોઈ મહાન સત્ય આપણી સામે આવવાનું હોય, એવો થડકારો અને થનગનાટ થાય. સાચી કભી ખુશી કભી ગમ તો આ છે, ભ’ઈ ! દીકરીનું રીઝલ્ટ આવવાનું હોય એ પહેલાની દસ- બાર ક્ષણો કેવી હલાવી નાખનારી હોય છે ? ૯૧ ટકા તો ધાર્યા જ છે... દર વખતે ૯૦-થી નીચે તો એ ગઈ જ નથી. સેકન્ડે- સેકન્ડ કોઈ મનભાવનના આવવાની પ્રતીક્ષા હોય, જીવ ઝાલ્યો ન રહેતો હોય ને ક્ષણે ક્ષણે નજર મોબાઇલ પર જતી હોય... ‘જરા સી આહટ હોતી હૈ, તો દિલ સોચતા હૈ કહીં યે વો તો નહીં...’ હડફડહડફડ કરતા ભારે પગલા ભરીને દરવાજો ખોલવા જઈએ ત્યાં સામે ‘સાબુના લાટા સામે પ્લાસ્ટિકની ડોલ ફ્રી’ વેચનારી બહેન ઉભી હોય... ચરકટની તીરીને બદલે ફુલ્લીનો છગ્ગો નીકળે ! બન્ને અવસ્થામાં સાબુનો લાટો બચકા ભરી ભરીને ચાવી જઈએ, એટલે ગુસ્સો ના ચઢે ? 

પણ તીનપત્તી રમવાની પ્રેક્ટિસો પડી હોય તો મન કોઈ ગીરિતળેટીમાં ચલમ ફૂંકતા નાગા બાવા જેવું શાંત હોય. તીરીને બદલે લાટાવાળી આવે તો ય ગુસ્સે ન થવાય. માણસ આઘ્યાત્મિક તબક્કે પહોંચી ગયો હોય કે, ‘ડોન્ટ, વરી મેન...આ નહિ તો આવતી બાજીમાં તીરી આવશે..’ ને આવેય ખરી.. લાલના પંજા અને કાળીના દસ્સા સાથે...! શું ચાટવાની ? (જવાબ: નહિ ચાટવાની: જવાબ પૂરો.) 

તીનપત્તીમાં જીવનના મહામૂલા સત્યો સમાયા છે. પત્તુ ચાલતું ન હોય ને રમનારો બરાબરનો ભરાયો હોય, ત્યારે કંટાળીને જગ્યા બદલવાની ગોઠવણ કરે છે, ‘ભ’ઈ, ચલો જગ્યા બદલો હવે...’ એમાં લોજીક- ફોજીક કાંઈ ન હોય, પણ નસીબમાં ઉલ્લુનો પઠ્ઠો હોય તો જગ્યા બદલતાની સાથે પહેલી જ બાજી ધમાકેદાર આવી જાય, એટલે જિંદગીભર જ્યાં ને ત્યાં જગ્યા બદલતો રહે. આ હાળું વાસ્તુશાસ્ત્રવાળું ડીંડક જેણે ચલાવ્યું હશે, એ તીનપત્તીનો અઠંગ જુગારી હોવો જોઈએ. જગ્યા બદલવાથી નસીબ બદલાય, એ જ્ઞાન સૌથી પહેલું તીનપત્તીવાળાએ જગતને આપ્યું, એ કામમાં આવ્યું વાસ્તુશાસ્ત્રીઓને. બંને શાસ્ત્રોમાં સાલું કોઈ લોજીક નહિ, કોઈ સાયન્સ નહિ, પણ મહીં ભરાઈ જનારાઓની બેવકૂફીઓ ઉપર બન્નેના ધંધા ચાલે છે. હમણાં ના કીઘું. જુગારી એકવાર જગ્યા બદલે ને એના સદ્‌નસીબે પહેલી જ બાજી આવી ગઈ, એટલે બીજા બેઠેલાઓ ય એવા માની જાય, કે એમાંનો ખૂબ જીતેલો એકાદો તો બેઠક પૂરી થઈ ગયા પછી ય ત્યાંથી ન ઉઠે. ‘આંયથી હવે નો ઉઠાય... આ આપણી ફેવરિટ જગીયા છે.’ 

જગ્યા બદલવાથી દર વખતે સારા જ પરિણામો આવે, એવું ઓછું છે ? મારા પ્રિય શાયર ઘૂની માંડલીયાએ એકવાર મને સલાહ આપી હતી, ‘આટલા બધા મકાનો બદલવા પડે છે, એના કરતા ભાડું સમયસર ચૂકવી દેતા હો તો ?’ (હું આ સલાહ તીનપત્તી માટે સમજ્યો હતો.) યાદ છે ને ‘ઘૂની’નો પેલો જગવિખ્યાત શૅ’ર, ‘ક્યાંય તારા નામની તખ્તી નથી, હે હવા તારી સખાવતને સલામ.’ 

જગ્યા તો જાવા દિયો, ભા’આ...ય, અસલી ખેલાડીઓ તો માણસો બદલી નાખે છે. હાર ઉપર હાર થતી જાય, એમાં હારેલો જુગારી આજુબાજુ, છત-બત, પલાંઠી ને એની બાજુમાં બેઠેલો કોઈ નિર્દોષ એને મનહૂસ લાગવા માંડે છે. અમારા ભરતીયાને એવો વહેમ ધૂસી ગયેલો કે, રમવા બેઠા પછી પોતાનો રૂમાલ બીજા કોઈના ખિસ્સામાં મુકાવી દે, પણ પેલાનું ખિસ્સું ફેઇલ ગયું, તો ધરાહાર એના ખિસ્સામાંથી મરેલો ઉંદર ખેંચી કાઢવાનો હોય એમ પોતાનો રૂમાલ કાઢી લઈ એવા જ બીજા કોઈ અભાગીયાના ખિસ્સામાં પધરાવી દે. આપણા પર્સનલ જીવન જેવું ! આપણી બદનસીબી માટે બીજાને ગુનેહગાર ઠરાવતા આપણને શરમ નથી આવતી. 

‘‘સાલું... જરાક માટે રહી ગયું...! એક પંજો આઇ ગયો હોત તો ટ્રાયો થતો’તો, બોલો... છે ને કમનસીબી ?’’ એવું કહીને પોતાની પડી ગયેલી બાજી બધાને બતાય- બતાય કરનારાઓનો તોટો નથી આ જગમાં. આવું કોકવાર કહેતો હોય તો ઠીક છે, પણ એના મનમાં ઠસી ગયું હોય છે કે, દરેકે દરેક બાજીએ એક્કાનો ટ્રાયો ચૂકી જાય છે, પાકી રૉન થતા થતા રહી જાય છે ને કલર તો આવતો જ નથી, એમાં લોહીઓ આપણા પીધે રાખે. યાદ કરો, તમારી આજુબાજુના હૈયાફૂટાઓ જગતમાં જે કાંઈ દુઃખ પડે છે, એ એના એકલાની ઉપર પડે છે ને બીજા બધા તો સુખશાંતિના ચીઝ-બટર ને મેયોનીઝવાળી લિસ્સી લિસ્સી જીંદગી જીવતા હશે ! પંખા ય આપણી પાસે ચાલુ કરાવે, નવરાઓ ! 

તમને વિશ્વાસ પડશે ? તીનપત્તી રમનારો માણસ કદી ય બેઇમાન હોઈ જ ન શકે. ધંધામાં ગ્રાહકો તો ઠીક, ભાગીદારો સાથે ય બેઇમાની કરનારો તીનપત્તીમાં ફૂલટાઇમ પ્રમાણિક બની જાય છે તેનું કારણ એ કે, એને જિંદગીભર રમવાનું હોય છે. એક જગ્યાએથી વિશ્વાસ ખોયો, એટલે આખી જિંદગીમાં એને કોઈ ન બોલાવે. આ પેલાના જેવું. આમ કોઈનું એંઠુ ક્યારેય ન પીવે પણ દારૂ પીવા બેઠા હોય, એ બધાના એંઠા પ્યાલા મસ્તીથી ને ઝીઝક વગર શેર કરતા હોય. 

બીજા શહેરોની તો ખબર નથી પણ અમદાવાદમાં તો ખાનદાન પરિવારોની સ્ત્રીઓ ય નિયમિત તીનપત્તી રમે છે અને તે પણ રૂપિયા- રૂપિયાના સ્ટેકથી જેથી ૫- ૭ કલાક રમ્યા પછી ય હારજીત તો માંડ સો-બસ્સોની થાય ને એમાં ક્યાંય જુગારનો ભાવ ન આવે. બે ઘડી ગમ્મત. આમ જોવા જઈએ તો મલ્ટીપ્લેક્સમાં ચાર જણા જોવા ગયા હોઈએ તો છસ્સો- સાતસોની ચાકી તો સીધી ટિકિટોની જ લાગી જાય છે. હોટલમાં જમવા ગયા પછી હજારથી ઓછું બિલ સાંભળ્યું નથી... ને બીજા તો કયા રાજા- મહારાજાઓના શોખ પાળી શકાય એવા આપણા શહેરો છે ? તીનપત્તી સાવ સસ્તા ભાડામાં સિઘ્ધપુરની જાત્રા કરાવે છે અને તે ય કોઈ પણ ફિલ્મ કે હોટેલ કરતા વધારે આનંદ સાથે. ને એક એક રૂપિયાના સ્ટેકથી જિંદગીભર રમો તો ય કોઈના ઘરબાર લૂંટાઈ જવાના નથી. સુઉં કિયો છો ? 

સિક્સર

‘‘મનમોહના... બડે ઝૂઠે, હાર કે હાર નહિ માને !’’

No comments: