Search This Blog

28/09/2012

સ્ક્રીન–પ્લે કોને કહેવાય?

સિનેમાનો આવો સતત બીજો લેખ જોઇને એવા ભ્રમમાં ન રહેશો કે, આપણી અસલ, ‘જૂની ફિલ્મોનારીવ્યૂઝનું કામકાજ બંધ કરી દીધું છે. ફિલ્મો વિશેની લેખમાળા ચાલુ જ રહેવાની છે, પણ વાચકોના મોટી સંખ્યામાં ફોન આવતા રહે છે કે, તમારા લેખમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દો (ઍડિટિંગ, મ્યુઝિકઆસિસ્ટન્ટ્સ, ડબિંગ, સાઉન્ડરૅકોર્ડિસ્ટ... વગેરે)ની અમને જાણકારી નથી. વાત સાચી પણ છે કે, મેં લેખમાં લખ્યું હોય કે, ફિલ્મની સ્પૅશિયલ ઈફૅક્ટ્સ ઘણી સફળ થઇ છે’, તો દેખિતું છે કે, સહુને ખબર ન હોય કે સ્પૅશિયલ એટલે વળી કઇ ઈફૅક્ટ્સ?

ટુંકમાં, માત્ર આ લેખમાળા જ નહિ, હવે પછી ફિલ્મો જોતી વખતે તમે આ બધી જટિલ વાતો ય સમજી શકો, માટે વચમાં આ બે લેખ ઉમેરવા લાઝમી લાગ્યા છે. આવતા સપ્તાહથી ફરી પાછી ફિલ્મો શરૂ થઇ જશે.

તો હજી બાકી રહી ગયેલા કેટલાક પારિભાષિક શબ્દોની ઓળખાણ કરી લઇએ.

સ્પૅશિયલ ઈફૅક્ટ્સ
સ્પૅશિયલ ઈફૅક્ટ્સશબ્દો ખાસ તો જૂની ફિલ્મોના ટાઇટલ્સમાં વધારે જોવા મળતા. ફિલ્મ હૉરર હોય, પરિકથા કે જાદુઇ વાર્તા પર આધારિત હોય ત્યારે આની જરૂર પડે છે. જાદુગરના હાથમાં બેઠી બેઠી હીરોઇન રડતી હોય એને આમ તો, ટ્રીક ફોટોગ્રાફી કહેવાય, છતાં મહદ અંશે એમાં સ્પૅશિયલ ઈફૅક્ટ્સનો કરતબ પણ ઉમેરવો પડે છે. આ ઈફૅક્ટ્સ જરૂરી નથી કે માત્ર કૅમેરાની જ હોય, સાઉન્ડની પણ હોઇ શકે. ઈંગ્લિશ ફિલ્મ મૅકેનાઝ ગોલ્ડમાં ગ્રાન્ડકેન્યનના પહાડો પર દોડતા ઘોડાના પાછલા પગની અડોઅડ કૅમેરા ગોઠવાયા હોય એવું લાગે ને ઘોડાના ડાબલાંનો અવાજ પણ એટલો નજીકનો લાગે. સ્વાભાવિક છે, કૅમેરા સાચેસાચ ઘોડાની પાછળ ગોઠવવામાં આવે તો, દ્રષ્ય અને કૅમેરા બન્નેની ધૂળધાણી થઇ જાય. આ વખતે કમાલ સ્પૅશિયલ ઈફૅક્ટ્સની જોવા મળે છે.

સૅટિંગ્સ આર્ટ ડાયરેક્ટર
મેહબૂબખાને ફિલ્મ અંદાઝમાં પહેલી વાર વિશાળ સૅટ્સ ઊભા કરીને હીરોહીરોઇનના બંગલાને ઊંચાઇ આપી, તો ફિલ્મ આવારામાં રાજ કપૂરે ખૂબ પહોળી અને જાજરમાન સીડી બનાવીને દ્રષ્યને બાદશાહી બનાવ્યું. ફિલ્મ ગાઇડના અંતિમ દ્રષ્યોનું શૂટિંગ ગુજરાતના લીમડીમાં થયું હતું, ત્યારે જે મંદિરમાં દેવ આનંદ ઉપવાસ કરે છે, એ મંદિર આજે ક્યાં ગયું? આ યે જોવા ન મળે, કારણ કે વાસ્તવમાં એવું કોઇ મંદિર હતું જ નહિ. મંદિરનો સૅટ ઉભો કરવો પડ્યો હોય, જે આપણા મકનો જેવો ઈંટપથ્થરોનો હોઇ શકે ને પ્લાસ્ટરઓફપૅરિસ કે નકરા પૂંઠાલાકડાથી બનેલો પણ હોય. ગાઇડનો સૅટ એ દ્રષ્ટિઐ તકલાદી હતો, જેથી શૂટિંગ પૂરૂં થયા પછી એને તોડી નાંખવામાં આવ્યો. સૅટિંગ્સની મોટી મિસાલ આજ દિન સુધી કે. આસીફના મુગલઆઝમથી વધુ ભવ્ય અન્ય કોઇ ફિલ્મમાં જોવા મળી નથી. ફિલ્મોમાં બગીચાનું શૂટિંગ મહદ અંશે સ્ટુડીયોમાં ઊભા કરેલા આવા સૅટ્સથી થાય છે. સ્ટુડીયો સિવાય કરેલું કોઇ પણ શૂટિંગ આઉટડોરકહેવાય છે. હીરોહીરોઇન કે ઈવન ટૅકનિકલ સ્ટાફને દર વખતે આઉટડોરમાં જવું ન પોસાય. માની લો કે, મહાબળેશ્વરના ટૅબલમાઉન્ટન્સ પર ફિલ્મના ગીતનું શૂટિંગ કર્યું હોય, એ કાંઇ એકાદ દિવસમાં ન પત્યું હોય. મૌસમરાણીનો મિજાજ પણ જોવો પડે. પહેલા દ્રષ્યમાં સૂર્યપ્રકાશ ઉજળો હોય ને બે દિવસ વાદળછાયું આકાશ રહે તો બાકીનું શૂટિંગ પૂરૂં ન થાય. સ્ટુડિયોના શૂટિંગમાં આવી ગરબડો ન થાય, એટલે મહાબળેશ્વર જેવો લાગે, એવો સેટ્સ આર્ટડાયરૅક્ટરે સ્ટુડીયોમાં ઊભો કર્યો હોય.

આર. કે. સ્ટુડિયો, કમાલ, નટરાજ કે મોટા ભાગના સ્ટુડિયોમાં, હોસ્પિટલ, જૅલનો બહારનો દરવાજો, મંદિર, ‘ગાંવ કી બસ્તી’, દુકાનો સાથેનું નાનકડું બજાર કે તળાવના પર્મૅનૅન્ટ સૅટ્સ તૈયાર હોય. ત્યાં શૂટિંગ કરનારો નિર્માતા મૂળ સૅટમાં થોડાઘણા ફેરફારો કરીને કામ ચલાવી લે. આ બધા કામ આર્ટડાયરેક્ટર કરે.

રામગોપાલ વર્માએ ફિલ્મ રંગીલામાં કાંઇક નવું કરી બતાવ્યું હતું. સ્ટુડિયોના સૅટ્સ તો ભવ્ય હતા જ, પણ આઉટડોરના પણ દરેક દ્રષ્યમાં હીરોહીરોઇનના કપડાંનું મૅચિંગ એમની પાછળ દેખાતા દ્રષ્યોના રંગોને મૅચ થાય એવું બનાવ્યું હતું.

પ્રોડક્શન મૅનેજર
ફિલ્મનું નિર્માણ અત્યંત ખર્ચાળ બિઝનૅસ છે. તમારી પાસે ૮ ૧૦ કરોડ પડ્યા હોય ને માની લો કે, બહુ બહુ તો ૧૫ ૨૦ કરોડમાં કામ પતી જશે. ચડ્ડી તો ત્યારે ફાટી જાય, જ્યારે આંકડો ૭૦ ૮૦ કરોડ ઉપર પહોંચી ચૂક્યો હોય ને ફિલ્મ હજી અડધી ય ન પતી હોય. કારણ દેખિતું છે. આખેઆખી ફિલ્મનગરી કરૂ બાજુના કાવાદાવાઓથી ધમધમતી રહી છે. વચમાં એમની કટકી મોટી હોય એટલે શરૂઆતમાં નિર્માતાને દા.ત. ફાઇટિંગના દ્રષ્યોના શૂટિંગનો ખર્ચો ૭ ૮ લાખનો બતાવ્યો હોય, જે નિર્માતાના બજેટમાં બંધબેસતો આવતો હોય.... પણ જેમ જેમ શૂટિંગ આગળ વધતું જાય, એમ એમ ‘‘સાબ... ઇસ કે બિના તો નહિ ચલેગા.... યે તો લાના હી જ પડેગા...’’ કહીને પેલાને શીશામાં ઉતારતો જાય. તમારા ઘરમાં સુથારકડીયા (કે સારી ભાષામાં ઇન્ટિરિયર ડૅકૉરેટર’!) બેસાડ્યા હોય, તો આ બધો અનુભવ થઇ ચૂક્યો હશે.... માત્ર બાથરૂમ રૅનોવૅટ કરાવવાનું મૂળ બજેટ ૨૩ હજાર.... પછી બિલ ચૂકવવાનું આવે ત્યારે આંકડો રૂ. ૧.૩૦ હજારનો આવે..... કમસેકમ, બીજા ૩૪ મહિનાઓ સુધી તમે બાથરૂમ જવાનું ભૂલી જાઓ.

ફિલ્મોમાં આવા લોચા ઓછા પડે, માટે નિર્માતાએ એક પ્રોડક્શન મૅનેજર નીમ્યો હોય, જે ફિલ્મના સતત ખર્ચાનો ફક્ત હિસાબ જ નહિ, કન્ટ્રોલ પણ રાખતો હોય. મોટા ભાગે એવા પ્રોડક્શન મૅનેજરો નિમાય છે, જેને ફિલ્મનગરીના મોટા ભાગના ખર્ચાઓની જાણ હોય અને ખાસ તો એ વિશ્વાસપાત્ર હોય.

પ્રોડક્શન મૅનેજરનું બીજું કામ શૂટિંગનું  સ્થળ પણ શોધી આવવાનું હોય છે. (નિર્માતા તગડો હોય તો આઉટડોર માટે ખાસ લૉકેશનમૅનેજર પણ રાખતો હોય છે.) જેમ કે, નદી કિનારે ગીતનું શૂટિંગ કરવાનું હોય તો આવો મૅનેજર દેશભરની અનેક નદીઓ જોઇ આવે. ચોક્કસ નદી નક્કી થઇ જાય તો ત્યાં શૂટિંગની કઇ કઇ સવલતો છે, ક્લાયમેટ કેવું રહે છે તેમ જ, શૂટિંગ જોવા આવનારાઓની ભીડ કેવી રહેવાની છે, વગેરે બાબતોનો અભ્યાસ કરીને ફોટાઓ સાથે નિર્માતાને અનેક વિકલ્પ આપે છે.

પબ્લિસિટી મૅનેજર
હાલમાં ત્રણે ય ખાન હીરોની ફિલ્મો સુપરહિટ જાય છે, એનું એક કારણ પબ્લિસિટી પણ છે. ટીવી પર સાલી નૅશનલન્યૂસ ચૅનલો ઉપર પણ સલમાન ખાન અને કૅટરિના કૈફ જોવા મળે છે ને ભરપુર પબ્લિસિટી એક થા ટાયગરની થાય છે. પબ્લિસિટીમૅનેજર અગાઉથી પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયાના સંપર્કમાં રહી (અફ કોર્સ, સંપર્ક એટલે ‘‘પૈસાબૈસા ખવડાવી’) હીરોહીરોઇનના ઇન્ટરવ્યૂઝ ફિક્સ કરાવે છે. આપણા દેશની એક પણ ન્યૂસચેનલ આ ગંદકીથી દૂર નથી. ફિલ્મી ચૅનલ હોય તો સમજ્યા કે, એમાં તો આવું જ આવે, પણ નૅશનલન્યૂસમાં સલમાન ખાન અને કૅટરિના વચ્ચે હવે સમાધાન થઇ ગયું કે નહિ, એ કયા મહત્વની વાત નૅશનલ લૅવલે હોય?

વિતરકો (ડિસ્ટ્રીબ્યુટર્સ)
ફિલ્મ આખી તૈયાર થઇ ગયા પછી, દેશભરના તમામ થીયેટરોમાં રજુ કરવાની હોય છે. થીયેટરના માલિકો સ્થાનિક હોઇ શકે. અમદાવાદમાં જ અનેક થીયેટરો એક જ માલિકના હતા. પણ કઇ ફિલ્મ કયા થીયેટરમાં રજૂ કરવી, એ નક્કી કરવાનું કામ ડિસ્ટ્રીબ્યુટરો કરતા હોય છે કારણ કે, આટલા મોટા દેશના હજારો થીયેટરોમાં ફિલ્મ રજુ કરવા માટે રાજ્યવાર ઝોન પાડી દેવામાં આવ્યા છે. જેમ કે, ગુજરાતની ટૅરેટરીમાં તમામ શહેરોના તમામ થીયેટરો કોઇ એક ડિસ્ટ્રીબ્યુટરના હાથમાં હોઇ શકે. ક્યારેક તો કઇ ફિલ્મ કેટલી ચાલશે, એનો અંદાજ ફિલ્મના હીરો કે દિગ્દર્શક કરતા ય ડિસ્ટ્રીબ્યુટરોને વધુ હોય છે. જેમ કે, રાજ કપૂર સૌથી મોટું નામ ને એમાં ય સંગમપછી એની બોલબાલા હતી, એટલે મેરા નામ જોકરબન્યું, ત્યારે એ ફિલ્મ વેચવાની અને ડિસ્ટ્રીબ્યુટરોએ એને ખરીદવાની કોઇ ચિંતા જ નહોતી, પણ ફિલ્મ સરિયામ નિષ્ફળ વઇ. રાજ કપૂરની સાથે સાથે આ વિતરકો ય બહુ ઊંડા ડૂબ્યા. આ મૂઢમાર પછી તમામ ડિસ્ટ્રીબ્યુટરો ફિલ્મને પરખતા શીખી ગયા અને નિર્માતા તો ગમે તે રકમે ફિલ્મ વેચવા માંગતો હોય, આખરી નિર્ણય વિતરકો લેવા માંડ્યા. એમની દાદાગીરી તો ૫૦ ના દાયકાની ફિલ્મોમાં એટલે સુધી હતી કે, કોઇ ફિલ્મમાં કયો હીરો કે સંગીતકાર લેવો કે ન લેવો, તેમાં ડિસ્ટ્રીબ્યુટરોની જોહૂકમી ચાલતી. મોટો દાખલો ભારત ભૂષણની ફિલ્મ બસંત બહારનો છે. ફિલ્મ શાસ્ત્રીય સંગીત પ્રધાન છે ને શંકરજયકિશને ક્યારેય આખી ફિલ્મ શાસ્ર્ત્રીય ગીતો પર બનાવી નથી. આમાં તો નૌશાદ જ જોઇએ. ડિસ્ટ્રીબ્યુટરોએ ફિલ્મ સવીકારવાની ઘસીને ના પાડી દીધી એટલે ન છૂટકે ભા.ભૂ.એ શંકર જયકિશન લેવા પડ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, એ બન્નેએ પણ એવું જ સંગીત આપ્યું, જે આજ સુધી બેમિસાલ ગણાય છે.

પ્રીવ્યૂ
ફિલ્મ પૂરી થઇ ગયા પછી સૌથી પહેલા ડિસ્ટ્રીબ્યુટરોને બતાડવી પડે છે. સ્વાભાવિક છે, દેશભરનું એકે ય થીયેટર બપોરે ૧૨ થી રાતના ૧૨ સુધી ખાલી ન હોય. સવારે ૯ કે રાત્રે ૧ વાગ્યાનો પ્રીવ્યૂ રાખો એ વિતરકોને પોસાય નહિ. ફિલ્મ જોયા વિના આ લોકો ફિલ્મ ખરીદે નહિ. પરિણામે, મુંબઇમાં જ અનેક પ્રીવ્યૂથીયેટરો ખૂલવા માંડ્યા, જેની બેઠક ક્ષમતા માંડ ૫૦ ૧૦૦ ની હોય. નિર્માતા આ લોકોને અહીં બોલાવીને, બહુ મોટી આગતાસ્વાગતાઓ’ (!) કરીને ફિલ્મ બતાવે છે. એમને જેટલો સંતોષ થાય, એટલો ભાવ નક્કી થાય. ફિલ્મ નબળી લાગી હોય તો નાંખી દેવાનો  ભાવ પણ આ લોકો કહે અને નિર્માતાને ન પોસાય તો એક તબક્કે બનાવેલી ફિલ્મ ડબ્બામાંજાય. ડિસ્ટ્રીબ્યુટરો પૂરી થઇ ચૂકેલી ફિલ્મ જોયા પછી નિર્માતાને એવો ફૉર્સ પણ કરી શકે કે, આમાં બે ગીતો કે ફાઇટિંગ ઉમેરો. ‘‘થોડા સા સૅક્સફૅક્સ ભી આના ચાહિયે..’’ વર્ના ફિલીમ નંઇ ચલેગી...’’ નિર્માતાઓએ બાપ કહીને આ લોકો કહે, એટલું ઉમેરવું પડે.

રીહર્સલ રૅકૉર્ડિંગ
આ તો હવે આપણે સીડી પર ડિજિટલ રૅકૉર્ડિંગવાળા ગીતો સાંભળતા થયા. હિંદી ફિલ્મોના પ્રારંભના તબક્કામાં ગાયક એક ગીત ગાય, એની એક જ રૅકર્ડ ઉતરે. શમશાદ બેગમે કહેલી આ વાત છે કે દસ રૅકૉર્ડ્સ બહાર પાડવી હોય તો એનું એ ગીત અમારે દસ વખત ગાવું પડતું. ભૂલ પડે તો અડધી રૅકર્ડ રદબાત્તલ! એ પછી મીણથી બનેલી રૅકૉર્ડ્સ આવી. એમાં પછી લાખ ઉમેરાયું. ૭૮ r.p.m.ની રૅકૉર્ડ્સનું ઈ.પી. અને લોંગ પ્લૅ રૅકૉર્ડ્સે લીધું. r.p.m.  એટલે  runs per minute.  એક મિનિટમાં રૅકર્ડ ગ્રામોફોન ઉપર કેટલા ચક્કર કાપે છે, એ એની સ્પીડ કહેવાય. પેલી ૭૮ ચક્કરો કાપતી હતી, એમાં આગળ પાછળ થઇને ફક્ત બે જ ગીતો આવતા. ગ્રામોફોન પર એ રૅકર્ડ ચઢાવતા પહેલા હાથમાં પકડવાના હૅન્ડલ વડે ચાવી ભરવી પડતી. એની કમાન જેમ જેમ છુટી પડતી જાય, એમ રૅકર્ડ ગોળ ગોળ ફરે, એની ઉપર પિન ઘસાય ને ધ્વનિ પેદા થાય. ઈ.પી. એટલે ઍક્સટૅન્ડેડપ્લૅઅને એલ.પી. એટલે લોંગપ્લૅ, જેમાં એક જ રૅકર્ડમાં આખી ફિલ્મના પૂરા ગીતો આવી જતા. ઇ.પી.માં ચાર ગીતો આવતા. આજની એક સીડીમાં ૪૦૦૫૦૦ ગીતો તો આવે જ, પણ ડીવીડીમાં એકસાથે ૭૦૦૦ ગીતોની રૅકર્ડ મારી પાસે છે. અવાજની ક્વૉલિટીમાં કોઇ ગરબડ નહિ.

એ જમાનામાં રૅકૉર્ડિંગ માટે અલગ સ્ટુડિયો નહોતા. એ જમાનો એટલે ઇવન લતારફીના વખતમાં ય ગીતોનું રૅકૉર્ડિંગ કરવા જ્યાં શૂટિંગ ચાલતું હોય, એ સ્ટુડિયોમાં જવું પડતું. મુગલઆઝમના ખુદા નિગેહબાન હો તુમ્હારા...ગીતમાં પડઘાની અસર ઊભી કરવા નૌશાદે લતા મંગેશકરને બાથરૂમમાં બોલાવીને રૅકૉર્ડિંગ કરાવ્યું હતું. 

એ તો આજે, લહેરથી એ બધા ગીતો સાંભળીએ છીએ, પણ ત્યારે ગીતોનું રૅકૉર્ડિંગ રાત્રે ૧૨ પછી થતું. જ્યાં સ્ટુડિયો આવેલો હોય, એ રસ્તાના બન્ને નાકાઓ ઉપર પઠાણો ઊભા રખાતા, જેથી ધમધમ કરતા આવતા વાહનોનો અવાજ રૅકૉર્ડિંગમાં શામેલ ન થઇ જાય. નાકા ઉપર પઠાણોને ઇશારો મળી જાય ને બીજો ન થાય ત્યાં સુધી આવતા જતા વાહનોને રોકી રાખતા.

બીજી મોટી મુશ્કેલી હતી ઍર કન્ડિશન તો દૂરની વાત છે. એ જમાનામાં બપોરની ગરમીમાં ધગધગતા તડકામાં ગરમ લ્હાય થઇ ગયેલા પતરાવાળા સ્ટુડિયોમાં રૅકૉર્ડિંગ શરૂ થાય, એટલે પંખા ય બંધ કરી દેવા પડતા. પસિનો પસિનો થઇ ગયેલા લતા રફી કે વાદકોની હાલત કેવી થતી હશે? ‘આવારાનું ઘર આયા મેરા પરદેસી..પૂરા ૨૪ કલાક સળંગ રૅકૉર્ડિંગ ચાલ્યું હતું. 

ફાઇનાન્સર
ફિલ્મ નિર્માતાઓ કાંઇ પોતાના ગાંઠના પૈસે બનાવતો નથી... રાધર, બનાવી શકતો નથી. આજના ધંધા મુજબ જોવા જઇએ તો એક ફિલ્મ બનાવવા મિનિમમ સોકરોડ રૂપિયા જોઇએ. આટલી રકમ નિર્માતા પાસે હોય નહિ ને હોય તો કાઢવી પોસાય પણ નહિ. ફિલ્મોની ધીરધાર કરવા અનેક શીડ્યુલ્ડબૅન્કો ઉપરાંત ધંધાદારી ફાઇનાન્સરો તગડું વ્યાજ લઇને મોટી રકમો નિર્માતાને આપે છે. મતલબ સાફ થયો કે ફિલ્મ કરોડોમાં બની હોય કે લાખોમાં, ખોટ ગઇ હોય કે નફો, ફાઇનાન્સરોને રૂપિયાનું ય નહાવા નિચોવવાનું નહિ. એમને તો કમાણી જ કમાણી અને એ ય તગડી... સિવાય કે કોઇ નિર્માતા દેવાળીયો થાય. અલબત્ત, એ દેવાળીયો થાય તો પણ ફાઇનાન્સરોએ જામીન કે ગીરવે એટલી તગડી અસ્કયામતો રાખી હોય કે, એમને કશું નુકસાન થાય નહિ. દેખિતું છે, આ ધંધામાં ગુજરાતી મારવાડી ફાયનાન્સરોની બોલબાલા રહી છે. 

No comments: