Search This Blog

16/09/2012

ઍનકાઉન્ટર : 16-09-2012

1. મંદિરમાં ચોરી કરીને ચોરે લખ્યું, ‘નોકરી મળતા જ પૈસા પાછા આપી દઇશ.’.... સુઉં કિયો છો ?
- એ લખાણ ચોરે નહિ, પ્રભુએ લખ્યું હતું.
(રમેશ આર. સુતરીયા, મુંબઇ)

2. ૧૦૦-વર્ષની ઉંમરે પણ અવસાન થાય છતાં સંબંધીઓ આશ્વાસનમાં શું કહેતા હશે ?
- ‘ચિંતા ના કરો.... મરેલું કોઇ પાછું આવતું નથી...!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

3. રાખી સાવંતે બાબા રામદેવને કેમ પસંદ કર્યા હતા ?
- બંનેને કપડાંનો તો કોઇ ખર્ચો નહિ !
(ઇન્દ્રવદન શિવલાલ જોગી, મુંબઇ)

4. લગ્નમાં વરની સાથે બીજ વર શા માટે રાખવામાં આવે છે ?
- નૅપકીનથી વરરાજાનું નાક લૂછવાં !
(દિલીપ જે. ધંઘૂકીયા, અમદાવાદ)

5. લગ્ન માટે સ્ત્રીની ઉંમર ૧૮-ની અને પુરૂષની ૨૧-રખાઇ છે. આ વ્યવસ્થામાં બુદ્ધિની કોઈ ગણત્રી કરવામાં આવી છે ખરી ?
- પરફૅક્ટ...! જે બુદ્ધિ સ્ત્રીઓમાં ૧૮-ની ઉંમરે આવી જાય છે, એ પુરૂષને ઠેઠ એકવીસે આવે છે !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

6. મહાઆળસુ હોય, એવા બે જણા લગ્ન કરે તો અંજામ શું આવે ?
- પહેલું છોકરૂં ૮૦-ની ઉંમરે આવે !
(સુબોધ નાણાવટી, રાજકોટ)

7. કૅટ-વૉકમાં ફેશન-મૉડેલો ઊંચી એડીના ચપ્પલ કેમ પહેરે છે ?
- સાઇડમાં નીચે બેઠેલાઓને બહુ ઊંચા થવું ન પડે માટે !
(મીના નાણાવટી, રાજકોટ)

8. પ્રેમમાં એવું કયું તત્ત્વ છે, જેથી જાનવર પણ ઘાતકી બની જાય છે ?
- ઍક્ચ્યૂઅલી.... સૉરી, પણ આ મામલે મને ફકત માણસોનો અનુભવ છે !
(નીલા મૅડમ, નાપા-બોરસદ)

9. લગ્નપ્રસંગે જાનના આગમન સમયે ફટાકડા કેમ ફોડવામાં આવે છે ?
- ‘કેમ કરીને ય બીકનો માર્યો વરરાજો પાછો ભાગે છે ?’ એની ખાત્રી કરવા.
(દુષ્યંત એન. કારીયા, મોરબી)

10. દિગ્વિજયસિંહ કોંગ્રેસના મહામંત્રી છે કે મહામૂર્ખ મંત્રી ?’
- તે કોંગ્રેસમાં એમનાથી વધારે અક્કલવાળો કોઇ બીજો તમને દેખાય તો મને જણાવજો.
(ચેતન કે. વ્યાસ, રાજકોટ)

11. મુંબઇ બૉમ્બ-ધડાકામાં હિંદુ સંગઠનનો હાથ છે, એવું કહેનાર કોંગ્રેસના દિગ્વિજયસિંહ શું પાકિસ્તાનની પેદાશ છે ?
- એવું ના બોલીએ. આવું સાંભળીને એમની બા નહિ, એમના બાપા ખીજાય !
(મહેશ સુથાર, ચલાલા-અમરેલી)

12. ત્રાસવાદને ખતમ કરવા ટુંકા પગલા લેવાશે, એટલે શું ?
- તમે મનમોહનને ભાંખોડીયા ભરતા.... આઇ મીન, ચાલતા જોયા છે ને ?
(બ્રિજેશ દેલવાડીયા, રાજકોટ)

13. લક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, શુભલક્ષ્મી અને મહાલક્ષ્મી વચ્ચે શું તફાવત ?
- આ સહુની મા છે, કાળી લક્ષ્મી.
(મીરા ઉપાઘ્યાય, માલણકા-ભાવનગર)

14. ગીતામાં ભગવાન કૃષ્ણે અવતાર લેવાનું વચન આપ્યું હતું, તેનું શું થયું ?
- વચન આપ્યું ત્યારે ભગવાન કોંગ્રેસમાં હતા !
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ-બાયડ)

15. મારે સ્ત્રીઓના ગળામાંથી ચૅઇન ખેંચવાનો કૉર્સ કરવો છે... ક્યાં ચાલે છે ?
- ગાડીઓના કાચ તોડવાનો કૉર્સ કરનારને ચૅઇનવાળો કૉર્સ ફ્રીમાં મળે છે.
(ધીમંત એ. ભાવસાર, બડોલી-ઇડર)

16. ‘દારૂબંધીને બદલે દારૂ બધે થાય તો ?
- હું તો પીતો નથી, એટલે મારો ઓપિનિયન કામમાં નહિ આવે.
(વી. કુમાર નાયી, હિંમતનગર)

17. સ્ત્રી અને રાજકારણીના આંસુ વચ્ચે શું ફેર ?
- એકપણ રાજકારણીની આંખમાં આંસુવાળો એક પણ ફોટો જોયો હોય તો મોકલશો.
(કિશન ભાનુશાળી, કડી)

18. ભ્રષ્ટાચારમાં પકડાયેલ પ્રધાન બસ... રાજીનામું આપી દે, એટલે પતી ગયું...?
- એણે બનાવેલા પૈસામાં પક્ષનો ફાળો મોટો હોય છે, એટલે પતાવી દેવું પડે!
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

19. ‘પથ્થર ઉપર પાણી એટલે શું ?
- મમતા બૅનર્જી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

20. મહેશ ભટ્ટને પાકિસ્તાનથી હીરોઇનો કેમ આયાત કરવી પડે છે ?
- મહેશ ભટ્ટ પોતાને ઑફિશિયલ બાસ્ટર્ડ કહેવડાવે છે.
(અજય પરીખ, આણંદ)

21. શું આવતા જન્મે પણ તમે બ્રાહ્મણ-અવતાર ધારણ કરશો ?
- હું બ્રાહ્મણ થઇશ, ઝાડુવાળો થઇશ કે મંકોડો–વાંદરો થઇશ... પણ અવતાર ફક્ત અને ફકત ‘ભારતીય’ તરીકે લઇશ. મારો ટેસ્ટ હંમેશા ભારતીય તિરંગા જેવો ઊંચો રાખ્યો છે.
(તસ્નીમ હકીમ, ગોધરા)

22. શું તમારા ઍનકાઉન્ટર થી સમાજને કોઇ ફાયદો થાય છે ?
- આ આખી પૂર્તિ ફેંદી વળો.... આપણા આ રજવાડાં સિવાય બીજે કયાંય મસ્તીનો કૈફ ચઢે એમ છે ?
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

23. ઘરડાં ગાડાં વાળે તો જુવાનો શું વાળે ?
- મને ફક્ત જુવાનોમાં જ શ્રઘ્ધા છે.
(અજય મુંજપરા, લીંબડી)

24. શું બ્રાહ્મણની આંખોમાં ઝેર હોય છે ?
- કોક અડપલું કરવા આવે તો બ્રાહ્મણ ભગવાનને ય ડસી નાંખે... હઓ ! બાકી તો સાલા બહુ મીઠડા હોય છે અમારા બ્રાહમણો....!
(ભૂપેન્દ્ર એન. ત્રિવેદી, મહુવા)

25. આટલા બધા ઍનકાઉન્ટરો કર્યા પછી ય તમે નિરાંતે સુઇ શકો છો ?
- કમ-સે-કમ..... ચાર-પાંચ જણા તો નથી સુઇ શકતા !
(જગદિશ રાવલ, રાજુલા સિટી)

26. દાદુ, સાડા પાંચ લાખની ઘડિયાળ પહેરવા તમારે કેટલી સીક્યોરિટી રાખવી પડી છે ?
- હવે એટલી ફાલતુ કિંમતની ઘડીયાળો તો મારા સીક્યોરિટીવાળાઓ પહેરે છે !
(ઇલ્યાસ એસ. કે., ભાવનગર)

No comments: