Search This Blog

19/09/2012

આજે આપઘાત કરવો છે

એણે સીધો આપઘાત કરવાનો મનસૂબો કર્યો. 

આમ તો ધાર્મિક હોવાને કારણે એ ફક્ત દૂધ-ભાત ખાઈને બુધવાર કરતો. આજે બુધવારને બદલે નકોડો આપઘાત કરવાનું વ્રત લીઘું. આ એનો પહેલો અનુભવ હતો એટલે મુંઝાતો હતો કે આપઘાત કરું તો ખરો, પણ અડધો-પડધો તો નહિ થઈ જાય ને? મરીએ નહિ ને વચમાં લટકી પડીએ તો લોચા ને? એણે ક્યાંક વાંચ્યું હતું કે, ફક્ત મક્કમ મનવાળાઓ આપઘાત કરી શકે છે. કાચા-પોચાઓનું આમાં કામ નહિ, ફાધર ૯૧ વર્ષ જીવીને કુદરતી મૃત્યુને વર્યા હતા. આ કહેતો ફરે, ‘ડોહામાં રિસ્ક લેવાની હિંમત નહોતી...! પાછળના ભાગમાં ટાઈમસર કૂતરું કઇડ્યું ના હોત તો, ડોહો હજી બીજા ૮-૯ વરસ ખેંચી નાંખે એવો હતો, પણ આપઘાત કરવાનું ગજું નહિ!

એક જમાનામાં સરખો ટાઈમ મળ્યો હોત તો, એની મધર પણ કાંકરીયે ઝંપલાવે એવી આશા બંધાઈ હતી, પણ ખૂબ આળસુ હોવાને કારણે મધર કાયમ આજનું કામ કાલ ઉપર છોડે, એમાં આ પડતું મ્હેલવાનુંબસ... રહી ગયું, એ રહી જ ગયું! ધીંગાણાની માફક આપઘાતોનું ય કાંઈ ધાર્યું ન ઉતરે. થઈ જાય તો થઈ જાય વળી...! બા બચી ગઈ, એમાં ડોહો દસ વરસ મોડો પત્યો, નહિ તો બાના ત્રાસથી ડોહો વહેલો ઉકલી જાય એવી સૉલ્લિડ ગેરન્ટી હતી. મામા કહેતા હતા કે, બા બચી ગઈ, એના આઘાતમાં ને આઘાતમાં ડોહાએ લેવા-દેવાના વિનાના ૮-૯ વર્ષ વધારાના ખેંચી નાંખ્યા. આમેય, ઘરમાં મૂકી રાખેલા ડોહા-ડોહી કોઈ કામમાં આવે એમ નહોતા. ગોડાઉનમાં પેટીનો માલ પડ્યો રહ્યો હોય ને કોઈ લેવાલ ન નીકળ્યું હોય. એટલે વેપારી માણસ તો મૂંઝાય કે નહિ? આ બે જાતે ય કંઈ સમજતા નહોતા. ધારણા બંધાવ્યા પછી કોઈ કશું ના કરે. એનો આને આઘાત મોટો લાગ્યો હતો. આજે આત્મહત્યા કરવા જવાનું આ પણ એક કારણ હતું.

આપઘાતોની દુનિયામાં શહીદ થઈ ગયેલાઓએ નવોદિતોને અનેક માર્ગો બતાવ્યા છે. કહે છે કે, બચી જાઓ તો જ પ્રોબ્લેમ છે. એ શહીદોએ એક પણ ભૂલ નહિ કરીને, નવોદિતો માટે આત્મહત્યાના ચોક્કસ સ્થળો અને સાધનોની છાપાઓ દ્વારા માહિતી પૂરી પાડીને ગેરન્ટી સાથે સફળતા સૂચવી છે. રેલ્વેના પાટા, ઘાસલેટનો ડબ્બો, પંખે દોરડું, તળાવમાં ભૂસકો કે ઝેરી દવાઓ... એ બઘું હવે જુનું થઈ ગયું.

કહે છે કે, નવી પદ્ધતિઓ મુજબ કેટલાક તો આપઘાત કરવાને બદલે બુધવારની બપોરેવાંચી લે છે, તો કેટલાક અશોક દવેના પ્રવચનો છેક સુધી સાંભળીને આત્મહત્યા કર્યાનું ગૌરવ અનુભવે છે. (બન્ને પદ્ધતિમાં છુટકારાની કોઇ ગેરન્ટી નહિ!) નેહરૂ બ્રીજ ઉપરથી રિવરફ્રન્ટમાં ખાબકવા એ રીક્ષામાં આવ્યો. આવું કાંઈ કામ હોય તો એ કદી ખર્ચા સામે ન જોતો. રીક્ષાવાળો કાંકરિયાના રૂા. ૯૦/- માંગતો હતો ને અહીં પચ્ચીસ રૂપિયામાં પતે એવું હતું, પણ કાંકરિયું જરી દૂર પડે, એ હિસાબે પહોંચવામાં અને મરવામાં મોડું થાય. ફાધર સાથે હટી ગઈ હોવાનું એક આ ય કારણ હતું. દરેક જગ્યાએ મોડા પડે. એમાં આ ૬૭ની સાલમાં જનમવાનો હતો, તે ઠેઠ ૭૪માં સીઝેરિયનથી કાઢવો પડ્યો.

વળી, એ સિદ્ધિ તો કેમ ભૂલાય કે, રિવરફ્રન્ટ બન્યા પછી, પહેલો ભૂસકો મારવાનું બહુમાન એને મળે એવું હતું! કોંગ્રેસવાળા કદાચ મરણોત્તર બહુમાનપણ કરે! નીચે ખળખળ વહેતી નદી, ઉપર ભીનું આકાશ ને પાછળ જામ થયેલો ટ્રાફિક... આમ જોવા જાઓ તો આપઘાત કરવા માટેનું સાનુકૂળ વાતાવરણ ન કહેવાય. હવે તો હોડીઓ ફરતી થઈ ગઈ છે, એટલે કોઈ બચાવી લે, તો પાછું ઉપર કોઈ આવીને નવેસરથી પડવું પડે. વરસાદ ઝરમર ઝરમર ચાલુ હોવાથી નેહરૂબ્રીજની પાળી ચીકણી થઈ ગઈ હોય. ચઢવા જઈએ તો હાથ લપસી જાય તો દાઢી છુંદાઈ જાય. પાછળ આટલો બધો ટ્રાફિક, એટલે કોકને કોક તો ઓળખિતું મળી જાય. સાથે ચા-પાણી માટે લઈ જવાય પણ સાથે આપઘાત કરવાનું તો શે કહેવાય?

એણે આખરી નિર્ણય લઈ લીધો. માંકડ મારવાની ઝેરી દવા પીને લાંબા થઈ જવું. ઘેર પાછો આવી ગયો અને ઘરમાં કોઈ નહોતું, એટલે રૂમ બંધ કરીને ખુરશીમાં બેસી ગયો. આ ઘરમાં તો સુખચૈન જ નથી રહેતા, ત્યાં માંકડ ક્યાંથી રહે? દવા નહોતી. ઉપર લટકતો પંખો જોયો, જે ચાલવા સિવાય બધા કામો કરતો હતો. એના ત્રણ પાંખીયાની લોંખડની કાતિલ ધાર જોઈને ક્ષણભર તો એ ગભરાયો. વાગશે/છોલાશે બહુ તો...? એણે પંખાના પાંખીયા ઉપર આંગળી હળવેકથી ઘસી જોઈ. ધાર વાગે એવી તો હતી. પછી એને જ યાદ આવ્યું કે, મારે તો પંખે લટકવાનું છે, ઘસાવાનું નથી એટલે ટેકનિકલી છોલાવાના સવાલ જ પેદા થતો નથી.

એને જો કે, પંખાની ક્વોલિટી માટે શ્રદ્ધા નહોતી. જે ફરવાના કામમાં નથી આવતો, એ મરવાના કામમાં ક્યાંથી આવશે? પણ અત્યારે વૈજ્ઞાનિક વિચારો કરવાનો તબક્કો નહતો. દોરડું તો ઘરમાં હાથવગું હોય નહિ એટલે પત્નીનો સાડલો ગળે બાંધવાનો હતો. (આ બતાવે છે કે, આપણા મર્યા પછી ય પત્નીઓ ગળે પડવાનું છોડતી નથી... જયહિંદ!)

મરવાની પૂરજોશ તૈયારીઓ થઈ ગઈ. પંખે બાંધેલો સાડલો ખેંચી જોયો. ગળા ઉપરની ગાંઠ બન્ને હાથે ખેંચી જોઈ. દુઃખ્યું, મતલબ શરીરમાં હજી જીવ છે. બચી જવાય તો શું કરવું, એનું ય પ્લાનિંગ અદ્‌ભુત, કે ગળે સાડલો છોલાશે તો પહેલી જરૂરત ડેટોલની પડશે. એ ય ઢાંકણું ખોલીને રેડી રાખી હતી. મરતી વખતે ભગવત-ગીતા દેખાય એ રીતે ડાયનિંગ-ટેબલ પર મૂકી દીધી હતી. કહે છે કે, સારું કામ કરતા હો, તો પ્રભુની સાક્ષીએ કરવું, એ ક્ષણ આવે, કે તરત જ સ્ટૂલને પગનો ઝાટકો મારીને ખસેડી લેવાનું, એટલે બોડી લટકી પડે. લટક્યા પછી પહેરેલો લેંઘો ઉતરી ન જાય એ માટે લેંઘાનું નાડું કચ્ચીને બાંઘ્યું હતું. પંખે લટકતો ફોટો છાપામાં આવે ત્યારે જરા સારો લાગવો જોઈએ. કહે છે કે, જે મનુષ્ય સઘળા કાર્યો પ્લાનિંગથી કરે છે, એ જીવનમાં સફળ થાય છે...! આને તો મૃત્યુમાં ય સફળ થવું હતું.

લેંઘા ઉપરથી એને યાદ આવ્યું કે, દરજી પાસેથી રૂા. ૫૦/- પૂરા લેવાના બાકી રહી ગયા છે ને મનસુખીયો એ પાછા ય આલે એવો નથી. સાલું, ઉપર જઈને એક પચ્ચા રૂપરડી માટે પાછો ધરતી પર ધક્કો ખાવો, એના કરતા પચ્ચાનું પતાવીને પંખે લટકવું સારું, એ વિચાર એને આવ્યો. પણ મનીયો હાળો રાબેતા મુજબના બીજા પાંચ ધક્કા ખવડાવે, તો આત્મહત્યા મહિનો મોડી થાય, એના કરતા મ્હેલને પચ્ચા રૂપીયાની માથાકૂટ... મરશે હાળો એના પાપે!

એણે ફરી ગળાની ગાંઠ મજબૂત કરી. સામેના ફૂલ-લેન્થ અરીસામાં એ ઊભેલો દેખાતો હતો. પોતાને એ ખૂબ સોહામણો લાગ્યો. સ્કૂલમાં એને માટે આ સોહામણોશબ્દ એના કલાસની ગીતલી બોલી હતી ને સાલી પરણી ગઈ બીજે હતી. પણ ગયા જૂનથી એ સામેના ફલેટમાં રહેવા આવી હતી. એનો ગોરધન રદ્દીનો માલ હતો. પણ પોતે ગીતલીને હજી સોહામણો લાગતો હશે, એવું એની આંખો કહેતી હતી. એકવાર છાપું માંગવા આવી ત્યારે છાપા નીચેની આંગળી અડાડી દીધી હતી. બીજી બાજુ, ઘરમાં જે નંખાવી છે, એ વાઈફ તો ઘરમાં ય ચાલે એવી નથી, તો ગીતલીને એક ચાન્સ આપવામાં વાંધો શું છે?

એણે ગળાની ગાંઠ સહેજ ઢીલી કરી. એ ના પાડે તો બેશક લટકવાનું જ છે, પણ મેં તો હજી એને પૂછ્‌યું પણ નથી. કદાચ હા પાડી ય દે. હાલમાં એક આપઘાતમાં બબ્બે વિધવાઓ ઊભી કરવાનું પાપ મોટું કહેવાશે! અલબત્ત, ગીતલીને પૂછવા જવામાં પ્રોબ્લેમ એક જ હતો... સાલી કાંદા-લસણ બહુ ચાવતી હતી, એટલે એની બાજુમાં ઊભીને વાતે ય ના કરાય, ત્યાં પપ્પીઓ કરવાનો તો સવાલ જ પેદા થતો નથી. ગીતલી કેન્સલ, સ્યુસાઈડ ચાલુ...!

આ વખતે મક્કમ બન્યો. પ્રાણ જાય પર વચન ન જાય.લટકવું તય છે. દુનિયામાં સહુએ મને દુઃખી કર્યો છે. બઘ્ધાં ચોર છે. કોઈના ઉપર વિશ્વાસ મૂકી શકાય એમ નથી. જીવીશ તો ય દુઃખી રહેવાનો છું, તો મરું કેમ નહિ! એણે આંખો બંધ કરી. હું આવું છું, પ્રભુકહીને પરમેશ્વરને પ્રાર્થના કરી.

ત્યાં બારણે કશોક ખખડાટ થયો. છોકરાઓ સ્કૂલેથી આયા લાગે છે. દુનિયા આખી જાય ભાડમાં, પણ બન્ને છોકરાઓ હસતા-રમતા અને પપ્પાને બહુ પ્રેમ કરનારા હતા. આપઘાતની આખી વિચારધારામાં છોકરાઓનું શું થશે, એ એના વિચારમાં જ નહોતું આવ્યું. પોતે આટલો મોટો ઢાંઢો થયો છતાં દુનિયાનો સામનો કરી શકતો નથી, તો આટલા નાના છોકરાઓ આ હરામજાદી દુનિયાનો મુકાબલો બાપ વગર કેવી રીતે કરી શકશે? ઓહ માય ગૉઓઓ...ડ! આપઘાત કરીને હું મરી જઈશ, તો એ બન્નેને વગર આપઘાતે રોજ મરવાનું આવશે.

આપઘાત કેન્સલ... પણ હવે લોચો મોટો વાગી ગયો હતો. છોકરાઓ બહાર ઊભા ઊભા પપ્પા... પપ્પા...કરતા હતા, પણ આ બાજુ સ્ટુલ પરથી નીચે ઉતરાય એવું નહોતું. બન્ને છોકરાઓ સારા સમાચાર લાવ્યા હતા કે, બન્નેને અમેરિકા જવાની ફ્રી-સ્કોલરશીપ મળી ગઈ છે... પૈસાનો કે એમના ભવિષ્યની હવે ચિંતા રહી નહિ. હવે એને મરવું નહોતું ને સ્ટુલ ખસેડવામાં સહેજ આધુંપાછું થઈ જાય તો, લેવા-દેવા વગરના લાંબા થઈ જઈએ ને? ‘ખોલું છું... ખોલું છું, બેટા...કહીને બે-ચાર ઘડી માટે તો છોકરાઓને શાંત રાખ્યા પણ હાળું નીચે ઉતરાતું નહોતું. જોખમ મોટું હતું. કરવું શું? પેલા બહાર બી કેટલી રાહો જોઈને ઊભા રહે? બારણા ઉપર હવે ધમાધમ શરૂ થઈ ગઈ હતી. બેમાંથી એક છોકરાને સખ્ખતની એકી લાગી હતી ને એ વાત એ બૂમો પાડી પાડીને કહેતો હતો.

આ બાજુ, આને તો લિટરલી સરકસના દાવો શરૂ થઈ ગયા નીચે ઉતરવા માટેના. ફાવે નહિ કે બીજો પગ ક્યાં મૂકવો? સહેજ હલે તો સ્ટૂલ ખસી જાય ને નીચે ભમ્મ થઈ જવાય, એટલે રિસ્ક લેવાય એવું નહોતું. આટલી વાર, આટલી ધમાધમ અને આ બાજુ બારણું બંધ એટલે પડોસીઓ ય દોડી આવ્યા ને બારણે બૂમો અને ધક્કા ભેગાં કરીને મારવા માંડ્યા. આ ગભરાઈ ગયો હતો. છોકરાઓની બૂમોનો જવાબ આપવા જાય તો બેલેન્સ જતું રહે. એના ગભરાવાને કારણે એ પોતે, નીચું સ્ટૂલ, એની નીચેનું ટેબલ... બઘુ પ્રમાણભાન વગર હલવા માંડ્યુ હતું.

અચાનક બઘું હલતું બંધ થઈ ગયું... બેલેન્સ ન જળવાયું અને એ સાચો લટકી ગયો.

બસ. એક મોટો સન્નાટો.

માણસને જ્યારે મરવું હોય છે, ત્યારે કોઈ જીવવા દેતું નથી ને જીવવું હોય તો પૂછે છે, હજી આ મર્યો કે નહિ?

મરે આપણા દુશ્મન...! આપણે આત્મહત્યા શું કામ કરવાની? કરે આપણા મરવાની રાહ જોનારાઓ!

સિક્સર 
આજ સુધી એક માત્ર ભાજપ એવો પક્ષ છે, જે દેશને સૌથી વઘુ ભાવિ વડાપ્રધાનો આપે રાખે છે...! 

No comments: