Search This Blog

07/09/2012

ફિલ્મોનું આ બઘું ય જાણવું જરૂરી છે

ફિલ્મો જોતી વખતે ફિલ્મના કલાકારો, સંગીત, વાર્તા કે બહુ બહુ તો કેમેરાથી વધારે વિષયોમાં આપણને ઝાઝી સમજ પડતી નથી. ફિલ્મના ટાઈટલ્સ આવે, એમાં માહિતી તો ઘણી હોય છે, પણ એના અર્થો ખબર ન હોય, એ બનવાજોગ છે.

આ તકલીફને ઘ્યાનમાં લઈને, આ વખતે ફિલ્મ ઈન્ડિયામાં એક ફિલ્મનો રાબેતા મુજબનો રીવ્યૂ રહેવા દઈને એવી માહિતીઓ તમને આપવી છે, જે જાણવાનો રસ જાગે. આશા છે, વાચકોને ગમશે. 

બેકગ્રાઉન્ડ મ્યુઝિક 
ફિલ્મોમાં ગીતો ન હોય ને ફક્ત સંવાદો ચાલતા હોય કે બે સંવાદોની વચ્ચે કોઈ ૪-૫ સેંકડનો ગેપ પડે, ત્યારે પણ સંગીત વાગતું હોય છે, એને બેકગ્રાઉન્ડ મ્યુઝિકકહે છે. એના વગરની એકે ય ફિલ્મ તમે જોઈ ન હોય, એટલે એના મહત્વનો ખ્યાલ ન આવે. અલબત્ત, ’૪૦ની આજુબાજુના દાયકાની ફિલ્મોમાં આવું પાર્શ્વસંગીત હતું જ નહિ, પણ હવે હોય છે. એટલે એના મહત્વની સમજ પડે છે. મહેમુદે એકવાર સરસ વાત કરી હતી. બી.આર.ચોપરાની ફિલ્મ કાનૂનના એણે રશિઝ (જેટલું શૂટિંગ થઈ ગયું હોય, એના ટૂકડાઓને રશિઝ કહેવાય!) જોયા, તો દ્રષ્ય બહુ બેકાર લાગ્યું હતું, પણ એ જ દ્રશ્યમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરાયા પછી જોયું, તો અવાચક થઈ ગયો કે, આવું સંગીત આટલી મોટી અસર ઊભી કરી શકે છે ? સલિલ ચૌધરી એકમાત્ર સંગીતકાર છે જેમણે અનેક ફિલ્મોમાં ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ આપ્યું છે. ફિલ્મ પૂરી થઈ ગયા પછી અથવા તો જેમ જેમ પૂરી થતી જાય એમ એમ ફિલ્મના સંગીતકાર ડબિંગ સ્ટુડિયોમાં એ ફિલ્મના રશિઝ જુએ. સ્ટોપ-વોચ પણ એમની પાસે હોય. એમના સાજિંદાઓ જરૂરી વાજિંત્રો લઈને બેઠા હોય. ફિલ્મના દ્રષ્યની જરૂરત પ્રમાણે, એક્ઝેક્ટ એ જ સેંકડે સંગીતકાર ચોક્કસ વાજિત્રો સાથે ચોક્કસ અસરો ઊભી કરતું સંગીત ફિલ્મ જોતા જોતા આપે. દા.ત. હીરોઈન પર તાર આવે ને ખુશી ખુશી તાર ખોલે, પણ વાંચતા જ એના ફાધરના મૃત્યુના સમાચાર હોય, ત્યારે એ ચીસ પાડે, એ પછી ઓડિયન્સને પણ એવા જ માહૌલમાં લઈ જવાનું સંગીત વાગે. ખાસ કરીને હોરર ફિલ્મોમાં તો ખૌફનાક અને ડરામણું સંગીત વાગતું તમે સાંભળ્યું હશે. મોટા ભાગે તો સંગીતકારો પોતે જ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા આવે છે, જેમ કે શંકર નહિ પણ જયકિશનની આવા સંગીતમાં માસ્ટરી હતી, પણ ઓપી નૈયરે કદી જાતે બેકગ્રાઉન્ડ નથી આપ્યું. એ કામ એમના આસિસ્ટન્ટ જી.એસ. કોહલી કરતા. નૌશાદે પોતે સંગીતકાર ગુલામ મુહમ્મદના અવસાનને કારણે ફિલ્મ પાકીઝાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું હતું, બાકી એમની પોતાની ફિલ્મોમાં એમના બીજા આસિસ્ટન્ટ મુહમ્મદ શફી આવું સંગીત આપતા. આ મુહમ્મદ શફીની ભત્રીજી સાથે મુહમ્મદ રફીના સુપુત્ર શાહિદ રફીને લગ્ન કર્યા છે. 

સાઉન્ડ ઈફેક્ટ્‌સ 
મારામારી કે ઘોડા દોડાવતી વખતે ઢીશૂમ ઢીશૂમના અવાજો સાઉન્ડ ઈફેક્ટસની મહેરબાની છે. હોરર ફિલ્મમાં દરવાજો ખુલતો હોય કે બિલાડી મીયાઉં કરીને ભાગતી હોય, એ અવાજો-ઉપર જણાવ્યા મુજબ ડબિંગ સ્ટુડિયઓમાં રેકોર્ડ થતા હોય છે. પહાડ પરથી પથ્થર ગબડવાના અવાજો, સ્વાભાવિક છે કે, ગગડતા પથ્થરની સાથે માઈક્રોફોન ગગડાવી ન શકાય. સાઊન્ડ-ઈફેક્ટ્‌સ આપનારા ચોક્કસ તાલીમબઘ્ધ આર્ટિસ્ટો હોય છે, જેને સાચા અર્થમાં તો મિમિક્રી-આર્ટિસ્ટો જ કહેવાય. એ લોકો મોંઢેથી કે અન્ય સાધનોથી પેલા દરવાજા કે ગગડતા પથ્થરો જેવો અવાજ, જે તે દ્રષ્ય જોતા જોતા પેદા કરીને રેકોર્ડ કરાવે છે. એક મોટા સ્ટેજ પર આર્ટિસ્ટો બેઠા હોય, એમની સામે મોટા પરદા ઉપર જે તે દ્રષ્ય પસાર થતું જાય, એમ એમ એ લોકો ચોક્કસ ઘ્વનિ પેદા કરે. ખાસ કરીને, દાદરો ચઢતી વખતે સંભળાતો પગલાંનો કે બૂટનો ચીચૂડ-ચીચૂડ અવાજ આ કલાકારો પોતાની પાસેના અનેક સાધનોમાંથી પેદા કરે છે. 

બેક-પ્રોજેક્શન 
મોટો હીરો પહાડીઓ ઉપર ધમધમ ઘોડો દોડાવતો વિલનનો પીછો કરતો જતો હોય, ત્યારે સ્વાભાવિક છે, એને આટલી ઝડપથી ઘોડો દોડાવતા આવડે ય નહિ અને આવડતો હોય તો એવું રિસ્ક લે પણ નહિ. અથવા તો હીરો-હીરોઈન ગાડી કે ઘોડાગાડીમાં બેઠા બેઠા ગીત ગાતા હોય ત્યારે એમની પાછળ દેખાતા રસ્તાના દ્રષ્યો મોટા ભાગે આવા બેક-પ્રોજેક્શનને પ્રતાપે દેખાય છે. એ બન્ને તો સ્ટુડિયોમાં પાર્ક કરેલી કાર કે લાકડાના બનાવટી ઘોડા ઉપર જ બેઠા હોય, પણ એમની પાછળ આપણા થીયેટરોમાં હોય છે, એવા વિશાળ પરદા ઉપર, અગાઉથી શૂટ કરી રાખેલા રસ્તાના દ્રષ્યા ફિલ્મની માફક જ દર્શાવાતા હોય. પેલા બન્નેનો સાઈડ-ફેસ હોય તો દ્રષ્યો સાઈડમાંથી ફિલ્માયા હોય. સ્ટુડીયોમાં પેલા બન્નેની સામે મોટા પંખા મૂક્યા હોય જેથી એમના વાળ ઊડતા દેખાય. ઘોડાગાડી ય સ્ટુડિયોના માણસો નીચે ઊભા ઊભા હલાવે, જેથી ગાડી ચાલતી હોય એવું લાગે. ચતુર પ્રેક્ષકો અલબત્ત, ઘ્યાન રાખે તો આવા દ્રષ્યો પકડી શકે છે, જેમ કે સૂર્યનો પ્રકાશ ઘડીકમાં ડાબી બાજુ પડતો હોય ને પાછળના દ્રષ્યોમાં જમણી બાજુ પડતો હોય. 

ડબિંગ 
ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય, ત્યાં કલાકારો સંવાદો બોલે, તો આજુબાજુના અવાજો પણ રેકોર્ડ થઈ જાય. અગાઉની ફિલ્મોમાં એવું થતું ખરૂં કે, કેમેરામાં ન દેખાય એ રીતે એક માણસ હાથમાં મોટો વાંસડો પકડીને ઊભો હોય, જેના છેડે માઈક બાંઘ્યું હોય અને કલાકારો બોલે, એ સંવાદો ઉપરથી લટકતા માઈકમાં રેકોર્ડ થઈ જાય. એમાં મુશ્કેલી એ હતી કે, આજુબાજુના અવાજો સંપૂર્ણપણે શાંત થઈ જાય, ત્યાં સુધી શૂટિંગ અટકાવી દેવું પડતું. શોધ ડબિંગની થઈ, એટલે કે શૂટિંગ વખતે કલાકારો બોલવાના સંવાદોમાં ફક્ત હોઠ જ હલાવે... એ વખતે રેકોર્ડ કશું ન થાય, પણ પછી એને માટેના ખાસ ડબિંગ-સ્ટુડિયોમાં, શૂટિંગ કરેલું મૂંગુ દ્રષ્ય કલાકારની સામે પરદા પર દેખાય ને ચોક્કસ સેકન્ડે એ સંવાદ બોલવાનો શરૂ કરે, એ રેકોર્ડ થઈ જાય. શૂટિંગ મહિના બે મહિના પહેલા થયું હોય, એટલે એ વખતે ક્યો સંવાદ બોલાયો હતો, તે યાદ ન હોય, એ સ્વાભાવિક છે, એટલે કલાકારના હાથમાં સંવાદની સ્ક્રીપ્ટ પણ હોય. અહીં પણ સ્ટોપ-વોચ રાખવામાં આવે છે. સંવાદો બે કે તેથી વઘુ કલાકારોએ બોલવાના હોય તો સ્ટુડિયોમાં સાથે ઊભા રહીને રેકોર્ડિંગ થાય છે. ફિલ્મ જોતી વખતે એવું લાગે છે કે, અત્યારે દેખૈ છે, એ દ્રષ્ય વખતે જ હીરો સંવાદ બોલ્યો હશે. ડબિંગમાં એકાદ-બે સેકન્ડનોય ગેપ પડી જાય તો હોઠ પછી ફફડે ને સંવાદ પહેલા સંભળાય ! 

એડિટીંગ 
ક્યારેક ફિલ્મમાં જોયું હશે કે, સંવાદ બોલતા પહેલા ઊભેલું પાત્ર ચાલતું આવીને સંવાદ બોલવો શરૂ કરે છે. એક કાચી ક્ષણ માટે જ એ ઊભેલા દેખાય. જો તમે એ પકડી શકતા હો તો અણઆવડત ફિલ્મના એડિટરની છે. આવું થવાનું કારણ એ કે, શૂટિંગ વખતે સંવાદ બોલનાર પાત્ર એક જગ્યાએ ઊભું રહીને, ડાયરેક્ટર-કેમેરામેન સ્ટાર્ટકહે, એ સાથે જ સંવાદ બોલતા બોલતા આગળ આવવાનું છે. પણ એક્ટરની થોડી બેકાળજી હોય કે એડિટરની, ચાલતા પહેલા જ એ સંવાદ બોલવા માંડે, ત્યારે એના ઊભા રહેવાની ક્ષણ કેમેરામાં ઝડપાઈ જાય છે. ફિલ્મની બ્લેક-એન્ડ-વ્હાઈટ કચકડાની પટ્ટી તમે જોઈ છે. ફિલ્મ પૂરી થયે એડિટર પોતાના રૂમમાં એ પટ્ટી હાથમાં પકડીને નરી આંખે એક એક દ્રષ્ય જોતો જાય છે. પેલા કેસમાં કેમેરા તો અગાઉથી સ્ટાર્ટ થઈ ચૂક્યો હોય, એ પછી પાત્ર સંવાદ બોલતું બોલતું આગળ આવે. એડિટરે એક્ઝેક્ટ સંવાદ શરૂ થાય ત્યાં સુધીનું થયેલું શૂટિંગ કાતરથી કાપી નાંખે છે. આવી કાપકૂપી પછી ફાઈનલ થયેલી અગાઉની પટ્ટીને એ જોડી દે છે એટલે દ્રષ્ય આખું લાગે છે. વળી, ફિલ્મનું શુટિંગ પૂરૂં થઈ ગયા પછી અમુક દ્રષ્યો ફિલ્મના દિગ્દર્શકને ન ગમ્યા હોય અથવા તો ફિલ્મની લંબાઈ વધી જવાને કારણે અમુક દ્રષ્યો કાઢી નાંખવા હોય, ત્યારે પણ સૂચના મુજબ એડિટર કાતર ચલાવે છે. આપણે આખી ફિલ્મ એની વાર્તા મુજબ સળંગ જોઈએ છીએ, પણ પૂરી ફિલ્મનું શુટિંગ ક્રમબઘ્ધ વાર્તા મુજબ નથી થતું. ક્યારેક મોંઘા ભાવનો સેટ લગાવ્યો હોય, સ્ટુડિયોનું ભાડું ચઢતું હોય, એવા સંજોગોમાં આખી ફિલ્મમાં એ જ મકાન, મહેલ, હોસ્પિટલ કે સ્ટુડિયોમાં ઊભો કરેલો બનાવટી બગીચો હોય... આગળ-પાછળના તમામ દ્રષ્યો અત્યારથી ગોઠવી લઈને એક સેટ પરના તમામ પ્રસંગોનું શૂટિંગ પહેલા કરી લેવામાં આવે છે. ક્યારેક હીરો કે હીરોઈન અન્ય વ્યસ્તતાને કારણે એક સામટી સળંગ તારીખો શૂટિંગ માટે આપી દે છે, એ વખતે સમગ્ર ફિલ્મમાં એમના જેટલા દ્રષ્યો આવતા હોય, એનું શૂટિંગ પહેલા પતાવી દેવું પડે છે. મતલબ એવું ય બને કે, શૂટિંગ મુજબ હીરોઈન માં પહેલા બની જાય અને હીરો સાથે ઓળખાણથી માંડીને પ્રેમમાં પડવાનું વગેરે-ફગેરેનું શૂટિંગ બહુ પાછળથી થાય. 

આ બધાને કારણે કેમેરામેન પાસે તો આડાઅવળા દ્રષ્યોની પૂરી ફિલ્મ પડી હોય, ત્યારે એડિટર એને ફિલ્મની વાર્તા મુજબ, ક્રમાનુસાર ગોઠવે છે. 

મ્યુઝિક આસિસ્ટન્ટ્‌સ 
આપણે ફિલ્મના ટાઈટલ્સમાં મ્યુઝિક આસિસ્ટન્ટ્‌સનું નામ બહુ તરછોડાયેલા લિસ્ટમાં વાંચતા હોઈએ છીએ, પણ એનું મહત્વ મ્યુઝિક ડાયરેક્ટથી કમ નથી. સાચા શબ્દોમાં કહીએ તો, સમજાય છે એવું કે, આસિસ્ટન્ટ્‌સ એટલે સંગીતકારના નોકરો જેવા હશે. હકીકતમાં એમનો ફાળો ફિલ્મના સંગીતમાં ઘણો અનોખો હોય છે. મોટાભાગે તો આસિસ્ટન્ટ તબલાં વાદક હોય છે, જેથી સંગીતકાર હાર્મોનિયમ લઈને જે તે ગીતની ઘૂન બનાવતા હોય, ત્યારે આસિસ્ટન્ટ તબલાં ઉપર સંગીત કરે. ક્યારેક તો ખુદ એ જ ઘૂન બનાવીને સંગીતકારને આપે છે, જે સંગીતકાર પોતાના નામે ચઢાવી દે છે ને એમાં આસિસ્ટન્ટ ઓફિશિયલી કે અનઓફિશીયલી બોલી પણ શકતો નથી. નૌશાદના આસિસ્ટન્ટ મુહમ્મદ શફીએ ફિલ્મ ગંગા-જમુનાના ના માનું ના માનું રે દગાબાજ તોરી...તેમ જ ઢૂંઢો ઢૂંઢો રે સાજના મોરે કાન કા બાલા...જેવા ગીતો બનાવ્યા હતા, પણ નાંમે ચઢ્‌યા નૌશાદના. ફિલ્મ જબ જબ ફૂલ ખીલેકે જોહર મેહમુદ ઈન ગોવાના ઘણા ગીતો મૂળ સંગીતકારો કલ્યાણજી-આણંદજીના એ વખતના આસિસ્ટન્ટ્‌સ લક્ષ્મીકાંત-પ્યારેલાલે બનાવ્યા હતા. 

મ્યુઝિક એરેન્જર 
આસિસ્ટન્ટ્‌સ ઘૂન બનાવવામાં સંગીતકારની બહુ મોટી મદદ કરે છે, જ્યારે મ્યુઝિક-એરેન્જર આમ જોવા જાઓ તો ગઘ્ધામજૂરી જ કરે છે. સંગીતકાર એક ગીતની ઘૂન બનાવી લે, એટલે એરેન્જરને બોલાવીને ઘૂન સંભળાવે. ગીતના બોલ શરૂ થતા પહેલા વાગતા સંગીતને ઈન્ટ્રોડક્ટરી મ્યુઝિકકહેવાય અને ગીતનું મુખડું (સ્થાયી) ગવાઈ જાય પછી જે ઘૂન વાગે, તેને ઈન્ટરલ્યૂડ મ્યુઝિક કહેવાય...એ પછી અંતરો શરૂ થાય. સંગીતકારની સૂચના મુજબ, ગીતમાં ક્યા ક્યા વાજિંત્રો વાગવાના છે, તે જાણી લઈને ક્યા વાદકોને રીહર્સલમાં બોલાવવાના છે, તેની ગોઠવણ એરેન્જર કરે. કોણે કેટલો પીસ વગાડવાનો છે, રીહર્સલમાં પોતાના વાજિંત્ર સાથે ક્યાં બેસવાનું છે, તે બધી સૂચનાઓ એરેન્જર વાદકોને આપે છે. ગીતની ઘૂનના સ્વરાંકનો (નોટેશન્સ... એટલે, નિ સા ગ મ પ ની, સા રે ગ...) ગીતના શબ્દો મુજબ એરેન્જર જાતે લખી લખીને તમામ વાદકોને આપે છે. એ બધાને રીહર્સલ કે રેકોર્ડિંગની તારીખ અને સમય પણ એરેન્જર આપે છે. 

સાઉન્ડ-રેકોર્ડિસ્ટ 
ફિલ્મના ટાઈટલ્સમાં તમે મીનું કાત્રક કે ભણસાલીના નામો વાચ્યાં હશે. આખરે તો ફિલ્મને બોલપટ કહેવાય છે, એટલે અવાજનું શું મહત્વ હોય, એ કહેવાની ક્યાં જરૂર છે ! નાનપણમાં તમે ફિલ્મની પટ્ટી જોઈ હોય તો પટ્ટીની બાજુમાં હારોહાર ચિત્રવિચિત્ર ડીઝાઈની એક ઊભી પટ્ટી ય ચાલી આવતી હોય છે, એ રેકોર્ડ થયેલા અવાજની નિશાની છે. ગીત હોય, સંવાદ હોય કે અમસ્તા અવાજો હોય, સાઉન્ડ-રેકોર્ડિસ્ટે ખૂબ બારિકાઈથી એ અવાજો ફિલ્મની સાથેસાથે રેકોર્ડ કરતા જવાનું હોય છે. ખૂબી એ વાતમાં આવે કે, રાત્રીના દ્રષ્યમાં હીરોઈન ધીમા છપછપ અવાજે હીરોના કાનમાં કાંઈ કહેતી હોય કે વિલન ખૂંખાર અવાજે ઘાંટો પાડતો હોય, સિનેમાઘરમાં એ બન્ને પ્રકારના અવાજો આપણે એકસરખા સાંભળી શકીએ છીએ, એમાં કમાલ સાઉન્ડ-રેકોર્ડિસ્ટની છે. અવાજ નાનો-મોટો થઈ જાય એ ન ચાલે. વળી અવાજની ક્લેરિટી પણ બખૂબી જળવાવી જોઈએ.

No comments: