Search This Blog

22/01/2014

પોલીસ પકડે ત્યારે....

હું એક હાથે ગાડી ચલાવી શકું છું, પણ વાઇફ બાજુમાં બેઠી હોય ત્યારે બે હાથ અને બે પગ ભેગા કરીને પણ કાર ચલાવી શકતો નથી....

હજી મને માથાથી હૉર્ન વગાડતા આવડતું નથી ! ને છતાં ય, છેલ્લા ૩૭ વર્ષથી મારૂં ઘર ચલાવું છું.... 'હમ તો બરસોં સે અપની મૌત કા સામાન લે ચલે હૈં... ઓઓઓ!'

લક્ષ્મણ સીતા મૈયાને સમજાવે કે, હું કે મોટાભાઇ પાછા ન આવીએ ત્યાં સુધી લક્ષ્મણરેખાની બહાર પગ ન મૂકશો, પણ બહેને મૂક્યો જ, એમાં રાવણ સીતાજીને ઉઠાવી ગયો. આને પણ હું સદીઓથી સમજાવતો આવ્યો છું કે, જ્યારે પણ ગાડી લઇને જતા હોઇએ ને પોલીસ ઊભા રાખે, ત્યારે તારે ચૂપ રહેવું. જે દિવસે તેં આ 'અશોક-રેખા' ઓળંગી, એ દિવસે રાવણ નહિ, પણ પોલીસવાળો તને નહિ, પણ મને ઉઠાવી જશે ને નાંખી દેશે ગાયકવાડની હવેલીમાં.... (અહીંના એક પોલીસ-સ્ટેશનનું નામ છે.)

મારો રાવણ દંડનો ચોપડો લઇને મારી સામે ઊભો હતો. અમારા સીતા મૈયાને એટલી ધરપત કે, આ વખતે રાવણ એને ઉપાડી જશે તો ભેળા રામને ય લઇ જશે, એટલે એમના મુખ પર બફાટ સિવાયનો કોઇ ભાવ નહતો.

''સાહેબ, તમારૂં લાયસન્સ બતાવશો?'' રાવણે અતિ નમ્રતાથી મને કીધું.

રામાયણ પત્યા પછી રાવણ શહેર પોલીસ ખાતાની ટ્રાફિક શાખામાં જોડાઇ ગયો હતો ને સાલો અમને જ ભટકાયો હતો. હું ને રાવણ બન્ને જન્મે બ્રાહ્મણો, એટલે આપણને ખૌફ વધારે લાગે કે, બ્રાહ્મણ તો કદી બીજા બ્રાહ્મણના કામમાં આવે નહિ.... ઉપરથી હલવાડી દેશે! ભગવાનશ્રી રામ ક્ષત્રીય હતા ને એટલે જ હું અને અજીતસિંહ ભેગા થઇએ છીએ ત્યારે અયોધ્યાના નગરજનો માની જાય છે કે, 'રામ અને રાવણ ભેગા થયા છે.'

શહેરનો કોઇ પોલીસવાળો ફાંદ વગરનો નથી. આની ફાંદ પહેલા શરૂ થતી હતી ને શરીર પછી. આપણી પાસે કોઇ ઠોસ પુરાવો તો નથી, પણ માની ચોક્કસ શકાય કે, જન્મ સમયે બીજા બધાનું માથું પહેલા બહાર નીકળે છે ને પછી આખું બૉડી. આ રાવણની પહેલા ટમી બહાર નીકળી હશે.... હઓ! ટમી પછીનું શરીર જોવા માટે આ પોલીસવાળો મોટો અરીસો વાપરતો હશે, બોલો!

'અસોક.... આના હાથમાં રૂપીયો-બે રૂપીયા પકડાવી દિયો ને અટલે ઈ વયો જાય!' એવું એની સમજ મુજબ એ બહુ ધીમેથી બોલી, પણ પોતાની સાઇઝ જેટલો જ ધ્વનિ કાઢી શકવાનું એને વરદાન હોવાથી એ આ બોલી, ત્યારે બાજુની ફૂટપાથ પર જતા વટેમાર્ગુઓ પણ સાંભળી શક્યા. ગભરાઇ તો હું ગયો કે, આપણે આવું મોટેથી બાફી માર્યું છે એમાં પેલો બગડશે મારા ઉપર. પત્નીની વાત હજી અધૂરી હતી, જે એણે પૂરી કરીઃ

''જોવો શાહેબ... અમે રોંગ શાઇડમાં ઘુઇસાં, ઇ વાત શાચી, પણ અટાણે મોડી રાતે ૩૧ ડીશેમ્બરની પાર્ટીમાંથી આઇવા છીં... એટલે... યુ શી, એમણે તો ફક્ત બે જ ઘુંટડા માઇરા છે.... ઇ કોઇ 'દિ રૅગ્યુલર નથ્થી લેતા...!''

''આ તું શું બાફે છે...?'' મેં ખરેખર પેલાને ન સંભળાય એવા છપછપ અવાજે ગુસ્સે થઇને વાઇફને કીધું. હું કાંઇ આગળ માટે પણ એને ચૂપ રહેવા કહું, ત્યાં એણે નવી ઑફર મૂકી.

''હું જ એમને કે 'દિ ની કીધે રાખું છું કે, તમારૂં ડ્રાયવિંગ લાઇશન્શ તઇણ વરહથી પૂરૂં થઇ ગીયું છે, ઈ રીન્યુ કરાવી લિયો.... પણ મારૂં કોઇ માને તો ને---?''

''તું આમ કેમ ફાટી છો?... છાની મર ને..?'' મારા અવાજમાં આ વખતે ગુસ્સા કરતા યાચના વધારે હતી. મેં રાવણ સામે જોઇને કીધું.

''જુઓ સાહેબ, કબુલ કે, હું રૉંગ-સાઇડમાં ઘુસ્યો હતો, પણ આપણો ઈરાદો એવો નહિ...! ભૂલમાં જ---''

''હવે ભૂલું દેખાણી....? હું કે 'દિ ની વાંહે પઇડી છું કે, પીવાની હું ના નથી પાડતી.... પીઓ ઘરે જેટલું પીવું હોય એટલું.... પણ આમ ગાડીમાં બોટલું લઇને નો ફરાય...! કોક 'દિ એવા લાગી જાસો કે----''

આટલું ઓછું હોય, એમ અત્યારે અમારી ગાડીમાં પણ બૉટલો પડી છે, એ આ બહેને સામેથી કહી દીધું. તો ય, મેં એનું કાંડુ જોરથી દબાવ્યું, ચૂપ રહેવાના સંકેત સાથે, પણ આ બાજુ, રામ લક્ષ્મણના ખભે હાથ મૂકતા હોય એમ જમાદારે મારા ખભે હાથ મૂકતા કહ્યું, ''સાહેબ, જરા ગાડીમાંથી બહાર આવશો?''

''સર-જી... કબુલ કે મેં ગૂન્હો કર્યો છે... તમતમારે જે રસીદ બનાવવાની હોય, એ બનાવી લો. હું દંડ ભરવા તૈયાર છું.''

''એ તો તમો ભરશો જ... પણ પેલી બૉટલો તમે જાતે આપી દો છો કે હું ગાડી ચૅક કરી લઉં...?''
''સર.... અરવિંદ કેજરીવાલ અમારા સગામાં થાય.... એ જો ગણત્રીમાં લેતા હો તો----'' મેં એક પાસો ફેકી જોયો.

''આસારામ બાપુ અમારા સગામાં થાય, બોલો હવે?'' એવું પેલાએ રૂક્ષતાથી કહ્યું.

''શર.... તમે એમની વાતુમાં નો પડતા... ઇ મને રશ્તામાં જ કે'તા'તા કે... આવું કાંય થાય તો કોક મોટા માણશનું નામ દઇ દેવાનું....''

''આ તમારા વાઇફ છે...?''

''ઓહ... રહેવા દો ને, સાહેબ.... આખું કૂરિયર જ ખોટું છોડાવાઇ ગયું છે.... આપ મારી વાત સાંભળો ને!''

''આ તમારા વાઇફ છે?''

''સો એ સો ટકા વાઇફ છે, સર...! તમને જો કે એ અમારી બાજુવાળી જેવી લાગતી હશે, પણ સર... હું '''' ટાઇપનો નથી.''

''દેખાવમાં તો મને ઊલટું લાગે છે.... શેઠાણી જેવા તો એ લાગે છે....! બોલો સાહેબ, આ કોના વાઇફ છે?''

હું તો કેમ જાણે એ જ પોલીસવાળાની વાઇફ ઉઠાવી લાવ્યો હોઉં ને હવે પાછી આપવા આવ્યો હોઉં, એવા ગભરાટથી એણે મારી પત્ની સામે જોયું. પણ આપણને એમ કે, કોણ બીજાની બબાલમાં પડે, એટલે મેં વિશેષ નમ્રતાથી કહ્યું.

''સર-જી, આપ પણ શું લાંબુ ખેંચી રહ્યા છો...'' વચમાં મેં આંખ મારી અને કહ્યું, ''જે સમજવાનું હોય એ સમજી લો ને?''

તો એણે પોતાનો હાથ છોડાવીને - થોડા અકળાઇને કહ્યું, ''સાહેબ, હું 'એવો' નથી.... અને સમજી લો મિસ્ટર, હવે તો સુપ્રીમ કૉર્ટે પણ પ્રતિબંધ મૂકી દીધો છે... હવે ચૂપ રહો ને મને તમારી પીવાની પરમિટ બતાવો.''

''સર, 'પરમિટ લઇને કે લીધા વગર, ક્યાં ચાલે છે કોઇને પીધા વગર...?''

''શાહેબ, એમની વાતુંમાં નો પડતા.... ચઢી હોય તંઇ ઈ સાયરીયું પર ચઢી જાય છે...!''

''સાહેબ, તમને વધારે ચઢી ગઇ લાગે છે... તમારૂં ડ્રાયવિંગ-લાયસન્સ બતાવો.''

ગભરાટમાં મારા હાથમાં જે આવ્યું, તે બતાવી દીધું, એમાં પેલો ખીજાણો, ''હું ક્યારનો તમને 'સાહેબ-સાહેબ' કહી રહ્યો છું ને તમે જેમ ફાવે તેમ નખરા કરે રાખો છો? આ ધોબીનું બિલ છે, લાયસન્સ નહિ!''

''અસોક...'' મારી નજીક આવીને પત્નીએ ફરી મને હળી કરી. આમે ય, ભૂતકાળમાં એ જ્યારે જ્યારે મારી નજીક આવી છે, ત્યારે ઘટનાઓ તો મોટી જ બની છે, પણ એ તો હવે ભૂતકાળ થઇ ગયો-એમ સમજીને મેં એની ઓફર સાંભળી, ''અસોક... એને કિયો ને કે, અમે કાઠીયાવાડના ભા'મણ છીએ. બવ ગરીબ છીએ.... અને રાજપુતો તો હંમેશા ભા'મણોની રક્સા કરતા હોય...!''

''બેન...'' એ સાંભળી તો ગયેલો જ. ''બેન, હું ય ભા'મણ છું... હવે મારૂં કામ કરવા દેશો કે, જીપ બોલાવીને સાહેબને અંદર કરી દઉં...?''

નસીબજોગે, પેલી ચપ્પા-ચપ્પા છાન મારવાવાળી તલાશી લેવા છતાં ગાડીમાંથી કોઇ બોટલ-ફૉટલ મળી નહિ. પત્ની તો સ્ત્રીઓને લગતું કારણ આપીને સીટ પરથી ઊભી જ ન થઇ. રોંગ-સાઈડમાં અમે આવ્યા જ નહતા. પેલાએ તો રૅગ્યુલર ચૅકિંગ માટે અમને ઊભા રાખ્યા હતા. પોરસ સિકંદરને ફરી એક વાર મુક્ત કરતો હોય, એમ પોલીસવાળાએ અમને જવા દીધા. હું સાલો ટૅન્શનમાં કે, ગાડીમાં બૉટલ તો બેશક પડી હતી. પેલાએ આકરી તલાશી પણ લીધી હતી, છતાં એને મળી કેમ નહિ?

''તમે ય સું સમજો છો, અસોક...? ઈ ગધનો ગમે એટલા ફાંફા મારે... બૉતલ કિયાંથી મલે? હું દબાવીને જ એના માથે બેશી ગઇ'તી.... દિયો તાલી...!''

''હા પણ.... આપણા બન્નેના મોબાઈલો અને અહી લૅપટૉપ પડયું હતું, એ ક્યાં ગયું?''

એ પોલીસવાળો જ નહતો.

સિક્સર
- માયાવતિએ લખનૌની પોતાની રેલીમાં પોતે દેશના મહાનુભાવોને યાદ કરીને પ્રણામ કરે છે, એ યાદીમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે, ડૉ. આંબેડકર કે કાંશીરામજીના નામો લીધા.... મહાત્મા ગાંધીનો ઉલ્લેખ માત્ર નહિ, જે વ્યક્તિએ અસ્પૃષ્યતા નિવારણ માટે જીવન ખર્ચી નાંખ્યું.
- કોઇ ભારતીયનો જીવ બળશે ખરો?

No comments: