Search This Blog

14/01/2014

ઍનકાઉન્ટર - 12-01-2014

* આડેધડ બફાટ કરતા નેતાઓ, વિરોધ થાય પછી મીડિયાને માથે બધું ઢોળી દે છે કે, 'મને ખોટો ટાંકવામાં આવ્યો છે.' શું સમજવું?
- આપણા દેશમાં નેતાઓ કરતા ય વધુ બદતર ઈલેક્ટ્રોનિક-મીડિયા છે.
(અખિલ બી. મહેતા, અમદાવાદ)

* પાકિસ્તાનીઓ દેશના જવાનોનું આપણી સરહદમાં ઘુસી માથું કાપી જાય, છતાં વડાપ્રધાન ચૂપ રહે. આવી દુર્દશા ક્યાં સુધી?
- બસ... ચૂંટણી સુધી.
(જગદીશ વાળા, સુરેન્દ્રનગર)

* લગ્ન કોની સાથે કરવા સારા? નેતા કે અભિનેતા સાથે?
- બેમાંથી જે પુરુષ હોય એની સાથે.
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* સાચું કહેશો? તમે પરણેલા છો કે...?
- એ તો મારો કોઈ ફોટો જોશો તો ય ખબર પડી જશે કે, આ કૅસ ખલાસ છે!
(અસ્માબાનુ પૂંઠાવાલા, અમદાવાદ)

* પેટ્રોલ પમ્પ પર કામ કરતો દરેક છોકરો સ્વ. ધીરુભાઈ અંબાણી બનવાના સપના જોતો હશે ને?
- હા, પણ 'સ્વર્ગસ્થ' ધીરુભાઈ અંબાણી નહિ!
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

* દેવ આનંદ, દિલીપ કુમાર અને રાજ કપૂર... ત્રણમાંથી તમે કોને વધુ પસંદ કરો?
- એનો આધાર એ લોકોએ કઈ ફિલ્મમાં કામ કર્યું છે, એના ઉપર છે. 'ગંગા જમુના'માં રાજ કપૂર ન ચાલે. 'જાગતે રહો'માં દેવ આનંદનો વિચાર પણ ન કરી શકો તો 'જ્વૅલ થીફ'માં પેલા બન્ને ન ચાલે. પોતપોતાને મળેલી ફિલ્મો અનુસાર ત્રણે ય ગ્રેટ હતા.
(રાહુલ ઓઝા, ભાવનગર)

* 'ઍનકાઉન્ટર'માં ઘણીવાર જોડણીની ભૂલો કેમ આવે છે?
- જોટણિની ભુલો અન્ગે મહાતમા ગાનધિજિ પણ બહુ ચિણતીત હતા.
(અબ્દુલકરીમ ફાર્માસિસ્ટ, ગોધરા)

* દેશના પ્રશ્નો ઉકેલવાને બદલે રાજકારણીઓ અંદરોઅંદર ગાળાગાળીઓમાં ટાઈમ વેડફે છે. કોઈ ઉપાય?
- ગાળાગાળી પણ દેશનો જ પ્રશ્ન છે.
(હોઝેફા ફખરુદીન બારીયાવાલા, ગોધરા)

* મારી પત્ની મારી સાથે કદી ઝગડતી નથી. શું કરવું?
- તમારા ગામમાં પત્નીઓ ખૂટી ગઈ છે?
(રજનીકાંત ભૂંડીયા, દ્વારકા)

* કુરુક્ષેત્રમાં કૃષ્ણ-અર્જુનના ગીતા સંવાદો વખતે અન્ય યોદ્ધાઓ શું કરતા હતા?
- મોબાઈલ પર 'વૉટ્સ ઍપ-વૉટ્સ ઍપ' રમતા હતા.
(અશોક આઈ. શાસ્ત્રી, ભાવનગર)

* 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછવાથી ક્રેડિટ કોની વધે? પૂછનારની કે જવાબ આપનારની?
- આ જવાબ આપવાથી મારી તો ગઈ...!
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* શું આપના સુક્ષ્મ જવાબો સહુને સમજાતા હશે ખરા?
- એવા તો મને ય નથી સમજાતા.
(ડૉ. જ્યોતિ કલ્પેશ હાથી, રાજકોટ)

* શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શું કરવું?
- ખુરશીને બદલે માળીયે ચઢીને અભ્યાસ કરવો.
(મયૂરી એ. રાઠોડ, પોરબંદર)

* માંડવે મોડી પહોંચેલી જાનનું સ્વાગત કેવી રીતે કરવું?
- ધમકી પહેલેથી આપી દેવી જોઈએ કે, 'સમયસર પધારજો' નહિ તો અહીં તો 'વહેલો તે પહેલો'ના ધોરણે કામકાજ ચાલે છે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* 'હસે તેનું ઘર વસે', પણ ઘણાના હસવા છતાં ઘર વસતા કેમ નથી?
- એમને કહો, કોઈના બેસણાંમાં ન હસાય!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* નેતાઓ જેટલા જ સરકારી અમલદારો ભ્રષ્ટાચારી છે કે નહિ?
- અબજો રૂપિયામાં આળોટતા સાધુબાવાઓ તમને ન દેખાયા?
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* દવે સાહેબ... તમે પણ ક્યારેક છાંટો પાણી તો કરતા હશો ને?
- '... કૌન બોલા, બે... ?'
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

* તમારા વિકાસમાં મોટો ફાળો કોનો?
- 'ક્યા કરોગે સુનકર મેરી દર્દભરી દાસ્તાં...? હું જ મને નડયો છું, ભ'ઈ!'
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* 'બા ખીજાય', 'પંખો ચાલુ કરો' કે 'તારી ભલી થાય ચમના...' આવું શું કામ લખવું પડે છે?
- (......) જવાબ પૂરો.
(ડૉ. એમ. જે શાહ, મહેસાણા)

* તેંડુલકરની ૧૦૦મી સદી અને ડો. મનમોહનના ચહેરા ઉપર સ્માઈલ... બેમાંથી વધુ રોમાંચ તમને શેમાં થયો?
- ૧૦૦મી સદી એ બનેલી હકીકત છે.
(કૃણાલ વસ્તાણી, રાજકોટ)

* આપણા દેશની તો હર ડાળી પર ઘુવડ બેઠા છે... તો દેશનું શું થશે?
- બોલો, અત્યાર સુધી કાંઈ થયું? કાલે ય કાંઈ નહિ થાય.
(દિનેશ કોઠારી, જૂનાગઢ)

* છાપાના ચાર રૂપિયા વસૂલ કરવા મારે મજબૂરન 'ઍનકાઉન્ટર' વાંચવું પડે છે.
- ચાર રૂપિયા જેટલી માતબર રકમ મને મોકલાવી દો તો હું તમારા ઘેર આવીને જવાબ આપી જઈશ.
(ઈસ્માઈલ કાચવાલા, વિરાર)

* આટલી છીછરી ફિલ્મો આવી રહી છે. આપણાં સૅન્સર બૉર્ડ ઉપર કોઈ સૅન્સર બૉર્ડ હોવું ન જોઈએ?
- આપણો યુવાન એટલો સમજણો થયો નથી, જે સમજી શકે કે આવી ફિલ્મો જોવા પણ ન જવાય!
(સિદ્દીક ઈકબાલ પટેલ, અમદાવાદ)

* ટ્રાફિક પોલીસો ખાસ કરીને યુવતીઓ પ્રત્યે કૂણાં કેમ રહેતા હોય છે?
- ઘરમાં કૂણા પડીને શું કાંદા કાઢવાના?
(જયેશ અંતાણી, ભાવનગર)

* તમારા પગ નીચે ક્યારેય રેલો આવ્યો છે?
- ઘણીવાર તો મારા લીધે ય આવે છે...!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* હાસ્યલેખકોના જ મોંઢા ઉપર હાસ્ય કેમ હોતું નથી?
- બળતરા ને હાસ્ય ભેગા ન જાય!
(દીપ પરીખ, રાજકોટ)

No comments: