Search This Blog

02/09/2012

ઍનકાઉન્ટર : 02-09-2012

૧. પોસ્ટખાતાની બેદરકારીને લીધે પ્રેમિકાનો પત્ર મોડો મળ્યો, સમયસર પત્ર ન મળવાથી એ બીજે પરણી ગઇ. શું હું પોસ્ટખાતા ઉપર નુકસાનીના વળતરનો દાવો કરી શકું ?
- સાલું આવું ઍક્ટિવ પોસ્ટખાતું અમારા વખતમાં ક્યાં હતું....? તમારા જેવું અમારે લોકોને થયું હોત તો આજે લાખો ગોરધનો કેટલા સુખી હોત ? તમારે તો ભારતભરના ટપાલીઓને લાઈનમાં ઊભા રાખીને ચરણસ્પર્શો કરવા જોઇએ....!
(રમેશ દેસાઇ, અમદાવાદ)

૨. ગાર્ડનમાં ફરતું યુગલ પ્રેમીઓનું છે કે અન્ય, તે શી રીતે જાણવું ?
- જાણવાની કોઇ જરૂર......???
(ગૌરી વી. કાચા, અમદાવાદ)

૩. સત્યનો જય થાય છે, એ તમારા મતે સાચું છે ?
- સત્ય બેવકૂફોનું કામ છે...ને એક બેવકૂફ એનો જવાબ આપી રહ્યો છે !
(હસમુખ બી. ઠક્કર, કરજણ)

૪. પ્રજાનો અવાજ શાસકો સુધી પહોંચાડવાનો કોઇ રસ્તો ?
- લાઉડ-સ્પીકર સારા માઈલું લાવવું.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

૫. મોંઘેરા મેહમાન અજમલ કસાબને આ સરકારે રાષ્ટ્રપતિ કેમ ન બનાવ્યો ?
- એને જેલમાં જ રખાશે. એનો જેલનો ખર્ચો રાષ્ટ્રપતિના પગાર કરતા વધારે આવે છે !
(અશ્વિન ઠક્કર, વડોદરા)

૬. જે પતિદેવ પત્નીની વાત જ સાંભળતા ન હોય, એવા પતિદેવને શું કહેવાય ?
- એ દેવ થઇ ગયા કહેવાય !
(જ્યોત્સના હિંડોચા, રાણાવડવાળા-પોરબંદર)

૭. શું દરેક ઘરમાં પત્નીનું જ ચાલતું હશે ?
- તમારી પત્નીનો જવાબ હમણાં જ આપીને માંડ કળ વળી છે....તમારે તો રોજનું થયું.... અમને જરા શ્વાસ લેવા દો !
(ગુલાબ હિંડોચા, રાણાવડવાળા-પોરબંદર)

૮. મૃત્યુ નિશ્ચિત હોવા છતાં ઘણા મિથ્યાભિમાનમાં કેમ રાચતા હશે ?
- મિથ્યાભિમાન તો રોજેરોજ રાખવા મળે.. મૃત્યુનો લાભ રોજ ના મળે કાંઇ...!
(ગિરા પટવારી, અમદાવાદ)

૯. ચાલુ વરસાદે બગીચામાં વૃક્ષોને પાણી પીવડાવવા કેવી રીતે જવાય ?
- રહેવા દો... આ બાળકોનું કામ નથી !
(ગૌતમ પાટણવાડીયા, વડોદરા)

૧૦. ટીવી સીરિયલના પ્રાયોજક તરીકે ચૂર્ણની ઍડ..?
- બેવકૂફો છે. આ સીરિયલો જોયા પછી બઘું ઑટોમૅટિક પતતું હોય છે...!
(વિદુર પંડ્યા, ગાંધીનગર)

૧૧. તમે કહી શકશો, મારા મગજની શી વિશેષતા છે ?
- નંખાવી લો.
(જયદીપસિંહ રાયજાદા, કેશોદ)

૧૨. દેશનું સુકાન શાસકોના હાથમાં નથી......આપણું ભાવિ ?
- તમે મારા ઉપર વધારે પડતી આશા રાખીને બેઠા છો.
(શુકન વહિયા, અમદાવાદ)

૧૩. જે દેખાય છે એ શહેરોનો આડેધડ વિકાસ છે કે રકાસ ?
- ‘ઝક્કાસછે, બૉસ !
(જમીલા એ. મુન્શી, કાવી)

૧૪. અમારે અંતરીક્ષ જોવું છે, તો શું કરવું ?
- બાલ્કનીમાં આવી જાઓ.
(કોમલ/હિત, બકોરી-સિદસર)

૧૫. તમારા લગ્ન તમારી મરજીથી થયા હતા કે માતા-પિતાની પસંદગીને માન આપવું પડેલું ?
- ટ્રાયલ-ઍન્ડ-ઍરર પદ્ધતિથી !
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

૧૬. કાશ્મિરની આતંકવાદી છાવણીઓ ઉપર આપણા વડાપ્રધાન સપાટો કેમ બોલાવતા નથી ?
- ગળામાંથી નાનકડો ખોંખારો નીકળતો નથી ને તમારા સપાટા કઢાવવા છે... કોઇ પંખો ચાલુ કરો !
(ધીમંત નાયક, બારડોલી)

૧૭. ક્રિકેટની જેમ ઍનકાઉન્ટરના જવાબો ઉપર સટ્ટો રમાય છે.. શું કરવું ?
- જીતતા હો, તો રમો.
(રશીદા શબ્બીર તરવાડી, ચલાલા)

૧૮. જો ખુશી સાલી મેં નહિ, વો ઘરવાલી મેં હૈ...તમે શું માનો છો ?
- આમાં મારા કરતા મારા સાઢુઓ શું માને છે, એ વધારે મહત્ત્વનું છે ?
(અનિલ દેસાઇ, નિયોલ-સુરત)

૧૯. અમારે તો મૃત્યુને પણ મહોત્સવ બનાવવો છે...!
- ઇશ્વર તમારી મનોકામના જલ્દી પૂરી કરે.
(સુરેશ એન. બાલુ, થરાદ)

૨૦. આપ પંખાનું કહો છો... લ્યો, અમે તો એ.સી. ચાલુ કરી દીઘું...હવે ?
- એસી બંધ કરીને પંખો ચાલુ કરો !
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)

૨૧. બુધવારની બપોરના મુઝકો અપને ગલે લગા લોમુજબ, અનેક પતિ-પત્ની એકબીજાને ભેટતા જ નથી... શૉકિંગ ને...?
- કેટલાક તો બહાર પતાવતા હોય ને ! બઘું સરભર થઇ જાય...!
(પરેશ પંચોલી, વલ્લભ વિદ્યાનગર)

૨૨. શું મિલન અને વિરહ, બંને એક સિક્કાની બે બાજુઓ છે ?
- તમારા અડધો અડધ સિક્કાઓ તાબડતોબ વેચી નાંખો, ઇ !
(ઝુલ્ફિકાર રામપુરવાલા, મુંબ્રા)

૨૩. દર મહિને દારૂ નિષેધ દિનઉજવવામાં આવે તો ?
- ‘થૅન્ક ગૉડકે, ‘ઍનકાઉન્ટરમાં આવું પૂછનારનું સરનામું છપાતું નથી !
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૨૪. શાહજહાને મુમતાઝ માટે તાજમહલ બનાવ્યો, તમે પત્ની માટે શું બંધાવશો ?
- રિવરફ્રન્ટ ઉપર એક બાંકડો.
(મંજુલા પરમાર, ગાંધીનગર)

૨૫. સ્ત્રીઓ માટે આપ શું કરી શકો છો ?
- એ હું કરી ચૂક્યો છું.
(શૈલા માધવ પટેલ, અમદાવાદ)

No comments: