Search This Blog

30/09/2012

ઍનકાઉન્ટર : 30-09-2012

૧. તમે કયો ધર્મ પાળો છો? બ્રાહ્મણ નૉર્મલી શિવને માનતા હોય છે.
- જન્મ પૂરતો હું શિવપંથી છું. બાકી મને અભિમાન કેવળ ભારતીય હોવાનું છે.
(અરવિંદ આર. પટેલ, જામનગર)

૨. દુનિયાની સૌથી સસ્તી કાર અને સૌથી મોંધું પેટ્રોલ ભારતમાં વેચાય છે...!
- અભિમાન લો કે, સૌથી સસ્તા ટ્રાફિક પોલીસો ય ભારતમાં થાય છે... એક દસની નૉટમાં માની જાય છે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૩. આપના પ્રધાનમંત્રીને સચ કા સામનાજેવા શોમાં બેસાડવામાં આવે તો કેટલું સાચું બોલે?
- એ કોઇ મૂક-બધિરશો નથી!
(તરૂણા બી. ઘેલાણી, ભાવનગર)

૪. તમારા પત્ની તમારું કાંઈ સાંભળતા લાગતા નથી, તે વારંવાર પંખો ચાલુ કરવાનુંઅમને કહો છો!
- પંખો ચાલુ કરવાનોઆદેશ મને પત્ની આપતી હોય છે... હું એને નહિ!
(જયંત હાથી, મુંબઈ)

૫. તમે સવાલ પૂછનારાના નામ, સરનામા અને મોબાઈલ નંબર મંગાવો છો, તે શું બધા સાચા આપે છે, એવું માનો છો?
- બહુ ઓછા ભાગ્યવાન હોય છે, જેમના નામ અહીં પ્રસિઘ્ધ થાય છે. ૭૫-લાખ વાચકો સુધી પોતાનું નામ જાણિતું થવું, એ ઓછા ગૌરવની વાત નથી.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

૬. અદાલતોનું પ્રતિક સત્યમેવ જયતેકેટલું યથાર્થ?
- ત્યાં ગીતા પર હાથ મૂકીને શપથ લેવડાવાય કે, ‘‘હું જે કંઈ કહીશ, તે ‘‘ખોટું’’ જ કહીશ અને ખોટા સિવાય કાંઈ નહિ કહું,’ તો સત્યનો જય થાય!
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

૭. પ્રેમના નામે દગો થાય તો વાંક કોનો?
- પ્રેમોમાં પ્રેમ થયો છે કે નહિ, એ જોનારા બેવકૂફ હોય છે... ને દગો થાય છે કે નહિ, એ જોનારા તો મહાબેવકૂફ હોય છે. અહીં મોટા મનો રાખીને, તમારી જગ્યાએ આવનારા બીજા માટે જગ્યા કરી આપવી પડે!
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

૮. કોઈ લેખક તમારા લેખની સીધી ઉઠાંતરી કરે, તો કેવું ફીલ કરો છો?
- એનું ધોરણ નીચું ગયું... ને મારું હવે એ આંબી શકે એમ નથી.
(રક્ષા સુરેશ ગાંધી, સુરત)

૯. મોડું લગ્નજીવન શરૂ કરનારાએ ગુમાવેલ આનંદની પળો કેવી રીતે સરભર કરવી?
- ઑવરટાઈમ.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૧૦. શું સ્ત્રી એ ઈશ્વરની છેલ્લી શોધ છે?
- ઈશ્વરને આ રીતે રન-ડાઉન કરવાનો તમને કોઈ હક્ક નથી.
(બબુ એન. દફ્‌તરી, રાજકોટ)

૧૧. ઍનકાઉન્ટરસિવાય પોસ્ટ-કાર્ડ્‌સનો બીજે ક્યાંય ઉપયોગ થતો દેખાતો નથી...!
- મને તો મની-ઑર્ડરનો ય દેખાતો નથી!
(પ્રતાપ બી. ઠાકોર, ખરેંટી)

૧૨. આપને સુખની સર્વોત્તમ અનુભૂતિ જીવનની કઈ ક્ષણે થઈ હતી?
- જ્યારે ક્રિકેટમાં ભારત બીજી વખત પણ વર્લ્ડ-ચૅમ્પિયન બન્યું.
(મીના એમ. વસ્તાણી, રાજકોટ)

૧૩. હમ તુમ સે જુદા હો કે, મર જાયેંગે રો રો કે...શું તમે આવો અનુભવ કર્યો છે?
- માઉન્ટ આબુમાં હનીમૂન વખતે નખી લૅકમાં બોટિંગ કરતા હોટેલના રૂમની ચાવી તળાવમાં પડી ગઇ ત્યારે...!
(સુનિતા બી. આશલ, ખેડબ્રહ્મા)

૧૪. ઍનકાઉન્ટરનો સહસ્ત્ર-મહોત્સવ’ (૧૦૦૦-મો હપ્તો) ક્યારે ઉજવાશે?
- ૧૦૦૦-મો જવાબ આપીશ ત્યારે.
(મીરાં કે સોઢા, સુરેન્દ્રનગર)

૧૫. સંસાર ટકાવવા બધી બાંધછોડ પત્ની કરતી હોય છે. તો શું પતિની આવી ફરજ નથી?
- જો બોલવાનો એક પણ મોકો પતિને મળે, તો આવી ફરજ ચોક્કસ બજાવવી જોઈએ... જય હિંદ.
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

૧૬. શું તમારા સંતાનો સાથે તમારે જનરેશન ગૅપ છે?
- હા. એ બન્ને મારા કરતા ઘણા નાના છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

૧૭. માનવીને પ્રકૃતિએ ચેહરાની આગળ આંખો આપી છે, તેને બદલે પાછળ આપી હોત તો પાછળ બોલનારાથી છૂટકારો ન મળત?
- આપને પ્રાર્થના છે કે, આંખોથી આગળ નહિ વધો.
(અરવિંદ દેસાઈ, વિજયપુર-નવસારી)

૧૮. આપણા ચૂંટાયેલા નેતાઓ મફત વીજળી, ટેલીફોન અને કારના ખર્ચા બંધ કરી દે તો મોંઘવારી કેટલી ઘટે?
- તમે શ્વાસનું કાંઇ નથી લખ્યું.
(જગજીવન સોની, કોડાય-કચ્છ)

૧૯. હું મારી પત્ની સાથે જતો હોઉં છું તો ય પોલીસવાળો મારી સામે કેમ ધુરકે છે?
- એક વાર એને કહી આવો કે, ‘આ મારી બેન નથી.
(ચંદ્રકાંત જાની, જામનગર)

૨૦. મારે આપને રાખડી બાંધવી છે, શું એ શક્ય છે?
- રાખડીને બદલે ટીફિન બંધાવી આપો...!
(કિરણ સુખિયાણી, અમદાવાદ)

૨૧. છાપામાં છેલ્લા પાને બેસણાની જા.ખ.માં કોઈનો ફોટો હસતો મૂકાતો નથી, એવું તમે કહો છો. આ હિસાબે તમે છાપું વાંચતા લાગતા નથી.
- સૉરી. શરતચૂકથી આપનો ફોટો જોયો નહિ હોય!
(નારાયણદાસ સોની, અમદાવાદ)

૨૨. પુરૂષપ્રધાન દેશમાં, સ્ત્રીઓની માફક રસ્તા ઉપર પુરૂષો ચેહરા ઉપર માસ્ક કેમ બાંધતા નથી?
- એવું એમણે શું કર્યું છે તે મોંઢા સંતાડવા પડે?
(ભારતી સી. કાચા, મોરબી)

૨૩. શાહરૂખની ફિલ્મો નિષ્ફળ જવા માંડી છે... એણે હવે શું કરવું જોઈએ?
- કૉંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ.
(રોમા પટેલ, નવસારી)

૨૪. અન્ના હજારેએ ડૉ. મનમોહનસિંહને પ્રામાણિક કહ્યા...! તમે સુઉં કિયો છો?
- આને અન્ના પગારેકહેવાય!
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

૨૫. એવો કયો સવાલ છે, જેનો તમે જવાબ કાયમ ખોટો જ આપો છો?
- ‘‘આજે પાછું કેમ મોડું થયું?’’
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

No comments: