Search This Blog

09/09/2012

ઍનકાઉન્ટર : 09-09-2012

1. અન્ના હજારેની રાજઘાટ પરની દોટથી મહાત્મા ગાંધીની દાંડીકૂચની યાદ આવે ?
- આવા ફાલતુ માણસની સરખામણી મહાત્મા ગાંધી જેવા પરમેશ્વર સાથે કદી ન થાય.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

2સ્ત્રી રસોડાની રાણી કહેવાય તો પુરૂષ ?
- અમારામાં પુરૂષો રસોડામાં જતા નથી... સીધા કપડાં ધોવાની ચોકડીમાં જ જાય છે. ચોકડીનું કાંઈ કામ હોય તો બોલો !
(જયેશ અંતાણી, ભાવનગર)

3ભગવાન જાણે છે કે, ચારેકોર અસત્યનો વિજય થઈ રહ્યો છે, છતાં એ પ્રગટ કેમ થતા નથી ?
- એમને મારા ઉપર પૂરો વિશ્વાસ છે.
(તસનીમ એફ. બારીયાવાલા, ઉમરેઠ)

4અનશન, આંદોલન, હડતાલ... આ બધું છતાં કેમ ઠેરના ઠેર... ?
- ઓહ કમ ઑન... હજી પૂરા બર્બાદ ક્યાં થયા છીએ ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

5. 'કૌન બનેગા કરોડપતિ'માં અમિતાભની જગ્યાએ તમને બેસાડે તો ?
- સદીના આ મહામાનવની જગ્યાએ એક માત્ર પરમેશ્વરને બાદ કરતા કોઈ શોભે એેમ નથી.
(વિસંજ એન. કાછીયા, વસો-નડિયાદ)

6સોનાનો ભાવ ૨૭-હજાર રૂપીયે તોલો થઈ ગયો છે, તો દીકરી-જમાઈને લગ્નમાં શું આપવું ?
- જમાઈ પાસેથી ઉધાર લઈને પાછું આપવું.
(અમિષા નીતિન સોમૈયા, મુંબઈ)

7ભક્ત તરીકે અનેક મંદિરો/દેરાસરોમાં જનાર શ્રેષ્ઠ કે એક જ મંદિર/દેરાસરમાં જનાર શ્રેષ્ઠ ?
- બીજા બધાની તો ખબર નથી... મારા માટે મારા મા-બાપથી મોટો કોઈ ભગવાન નથી.
(સિધ્ધાર્થ ઈલેશ ઝવેરી, મુંબઈ)

8જન્માષ્ટમી નિમિત્તે પ્રતિકાત્મક જુગાર રમતી સારા ઘરની સ્ત્રીઓને જૂનાગઢમાં પોલીસે પકડીને લોકઅપમાં પૂરી દીધી... આવી વ્યવસ્થા ત્રાસવાદીઓને પકડવા કમ નથી થતી ?
- પોલીસ આવી રેડ પાડે, એમાં એક લાખ ટકા કોઈ દાઝીલા અડોસપડોસમાંથી જ ફોન કર્યો હોય... બાકી જન્માષ્ટમીના મામલે ગુજરાતની પોલીસ ખૂબ લિબરલ છે, એની અમદાવાદ પૂરતી મને ખાત્રી છે.
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

9કહેવાય છે કે, છોકરાના લગ્ન કરાવી દો, એટલે સીધો થઈ જશે. તો શું લગ્નસંસ્થા પુરૂષોને સીધા કરવા માટે છે ?
- એની તો ઝાઝી ખબર નથી, પણ લગ્ન પછી ઘણી સ્ત્રીઓ બેશક આડી થઈ જાય છે !
(સુબોધ આર. નાણાવટી, રાજકોટ)

10. 'પહેલું દુઃખ બારણે તાડ, બીજું દુઃખ પડોસી લબાડ, ત્રીજું દુઃખ વાંહે ચાંદુ ને ચોથું દુઃખ બૈરૂં માંદુ...' સુઉં કિયો છો ?
- આવું આપણો પડોસી બોલતો હોય તો જાળવવાનું !
(અનિલ દેસાઈ, અમદાવાદ)

11. 'દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે', આવું કહેવા પાછળ સ્ત્રીઓનો કચકચીયો સ્વભાવ તો કારણભૂત નથી ને ?
- નેવર... ! ફક્ત નમાલાં ગોરધનોની સ્ત્રીઓ જ કચકચીયણ બનવાની હિંમત કરે છે.
(સાધના નાણાવટી, જામનગર)

12આપણી વધુ નજીક કોણ કહેવાય ? આંસુ પોંછનારા કે આંસુ દેનારા...
- ઢીલા માણસો માટે આ જગતમાં કોઈ જગ્યા નથી.
(ડી.વાય. ઝવેરી, જામનગર)

13૨૫-પૈસાના સિક્કાને ચલણમાંથી હટાવવાનું કારણ શું ?
- ઓ ભાઈ... અત્યારે નશો રૂ. ૨૦-લાખ કરોડના કોલસાનો છે... ત્યાં પાવલી-ફાવલી શું કરો છો ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

14. 'જીવતા જાણે નહિ, પણ મૂઆ પછી ધડાપીટ.' એનું કારણ શું ?
- આપણે બે ને પરિચય થઈ ગયો છે... ચિંતા નોટ !
(બ્ર.કુ. કિશોર મહેતા, ધોરાજી)

15. 'પહેલું સુખ તે મૂંગી નાર'. સાચું ?
- સામે ચાલીને આજ સુધી કોઈ મૂક-બધિરને પૈણવા ગયું સાંભળ્યું ?
(ભરત ડી. સાંખલા, ડિસા)

16ગ્રાન્ડ-ચિલ્ડ્રનને અનુલક્ષીને કહેવાતું હોય છે, 'મૂડી કરતા વ્યાજ વહાલુ... ?'
- આ કોઈ ભેજાગેપ સાહિત્યકારની ઊપજ છે... મૂડી હતી તો વ્યાજ આવ્યું ને ?
(સ્મિતા શૈલેષ કોઠારી, મુંબઈ)

17મારી પાસે ૧, , , ૧૦, ૨૦ અને ૨૫-પૈસાના સિક્કા પડયા છે. હવે મારે એનું શું કરવું ?
- ૧૦-૨૦ વર્ષ સાચવી રાખશો તો એના હજારો રૂપિયા આપનારૂં મળી રહેશે.
(છાયા આશિત કોટક, મુંબઈ)

18આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન કોઈપણ સ્વરૂપે ચમકી ઉઠે છે, તેનું કારણ શું ?
- એમણે પોતે પોતાને ખબર પડવા નથી દીધી કે, 'અમિતાભ બચ્ચન' છે... !
(રિદ્ધિ રમેશ ઠક્કર, મુંબઈ)

19રાજા, વાજાં અને વાંદરા... ત્રણેની એક સરખી સરખામણી કેમ થતી ?
- લક્ષણનાં ધોરણે.
----

20પુત્ર માટે પિતા જાહેરાત આપે છે કે, 'મારો પુત્ર મારા કહ્યામાં નથી.' આવી જાહેરાત પત્ની માટે કેમ નથી અપાતી ?
- પુત્રી તો કોકકોક વળી કહ્યાં હોય ----
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

21દાદુ, આપને આપના નામ કરતાં 'દાદુ' તરીકે લોકો વધુ ઓળખે, એનું કારણ શું ?
– ––––––
(રૂપાન્દે શાહ, અમદાવાદ)

22આપણાં વડાપ્રધાન કહે છે કે, તેઓ મજબુર છે ને ભ્રષ્ટાચાર રોકી શકતા નથી... મતલબ ?
- મજબુર આપણે છીએ કે, એમનો ભ્રષ્ટાચાર આપણે રોકી શકતા નથી.
(મોહનિશ વસાવડા, ભાવનગર)

23કંસ અને રાવણ વચ્ચે કેટલો તફાવત ?
- મનમોહન અને અડવાણી જેટલો.
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

24સ્ત્રીએ પુરૂષ સમોવડી બનવા શું કરવું જોઈએ ?
- એની બાજુમાં પાટલા ઉપર ઊભા રહેવું જોઈએ.
(જવનિકા ઉમેશ ખેર, વડોદરા)

25મારી ક્ષીણ થતી યાદશક્તિને મારી પત્ની સુખની નિશાની નથી માનતી. (અમારે પડોસમાં ઘર બંધ છે.)
- (વાચક મિત્રો, આવો ઉમદા સવાલ પૂછનાર ભાઈ શ્રી નયન ભટ્ટનું ખૂબ નાની ઉમરે અવસાન થયું છે. પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે.)
(સ્વ. નયન ભટ્ટ, મુંબઈ)

1 comment:

Bunty Gandhi said...

અન્ના હજારે ને એકદમ જ ફાલતુ ના કહી શકાય સાહેબ !!

અને હા તમારો આભાર "આજ કિ રાત બડી શોખ બડી નટખટ હે" જેવા ઓલટાઇમ અન્ડર રેટેડ સોન્ગ ને હાલ ના જ એક લેખ દ્વારા અમારા જેવા ના ધ્યાન માં લાવવા બદલ !!

તમારો એક નિયમીત વાંચક !!