Search This Blog

22/06/2012

‘અનપઢ’ (’૬૨)

ગીતો
૧... સિંકંદરને પોરસ સે કિ થી લડાઈ, જો કિ થી લડાઈ .......... મહેન્દ્રકપૂર
૨... આપ કી નઝરોં ને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે.......... લતા મંગેશકર
૩... હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ, વો જફા કરે, મૈં વફા કરૂં...... લતા મંગેશકર
૪... વો દેખો જલા ઘર કિસી કા, યે તૂટે હૈં કિસ કે સિતારેં....... લતા મગેશકર
૫... જીયા લે ગયોજી મોરા સાંવરીયા, લાગી મન મેં......... લતા મંગેશકર
૬... દુલ્હન મારવાડ કી આઈ છમછમ, દુલ્હો લખનૌ રો ....... આશા-રફી
૭... રંગબિરંગી રાખી લેકે આઈ બહેના, રાખી બંધવા લે........ લતા-કોરસ

*********

ફિલ્મ : ‘અનપઢ’ (’૬૨)
નિર્માતા :  રાજેન્દ્ર ભાટીયા
નિર્દેષક-લેખક :  મોહન કુમાર
સંગીત :  મદન મોહન
ગીતકાર :  રાજા મેંહદી , અલીખાન
રનિંગ ટાઈમ : ૧૬- રિલ્સ
કલાકારો : માલા સિન્હા, ધર્મેન્દ્ર, બલરાજ સાહની, શમિન્દર, બંિદુ, ઘૂમલ, નઝીર હુસેન, મોહન ચોટી, રામ મોહન, મુમતાઝ બેગમ, અમરનાથ, એસ.કે. પ્રેમ, કુસુમ ઠક્કર, રતન ગૌરાંગ, પૉલ મહેન્દ્ર, બ્રહ્મ ભારદ્વાજ, જીવનકલા, બેલા બૉઝ, રામ અવતાર, (નાનકડી) અરૂણા ઈરાની, મૂલચંદ, બૅબી ફરીદા અને શશીકલા.

ધીરૂભાઈ અંબાણીના છોકરાઓને અબજો રૂપિયાનો કારોબાર જસ્ટ બી કૉઝ... ધીરૂભાઈના પુત્રો હોવાને કારણે નથી મળ્યો. મેહનત બધા કરે છે ને નસીબ પણ રસ્તે રખડતું બાળક નથી કે, જેને જોઈએ એ તેડી લે. ભણવું તો ધીરૂભાઈના છોકરાઓને ય પડે છે ને, એમાં ય અબજોપતિ બાપના દીકરાઓએ તો ઘણું ભણવું પડે છે, જેથી બીજા ભણેલાઓ એમને ‘મામો’ બનાવી ન જાય.

શિક્ષણનું મહત્વ કેટલું છે એ સમજાવવાની તો હવે જરૂર નથી, પણ હજી હમણાં ય સમજો ને... ૩૦-૪૦ વર્ષો પહેલા જ આપણી પ્રજા સંતાનોને ફક્ત એટલા માટે ભણાવતી હતી કે, બીજા ભણાવે છે, માટે. સમાજમાં રહેવા માટે... ને ખાસ તો કન્યા સારી મળે, માટે સંતાનોને ભણાવવામાં આવતા. યાદ હોય તો આપણા વખતમાં આપણા વાલીઓના ઘ્યાનમાં ત્રણ જ ફૅકલ્ટી હતી, આટ્‌ર્સ, કૉમર્સ અને સાયન્સ. આપણે ય આ ત્રણમાંથી ગમે તે એકમાં એટલે ધુસ્યા’તા કે, બીજું કોઈ નૉલેજ હતું નહિ. એક જ ઈન્દ્રીયનું જ્ઞાન કે ગણિત-વિજ્ઞાન પાકા ન હોય તો આટ્‌ર્સ કે કૉમર્સમાં જવાનું. પણ આજે ય ગરીબીને કારણે કરોડો બાળકોને એમના માં-બાપ અક્ષરજ્ઞાન આપવાનું ય ટાળે છે- ટાળવું પડે છે ને ક્યાંક તો ધર્મની આડ લઈને સ્ત્રીઓને ભણાવવા ઉપર પ્રતિબંધ છે. તાલીબાનોએ હમણાં સ્કૂલની અનેક બાળકીઓને જસ્ટ, એટલા માટે રહેંસી નાંખી કે ધર્મમાં સ્ત્રી-શિક્ષણની મનાઈ છે.

આ ફિલ્મ ‘અનપઢ’ પણ સ્ત્રી-શિક્ષણના પ્રમોશન માટે બનાવાઈ છે.

બલરાજ સાહની એક નાનકડા ગામનો રઈસ જમીનદાર મોટા ઘરમાં એક માત્ર એની વહાલસોયી સગી બહેન માલા સિન્હા સાથે રહે છે. બહેન ઉપર અપ્રતિમ પ્રેમ અને પાસે પૈસો છે ને ધારૂં તે રઈસ ખાનદાનમાં બહેનને પરણાવી શકીશ, એ ભરમમાં બહેનને શાળામાં અક્ષરજ્ઞાન પણ એટલા માટે અપાવવા નથી દેતો કે, અભ્યાસમાં ઘ્યાન ન આપતી માલા સિન્હાને શિક્ષકે હળવો ઠપકો આપ્યો ને બહેને ઘેર આવીને માસ્તર વિરૂઘ્ધ રાવ કરી. (નાની માલા સિન્હાના પાત્રમાં નાનકડી અરૂણા ઈરાની છે) બસ. ચૌધરી સાહેબનો પિત્તો ગયો અને પૈસો જ કાફી છે ને ભણાવવાની કોઈ જરૂર નથી, એવા ગુરૂરમાં બલરાજ માલાને નિરક્ષર રાખે છે અને મસ્સમોટું દહેજ આપીને બહેનને લાલચું નઝીર હુસેન-મુમતાઝ બેગમના શિક્ષિત અને સંસ્કારી સુપુત્ર ધર્મેન્દ્ર સાથે પરણાવે છે. કમનસીબે, લગ્નની પહેલી રાત્રે જ ધર્મેન્દ્રને ખબર પડી જાય છે કે, પત્ની માલા તો તદ્દન નિરક્ષર છે- અક્ષરજ્ઞાન પણ નથી, તેથી તેને તરછોડી દે છે. એમાં ય કાંઈ જ વાંચતા આવડતું ન હોવાથી ધર્મેન્દ્રના નાના ભાઈને દવાને બદલે ઝેરની બોતલ પીવા આપે છે, જે સસુરજી જોઈ જાય છે ને ઘરમાંથી કાઢી મૂકે છે. પણ ત્યાં જ બલરાજ સાહની આવી જતા, બહેન સાથે આવા દુર્વ્યવહાર બદલ નઝીર હુસેન સાથે ઝઘડે છે. નઝીર બલરાજને અપમાનિત કરીને કાઢી મૂકે છે. એના ગયા પછી ધર્મેન્દ્ર આવી પહોંચતા પિતાના આવા ખરાબ વ્યવહાર બદલે પિતાને ખખડાવીને ગુસ્સામાં બલરાજને પાછો લઈ આવવા ગાડી ભગાવે છે, પણ રસ્તામાં અકસ્માત થતા ધર્મેન્દ્ર મૃત્યુ પામે છે. ઘરની આવી અવદશાનું કારણ ‘વહુ’ છે, એવા આક્ષેપ હેઠળ એ લોકો માલાને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકે છે. રસ્તે રઝળતી માલાને આશરો બચપણની લંગડી દોસ્ત શશીકલા આપે છે અને એના જ ઘરમાં માલા ધર્મેન્દ્રની પુત્રી (બિંદુ) ને જન્મ આપે છે. એક તબક્કે બિંદુને ય સ્કૂલમાંથી કાઢી મૂકાય છે, ત્યારે ભૂતકાળ યાદ કરીને માલા હવે એના ભાઈએ કરેલી ભૂલ દોહરાવવા નથી માંગતી અને દીકરીને સ્કૂલે પાછી મોકલે છે, જે મોટી થઈને યુનિવર્સિટી ફર્સ્ટ આવે છે. માલાના સસરાનો નાનો એક વંઠેલ પુત્ર (અમરનાથ) બિંદુને ફોસલાવીને બળાત્કાર કરવા જાય છે, ને માલા અને બલરાજ તેને બચાવી લેવા અમરનાથને મારી નાંખે છે, પણ બહેનને બચાવવા બલરાજ ગૂન્હો પોતાના માથે ઓઢી લે છે. એને પાંચ વર્ષની સજા થાય છે અને આ બાજુ સહુ સારાવાના થાય છે.

મોહનકુમારે સરસ અને સ્વચ્છ વાર્તા લખી છે- હેતુ અથવા મૅસેજ સાથેની. એ જમાનાની લગભગ બધી ફિલ્મોના જન્માક્ષરોમાં એક ગ્રહ કૉમન હતો, વાર્તામાં મૅલોડ્રામા ધુસાડવાનું. મોહનકુમારે ય બાકાત રહ્યા નથી. મૅલોડ્રામા એટલે ગમે ત્યાંથી મારીમચડીને પ્રેક્ષકોને રોવડાવવાના. પણ એ તો અહીં કેટલીક ક્ષણો પૂરતું જ છે, બાકીની આખી ફિલ્મ જોવી ગમે એવી છે. ફોટોગ્રાફી મનોહર-મનોહર થઈ હોય તો ગામડામાં બનેલી ફિલ્મના દ્રશ્યો નયનરમ્ય લાગે અને એવું અહીં બન્યું છે પણ ખરૂં. આ ફિલ્મ ‘અનપઢે’ બે વાત બહુ મુલાયમ ઢબે કરી છે, એક તો શિક્ષણના મહત્વની અને બીજી... ભાઈ-બહેનના પ્રેમની, જેમાં અતિશયોક્તિ થઈ જાય તો નુકસાન બન્ને પક્ષોને જ નહિ, અનેકોને થતું હોય છે. દિગ્દર્શક મોહન કુમાર પણ આજની એકતા કપૂરથી કમ નહોતા. ઈન ફૅક્ટ, એ અને આ જમાનાની ઘણી ફિલ્મી હસ્તિઓ શુકન-અપશુકનનો શિકાર છે. એકતા કપૂરની સીરિયલો કે રાકેશ રોશનની ફિલ્મો ફક્ત ‘ક’ થી શરૂ થાય, એમ આ મોહન કુમારે તો ઉતારેલી તમામ ફિલ્મો ‘અ’ થી શરૂ થતી. લીસ્ટ જોઈ લો. અનપઢ, આસકા પંછી, આપકી પરછાઈયાં, અમન, અંજાના, આપ આયે બહાર આઈ, અમીર-ગરીબ, આપબીતી, આતિશ, આપ તો ઐસે ન થે, રાઉન્ડર, અવતાર, અમૃત, આઝમાઈશ.

ફિલ્મ ‘અનપઢ’માં બીજાના અભિનયોની વાત આપણે પછી કરીશું.. પહેલા મને મારા ખૂબ્બ જ પ્રિય કૉમેડિયન ઘૂમલની વાત કરી લેવા દો. આ ઘૂમલ મને આજે પણ ધોધમાર હસાવે છે. હું તો એને જોતાની સાથે જ હસવાનું ચાલું કરી દઉં છું. એનું મોંઢું જોવું મારા માટે પર્યાપ્ત છે. ઘૂમલ ઍક્ટર તરીકે અન્ડર-રૅટેડ ગણાયો, નહિ તો કૉમેડી કોઈ નાની માંના ખેલ નથી. એ ઘણો સારો કૉમેડીયન. ઘૂમલ હંમેશ મેહમુદનો થઉ-થઉ થવા છતાં થવા ન માંગતો સસરો બન્યો હોય, શોભા ખોટે એની દીકરી હોય, એવી સ્થૂળ કૉમેડીઓ પણ મને તો બેશક ખૂબ હસાવે છે. આવો ઘૂમલ આ ફિલ્મમાં ચોરીછુપી મળવા આવતા પ્રેમીના રોલમાં કેવી લાગે ? અહીં એની પ્રેમિકા (કુસુમ ઠક્કર) ને છાનોમાનો મળવા તો આવે છે પણ, એની પ્રેમિકા કહે છે, બાપૂએ એના લગ્ન બીજે નક્કી કરી દીધા છે, તો આ ગુસ્સે થઈને કહે છે, ‘‘બાપૂ કૌન હોતા હૈ તુમ્હારી બાત પક્કી કરનેવાલા ? બાપ કા માલ સમઝા હૈ ક્યા ?’’ એવું કહેતો ઘૂમલ યાદ આવે છે ને, અત્યારે આ લખતા લખતા ય મારૂં હસવાનું રોકાતું નથી. કમનસીબે, ઘૂમલ વિશે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કશી પડી નથી. હું જેટલી વાર મુંબઈ જઉં, એટલી વાર એના વિશે તપાસો કરૂં, પણ કોઈને ઘૂમલ વિશે બે શબ્દની પણ જાણકારી નથી. સહુને એટલી તો મસ્ત ખબર છે કે, એ મરી ગયો...! અલબત્ત, આ ફિલ્મમાં અભિનયના બધા સુરમાઓ હતા, છતાં કોઈને કોઈ જબરદસ્ત ઍક્ટિંગ બતાવવાનો મોકો મળ્યો નથી. વાર્તા એની મેળે સરળ વહે જાય છે, એમાં મહાન કક્ષાની ઍક્ટિંગ બતાવીને છવાઈ જવાય, એવા મેદાનો માલા સિન્હા કે બલરાજ સાહનીને ય મળ્યા નથી. કદાચ ઉચ્ચ કક્ષાની ઍક્ટિંગની આ ફિલ્મમાં જરૂરે ય પડે એમ નથી.

’૬૦-ના દાયકાની શરૂઆતમાં ધર્મેન્દ્ર હજી નવો આવ્યો હતો, એટલે એને એવા કોઈ રોલ મળે નહિ. ધરમો અને મનોજ કુમાર મુંબઈ આવીને ફિલ્મોમાં કામ કરવા માટે રીતસર સ્ટુડિયો-સ્ટુડિયો ચક્કરો મારતા હતા, નિર્માતાઓને આજીજીઓ કરતા હતા અને બન્ને ફાલતુ લૉજમાં જીગરી દોસ્ત બનીને સાથે રહેતા જમતા. એક મોડો પડ્યો હોય તો બીજો જમે નહિ એવી દોસ્તી. પણ બન્નેના નસીબ ખુલ્યા ને બન્ને મોટા હીરો બની ગયા, એ દરમ્યાન શું થઈ ગયું, એ તો કોઈ જાણતું નથી પણ આજ સુધી એ બન્ને વચ્ચે જીવલેણ અબોલા રહ્યા છે. આમ તો ફિલ્મોમાં કોઈ કાયમી દુશ્મની કે દોસ્તી હોતી નથી... ધર્મેન્દ્ર અને મનોજ કુમારનો કિસ્સો એકમાત્ર અપવાદ છે.

‘અનપઢ’ની હીરોઈન માલા સિન્હા વાસ્તવમાં ય ખાસ કાંઈ ભણેલી નહોતી. જો કે, વર્ષો સુધી છુપી રહેલી એક વાત હજી હમણાં સામે આવી. માલા સિન્હા પ્રદીપ કુમારના આધળા પ્રેમમાં હતી. અલબત્ત, આ નહિ તો આ-બ્રાન્ડની કોઈ ચાલુ બાઈ માલા નહોતી. એ પ્રદીપ કુમાર પર બેતહાશા ન્યોછાવર હતી, પણ પ્રદીપ કુમાર છાપેલું કાટલું હતો. એણે જે ફૂટપાથ પર જગ્યા મળે, ત્યાં પોતાના લફરાના લારી-ગલ્લા ઊભા કરી દીધા હતા. એ વખતે મઘુબાલા સાથે પ્રદીપ કુમારનું ચક્કર પૂરજોશ ચાલતું હતું. મઘુબાલા એ વખતે ભારત ભૂષણને ય એક સરખો રમાડતી હતી. (પ્રેમનાથ અને દિલીપ કુમાર તો પછી આવ્યા... અથવા તો ... ‘યૂં કહો ના.. એ બન્નેના હાથમાં ય મઘુએ પડીકા પકડાવી દીધા હતા.)

તબક્કો એવો આવ્યો કે, ગુસ્સાથી તરબતર થયેલી માલાને ખબર પડી કે, સાંવરીયો તો મઘુના ય પ્રેમમાં છે, એટલે ઘૂઆફૂંઆ થતી માલુ પ્રદીપ કુમારના ઘરે જઈને માલાને થપ્પડ મારી આવી હતી ને એક ફિલ્મના સૅટ પર મઘુબાલા અને માલા સિન્હા બધાના દેખતા બેફામ ઝગડ્યા હતા.. માલુમાં ય બહુ લાંબી નહિ હોય ! સાલા, કોઈ નહિ ને પ્રદીપ કુમાર માટે...! કોઈ પંખો ચાલુ કરો !

માલા સિન્હા, મદન મોહન અને લતા મંગેશકર ત્રિપુટી ફિલ્મે ફિલ્મે કુદરતી રીતે જ ભેગી થઈ જતી અને કેવા મનોહર ગીતો આ ત્રણેએ આપ્યા છે ! લિસ્ટ લખવા જઈએ તો લેખ લાંબો થાય, પણ ફિલ્મ ‘અનપઢ’ના બે મશહુર ગીતો, ‘‘આપ કી નઝરોં ને સમઝા...’ અને ‘‘હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ...’’ માટે વર્ષો જૂની ચવાઈ ગયેલી હકીકત સહુ જાણે છે કે, સંગીતકાર નૌશાદે જાહેરમાં જ નહિ, ખુદ અશોક દવેને કીઘું હતું કે, ‘‘યસ. એ વાત સાચી છે કે, હું બોલ્યો હતો કે, એક તરફ મારી સમગ્ર કારકિર્દીનું સંગીત ને બીજી બાજુ મદન મોહનના આ બે ગીતો તોલવા બેસો તો મદનનું પલ્લુ ભારે થાય!’’

પણ હવે વાત ત્યાંથી આગળ વધી છે. મદન મોહનના પુત્ર સંજીવ કોહલીએ હજી હમણાંના એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો વિસ્ફોટ જુદી રીતે કર્યો છે, કે ‘‘પપ્પા અમને મહિનામાં એકાદવાર અવશ્ય નૌશાદના ઘેર લઈ જતા. બન્ને સારા મિત્રો હતા, પણ પપ્પાની હાજરીમાં કે એ જીવતા હતા ત્યારે નૌશાદે ક્યાંય પણ મદન મોહનના સંગીતનો ઉલ્લેખ માત્ર કર્યો નથી. એમના ઘેર બેઠા હોઈએ, ત્યારે પણ પપ્પાના એકે ય ગીતનો નૌશાદે ઉલ્લેખ પણ કર્યો નથી.’’

એ વાત જુદી છે કે, આ બન્ને મહાન ગીતોના પડછાયામાં આ જ ફિલ્મના અન્ય ગીતો ઓરમાયા થઈ ગયા, નહિ તો લતાના જ બે ગીતો ‘વો દેખા જલા ઘર કીસી કા...’ અને ‘જીયા લે ગયો જી મોરા સાંવરીયા’ (પરદા પર નાની બિંદુ ગાય છે.) એટલા જ કર્ણપ્રિય છે, પણ મને ખૂબમખૂબ ગમ્યું હોય તો મુહમ્મદ રફી અને આશા ભોંસલેનું ‘દુલ્હન મારવાડ કી...’ અનેક વૅરાયટીઝ સાથેનું ગીત છે. બિંદુનો પ્રેમી બનતો શમિન્દર પણ ધર્મેન્દ્ર, જૉય મુખર્જી અને મનોજ કુમારની સાથે જ હીરો બનવા આવ્યો હતો, પણ એ વખતનું ઑડિયન્સ કેટલું અક્કલવાળું હશે.. એના કરતા વિલન (અમરનાથ) વધારે સજ્જન લાગે છે. આવો કદરૂપો માણસ હીરો બનવા આવે, એ વાતે જ આપણા બધાની બાઓ કેવી ખીજાય ? થૅન્ક ગૉડ, એ સહેજ પણ ચાલ્યો નહિ. શશીકલા ફરી એક વાર આ ફિલ્મમાં પણ વૅમ્પને બદલે સારી સ્ત્રીનો રોલ કરે છે, પણ થોડા જ વર્ષોમાં આ જ શશી આપણી માલુ (માલા સિન્હા) ની પાછળ ફિલ્મ ‘ગુમરાહ’માં કેવી પડી ગઈ હતી, એ કાંઈ ભૂલાય ? અર્થ એટલો જ કે, સ્ત્રીઓનો કદી ભરોસો કરવો નહિ. 

સુખ એ વાતનું છે કે, આ ફિલ્મ ‘અનપઢ’ માતા સરસ્વતિને અર્પણ છે.

No comments: