Search This Blog

31/10/2012

...ને આખરે, ટારઝન કવિ બન્યો!

આ વખતે પોતાના લમણે હાથ દઈને ટારઝન જંગલમાં લીમડાના ઝાડ નીચે બેઠો છે. નૉર્મલી તો, એને જરા આડે પડખે થવું હોય તો એનાકોન્ડાનો ઉપયોગ એ ઓશિકા તરીકે કરતો.

એ ગુજરાતી મીડિયમમાં ભણ્યો હતો, પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણેલા જંગલી જનાવરો વચ્ચે નામ બદલીને સ્ટાઈલો મારવા જ, મૂળ નામ 'તરૂણ'માંથી ટારઝન કરાવી નાંખ્યું હતું. આ મહાન શક્તિશાળી જંગલબોય જંગલમાં ઉછર્યો હોવા છતાં સહેજ બી જંગલી થઈ ગયો નહતો. એનું કદાવર અને માંસલ બોડી ફેન્ટમ કે સ્પાઈડર મેન કરતા વધુ વિકસેલું હતું. બ્રુસલી એના ફેમસ છ-ઈંચના પંચથી જીવલેણ મુક્કો મારી શકતો, ત્યારે ટારઝન દુશ્મનને 'ખારેકચંદ' ગુટખાનું ફક્ત એક જ પેકેટ ખવડાવી દેતો ને દુશ્મન પતી જતો. એની પેલી ફેમસ ચીસથી જંગલ આખું ધ્રુજી ઉઠતું. રોજ પરોઢિયે વહેલા ઉઠીને મીઠાના પાણીના કોગળા કરવાથી તે આવી ચીસો પાડી શકતો. ઉત્તર ગુજરાતમાંથી ઉઘરાવી લાવેલી એની પત્ની જૅઈનની ચીસો સામે ટકી રહેવા ટારઝન પ્રચંડ ચીસોની નોંધારી પ્રેક્ટિસ કરતો.

આજે એ ઢીલો પડી ગયો હતો. શક્તિ માટે એ ચ્યવનપ્રાશ ખાતો, એમાં કાંકરી આવી જતા સવારથી દાંતનો દુઃખાવો ઉપડયો હતો. વાઈફ જેઈને ટારઝનને ખાસ ભાવતી કિંગ કોબ્રાના ઈંડાની ઑમલેટ બનાવી આપી હતી. એ ઈંડા નકલી હોવાથી ટારઝનના પેટમાં 'ના કહેવાય, ના સહેવાય' બ્રાન્ડની ગરબડો શરૂ થઈ હતી. પેટ્રોલ મોંઘુ હોવાથી ગાડી વાપરવાને બદલે ટારઝન ઝાડે-ઝાડે લટકવા 'વૉલમાર્ટ'ના દોરડાં વાપરતો, પણ બબ્બે વખત ચાલુ કૂદકે દોરડું તૂટી ગયું હતું, એમાં પગમાં ત્રણ, બગલમાં એક અને દાઢી ઉપર બબ્બે ફ્રૅક્ચર આયા'તા, ત્યારથી એ જંગલમાં કાં તો ચાલવાનો આગ્રહ રાખતો ને કાં તો મીટર મુજબ હાથી કરી લેતો. એ તો સહુને યાદ છે કે, ટારઝન હંમેશા વાઘની ચામડીમાંથી બનાવેલા સૅલ્ફ-જાંગીયા વાપરવાનો આગ્રહ રાખતો, પણ હાલમાં 'ટાયગર બચાવો' આંદોલન ચાલુ હોવાથી જાંગીયાનું માર્કેટ ડાઉન હતું. એમને એમ તો ફરાય નહિ, માટે એ કેળના પાંદડામાંથી બનેલા જાંગીયા પહેરતો... અલબત્ત, જંગલના જે ખૂણામાં બકરીઓની વસ્તી વધારે હોય ત્યાં એ જઈ શકતો નહતો.

ટારઝન શક્તિવર્ધક દવાઓ બહુ ખાતો, એમાં તો કહે છે કે, એક વખત ગુસ્સામાં આવીને એણે એક જ ટાઈમે બે સિંહોના જડબા કેવળ પોતાના હાથોથી ફાડી નાંખ્યા હતા.

પણ જંગલના દેસી મચ્છરો સામે એ અકળાઈ ઉઠતો, કારણ કે, મચ્છરનાં જડબાં કદી ફાડી શકાતા નથી. એ વાત જુદી છે કે, ડેન્ગ્યુ તાવની આ મૌસમમાં ટારઝન મગર કે અજગર કરતા મચ્છરથી વધુ ડરતો. એક કિંગ-કોબ્રા ટારઝનને કરડયો... પાંચ દિવસ સુધી સહેવાય નહિ એવી વેદનાઓ પછી 'કોબ્રો' મરી ગયો!

'ટારઝન ડાર્લિંગ, આજે હવારથી તીં કોંય ગળચ્યૂં નહિ...! ગરમાગરમ સસલાંનો શીરો બનાઈ આલું?' ઉત્તર ગુજરાતમાં નોંધાવેલી ને અમદાવાદમાં છોડાવેલી પ્રેમાળ પત્ની જૅઈને પાંદડાના સોફા ઉપર સૂતેલા ટારઝનના ગાલે ગરમ ઈંટનો શેક કરતા પૂછી જોયું. જંગલમાં નવી ગાડીઓની માફક વાઈફો ય નોંધાવવી પડે! સુઉં કિયો છો? (જવાબઃ અમે નોંધાવી છે તે અમને પૂછો છો...? દવે સાહેબ, હવે તમે પંખો ચાલુ કરો... જવાબ પૂરો!)

'ઓહ નો, જૅઈન... જસ્ટ લીવ મી અલોન! મારે કાંઈ ખાવું-પીવું નથી.'

'ટારૂ... ઓમ ખાધા-પીધા વન્યા તો ચેટલા દહાડા ચાલશે?'

'પીધા...? ઓહ જૅઈન, જરા જો ને ઝાડ ઉપર કાંઈ પડયું-બડયું છે? એકાદી બોટલ હોય તો...'

'આ તને હું થઈ જ્યું છઅ, ટારૂ? ઓણ તો તું છાશ પણ મિનરલ વોટરવાળી પીતો... આજે દારૂ ય દેસી...?'

'પહેલા સમું તરસનું એ ધોરણ નથી રહ્યું, પાણી મળે તો ય હવે પી જવાય છે!'

આખરે ટારઝનને ય પોતાનું પેટ ભરવાનું હતું. જંગલમાં રહીને ખાધે-પીધે એ જંગલી જેવો થઈ ગયો હતો. જંગલમાં જે કાંઈ ખાવાનું મળે, એ અંગુઠા-આંગળીઓથી નહિ, બન્ને મુઠ્ઠીમાં દબાઈ દબાઈને ખાતો હોવાથી એ કદી આઈસક્રીમ ન ખાઈ શકતો. રોજ નકરા પાંદડા અને કાચા-પાકાં ફ્રૂટ્સ ખઈ-ખઈને હોજરી ના બગડે? આ તો અત્યારે આપણી પ્રજા નસીબદાર છે કે, ડેરીનું પેશ્ચ્યુરાઈઝડ દૂધ મળે છે. ગાય-ભેંસનું સીધેસીધું દૂધ પીવાનું હોત તો, રખડતી ગાયોએ જે કાંઈ સડેલું ખાધું હોય, એનું રોગિસ્ટ દૂધ આપણે પીતા હોત.

ટારઝનનો આ જ પ્રોબ્લેમ હતો. દૂધ પીવા એણે સીધા ગાયના આંચળને બચકાં ભરવા બેસી જવું પડતું. એ દૂધ કાંઈ ચોખ્ખું ના હોય! જંગલભરના બળદીયાઓ ટારઝન પર બહુ ગીન્નાયા હતા. મૂંગી અને નિઃસહાય ગાયો ઉપર માનવજાતિનું આ 'અડપલું' ગણાયું. લીમડાના ઝાડ નીચે એક શિક્ષિત ગાયે તો મોંઢા પર સંભળાવી દીધું, 'તારા ઝાડ ઉપર ભેંસ-બકરી નથી?' (માર્ગદર્શનઃ આપણે ત્યાં વપરાતી, 'તારા ઘરમાં માં-બહેન નથી?' કહેવતનો સીધો જંગલી અનુવાદ માર્ગદર્શન પૂરું)

વિકલ્પ કોઈ હતો નહિ એટલે ખુદ બળદીયાઓ અને આખલાઓ પણ ગાયોને છોડીને કોથળીના દૂધો પીવા માંડયા હતા. એ લોકોને ટારઝન કોંગ્રેસના પ્રધાન સલમાન ખુર્શિદ જેવો લાગ્યો હતો કે, લાચાર લોકોનું ય એ ખઈ-પી જાય છે.

ઈન ફૅક્ટ, ટારઝન પાસે હાલમાં આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. એનું કદાવર અને સ્નાયુબદ્ધ શરીર જોઈને શહેરના કોઈ 'જીમ'માં એને નોકરી મળી જશે, એવી શ્રદ્ધા હતી, પણ એને તો હુક્કાબારમાં 'બાઉન્સર'ની જૉબ મળતી'તી, એ કાંઈ લેવાય...? અડધી જિંદગી આટઆટલી કસરતો કરીને દેવોને શરમાવે એવું બોડી બનાવ્યા પછી, નોકરો 'બાઉન્સર'નો કરવાનો? આખરે તો વૉચમેન જ ને?

સતત સાત વર્ષથી ટારઝને જાળવી રાખેલું 'મિસ્ટર જંગલી યુનિવર્સ'નું ટાઈટલ, એનો ડ્રગ્સ-ટેસ્ટ પૉઝિટીવ આવતા આંચકી લેવામાં આવ્યું હતું. એ જંગલ ઓલિમ્પિક્સમાં જઈ આવ્યો. 'હાઈ-જમ્પની પ્રેક્ટિસમાં તો એ, તાડના ઝાડ સુધી ઊંચા કૂદકા મારતો. જંગલના ઝરણાઓ ઉપરથી કૂદી કૂદીને 'લોંગ-જમ્પો'શીખ્યો હતો. પૉલ-વૉલ્ટમાં એ બધાનો બાપ થાય એવો હતો કારણ કે, દોરડે-દોરડે રોજ લટકવાનું નહિ? જે માણસ ગેન્ડાની બોચી પકડીને કાચી સેન્કડમાં ઉલાળી મૂક્તો, એ ટારઝન પાસમાં ઘુસ્યો હશે, એવું સમજીને સ્ટેડિયમના વોચમેને થપ્પડ મારીને ખૂણામાં બેસાડી દીધો. 'ઊભો થઈશ તો અંગૂઠા પકડાઈશ...!' એવું વોચમેનથી ના ધમકાવાય... છોકરું ગભરાઈ જાય!

દસે દિશાઓથી હારેલો ટારઝન જંગલમાં પાછો આવ્યો.

'ટારૂ... આજ આટલું મોડું ચીમનું થયું? કોંય પત્યું? આઈ મીન... નોકરી-બોકરી...?' પડી ગયેલા મોંઢે ટારઝને ના પાડી, એમાં તો જૅઈને બન્ને કાનો પર હાથ દબાવીને જૅઈને, 'નહીં...ઈઈઈઈઈ...!!!' નામની ફૅમસ ચીસ પાડી. ટારઝનને આ રોજનું થયું'તું, એટલે એણે ચીસનો કાંઈ ભાવ ના આલ્યો.

'ડાર્લિંગ... ઓમ ને ઓમ તો ઝાડ કેવી રીતે ચાલે? (ઝાડ એટલે આપણા લોકોમાં 'ઘર' કહેવાય, એ)... કોંય કમાવા-બમાવાનું રાખો હવઅ!'

અચાનક એને યાદ આવ્યું કે, એનામાં એક જમાનાનો ફૂલ-ટાઈમ આખેઆખો કવિ જીવતો પડેલો છે, જે હજી સુધી એકે ય વાર વાપરવા કાઢ્યો નહતો. વપરાય નહિ તો ભલાભલા કવિઓ કટાઈ જાય. એને એ પણ ખબર કે, આજકાલ કવિ-શાયરો ધૂમ કમાય છે. નોટ ઓન્લી ધૅટ... એકોએક ગુજરાતી કવિઓ કાચો માલસામાન જંગલમાંથી જ લઈ જાય છે. યાદ કરો કોઈ બી જંગલી કવિની... સૉરી, કોઈ બી શહેરના કવિની જંગલી કવિતા...! જંગલમાં ઊગતી વનસ્પતિઓ કાચા માલ તરીકે કેવી કોમળતાથી વપરાઈ છે? કૂંપળ, વેલ, તણખલું, ફૂલની કળી, વૃક્ષની છાતી, નદીની બેવફાઈ, એની આંખો સમું માસુમ અમથું લીલું ઘાસ, સાપના લિસોટા, પંખીનું રૂદન...!

ટારઝનને બત્તી થઈ. એક જમાનામાં કોલેજમાં એ હોમવર્કના પાંદડાની પાછળ કોરી કવિતાઓ લખતો. ઝાડની સુખી છાલ ઉપર દિલ ચીતરીને મહીં એમાં તીર ઘુસાડતો ને એની ઉપર ગઝલ લખતો. યસ. કવિ જ બનવું છે! જે કાંઈ પુરસ્કાર મળ્યો, એમાં વકરો એટલો નફો જ છે ને? કવિઓનું તો કેવું છે કે, એક વખત વિચાર આવવો જોઈએ. આમાં તો વિચારને બદલે બીજું કાંઈ બી આવે, તે ના ચાલે. બારણે ટકોરા મારીને કોક ભિક્ષુક આવે, એમ ટારઝનના મનમાં વિચાર આવ્યો. એક કવિતાનું મુખડું લખી નાંખ્યું,

'ઝાડી-ઝાંખરા, ડાળખા-પાંદડા, ઘાસ ને તણખલાં,
તું બોલ સજની બોલ, બીજું શું છે મારી જીંદગીમાં?'

કમનસીબે, એની કવિતા બધા તંત્રીઓએ પાછી કાઢી. એ નિરાશ ન થયો, કવિઓ કદી નિરાશ ન થાય... દાઢી વધારે, બગલથેલો રાખે, ચાના પૈસા ચૂકવે... અને પછી સમો જોઈને એક આખી કવિતા સંભળાવે... પોતાને! એને ખ્યાલ આવી ગયો કે, કવિતા-કર્મ આપણું કામ નથી. વાઈફ જૅનની વાત તો સાચી હતી ને કે, પૈસા બનાવો. હૅરી પૉટર આવ્યા પછી કોઈ છોકરાઓ ફૅન્ટમ, મૅન્ડ્રેક કે ટારઝન-ઝીમ્બો-ફિમ્બોની સ્ટોરીઓ વાંચતું નથી.

... અને અચાનક ટારઝનને યાદ આવ્યું. ગયા વર્ષે જંગલની આગમાં સેંકડો વૃક્ષો અને ઘાસચારો બળીને ખાખ થઈ ગયા હતા. રાખના ઢગલે ઢગલા થયેલા. કોઈ પણ ટેન્ડર-બેન્ડરો ભરાવ્યા વગર ટારઝને એ ઢગલા બારોબાર વેચી માર્યા, એમાં એ ઘણું કમાયો. જંગલની પ્રજા તો આદિવાસીઓની હોય. શું બોલે?

ટારઝને કાચી સૅન્કડ બગાડયા વિના કોંગ્રેસમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો. ઝાડ ઉપરથી દોરડે લટકીને એ કોંગ્રેસ-ભવનની બારીમાં ખાબક્યો. કોંગ્રેસની મીટિંગ ચાલતી હતી. ટારઝને ગાયું, ''અરે દીવાનો, મુઝે પેહચાનો, કહાં સે આયા મૈં હૂં કૌન, મૈં હૂં ડોન, મૈં હૂં ડોન...હોઓઓઓ!'' બધા ઓળખી ગયા કારણ કે, બધા એ માંઈલા જ હતા. આજે ટારઝને રાખમાંથી કોલસા બનાવી દીધા છે. અબજો રૂપીયા કમાયો છે, જૅઈન જલસા કરે છે.

સિક્સર

- લખવામાં ભલે એ Karaoke લખાતું, પણ ઉચ્ચારમાં 'કૅરીઓકી' બોલાય છે... પેલા ફ્રેન્ચ પરફ્યૂમ Chanelની જેમ... ઉચ્ચાર 'ચૅનલ' નહિ, 'શનેલ' થાય છે. ... બસ આ તો તમારી જાણ ખાતર !

No comments: