ફિલ્મ : ઓપેરા હાઉસ (’૬૧)
નિર્માતા : એ. જી. નડિયાદવાલા
સંગીત : ચિત્રગુપ્ત
ગીતો : મજરૂહ સુલતાનપુરી
થીયેટર : લાઇટ હાઉસ- (અમદાવાદ)
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ
કલાકારોઃ બી. સરોજાદેવી, અજીત, કે. એન. સિંઘ, મારૂતિ, નિરંજન શર્મા, લલિતા
પવાર, બાલમ, એસ. એન. બેનર્જી, બેલા બોઝ, મુમતાઝ
બેગમ, મિર્ઝા મુશર્રફ, મુન્શી
મુનક્કા, જ્હોની વ્હિસ્કી.
ગીતો
૧. રસ્તે મેં તેરે કબ સે હૈ ખડે, અજી લેલો
સલામ ગરીબોં કા લતા- રફી
૨. દેખો મૌસમ ક્યા બહાર હૈ, સારા આલમ
બેકરાર હૈ લતા- મૂકેશ
૩. સૈંયા હાય હાય હાય તેરે ગાંવ મેં બિછુઆ ડંખ માર ગયા લતા- કોરસ
૪. બલમા માને ના, બૈરી ચૂપ
ના રહે, લાગી મન કી કહે લતા મંગેશકર
૫. અલીબાબા અલીબાબા, સબા ઉન
સે કહે દેના, કિ અબ તક રફી અને સ્ત્રી કંઠ
૬. ન મિલતે હમ તો કહો તુમ કીધર ગયે હોતે, તુમ્હારે
પ્યાર મેં લતા- મૂકેશ
૭. સોના ના, સિતારો
કા કહેના, ખ્વાબો કે અંધેરે મેં લત મંગેશકર
આ તો આજકાલ વળી અમદાવાદની ક્લબોવાળા ‘હાઉસી-
હાઉસી’ લઈ મંડ્યા છે, બાકી
આપણા ફિલ્મવાળાએ તો એમની હાઉસી પચ્ચા વરસ પહેલા શરુ કરી દીધી હતી. ’૬૦ના દાયકાની ફિલ્મોના નામો જુઓ, ‘ઓપેરા
હાઉસ’, ‘ગેસ્ટ હાઉસ’, ‘ટાવર
હાઉસ’, ‘લાઇટ હાઉસ...’ અને એ ય
એમાંની પાછી ‘ટાવર હાઉસ’ને આ ‘ઓપેરા હાઉસ’ જેવી
ફિલ્મો આવે અમદાવાદના લાઇટ-હાઉસ થીયેટરમાં.
એ વાત જુદી છે કે, આ
દાયકામાં ક્રાઇમની વાર્તાઓ વટાવી ખાવામાં ફિલ્મોના આવા ભેદી નામો રાખવામાં આવતા, પણ એમાંની એકે ય ફિલ્મમાં દમ-ફમ કંઈ ન મળે. આપણી મસ્તી એ તમામ
ફિલ્મોના ઝૂમઝૂમ કરતા ગીતોમાં. એમાં તો નવું કાંઈ કહેવું જ પડે એમ નથી કે, ફિલ્મો ગમે તેવી હોય, ગીતો
બાદશાહી હતા. ઇવન, આજની આપણી ફિલ્મ ‘ઓપેરા હાઉસ’ના હીરો-
હીરી કોણ હતા કે સંગીતકાર કોણ હતા, એ ભૂલી
ગયા હોઈએ, પણ એના ગીતો, ‘બલમા ન
માને ના બૈરી ચૂપ ન રહે, લાગી મન
કી કહે..’ પછી બીજું - અરે ભ’ઇ, બધા ગીતો બાજુના ચોકઠામાં વાંચી લો ને, મારી
પાસે ડબલ મજૂરી શું કામ કરાવો છો ?
ચિત્રગુપ્ત આપણા સૌથી વઘુ અન્ડરરેટેડ સંગીતકાર ! રફી સાહેબના ગીતો કે
કોઈના પણ યુગલ ગીતોમાં કેટલા સંગીતકારોએ ચિત્રગુપ્ત જેટલા મોર માર્યા છે ? પણ પોતાનો જેમ આમને ય ન આવડ્યો. એટલે મહાન સંગીતકારોના લિસ્ટમાં આ
લોકોના નામો ક્યાંય દેખાય નહિ. ત્રિપાઠી તો પાછા ચિત્રગુપ્તના ય ગુરૂ. મતલબ
ત્રિપાઠીના આસિસ્ટન્ટ સંગીતકાર તરીકે ચિત્રગુપ્તે અનેક ફિલ્મોમાં કામ કર્યું. તો
ચિત્રગુપ્તના આસિસ્ટન્ટ તરીકે આપણા ગુજરાતના ગૌરવસમા ગાયક- સંગીતકાર સ્વ. દિલીપ
ધોળકિયા (‘તારી આંખનો અફીણી...’)એ કામ
કર્યું. અલબત્ત, એક સંગીતકાર બીજા મોટા સંગીતકારને આસિસ્ટ કરતા હોય, એટલે પેલા આના ગુરૂ થઈ ગયા, એવા
નાનકડા ભ્રમમાં ય ન રહેવું. દિલીપભાઈએ તો લક્ષ્મીકાંત- પ્યારેલાલના સહાયક તરીકે ય
કામ કર્યું છે, પણ એ બન્ને સંગીતકારો દિલીપભાઈને ‘ઓલમોસ્ટ’ ગુરૂ જેવું માન આપતા.
ચિત્રગુપ્ત અને રફી સાહેબની દોસ્તી અજરામર હોવાનું સંગીત સિવાયનું
કોમન કારણ બન્નેને પતંગનો ભારે શોખ. ઉત્તરાયણ હોય કે ના હોય, દુનિયાભરમાં કોઈ પતંગ ચગાવતું હોય કે ન હોય, આ બન્ને
વગર ઉતરાયણે ય ધાબે પતંગ ચઢાવવા જવાના જ. હવે થોડા ગેલમાં આવી જાઓ. પોતાનો પતંગ
કપાય કે તૂટી જાય ત્યારે રફી નાના બાળકો જેવા જ ભોળુડા થઈને ઢીલા થઈ જતા અને કોઈનો
પતંગ કાપે ત્યારે આપણા ...કાટાઆઆઆ....! લપેટ, ભાઇ લપટે, !’’ યાદ કરો ફિલ્મ ‘નયા દૌર’ના ‘માંગ કે સાથ તુમ્હારા’ ગીતના અંતે જેવી જ બૂમો પાડતા, ‘‘એ’’ રફી સાહેબ ઉતરાયણ જેવી જ બૂમો પાડે છે... મતલબ, આજુબાજુના ધાબાવાળાઓ તો ઇચ્છતા હશે ને કે, સાહેબ
કોઈનો બીજો એક પતંગ કાપે તો એમની આ વર્લ્ડ ફેમસ બૂમો ફરી એકવાર સાંભળવા મળે.
યોગાનુયોગ, ચિત્રગુપ્તનું અવસાન પણ ઉતરાયણના દિવસે ૧૪મી જાન્યુઆરી, ૧૯૯૧એ થયું. એ ફિલ્મોમાં આવ્યા ત્યારે પોતાની ડિગ્રી નામની સાથે
લખાવતા, ‘ચિત્રગુપ્ત, એમ.એ.’ બિહારના આ પુત્રની અટક અમિતાભ બચ્ચનની જેમ જ, ‘શ્રીવાસ્તવ’ હતી. ફિલ્મ ‘કયામત સે
કયામત’ના સંગીતકારો આનંદ- મિલિન્દ ચિત્રગુપ્તના પુત્રોને ય પપ્પાની જેમ માલ
વેચતા ન આવડ્યો અને આજે એ બન્ને ય ગુમનામીમાં છે.
ફિલ્મ ‘ઓપેરા હાઉસ’નો હીરો અજીત કોઈ ફિલ્મમાં ‘હીરો’ હોય, એ વાત જાણીને હસવું પછી આવે, ખુન્નસ પહેલા ચઢે. હીરોમાં ચાલી જાય એવી એકે ય કમાલ ભ’ઇમાં ન હોવા છતાં, ઘણી નહિ
તો થોડી ફિલ્મોમાં એ હીરો તરીકે આવ્યો. ઇવન, આ
ફિલ્મમાં જોશો તો તમાકુના ડાઘાવાળા એના ગંદા દાંત હોવા છતાં, આ ફિલ્મની ઘૂંઆધાર ‘બકસમ
બ્યુટી’ બી. સરોજાદેવી સાથેનું ગીતડું ‘તુમ સે
કુછ કહના હૈ, ગર તુમ કુછ કહને દો...’ ગાય, એ પરમિશન પોતાના દાંતના ડરને કારણે માંગવી પડી હોય. મૂળ હમિદખાન
નામનો આ પઠાણ હીરો તરીકે સહેજ પણ ન ચાલ્યો, પણ
વૈજયંતિ- રાજેન્દ્રવાળી ફિલ્મ ‘સૂરજ’માં પુનરાગમન કરીને વિલન તરીકે આવ્યો, એમાં એ
ચાલી ગયો, એ બતાવે છે ભારતના પ્રેક્ષકોને, કોને
ક્યાં ચલાવવા એની ખબર પડે છે. વિલન અજીત એટલો બધો ચાલ્યો કે આજે જેમ રજનીકાંતની
જોક્સ ચાલે છે એમ એ જમાનામાં અજીતની જોક્સ- ખાસ કરીને મોના ડાર્લિંગવાળી બહુ
ચાલતી.
બી. સરોજાદેવીનો ‘બી’ એટલે ‘ભઇરપ્પા’ જે એના એક જમાનાના પોલીસ અધિકારી ફાધરનું નામ છે. સરોજાદેવીનું
સાઉથમાં (કન્નડા)માં આજે ય ઊંચુ નામ છે. સરકારે પહેલા એને ‘પદ્મશ્રી’ અને પછી ‘પદ્મભૂષણ’ બનાવી
હતી. શમ્મી કપૂરની ફિલ્મ ‘પ્યાર
કિયા તો ડરના ક્યા’ના ‘જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ’માં
બેમિસાલ હુસ્ન આ બહેનનું. શમ્મી સાથે છેલ્લે છેલ્લે ‘પ્રીત ન
જાને રીત’માં ય એ ખરી. હિંદી ફિલ્મોમાં રાજેન્દ્રકુમાર સાથે ‘સસુરાલ’ અને ભારતભૂષણ સાથે ‘દૂજ કા ચાંદ’ (‘ચાંદ
તકતા હૈ ઇધર, આઓ કહીં છૂપ જાએ’) સુનિલ
દત્ત સાથે ‘બેટી બેટે’ (‘આજકલ મૈં
ઢલ ગયા’)ને બાદ કરતા હિન્દી ફિલ્મનગરીનો એને અનુભવ બહુ સારો નહીં થયો હોય.
‘ઓપેરા હાઉસ’નો
ખુંખાર વિલન કે. એન. સિંઘ દાદુ માણસ હતો. એને ફિલ્મમાં વિલન તરીકે જોવાની ગમ્મત
પડતી. પર્સનાલિટી ડરી જવાય એવી. આંખોના પટ્ટા દર બીજી સેકંડે આઘાપાછા થયે રાખે, એમાં બે સંવાદો ઓછા બોલે, તો ય
ચાલી જાય. દરેક ફિલ્મમાં એનું મુખ્ય કામ હીરો- હીરોઇનની ઓખાત બગાડી નાખવાનું અને ‘ઓપેરા હાઉસ’માં ય એ
પરંપરા તોડતો નથી. સરોજ મઘ્યમ વર્ગની છોકરી આજીવિકા માટે ડાન્સર તરીકે નિરંજન
શર્માની નાટક કંપનીમાં જોબ કરે છે. એનો છેલબટાઉ છોકરો અજીત છોકરીઓ પાછળ પાગલ છે, એમાં સરોજ મળી જાય છે. કે.એન. સિંઘ આ નિરંજન શર્માને હેરાન કરતો રહે
છે, પણ તે પહેલા બીજી નાટક કંપનીના માલિક એસ. એન. બેનર્જી વચમાં આવી જતાં, એનું ખૂન કરી નાંખે છે. આ ખૂન થતું સરોજ જોઈ જાય છે, એટલે કાકા એની પાછળ પડે છે. છેલ્લે, આપણામાંથી
તોકોઈના ઉપર અજીતને વિશ્વાસ ન હોય, એટલે
સરોજને એ બચાવી લે છે.
એ વખતની ફિલ્મોમાં હીરોલોગના કપડાં ય એક જ ટાઇપના હતા. આજની પેઢીએ તો
જર્કીન નામનો શબ્દ ય ન સાંભળ્યો હોય, પણ હીરો
જર્કીન બહુ પહેરતા. જર્કીન મોટા ભાગે ચામડાનું હોય અને બાંયો વગરનું હોય, પણ ફેશન સ્વીકૃત થવા માંડી, પછી આખી
બાંયવાળાને પણ જર્કીન કહેવા માંડ્યુ. માથામાં નાખવાના હેર-સ્પ્રે ઝાઝા ચલણમાં
નહોતા આવ્યા એટલે હીરોલોગ આઉટડોર શુટિગમાં વાળ ઉડી ન જાય એટલે માથામાં ખચાખચ તેલો
નાંખતા. અજીત તો ડોસો થયા પછી ય નાંખતો. અલબત્ત, તેલ
નાખવાથી લાઇટના રીફ્લેક્શનના કારણે ચમકીલા વાળ સફેદ દેખાય નહિ, એટલે ઇનડોર શુટિંગમાં હીરો માથું કોરું રાખે. અમને યાદ છે, રવિવારે આખું ભારત કોરૂં માથું રાખે. છોકરીઓ રોજ કરતા જુદી લાગે.
આજની છોકરીઓ તો કદાચ કલાકે કલાકે નહાઇને શેમ્પા-ફેમ્પા કરતી હશે, પણ એ જમાનામાં રવિવાર સિવાય કોઈ માથું ન ઘૂએ... ખાસ કરીને સ્ત્રીઓ.
રવિવાર સિવાય અમે માથુ કોરું રાખ્યું હોય તો ફાધર તરત સિક્સર મારતા, ‘કેમ બેટા, તમારી
જાતને શશીકપૂર સમજો છો ?’ ’૬૦ના
દાયકામાં ફિલ્મોની હેરસ્ટાઇલ્સ ઘણી ફાલતુ અને ક્યારેક તો ચીતરી ચઢે એવી હતી, જેમ કે અહીં સરોજાદેવી બે ચોટલા રાખે છે, એમાં
પાંથી કપાળની વચ્ચેથી સીધી પાછળ બોચી સુધી જતી હોય, એ આપણે
જોવી પડે છે. આશા ભોંસલે અને લતા મંગેશકરમાં લતા તો આજે ય એવી ગોબરા ગોબરા ચોટલા
રાખે છે. આશા હમણાં હમણાં છેલ્લા દસેક વર્ષથી સુધરી છે અને આજે ૭૫-પ્લસની ઉંમરે પણ
હીરોઇનો જેવી હેરસ્ટાઇલ કરે છે ને સારી ય લાગે છે. ‘ઓપેરા
હાઉસ’ ફિલ્મ વિશે ઝાઝી વાતો કરવામાં બહુ ઇન્ટરેસ્ટ પડે એમ નથી, પણ એના દિગ્દર્શક (પ્યારેલાલ) પી.એલ. સંતોષી વિશે જાણવું ગમે એવું
છે. ‘૪૦ના દાયકાનો આ સર્જક ઘણો ટેલેન્ટેડ હતો. એ જેમાં હાથ નાંખે એનું
સોનું થઈ જતું. એણે નિર્માણ કે દિગ્દર્શિત કરેલી તમામ ફિલ્મો એટલી હદે સુપરહીટ જતી
કે પૈસા એ પાવડાં ઉલેચી ઉલેચીને કમાયો, પણ ભરાઈ
ગયો રેહાના નામની હીરોઇનના ફંદામાં. આપણા કોમેડયન મેહમૂદને ડ્રાયવરની નોકરી આપીને
સંતોષીએ રેહાના માટે (એ જમાનામાં) અલગ ગાડી અને ચર્ચગેટ પર શાનદાર ફ્લેટ લઈ
આપ્યો. થોડી ય ઉતાવળ કર્યા વિના એ ગણજો કે સંતોષી એ જમાનામાં હોટેલના વેઇટરને ખાલી
ટીપમાં જ રૂા. ૧૦૦/- આપતો... રેહાનાને ખુશ કરવા. ‘સન એન્ડ
સેન્ડ’ જેવી ફાઇવ સ્ટાર હોટેલમાં એક જણના જમવાનું મેક્સિમમ બિલ રૂા. ૩ કે ૪
આવે, ત્યારે સો રૂપિયાની ટીપનો મતલબ સમજાય છે ? રેહાના
અત્યંત લુચ્ચી અને ખરાબ ચરિત્રની હતી, તે
મેહમૂદ સંતોષીને સમજાય સમજાય કરતો હોવા છતાં ડોહામાં અક્કલ નહોતી આવતી, તે એટલે સુધી કે સંતોષીને એક ફિલ્મમાં રેહાનાએ ઘરેણા પહેરવાના હતા.
ઇવન આજે પણ હીરોઇનોના ઘરેણાં કાં તો નકલી અને કાં તો સવારથી સાંજ સુધીના તોતિંગ
ભાડા મુજબ હોય છે, ત્યારે રેહાનાએ જીદ કરી કે
હું તો અસલી સોનાના ઘરેણાં જ પહેરીશ. સૅક્સના આવેગમાં ડોહા બીજું કંઈ જોઈ શકતા
નહોતા. ને અસલી ઘરેણાં શુટિંગ માટે પહેરાવ્યા, એ બધા
લઈને રેહાના ઉડન-છૂ થઈ ગઈ. (એ કેટલી કિંમતના ઘરેણાં હળશે, એ હવે
તમારી ગણતરીઓ પર છોડી દઉં છું.) ચારેકોર તપાસો શરુ થઈ ને ચોથા દિવસે રેહાના ખુદ
પાછી આવી ઘરેણાં વગર... પહેલીવાર ચિંતાગ્રસ્ત અને ગુસ્સામાં આવી ગયેલા સંતોષીના
ગાલે સ્માઇલ સાથે હાથ ફેરવીને રેહાનાએ એટલું જ કીઘું, ‘ગામ ગઈ’તી... મમ્મીને ઘરેણાં ખૂબ ગમી ગયા એટલે રાખી લીધા...!’
ડોહા એક હરફ ઉચ્ચારી ન શક્યા પણ એ જ દિવસથી પડતી શરુ થઈ ગઈ. સંતોષીની
એક પછી એક તમામ ફિલ્મો ફ્લોપ જવા માંડી. નિર્માતાઓ એને દૂર રાખવા માંડ્યા. પૈસો
વાપરતા જ આવડ્યો નહોતો, એટલે
બચાવતા તો ક્યાંથી આવડ્યો હોય... ? એ જ
સંતોષી તાડદેવના બસ સ્ટોપની લાઇનમાં ઉભા હતા ને હવે કરોડપતિ થઈ ગયેલા જૂના ડ્રાઇવર
મેહમૂદની ગાડી નીકળી, નજર પડી એટલે મેહમૂદે પૂરી
અદબ સાથે ગાડી રોકી અને પોતાની ગાડીમાં બેસાડી દીધા.
તબકકો એવો આવ્યો કે, ખાવાના
પૈસા ન રહ્યા, છેવટે યાદ આવ્યું કે, ચર્ચગેટ
પર રેહાનાને લઈ આપેલો ફ્લેટ તો પોતાનો છે. સંતોષી રાત્રે ફ્લેટ પર ગયા. રેહાનાએ
દરવાજો જ ન ખોલ્યો ને ઉપરથી કહી દીઘું, ‘ચલો
હટો... યહાં ભીખમંગો કા ક્યા કામ હૈ...’ એકવાર
દરવાજો ખોલવાની આજીજી પણ રેહાનાએ ન સ્વીકારી, સંતોષી
દરવાજા સામેના દાદર ઉપર જ આખી રાત પડ્યા રહ્યા ને એમાં પેલું ગીત લખાયું, ‘તુમ ક્યા જાનો, તુમ્હારી
યાદ મેં હમ કિતના રોયે, રૈન
ગુજારી તારે ગીનગીન. ચૈન સે જબ તુમ સોયે.. હમ કિતના રોયે...’ આજના સફળ દિગ્દર્શક રાજકુમાર સંતોષી એમનો પુત્ર થાય અને યાદ હોય તો આ
દીકરો પણ પપ્પાના નકશે કદમ પર ચાલીને મીનાક્ષી શેષાદ્રી પાછળ એવો જ પાગલ થયો...
ફરક રેહાના અને મીનાક્ષી વચ્ચે એ હતો કે આ તો સંસ્કારી છોકરી હતી. રાજકુમારને ના
પાડવા સિવાય બીજું કોઈ નુકસાન ન કરાવ્યું. બાય ધ વે, અમિતાભ
બચ્ચન અને ચિત્રગુપ્તની જેમ આ સંતોષીને અટક પણ શ્રીવાસ્તવ હતી. સંતોષી તો ઉપનામ
હતું. એમણે દિગ્દર્શિત કરેલી કેટલી બધી ફિલ્મો સફળ છે, જ તમે
જોઈ છે, એ જાણવું છે ? રાજ
કપૂરની ‘દિલ હી તો હૈ’, મઘુબાલાવાળી
‘બરસાત કી રાત’ કવ્વાલીઓની
રમઝટવાળી ફિલ્મ ‘કવ્વાલી કી રાત’ અને આ ‘તુમ ક્યા જાનો...’વાળી ફિલ્મ ‘શીન
શીનાકી બૂબલા બૂ’
No comments:
Post a Comment