Search This Blog

20/01/2014

ઍનકાઉન્ટર : 20-01-2014

* ક્રોધ ભગવાન શંકરનો, તોફાન શ્રીકૃષ્ણનું, શાંત પ્રકૃતિ ભગવાન શ્રીરામની, તો હાસ્ય ક્યા ભગવાનનું ?
- ભગવાન મહાવીર સ્વામીનું... જેમાં વેદના પણ સંમિલીત છે.
(રોહિત આઇ.દવે. હાલોલ)

* દીકરી પારકી થાપણ, તો દીકરો ?
- દીકરો સર્વોત્તમ છે.. ગામની કોકની સૌથી વધુ સંસ્કારી દીકરીને પરણીને આપણા ઘેર લાવ્યો છે.
(રણજીતસિંહ ગોહિલ, રાજકોટ)

* 'બુધવારની બપોરે' ટેસ્ટ મૅચ, 'ફિલ્મ ઇન્ડિયા' વન-ડે મૅચ જેવી અને 'ઍનકાઉન્ટર' ટી-૨૦, તો તમે ?
- મૂક પ્રેક્ષક.
(કરૂણા ઓ. પટેલ, સુરત)

* કીડીઓમાં કીડી જ કેમ ? એકે ય કીડો ન હોય ?
- કીડાઓને ચટકા ભરવાની હૉબી નહિ ને !
(જીનેશ એન.મહેતા, જામનગર)

* હાસ્યકલાકાર તરીકે સ્ત્રીઓ કરતા પુરૂષો જ વધારે કેમ ?
- પુરૂષો પોતાની મજાક ઉડાવી શકે છે.
(એન.એમ.ઠક્કર, જામનગર)

* નાઇટ વૉચમૅનો દિવસે શું કરતા હોય છે ?
- નાઇટ- વૂમનો સાથે લહેર કરતા હોય !
(મોહન બદીયાણી, જાનગર)

* રસ્તામાં પાડા પર બેઠેલા યમરાજા મળીને તમારૂં જ સરનામું તમને પૂછે, તો શું કરો ?
- ''શું ભાવે આલ્યો આ પાડો ?'' એવી ઓફર મૂકી જોઉં. માને તો ઠીક છે, નહિ તો પાડાને પૂછું, ''શું ભાવે આવ્યો આ ડોહો...?''
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* પુરૂષોને પારકી ચીજો જ સુંદર કેમ લાગે છે ?
- હું તો હજી સુધી ફૂલટાઇમ પુરૂષ છું.. ?
(ડૉ.વી.પી.કાચા, અમદાવાદ)

* ભ્રષ્ટાચાર કે મોંઘવારી નહિ ઘટવાનું કારણ શું ?
- આ બન્ને કોઇને નડતા હોય એવું તમે ક્યાંય ભાળ્યું ?
(સુફીયાબેન મીર, છાપી- બનાસકાંઠ)

* ઍક્સીડૅન્ટ્સ શું 'બીએમડબલ્યૂ' ગાડીઓને જ થાય છે ? બીજી કારોને નહિ ?
- ઓ બેન.. સાયકલવાળો અથડાય એમાં કોને રસ પડે ?
(દેવયાની ઠક્કર, જામનગર)

* બેઇમાનો વધુ સુખી હોવાનું કારણ શું ?
- આ સવાલ પૂછવામાં તમે ફક્ત હજાર વર્ષ મોડા પડયા !
(તરલ પરિમલ મેહતા, ભાવનગર)

* મારી પત્ની બહુ વખતથી મને રસોયણ રાખી લેવાની ફર્માઇશ કરે જાય છે.. શું કરૂં ?
- આવી ખેલદિલ પત્ની તો કોઇ લાખોમાં એકને જ મળે, ભાઇ..! તાબડતોબ રાખી જ લો.. એના રસોઇયાને વાંધો ન હોય તો !
(ભરત શાહ, અમદાવાદ)

* મારા પતિદેવ ઘરના બજેટમાં કોઇ વધારો કરી આપતા નથી, તો શું કરવું ?
- તમે જૂનાગઢની સિંહણ છો... એમના ખભે આઆઆ..વડું મોટું બચકું તોડી લો..!
(અમિતા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આખરે ડૉ.મનમોહને મૌન તોડયું... હવે શું થશે ?
- એ મૌન તોડવામાં એમણે જે બે-ત્રણ ઉધરસો ખાધી. એમાં ય સ્પૅલિંગની ભૂલો હતી.
(સૈયદ અકબરઅલી, ઇલોલ- હિમતનગર)

* માનવી પોતાના સ્વાર્થને ખાતર બીજાને દુઃખી કેમ કરે છે ?
- ઉકાળેલા દૂધમાં ગંઠોડા અને એક ચમચી દિવેલ નાંખીને પી જાઓ..બધું ઠીક થઇ જશે !
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

* સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપની પાછળ એવો કોનો હાથ છે ?
- હાથ જ નહિ, પગ પણ છે !
(બકુલ મોલાડીયા, જતના- ખેરવા)

* ઘણા નામો સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ તેની જોયા વગર ખબર ન પડે.. જેમ કે, મધુ, ભાનુ, મણી..! ગેરમસજ અટકાવવાનો કોઇ ઉપાય ?
- એમને એક વાર અડી જોવું.
(ટી.એસ.પરમાર, આણી- આણંદ)

* ચૂંટણીઓ વખતે જાહેરસભામાં અભિનેતાઓને બોલાવવાનું કારણ શું ?
- નેતાઓની બાઓએ ખાસ કીધેલું હોય છે માટે !
(મહેન્દ્ર જે.ગાંધી, સુરેન્દ્રનગર)

* કોંગ્રેસ સર્કસના જોકર દિગ્વિજયસિંઘ હમણાં કેમ દેખાતા નથી ?
- એ લોકો કોંગ્રેસને જીતાડવા માંગે છે.
(એચ.જે. રાવલ, જામજોધપુર)

* લગ્નના રીસેપ્શન વખતે સ્ટેજ પર ત્રણ કલાક બનાવટી સ્માઇલ સાથે ફોટા પડાવવાનો આપનો અનુભવ કેવો છે ?
- હા, એક હજાર ફોટાઓમાંથી એકાદમાં મારો હસતો ફોટો આવ્યો તો ખરો!
(રીશીત/તેજલ/તેજસ, મહેસાણા)

* એક તરફ સ્ત્રીને જગતજનની કહે છે ને બીજી બાજુ સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ કહે છે. આપનો અભિપ્રાય સ્પષ્ટ કરશો.
- મારી પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ માતા સમાન છે. હવે તમે કહો. મારી બુધ્ધિ પગની પાનીએ લાગી ?
(મીતા વી.દવે, કોલવડા- ગાંધીનગર)

* રાહુલબાબાની ભાવિ વડાપ્રધાન તરીકે તાજપોશી થશે ?
- થાય એ વધારે સારૂં છે. કોંગ્રેસ તો આમે ય હારવાની છે !
(અભિષેક ત્રિવેદી, ભાવનગર)

* 'ઍન્કાઉન્ટર' કૉલમના ગોરધનો માટે આપ એક નવી પાર્ટી શરૂ ન કરી શકો? જીપીપી... એટલે કે, 'ગોરધન પરિવર્તન પાર્ટી'?
- સામે એમની વાઇફો ય જીપીપી જ શરૂ કરાવે એવીઓ છે...ગોરધન પછાડ પાર્ટી.
(ચિંતન પરમાર, અમદાવાદ)

* આપના મતે લગ્ન પહેલાની દિશા સારી કે લગ્ન પછીની દશા સારી ?
- તમે એ બન્નેની વચ્ચે ભરાયા લાગો છો..? માં અંબા તમારૂં ભલું કરે.
(અતુલ જી. મહેતા, રાજકોટ)

* શ્રી વજુભાઇ વાળા ય તમારા જેવી અઘરી સિક્સરો ફટકારે છે. સુઉં કિયો છો?
- એમની સિક્સરો છાતીની આરપાર નીકળી જાય છે. મારા વાળી હાળી છાતીમાં ભરાઇ જાય છે.
(ભૂવન રાજેશભાઇ પટેલ, ગાંધીનગર)

No comments: