Search This Blog

05/01/2014

ઍનકાઉન્ટર : 05-01-2013

* પોલીસ પ્રજાનો દોસ્ત કહેવાય તો પ્રધાન ?
- પ્રધાન બન્યા પછી દોસ્ત રાખવાની ક્યાં જરૂર પડે છે ?
(કનુ જે. પટેલ, સંધાણા)

* સાંભળ્યું છે, તમારા બંગલામાં સ્વિમિંગ પૂલ પણ છે ?
- તમારા જવાબમાં બાગી શાયર 'જલન' માતરીનો શે'અર યાદ આવે છે :
'એટલું મોટું મળ્યું છે, ઘર 'જલન' કે શું કહું ?
સહેજ ચાલુ છું કે ઘરની બા'ર આવી જાઉં છું.'
(શ્વેતા મનોજ મેહતા, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સ્ત્રીઓની સરખામણીમાં પુરૂષોના સવાલો કેમ વધુ હોય છે?
- પુરૂષોને સવાલો ઊભા કરવાની અને સ્ત્રીઓને જવાબો ''ઊભા કરવાની'' પરફૅક્ટ આવડત હોય છે !
(પિયાલા પાર્થિવ પટેલ, વડોદરા)

* માણસ મંગળ સુધી જઇ શકે છે....પોતાના અંતરમન સુધી કેમ જઇ શકતો નથી?
- ઓ ભાઇ....એકે ય ઍન્ગલથી હું તમને સાધુબાવા જેવો લાગ્યો ?
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* અણ્ણા હજારે આજકાલ શું કરે છે ?
- પહેલા મીડિયાએ આ માણસને ખોટો હીરો બનાવી દીધો... હવે કોંગ્રેસ બનાવી રહી છે.... 'આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા...!'
(લલિત ઓઝા, જૂનાગઢ)

* લગ્નની કંકોત્રીમાં લોકો ફક્ત ભોજન સમારંભનો સમય કેમ જોતા હોય છે ?
- તે બીજું શું..... આપણે ત્યાં મંડપો બાંધવા ને ખુરશીઓ ખસેડવા જવાનું હોય?
(ઓમકાર જોષી, ગોધરા)

* ઈન્ટરનૅટના આ જમાનામાં આપ આ પોસ્ટકાર્ડ પ્રથાને ક્યાં સુધી વળગી રહેશો?
- ગમતા પોસ્ટકાર્ડને વહાલથી છાતીએ લગાડાય... આખું કમ્પ્યૂટર છાતીએ વળગાડવું ન ફાવે ! બા ખીજાય.
(ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* શું આપને જાણ છે, ભાવનગરમાં 'અશોક દવે માર્ગ' છે ?
- હું તિરંગા સુધી તો ક્યારનો પહોંચી ગયો છું...
(પલ્લવી ત્યાગી, ભાવનગર)

* આપ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં અમારા આણંદમાં આવી ગયા.... પણ ભાષણોમાં કેમ બેસતા નહોતા ?
- ત્યાં કોઇ પ્રમાણભાન રાખીને પ્રવચનો કરતું નથી. 'માઈક મળ્યું કે મળશે'ની જાહોજલાલી ભોગવનારા મંચ નરેશો માટે મારા ગમતા યુવા કવિ ભાવેશ ભટ્ટનો મિસરો છે :
'મંચ પરથી નીચે ઉતરવું, તો ખૂબ કપરૂં ચઢાણ છે, મિત્રો.'
(પ્રાપ્તિ હ. દેસાઇ, આણંદ)

* અગાઉના રાજમહારાજાઓ રાજકુંવરીઓ માટે સ્વયંવર રચતા....એ કેમ બંધ થઇ ગયા ?
- હવે પરણવા ઇચ્છુક ઉમેદવારોમાં અનામત અને લઘુમતિઓ માટેની સીટો અલગ ફાળવવી પડે. બાકી વધે, એમાં જૈન, પટેલ, બ્રાહ્મણ કે લોહાણા ઉમેદવારોને ક્વૉટા આપવો પડે.... અસલ રાજકુમાર મૂરતીયો ભાલો પકડીને લાઈનમાં એકલો છેલ્લો ઊભો હોય !
(સલમા માણિયાર, વિરમગામ)

* 'સંતોષ'નું સરનામું શું ? આપને ખબર છે ?
- એક સંતોષ અગ્નિહોત્રી ઢોલક-તબલાં વગાડે છે.... સરનામું-બરનામું નથી !
(જહાન્વી નિખિલ વસાવડા, મુંબઈ)

* અગાઉના રાજામહારાજાઓ વેશપલટો કરીને નગરચર્યા કરવા નીકળતા...!...આજે ?
- ઍકચ્યૂઅલી....એ લોકો નગરચર્યા કરવા નીકળતા, એ તો એક બહાનું હતું... બાકી તો ગામમાં એમની ય ઉપરાણીઓ હોય ને ? છાનુંમાનું જવું પડે !
(શિરિષ વસાવડા, વેરાવળ)

* પુસ્તકમેળાઓની ફલશ્રુતિ શું ?
- લેખકોને પોતાના પુસ્તકો યારદોસ્તોને ગિફ્ટમાં આપવા ન પડે !
(રસીલા દિલીપ શાહ, ન્યુયૉર્ક)

* જીવનવીમાના પૈસા મારા મૃત્યુ પછી જ મળવાના હોય તો મારે એ પૈસા વાપરવા ક્યાં ?
- છાપામાં છેલ્લા પાને ખોટેખોટું બેસણું છપાવી દો.... પૈસા હાજર !
(પ્રકાશ પટેલ, સિપોર-મેહસાણા)

* ચોરી અને કરચોરીની સજામાં તફાવત કેમ ?
- કરચોરી કેવળ મોટા માણસો કરી શકે છે... ચોરી તો આપણે બંને ભેગા થઇને ય કરી શકીએ...!
(કે. એચ. મર્ચન્ટ, દાવડા-નડિયાદ)

* સાચી મઝા ગામડામાં કે શહેરમાં ?
- એનો આધાર તમારે કયા પ્રકારની મઝાઓ કરવી છે, એના ઉપર છે.. (બાય ધ વે, તમારી અટક ઈન્ટરેસ્ટિંગ છે !)
(કિશોર રામદેવપુત્રમ, બોટાદ)

* તમારી પત્નીનું હુલામણું નામ તો તમે રાખી દીધું, પણ એમણે ય તમારૂં એવું નામ રાખ્યું હશે ને ?
- રાખ્યું છે ને.... 'અસોક'.
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* 'લિવ-ઇન રીલેશનશીપ' વિશે આપ શું માનો છો ?
- એ સ્માર્ટ પુરૂષો અને બેવકૂફ સ્ત્રીઓ માટે કામનું છે.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

* કેશુબાપા પાછા ભાજપમાં આવી ગયા.... મતલબ ?
- મતલબ બહુ સારો....! ગુજરાતભરના પાટીદારો રાતોરાત પાછા સલામત થઇ ગયા !
(પ્રતિતી આર. પટેલ, નડિયાદ)

* દરેક સવાલનો જવાબ તમે જ આપો છો કે કોઇ મદદનીશ રાખ્યા છે ?
- બહાર તમામ જવાબો હું આપું છું... ઘરમાં જવાબ આપવા માટે પત્ની બહુ મદદ કરે. એ સવાલ પૂછે ને જવાબ પણ એ કહે એ જ આપું.
(મયૂરી એ. રાઠોડ, પોરબંદર)

* લઠ્ઠો પીને જાન ગૂમાવતા લોકોની હાલત જોયા પછી ગુજરાતમાં દારૂને કાયદેસરનો કેમ ન બનાવી શકાય ?
- બસ.... એમ ન બનાવી શકાય...!
(ડૉ. તૈયબ સાહેરવાલા, ગોધરા)

* એ પણ ગમે છે, આ પણ મને ગમે છે.... કારણ નહિ આપું. તમે કહો, હું શું કરૂં ?
- આમાં તો કોઇ સારા ડૉક્ટરને જલ્દી બતાવી દેવું સારૂં...! બતાવતા પહેલા જરા પંખો ચાલુ કરતા જજો !
(અમુલ એન. ઓઝા, ભાવનગર)

* સંસારની સૌથી શાંત જગ્યા કઇ ?
- ત્યાં તો રોજ સવારે ટાઈમસર જવું જ પડે છે...!
(જીતેન્દ્ર છોટાલાલ શાહ, મુંબઈ)

* તમે સ્વ. બકુલ ત્રિપાઠીને આજ સુધીના સર્વોત્તમ હાસ્યલેખક ગણો છો, પણ અમે તમને ગણીએ છીએ, તેનું શું ?
- એ તમારો સદભાવ છે. બાકી બકુલભાઇની નજીક પણ એકે ય હાસ્યલેખક ઊભો રહી શકે એમ નથી !
(પવિત્રાનંદી સુકુમાર ઘોડા, મુંબઈ)

No comments: