Search This Blog

14/09/2012

રાજહઠ (’૫૬)

સોહરાબ મોદી (કે મઘુબાલાની ?) રાજહઠ

ફિલ્મ : રાજહઠ (૫૬)
બેનર : મિનર્વા મૂવિટોન
નિર્માતા-દિગ્દર્શક : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ
કલાકારો : સોહરાબ મોદી, મધુબાલા, પ્રદીપકુમાર, ઉલ્હાસ, મુરાદ, કમ્મો, પાન્ડેજી, જગદિશ કંવલ, બૈજ શર્મા, ગુલનાર, મુન્શીજી, જીલાની, નઝીર કાશ્મિરી, શકીલ નૂમાની, ઉમા દત્ત, એરચ તારાપોર, કોમેડીયન શેખ, ટૂનટુન અને હેલન. 

ગીતો
૧. કહાં સે મિલતે મોતી, આંસુ હૈ તેરી તકદીર મેં... લતા મંગેશકર
૨. આ ગઈ લો આ ગઈ મૈં અખીયોં કો ચૂમતી.... લતા મંગેશકર
૩. અન્તર મન્તર જન્તર સે મૈદાન લિયા હૈ માર.... લતા-ઉષા
૪. સુન સખી... નદીયા કિનારે ફીરૂં પ્યાસી.... લતા મંગેશકર
૫. આયે બહાર બનકે લુભાકર ચલે ગયે.... મુહમ્મદ રફી
૬. મેરે સપને મેં આના રે ચંદા....... લતા મંગેશકર
૭. યે વાદા કરો ચાંદ કે સામને ભૂલા તો ન દોગે.... લતા-મૂકેશ
૮. નાચે અંગ અંગ તેરે આગે, બાજે મૃદંગ...... લતા મંગેશકર
૯. પ્યારે બાબુલ સે બિછડકર, ઘર કા આંગન સુના કર કે..... લતા મંગેશકર
૧૦. આજા આજા, નદીયા કિનારે, તારોં કી છૈયાં તોહે કબ સે..... લતા મંગેશકર
૧૧. ચલે સિપાહી ઘૂલ ઉડાતે કહાં કિધર કોઈ ક્યા જાને..... મન્ના ડે-કોરસ

સોહરાબ મોદીની પહેલા જોયેલી એક-બે ફિલ્મો અને એ પછી એકસામટી ચાર ફિલ્મો જોયા પછી, વરસાદમાં ખેતરની જમીનમાંથી ફૂદુક-ફૂદુક કરતા દેડકા બહાર આવવા માંડે, એમ મારા મનમાં ડ્રાઉં-ડ્રાઉં કરતા સવાલો ફૂદકવા માંડ્યા. પહેલો જ સવાલ ખતરનાક હતો. સોહરાબ મોદી ફિલ્મો બનાવતા જ શું કામ હતા ?’ આ જ સવાલ ઈંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને ગૂગલપર પૂછ્‌યો, તો કોઈ જવાબ ન આવ્યો. ઉપરથી એકાદી વેબ-સાઈટે સામો સવાલ મને પૂછ્‌યો, ‘‘તમે એમની ફિલ્મો જોતાતા જ શું કામ ?’’ એનો મારી પાસે જવાબ નહોતો. પણ બીજો સવાલ ઝેરીલા દેડકા જેવો હતો. ‘‘સોહરાબ મોદી પોતે કઈ કમાણી ઉપર એક્ટિંગો કરતા હતા ? એમની ઉપર એવો તે ક્યા દુઃખો આવી પડ્યા કે, મુંબઈ શહેરના મોચી, ઠેલાવાળા કે પાઉં-ભાજીવાળાને એમની ફિલ્મોમાં હીરો બનાવ્યા હોત, તો શું વધારે સારી એક્ટિંગ કરી ન હોત ?’’ ને ત્રીજો સવાલ ઓપ્શનમાં કાઢી શકાય એવો સહેલો હતો. એમણે બનાવેલી ને મદનમોહને સંગીત આપેલી એક જેલરના લતાએ ગાયેલા ફક્ત એક જ ગીત, ‘‘હમ પ્યાર મેં જલનેવાલોં કો, ચૈન કહાં, હાય આરામ કહાં ?’’ ને બાદ કરતા એમની આટલી બધી ફિલ્મોમાંથી એકપણ-રીપિટ એકપણ ફિલ્મનું સંગીત કેમ લોકો સુધી પહોંચ્યું નહિ ? અરે, કમ ઓન યાર... મારા જેવા મદન મોહન કે લતાની પાછળ રીતસરના પાગલ ચાહકો માટે મોદીની ફિલ્મ કુંદનનું એક ગીત બેશક આવનારી ૪૦-સદીઓ સુધી ભૂલાય એવું નથી, ‘‘શિકાયત ક્યા કરૂં દોનો તરફ ગમ કા ફસાના હૈ, મેરે આગે મુહબ્બત હૈ, તેરે આગે જમાના હૈ ?’’ 

બહુ હાર્શ થઈ જવાયું, આ પવિત્ર વડીલ જેવા ફિલ્મસર્જક ઉપર ! નહોતું થવું, પણ મોદી સાહેબની સાલી એકાદી ફિલ્મ સહન તો થવી જોઈએ કે નહિ ? લખલૂટ ખર્ચે એ ફિલ્મો ઉતારતા. દેશપ્રેમની મનોજકુમારવાળી તકલાદી ભાવના મોદીની ફિલ્મોમાં નહિ... અસલી જૂનુન હોય, આ પારસીની ફિલ્મોમાં. ભારતીયતા એમની ફિલ્મો જેટલી છલકતી બીજા તો કોઈની ફિલ્મોમાં જોવા નથી મળી. પોતે પારસી હોવા છતાં, ભગવાન શંકરના અનન્ય પૂજારી. સોહરાબની સમજો ને... ઓલમોસ્ટ તમામ ફિલ્મોમાં ભગવાન શંકરની આરાધના હોય છે... મેહબૂબખાનને પણ ભગવાન શંકર પ્રત્યે અનન્ય આસ્થા હતી, એ સહુ જાણે છે. એટલે આ ફિલ્મ રાજહઠમાં સોહરાબ મોદીએ ભગવાન ભરોસે જ ફિલ્મ ઉતારી છે, પોતાની ! સાલું ટાઈટ જીન્સ પહેર્યું હોય, એ વખતે પગના ઢીંચણની સહેજ નીચે કોક જીવડું કરડ-કરડ કરતું હોય, ચળ ઉપર ચળો આવે જતી હોય ને આપણી આજુબાજુ મોટા ભાગની વસ્તી જૈનોની હોય, એટલે પગ ઉપર આ મોટ્ટી ઝાપટ મારીને જીવડાંને મારી નાંખી શકાય નહિ, ત્યારે પણ જીન્સ કે જીવડું... બન્ને ઉપર કેવી દાઝો ચઢે ? (જવાબ : બહુ દાઝો ચઢે... જવાબ પૂરો) 

આપણે તો તમારા મધુભાભી ઉપરના પ્રેમને કારણે રાજહઠજોવા બેઠા. (મૂંઝવણ : મધુભાભી એટલે કોણ ?’ જવાબ : મધુભાભી એટલે મધુબાલા... મૂંઝવણ પૂરી)આ એક વાત ઉપર સોહરાબ મોદી હોય કે નરેન્દ્ર મોદી... એમના હજારો ગૂન્હાઓ માફ કરી દીધા... મોટું મન ! મધુબાલા આપ સહુની તો નજીકની સગી થાય, પણ મારી નહોતી થતી એટલે હું તમારાથી ડર્યા વગર એની બેતહાશા સુંદરતાના વખાણો કરવાનો. મધુ પછીની આવી અપ્રતીમ સુંદર સ્ત્રી બહુ બહુ તો મધુબાલા કે એકે ય દિવ્યબાળા જેવી લાગતી ન હોવાથી હું ટેબલ પર હાથ પછાડીને કહી શકું કે, સાંજના છ પછીના વરસાદી પવનમાં મધુના કપાળ પરની પેલી ફેમસ લટ જરા અમથી ય ફરકે ને તો ય દેશની કરોડો સ્ત્રીઓ આપણી માં-બહેન લાગવા માંડે. એ મશહૂર લટના બદલામાં શહેનશાહ પોતાનો તાજ, શિલ્પકાર પોતાની મૂર્તિ અને હું મારી સાયકલ આપી દેવા તૈયાર થઈએ. મધુનું પેલું જંગલી સ્માઈલ જોયા પછી કહે છે કે, દેશમાં બધા પુરૂષોની ઉંમર બબ્બે વર્ષ ઓછી થઈ જતી... (એમાં તો, અનેક ડોહાઓ બે વરસ મરતા મરતા પાછા અવ્યા...કે, ‘‘અમારે તો હજુ વાર છે !) મધુ ખીલખીલાટ હસે, ત્યારે ચીઝ જેવા એના દાંત જોઈને ઈર્ષાળુ થઈ જવાય કે, ‘‘એટલે ઊંચે ત્યાં પહોંચ્યો, એ તો ગયો કામથી...!’’ ટુંકમાં, આટલું જરી લખી લો, ‘‘મધુબાલા એટલે મધુબાલા.’’ 

હવે સાલું તરત જ લખવાનું એવા માણસ માટે આવે છે કે, ઉપર કરેલી બઘ્ધી મહેનત ઉપર ખાટી છાશ ઢોળી હોય, એવી દાઝો, બીજો અને ગુસ્સાઓ ચઢે. આ જ ફિલ્મ રાજહઠમાં મધુબાલાનો હીરો પ્રદીપ કુમાર...! સાલું ક્યાં અમારી મધુ ને ક્યાં આ તમારો પ્રદીપ કુમાર ? મધુબાલાની સાથે પ્રદીપકુમાર...? મધુબાલાની સાથે પ્રદીપકુમાર...??... મધુબાલાની સાથે પ્રદીપકુમાર...??? સાલું ડીપ-ફ્રીજમાં ચંપલ મૂક્યું હોય એવું લાગે ! (અહીં સોહરાબ મોદી ઉપર ખરી દાઝ ચઢે કે, હીરો ક્યાંય મળતો નહોતો, તો એ જમાનામાં અમારામાંથી કોઈના બી ફાધર કે ગ્રાન્ડ-ફાધરનો સંપર્ક સાધવો હતો... મધુની સામે હીરો બનવા તો એ લોકો ય તૈયાર થાત...! પણ પ્રદીપ કુમાર? ...અને હવે તો કાજુ-પિસ્તાવાળી મીઠી લસ્સીમાં પોટેશિયમ-સાયનાઈડ નાંખીને સસુરજીને પીવડાવી દેવાની નવી એક દાઝ ચઢે કે, આ જ પ્રદીપ કુમાર સાથે મધુબાલા પરણવાની હતી. બન્ને ગળાબૂડ પ્રેમમાં હતા. એ તો શુક્ર કરો ભારત ભૂષણનો કે મધુબાલાનો પ્રેમ એણે ઠૂકરાવ્યો, એમાં શકી મીજાજની માલા સિન્હા હજી એમ સમજતી હતી કે, ‘‘મને પરણવાનું વચન આપીને મારો પ્રદીપ કુમાર મધુડીની પાછળ પડ્યો છે, એટલે માલા સિન્હા પ્રદીપ કુમારના ઘેર જઈને થપ્પડ નંગ એક ચોડી આવી હતી... દિલીપ-ફિલીપ, પ્રેમનાથ-બેમનાથ કે કિશોર-ફિશોરના નંબરો તો બહુ પછી લાગ્યા... જ્યારે પ્રદીપ કુમારે પણ મધુબાલાના પ્રેમને જે-શી-ક્રસ્ણ કરી દીધો.’’ પણ સોહરાબ મોદીની આ ફિલ્મ રાજહઠમાં રાજકુમાર બનતા પ્રદીપ કુમારે ત્રણ કલાકની ફિલ્મ પૂરતો મધુના પ્રેમનો સ્વીકાર કરેલો. થયું એવું કે, આ પ્રિન્સ કુમારના ફાધર રાજા બખ્તાવર (ઉલ્હાસે) રાજા દલજીત (સોહરાબ મોદીએ) પોતાની રાજકુમારી સુપુત્રી મધુબાલા માટે મોકલેલા શાહી માંગાને બેરહેમીથી ઠૂકરાવી દીધો, એમાં પ્રદીપની ય પૂરી સંમતિ. છંછેડાયેલા રાજા દલજીત અને દીકરી મધુએ બદલો લેવા ઉલ્હાસના સપનાનગર રાજ્ય સામે યુઘ્ધ જાહેર કર્યું. મધુ પોતાના અપમાનનો બદલો લેવા માંગતી હતી. ખુલ્લા ખંજરે મધુ પ્રદીપનું ખૂન કરવા જાય છે ને એના પ્રેમમાં ય પડતી આવે છે, જેથી ટાઈમ બચે. ખૂન તો પછી ય થાય (એને પરણે તો ધણીનું ખૂન કર્યા બરોબર જ કહેવાય ને ?) હવે સાલું કરવું શું ? એકબાજુ બન્ને રાજાઓ એકબીજા સામે યુઘ્ધ જાહેર કરી ચૂક્યા છે ને એમના છોકરાઓએ તો રીતસર ઘર-ઘર રમાવાનું ચાલુ કરી દીઘું હતું. આમાં બાજી ફિટાઉન્સ ક્યાંથી થાય

થઈ જાત આમ તો... પણ આની કોર કાકા એટલે કે મોદી કાકાએ ભગવાન શંકર પાસે, એક રાજપુત રાજવી હોવાને નાતે સૌગંધ ખાધી હતી કે, કાં તો પ્રદીપ કુમારનું માથું તમારા ચરણોમાં લઈ આવીશ ને એમાં ફેઈલ જઈશ તો મારૂં પોતાનું માથુ કાપી આપીશ.’’ પેલા બન્ને તો સીસીડી-માં જઈને રોજ કોફીઓ પીતા હતા, એકબીજાને વગર વેલેન્ટાઈન-ડેએ સસ્તા સસ્તા કાર્ડો મોકલતા હતા, એમાં બન્ને પરણી ગયા અને રાજા દલજીતે... એક રાજપુતની આન, બાન અને પેલું ત્રીજું શું આવે...? હા, શાન મુજબ, પોતાનું માથું કાપીને ભગવાન શંકરના ચરણોમાં મૂકી દીઘું. કહે છે કે, ’૫૬-ની સાલમાં આ ફિલ્મ જોઈને બહાર આવતા પ્રેક્ષકો એવું બબડતા હતા કે, ડોહાએ પોતાને બદલે પ્રદીપકુમારનું માથુ ભગવાનને ધરાવી દીઘું હોત, તો આખો દેશ બચી જાત ! 

મોદીને શાહી ફિલ્મો બનાવવાનો શોખ ભારે, પણ એમાંથી કશું બનતું નહિ. એક વાત કબુલ કરવી પડે કે, ફિલ્મ પાછળ પૈસા ખર્ચવામાં દસ પૈસાની કંજુસાઈ કરી નથી. અહીં પણ રાજહઠનું શૂટિંગ બિકાનેરના મહારાજા કરણીસિંહ બહાદુરના મહેલમાં કર્યું છે, પણ મહેલ વાપરતા નથી આવડ્યો. આટલો ભવ્ય મહેલ શૂટિંગ માટે વાપરવા મળ્યો હોય તો કેમેરામાં એનો શાહી ઠાઠ કેવો કંડારી શકાય ? મિનર્વાનો સિંહ મહેલમાં ગર્જી ન શક્યો. બહુ ઓછાને ખબર હશે કે, અશોક કુમાર-મીના કુમારીવાળી ફિલ્મ આરતીને બાદ કરતા પ્રદીપ કુમારે આખી કરિયરમાં કેવળ રાજા-બાદશાહ કે કરોડપતિના રોલ જ કર્યા છે. અફ કોર્સ, એમાં એ શોભતો પણ ખરો. તમે એને પર્સનલી જોયો હોય તો અંજાઈ જવાય એવી શાહી પર્સનાલિટી હતી. હિંદી ફિલ્મોમાં તો એ ફિલ્મ આનંદમઠથી આવ્યો, પણ એ પહેલા આ બંગાળી બાબુ (એની અટક વિચિત્ર હતી, ‘‘બતબ્યાલ’’... બોલતા ફાવશે ? નહિ તો રહેવા દો !) છુટકમૂટક ચિત્રકામ અને શિલ્પકામ કરીને ખર્ચા નીકળે એટલા પૈસા કમાતા હતા. આજે ય કોલકાતામાં એ ઈસ્ટર્ન હોટેલછે, જ્યાં પ્રદીપકુમાર રીસેપ્શનિસ્ટ તરીકે કામ કરતો. ના જામ્યું એટલે રેલ્વેની કેન્ટીનમાં ય ભઈ કામ કરી આવ્યા... ઘી વેચવાનું ય કરી જોયું. ટીવીની ખૂબસુરત અભિનેત્રી બીના એની દીકરી, જે ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે છુટા...વાળી ફિલ્મ સંબંધના દિગ્દર્શક અજય બિશ્વાસને પિતા પ્રદીપકુમારની ફૂંફાડા મારતી નાઓ છતાં પરણી. ફૂંફાડા મારવાનું કારણ એ કે, આ અજય બિશ્વાસ ફિલ્મ કભીકભીવાળી રાખી અને ગુલઝારની પત્ની સાથે પહેલા પરણ્યો હતો. રાખીએ અદાલતમાં અજય પુરૂષમાંનહિ હોવાનો આક્ષેપ કર્યો હતો, છતાં બીના પરણી અને બીજે જ અઠવાડીયે ઘેર પાછી આવી. 

મધુબાલા-પ્રદીપકુમારની પ્રેમકહાણી ય કોઈથી છુપી નથી. મધુના ભૂ.પૂ. એટલે ભૂતપૂર્વ પ્રેમીઓમાં પાકીઝાવાળા કમાલ અમરોહી ય ખરા અને અમોલ પાલેકરની રજનીગંધાવાળી વિદ્યા સિન્હાના ફાધર મોહન સિન્હા પણ ખરા. આંગણે આવેલા કોઈને નિરાશ ન કરવાની મધુની તાસીર હતી. પ્રેમનાથનો ચાન્સ લાગી ગયો હતો, પણ જીગરી દોસ્ત દિલીપ કુમાર આડો આવ્યો, એમાં ખીજાઈને પ્રેમનાથે ફિલ્મફેરમાં વચ્ચેના બન્ને પાના ભરીને પોતાની નવી ફિલ્મ એક થા ગધા-દિલીપકુમારનામની જાહેર ખબર છપાવી મારી... ફિલ્મ ન ઉતારી... આ રીતે દિલીપની ફિલમ ઉતારી...! 

ફિલ્મોમાં ગીતોના ફિલ્માંકન માટે વિજય આનંદ, ગુરૂદત્ત, રાજ ખોસલા અને રાજ કપૂરના નામો મોખરે હતા. ગીતોનું ફિલ્માંકનએટલે શું ? સમજી લો. તમને ગમતું કોઈપણ એક ફિલ્મી ગીત યાદ કરી લો. હવે એ ગીતને કેમેરામાં તમારે ઉતારવાનું છે, તો પહેલો સવાલ એ થશે કે પહેલું દ્રષ્ય ક્યું અને કેવી રીતે ઉતારશો ? તમારી પાસે હીરો-હીરોઈન બન્ને ઊભા છે. તમને પૂછે છે કે, અમે ક્યાં ઊભા રહીએ ને શું કરીએ ?... કેટલી વાર સુધી ? દા.ત. યે વાદા કરો ચાંદ કે સામને, ભૂલા તો ન દોગે મેરે પ્યાર કો...હજી તો અડધી લાઈન પતે, ત્યાં બીજો શોટ લેવાનો હોય... ક્યારેક ફિલ્મમાં અગાઉ આવી ગયેલું દ્રષ્ય અહીં ફરી બતાવવાનું હોય, પેલા બન્ને આખા દેખાય અને આજુબાજુ ખાસ્સી જગ્યા રહેતી હોય, એને કમ્પોઝિટ શોટકહેવાય, તો ચેહરા સાવ નજીકથી બતાવો તો ક્લોઝ-અપ કહેવાય. ક્યારેક પેલા બન્ને ઊભા હોય ત્યારે કેમેરા દૂરથી હળવે હળવે એમની તરફ જતો હોય, એને ટ્રોલી શોટ અને મકાનના પહેલા માળથી દ્રષ્ય જમીન પર આવે, ત્યારે ક્રેઈન-શોટ કહેવાય. ગીતોનું ટેકિંગ રાબેતા મુજબના દ્રષ્યો કરતા વઘુ અઘરૂં છે. ફિલ્મ ઈન્તેકામના હેલનના આ જાને જા, આ મેરા યે હુસ્ન જવાં...ગીતમાં નિર્માત્રી અને હીરોઈન સાધનાએ આ નૃત્ય-ગીતનું ટેકિંગ કરવા માસ્ટર ભગવાનને બોલાવ્યા હતા, જે જોવા નરગીસ રોજ સ્ટુડિયોમાં ટાઈમસર પહોંચી જતી. 

આ કસબ દિગ્દર્શકને ખાસ આવડતો ન હોય તો આ ફિલ્મ રાજહઠમાં થાય છે, એવા કંટાળાજનક શોટમાં ગીત પતે. રફી સાહેબના આવા મધુરા ગીત, ‘આયે બહાર બનકે લુભાકર ચલે ગયે...નો સોહરાબ મોદીએ આવડે એવો કચરો કર્યો છે. ગીતના મુખડા અને પહેલા અંતરા વચ્ચેના સંગીત (Interlude) વખતે પ્રદીપકુમાર પાછળ હાથ રાખીને આંટા મારે રાખે છે. 

મ્યુઝિક પતે એટલે ચાવીવાળા રમકડાંની માફક પાછો પ્રદીપ ગાવા માંડે. 

શંકર-જયકિશનનું સંગીત આ ફિલ્મ બની તે અરસામાં ધૂમધામ ચાલતું હતું, એ દ્રષ્ટિએ આ ફિલ્મના ગીતો એવા ન જામ્યા. મૂકેશની એ ખૂબી હતી કે, આખી ફિલ્મમાં રફી, કિશોર કે લતા-આશાના ગમે તેટલા ગીતો હોય, એણે ભલે એક ગાયું હોય, તો એ સૌથી વઘુ પ્રસિઘ્ધ થયું હોય. અહીં પણ ભલે અન્ય ગીતો બીજા તો કોઈપણ સંગીતકારોની સરખામણીમાં ઉત્તમ હતા, પણ આખી ફિલ્મમાંથી સહુને આજ સુધી યાદ રહ્યું, ‘યે વાદા કરો ચાંદ કે સામને...’ 


આ સંગીતકારોના પર્મેનેન્ટ ગીતકારો હસરત-શૈલેન્દ્ર વચ્ચે રાજ કપૂરે ઊભી કરેલી મૂળભુત ગોઠવણ એવી હતી કે, શૈલેન્દ્ર હિંદી ભાષાને વળગી રહીને ગીતો લખે ને હસરત ઉર્દુને, જે છેવટ સુધી વળગી રહ્યા, પણ શૈલેન્દ્ર પૂર્ણતઃ ન હિંદીને વફાદાર રહ્યા (પ્રદીપજી કે ભરત વ્યાસની જેમ) ન ઉર્દુને. નહિ તો હસરત જયપુરીની સરખામણીમાં ઘણો ઊંચો ગીતકાર શૈલેન્દ્ર છે.

No comments: