Search This Blog

26/09/2012

આપઘાતમાંથી બચી ગયા પછી...

એ બચી ગયો.

આપઘાત કરવા ગયો પણ બહુ ફાવ્યું નહિ, એટલે અડધો મરેલો પાછો આવ્યો. પોલીસ પકડીને લઈ ગઈ, ધોલધપાટો ને અદાલતમાં કેસ થયો, એમાં બરોબરનો હલવઈ ગયો !

અનુભવ અને નિયમિત પ્રેક્ટિસના અભાવે આપઘાતો ઉપર હજી એનો હાથ બેઠો નહતો. કહે છે કે, આમાં તો જાતે ન ફાવતું હોય તો, અગાઉ જે આપઘાતો કરી આવ્યું હોય એની સલાહો લેવી જોઈએ. કોઈ ના ન પાડે. જીવવામાં ભૂલ કરો તો મરવું પડે છે, પણ મરવામાં ભૂલો કરો તો હાળું... જીવવુંપડે છે !

આણે મોટી ભૂલ એ કરી કે, જીવવાનો નિર્ણય લઈ લીધો. પણ કવિ નર્મદે કહ્યું હતું, એ એણે વાંચ્યું નહોતું કે, ‘‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું... હોઓઓઓ.’’ મતલબ... પછી એણે જીવી જવું જોઈએ, એને બદલે આત્મહત્યાનો વિચાર કર્યો. ભલે કર્યો પણ એ પછી એ પાળી બતાવવો જોઈએ. કાલ ઉઠીને કોઈ એની ઉપર વિશ્વાસ ન મૂકે. પણ આ તો ત્યાંથી ય પાછો આયો.

બન્ને પગના અડધા પંજા કાંકરિયાના પાળે ટેકવીને ઊભા હો, તો હું તો કહું છું લ્યાનત છે, જો તમે ડગી જાઓ અને વિચાર માંડી વાળો તો ! બીજી વાર આપઘાત કરવા જાઓ તો કોઈ ધક્કો મારવા ય ના આવે. કેટલી મહેનતથી કવિએ યાહોમ કરીને પડો, ફતેહ છે આગેકાવ્યપંક્તિઓ લખી હતી ! જીવવાના મોકા દર અડધી સેંકડે આવવાના છે... મરવાનો ફક્ત એક જ આવે છે, એમાં ય તમે પાળી ઉપરથી પગ પાછા લઈ લો ? કોઈ સ્વમાન-બમાન જેવું છે કે નહિ ?

ઘેર આવ્યો ત્યારે, પોલીસની થપ્પડોથી બન્ને ગાલ સૂઝીને પાછળના ફૂલાની સાઈઝના થઈ ગયા હતા. કોઈ જુએ તો ય કેટલું ખરાબ લાગે ? કેટલાક વટેમાર્ગુઓ તો એવું સમજ્યા કે, આણે પાછળથી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હશે. આપઘાતના માર કરતા પોલીસનો માર એને વધુ વસમો લાગ્યો. પોલીસે ય માણસ છે (No pun intended, Baba...!) એ લોકોનો પગાર લાશ બહાર કાઢવામાં વસૂલ થાય, જીવતાને કાઢે એમાં ખોટા ટાઈમો બગડે. ફેરો ફોગટ જાય લાશની બાજુમાં, એક પગે ઢીંચણ ઉપર બેસીને પડાવેલો હસતો ફોટો છાપામાં આવે, તો ઘરની ભીંતે ય લટકાવાય એને બદલે, ‘ખાયા પીયા કુચ્છ નહિ, ગીલાસ તોડા બારહ આના...જેવો ધક્કો પડે કે નહિ ? પોલીસને બીજા કોઈ કામધંધા હોય કે નહિ ?

આ બચી ગયો ને ઘેર પાછો આવ્યો, એ સિઘ્ધિને બિરદાવવા ઘરમાં મોટી ભીડ હતી. બધા સગાવહાલા, દોસ્તો અને અડોસપડોસવાળા આ મંગળ પ્રસંગે શોભામાં અભિવૃઘ્ધિ કરવા આવ્યા હતા. ફ્રેન્ચ-પરફ્‌યૂમોની તો બોલબાલા હતી. જ્ઞાતિની અમુક સ્ત્રીઓને બહુ ખ્યાલ નહતો આવ્યો કે, આવા પ્રસંગે ધોળો હાડલો પહેરાય કે રીસેપ્શનવાળો ? વાત બન્નેમાં અડધી અડધી લાગુ પડે એમ હતી. ઘેર તો માણસ મ્હાંય નહિ. એની સાથે ફોટા પડાવવા વારા ફરતી વારો રાખવો પડ્યો. બે-ચાર નજીકના હતા, એ બધા આને હસતા મોંઢે ભેટ્યા. એક જણ તો ભૂલમાં વેલ ડનપણ બોલ્યું. પોલીસના મારથી ગાલ ફૂલેલા હતા, એ જોયાજાણ્યા વગર કાન્તા માસીએ ગાલે બચ્ચી ભરી લીધી, એમાં એણે ગાત્રો થીજી જાય એવી કાતિલ ઠંડી જેવો ‘‘વોય માડી રે...’’ ની બૂમ પાડી.

આઈસ્ક્રીમ બધાને સર્વ થયો. ‘‘, બહુ સારૂં થયું, તું બચી ગયો... આપઘાત-બાપઘાત કરવાના જ ન હોય. હવે ફરી આવું ના કરતો, હોં !’’ કેમ જાણે રાતની ગુજરાત મેલમાં આવો આ ફરી ફાટકે પહોંચવાનો હોય !

‘‘એક વાર અમારા મામાએ બી ગળે દોરડું ભરાયું હતું... લટકી તો ગયા પણ બચી પણ ગયા... પણ ગળે એવું છોલાયું કે દોરડાંના લિસોટા હજી ગયા નથી...!’’

‘‘અમારા ફલેટમાં ૯૮-વર્ષની ડોસી વળી ટીક-૨૦ પી ને લાંબી થઈ ગઈતી...! આપણને ખાટા ઘચરકા આવે કે ૯૮-ની ઉંમરે વળી આપઘાતો શું કરવાના હોય ? બીજા એકાદ-બે ખેંચી નાંખે તો આપઘાત ઘરવાળા કરે !’’ એમ બધા પાસે કોઈકે કરેલા આપઘાતોની એક એક સ્ટોરી હતી. કોક જ્ઞાનપિપાસુએ ટીવી-ન્યૂઝવાળા જેવો સવાલ આને પૂછ્‌યો, ‘‘આપઘાત કરવાની ક્ષણે તમને ક્યા ક્યા વિચારો આવતાતા...? અને અન્કલ... દીકરો સહિસલામત પાછો આવ્યો, એ જોઈને કેવું ફીલ કરો છો ?’’ ફૂલના બૂકે અને ગીફ્‌ટો ય ઘણા આવ્યા હતા. એક કાર્ડનું લખાણ તો આ ય સમજી શક્યો નહતો. લખ્યું હતું, ‘ઓલ ધ બેસ્ટ !

સ્વાભાવિક છે, ખરાખોટા બધા રાજી હતા આ ઉજવણીમાં... પણ વાઈફનો મૂડ ઉતરી ગયો હતો. જીવતો-જાગતો વન-પીસ ઘેર પાછો આવ્યો છે, ને આ ઉંમરે બીજી વારનું શોધવામાંથી એને બચાઈ લીધી છે ને ખાસ તો... બેન્કના લૉકરની ચાવીની ઘરમાં એમના સિવાય કોઈને ખબર નહોતી. આ તો સારૂં થયું ને, પેલો બચીને ઘેર પાછો આયો !

પણ વાઈફના મોંઢા ઉપર કોઈ આનંદ નહિ. ડ્રોઈંગ-રૂમના સોફા પર બેઠા બેઠા હરતા-ફરતા મેહમાનોની વચ્ચેથી એણે કિચનમાં વાઈફની સામે જોયું અને પહેલી વાર દુષ્યંતે શકુડીને (શકુંતલાને) જોઈને જે સ્માઈલ આપ્યું હતું, એવું મોહક સ્માઈલ આપ્યું, પણ પેલી તો ગ્લુકોઝના બાટલા ચઢતા હોય, એવી ફિક્કી રહી. સ્માઈલ તો એની બા ય કોઈ દહાડો નહોતી આલતી, તે આ શું આલવાની હતી ? આને ૮-૧૦ નવાઈઓ લાગી, પણ એમાંથી યાદ એક જ રહી કે, એક પત્ની તરીકે વિશ્વમાં સૌથી વઘુ ખુશ થવાનું હોય તો વાઈફે થવું જોઈએ, એને બદલે આના મોંઢા બારે માસ ચઢેલા જ હોય ! વાઈફના ત્રાસથી કંટાળીને તો આ સ્યુસાઈડો કરવા નીકળ્યો હતો. બચીને ઘેર પાછા આવ્યા પછી આવીઓ પાસે તો રાખડી ય ના બંધાવાય !

પુરૂષ હોવા છતાં ઓફિસમાં પગ ભારે થઈ ગયા. આને જોઈને સ્ટાફ આનંદમાં આવી ગયો ને, ‘‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી...’’ જેવા ઉત્સાહથી બધા આની પાસે ભેગા થઈ ગયા. પટાવાળાથી માંડીને બધાએ પૂછવા માંડ્યુ, ‘‘બોસ... શું થયુંતું...?’’ એક તો વળી એવું પૂછવા આવી કે, ‘એ... તમને ધસમસતી ટ્રેન આવતી જોઈને બીક નહોતી લાગી...? હાય હાય... હું તો ક્રોસિંગ પર ઊભી ઊભી ય ફફડુ છું...કોઈએકે વળી ઘ્યાન દોર્યું કે, આત્મહત્યા કરવા કે ટ્રેનના પાટે સુઈ ગયો નહોતો, એમાં તો વળી દસ-દસની શરતો લાગી કે, પંખે લટક્યો હતો કે ટ્રેનના પાટે પડ્યોતો ?

આવતા વ્હેંત મેનેજરે આને ઓફિસમાં બોલાવ્યો, એના ટેન્શનમાં ડ્રોઅર જોરથી વસાઈ જતા એની ચારે આંગળીઓ ખચ્ચાક કરતી ડ્રોઅરમાં ભરાઈ ગઈ. પાછું ડ્રોઅર ખુલે નહિં. આપણે હોઈએ તો આપણે ય ચીસ આટલી મોટી જ પાડીએ, પણ ચીસ સાંભળીને સ્ટાફ ગેલમાં આવી ગયો કે, ‘‘બીજી વાર...?’’ બધી ઓફિસોના મેનેજરો જેવો આ ય જરા દોઢું હતો. એણે તો ખરખરો કરવાને બદલે, આને ઘેર ડિનર પર આવવાનું ઈન્વિટેશન આપ્યું. ‘‘આવજો ને... સાંજના સાથે જમીશું. મારી વાઈફ અને ડોટરને તમારા મોંઢે આખી સ્ટોરી સાંભળવી છે...! મધરે તમને ખાસ કહેવડાવ્યું છે કે, એમણે તો આજ સુધી આપઘાતમાંથી બચી ગયેલા કોઈને જોયો જ નથી...’’ (‘...નહિ બચેલાઓને કેવી રીતે જોયા હશે.એ સવાલ આને થયો ખરો !)

શોપિંગ મોલમાં વાઈફ સાથે નીકળ્યો હતો, ત્યાં આંગળી ચીંધી ચીંધીને લોકો આને બતાવવા માંડ્યા, ‘‘જો... પેલો આપઘાત કરતા બચી ગયો ને...? એ આ...!!’’ એ જ્યાં જાય ત્યાંથી શરમનું માર્યું નીકળી જવું પડતું. સ્કૂલના પ્રિન્સિપાલે એની છોકરીને બોલાવીને ધમકાવી, ‘‘તારી મમ્મી-ડેડીને કહે, આવું ફરી વાર ના થવું જોઈએ... અમારા બાળકો ઉપર ખરાબ સંસ્કાર પડે છે !’’ ઘેર કપડાં આપવા ધોબી આવ્યો, એ સાલો બસ... આની સામે જોઈને લુચ્ચું લુચ્ચું હસે રાખતો હતો. એક તો માંડ માંડ પત્યું હતું, એમાં છોકરીવાળા આવીને સગાઈ તોડી ગયા કે, આવું વારસામાં ઉતરે તો અમારી છોકરી વહેલી વિધવા થાય !

રોજ સાંજે અગાસીમાં પાણીની ટાંકી ઉપર જઈએ એ બેસે છે ને પોતાની જાતને પૂછે છે કે, ‘‘હું બચી ગયો, એ સારૂં થયું કે લટકી ગયો હોત... એ ???’’

સિક્સર
- સામાન્ય રીતે ક્રિકેટમાં ભારત હારે છે, ત્યારે છાપાવાળાઓ લખે છે, ‘‘ભારતની શરમજનક હાર.’’
- ‘‘ભારતનો શરમજનક વિજય...!’’ અફઘાનિસ્તાન સામેની મેચ જીત્યા પછીનું તારણ.

No comments: