Search This Blog

03/01/2014

'અફસાના' ('૫૧)

ફિલ્મ : 'અફસાના' ('૫૧)
નિર્માતા : શ્રી ગોપાલ પિક્ચર્સ
દિગ્દર્શક : બી.આર. ચોપરા
સંગીત : હુસ્નલાલ-ભગતરામ
ગીતકારો : આ સાથેના લિસ્ટ મુજબ.
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ
થીયેટર : કૃષ્ણ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો - અશોક કુમાર (ડબલ રોલમાં), વીણા, કુલદીપ કૌર, પ્રાણ, જીવન, નર્બદા શંકર, કક્કુ, બેબી તબસ્સુમ, રતન કુમાર, ચમન પુરી, બાઝીદ ખાન અને ઉમા દત્ત.




ગીતો

૧. અભી તો મૈં જવાન હૂં, અભી તો મૈં જવાન હૂં.... - લતા મંગેશકર
૨. વો આયે, બહારેં લાયે, બજી શહેનાઈ.... - લતા મંગેશકર
૩. મુહબ્બત કા દોનોં કે દિલ પર અસર હૈ.... - શમશાદ બેગમ
૪. કિસ્મત બિગડી દુનિયા બદલી, ફિર કૌન કિસી કા હોતા હૈ.... - મૂકેશ
૫. તેરે ખયાલ મેં... કહાં હૈ તુ મેરે સપનોં કે રાજા.... - લતા મંગેશકર
૬. વો પાસ ભી રહેકર રાસ નહિ, હમ દૂર ભી.... - લતા મંગેશકર
૭. આજ કુછ ઐસી ચોટ લગી હૈ, તૂટ ગયા પયમાના.... - લતા મંગેશકર
૮. ચૌપાટી પે તુઝ સે કલ જો આંખ મટક્કા હો ગયા.... - મુહમ્મદ રફી
૯. દુનિયા એક કહાની રે ભૈયા, દુનિયા એક કહાની.... - મુહમ્મદ રફી

ગીત ૧ : ગાફિલ હરનાલવી
ગીત ૨ થી ૭ અસદ ભોપાલી
ગીત ૮ : ચંદર
ગીત ૯ : સરસ્વતિકુમાર 'દીપક'

'અફસાના' એટલે વાર્તા. વાર્તા પાછી લખી હતી એક કૉમેડીયને... આઈ.એસ. જોહરે. મશહૂર ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક બી.આર. ચોપરાની દિગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મ. ચોપરા મૂળ તો સામાન્ય પત્રકાર હતા અને આ એક ચાન્સ ફિલ્મ નિર્દેશિત કરવાનો મળ્યો હતો ને અશોક કુમારે સાફ ના પાડી દીધી. નવા છોકરા સાથે કામ નહિ કરવાની. ચોપરાએ રીતસરની વિનંતિઓ કરવા માંડી, ''હું એક દ્રષ્યનું દિગ્દર્શન કરી બતાવું છું... કમ સે કમ, એક દ્રશ્ય પૂરતો મારો કસબ જુઓ.'' દાદામોની માની ગયા ને ચોપરાને ફિલ્મ મળી ગઈ. ફિલ્મ સાથે એક ઉત્તમ દોસ્ત પણ મળી ગયો, આ જ દાદામોનીના સ્વરૂપે. પછી તો ચોપરા જે ફિલ્મ બનાવે, એમાંથી મોટા ભાગનીમાં અશોક કુમાર હોય જ.

અશોક કુમારનો દિલોજાન દોસ્ત તો જો કે, એક જ હતો, ખ્યાતનામ વિવાદાસ્પદ લેખક સઆદત હસન મન્ટો. બન્નેને એક બીજા વગર ચાલે નહિ, કારણ કે ત્રીજા વગરે ય ચાલે એમ નહોતું, દાદાની વિક્રમસર્જક ફિલ્મ 'કિસ્મત'નો કૉમેડિયન વી.એચ. દેસાઈ. આ ગુજરાતીની એ વખતે એટલી બોલબાલા હતી કે, નિર્માતાઓને એના વિના ચાલે નહિ. ખાટલે મોટી ખોડ કે, ભ'ઈને એક નાનો ડાયલૉગ પણ યાદ રહે નહિ. રિટેક ઉપર રિટેક લેવામાં ફિલ્મની હજારો ફૂટ પટ્ટી બર્બાદ થતી જાય, અશોક કુમારે એની એક ફિલ્મ (બર્મન દાદાના સંગીતવાળી ફિલ્મ 'આઠ દિન' અશોક કુમારે ડાયરૅક્ટ કરી હતી.)માં દેસાઈને રાબેતા મુજબ લીધો, પણ એક દ્રશ્ય માટે સળંગ બારમા રીટૅક પછી કાકા એટલા ખીજાયા કે, દેસાઈના મોંઢા પર કસીને મુક્કો મારી દીધો... આખરે મુક્કો એક ખમતીધર બૉક્સરનો હતો.

પેલી ખૂબ ભારે બૉડીવાળી કૉમેડિયન પ્રીતિ ગાંગુલીનું થોડા જ વર્ષો પહેલા અવસાન થયું. દાદાનો એકનો એક દીકરો અરૂપ કુમાર ફિલ્મો સાથે સંકળાયેલો નથી, પણ '૬૨-માં આવેલી ફિલ્મ 'બેઝબાન'માં એક નાનકડો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં લતા મંગેશકરનું ચિત્રગુપ્તના સંગીતમાં ગવાયેલું 'દીવાને હમ, દીવાને તુમ, કિસે ખબર...' આ ફિલ્મનું હતું. જલ્દી માનવામાં નહિ આવે, પણ આ ગીત ફિલ્મમાં હૅલને અશોક કુમારના પુત્ર અરૂપ કુમાર માટે ગાયું હતું. બહુ જૂની ફિલ્મોના કિશોર કુમાર જેવો એનો આ ભત્રીજો દેખાય છે.

અશોક કુમારનું 'અફસાના' તો બીજી વાર પણ આવ્યું હતું, પ્રદીપ કુમાર અને પદ્મિની સાથે. (આ કૉલમમાં એના વિશે લખાઈ ગયું છે.) પણ આ મૂળ 'અફસાના' ચોપરાને એટલું સારું લાગ્યું હતું કે, એ જ વાર્તા પરથી વર્ષો પછી એમણે ધી ગ્રેટ દિલીપ કુમાર અને શર્મીલા ટાગોરને લઈને 'દાસ્તાન' નામની ફિલ્મ રીમૅઇક કરી. પહેલાની જેમ આ બીજી ય તદ્દન ફૅઈલ ગઈ, સિવાય લક્ષ્મીકાંત-પ્યારેલાલનું 'ક્યા બાત હૈ' બ્રાન્ડનું સંગીત... ખાસ તો આશાના બે સૅકસી ગીતો, 'હો કોઈ આયા, લચક ઉઠી કાયા, કે દિલ મેરા બસ મેં નહિ...' અને 'ઓ હાય મૈં કિ કરા, ઓ હાય મૈં કિ કરા...' મુહમ્મદ રફીનું 'ન તૂં ઝમીં કે લિયે હૈ, ન આસમાં કે લિયે...' પણ જોરદાર હતું ને?

આમ તો એ જૂનું 'અફસાનું' ય બાય હાર્ટ યાદ રહી ગયું હોય તો એની સ્ટોરી-ફોરી કે અશોક કુમારને લીધે નહિ, પણ પંડિત હુસ્નલાલ-ભગતરામના મસ્ત બહાર ગીતો માટે. લતા મંગેશકરે કંઠના બારે દરવાજા ખોલી નાંખ્યા હતા. એમાં ય, મશહૂર શાયર ગાફિલ હરનાલવીએ લખેલું અને દાયકાઓ પછી પાકિસ્તાની ગાયિકા મલિકા પોખરાજે મશહૂર કરેલું ગીત 'અભી તો મૈં જવાન હૂં...' આજતક મને ને તમને યાદ છે. લતાનું બીજું, 'વો પાસ ભી રહેકર પાસ નહિ...' એવું જ ખુબસૂરત નજરાણું છે પંડિત બ્રધર્સનું. કહેવાય તો એમ પણ છે કે, પ્રારંભમાં પંડિત હુસ્નલાલ સાથે લતાનો ટાંકો ભીડાયો હતો. ઈવન, સી.રામચંદ્ર ય પછી ને જયકિશને ય પછી...

ઉપર લખતા તો લખી દીધું કે, 'અફસાના'ની સ્ટોરી-ફોરી એવી કોઈ જોરદાર નહોતી... એ સાચું જ લખ્યું હતું. સમજો ને, લગભગ ઇમ્પોસિબલ ઘટનાઓના ટુકડાને જોડી દઈને એક વાર્તા બનાવી દીધી હતી આઈ.એસ. જોહરે. નાનપણમાં બે અશોક કુમારો (ડબલ રોલને કારણે) અને ત્રીજી વીણા એકબીજાના યારદોસ્ત હોય છે. એમાંનો ચમન નાલાયક અને બીજો રતન સારો અશોક કુમાર. વીણાને તો સારામાં જ રસ હોય ને? પણ મેળામાં ભારે વાવાઝોડું આવતા રતન વિખુટો પડી જાય છે અને ગૂમ પણ થઈ જાય છે, જે અનાથાશ્રમમાં મોટો થઈને અદાલતનો ન્યાયાધીશ બને છે, મોટી થયા પછી ય વીણા ચમનને કોઠું આપતી નથી, છતાં એ પાછળ પડેલો રહે છે. ચમનનો નાનપણનો તોફાની દોસ્ત જીવન અને પ્રેમિકા કક્કુને કારણે અશોકથી એક વેપારીનું ખૂન થઈ જાય છે. અશોક ભાગી જાય છે ને એક હૉટલમાં રાતવાસો કરે છે, જ્યાં જજ અશોકને જોઈને ચોંકી જાય છે. બન્નેના એકસરખા ચેહરાનો ફાયદો ઉઠાવીને ચમન જજ અશોકને બેભાન બનાવીને નાસવા જતા ઍક્સીડેન્ટમાં ગૂજરી જાય છે. આ બાજુ, પેલા જૂના ખૂનનો આરોપ આ અશોક ઉપર આવે છે. ભાગીને એ પોતાના શહેર ગોરખપુર આવે છે, જ્યાં એને ખબર પડે છે કે, એનો જીગરી દોસ્ત પ્રાણ એની પત્ની કુલદીપ કૌર સાથે લફરૂં કરે છે. નિરાશ અશોક ચમન બનીને ચમનના જ ઘેર આવી જાય છે. એની રાહ જોતી વીણા આખરે એને મળે છે, પણ તે પહેલા અશોક પત્ની કુલદીપ અને પ્રાણનો હિસાબ બરોબર કરે છે.

અશોક કુમારની હીરોઈનો બે હતી. વીણા અને કુલદીપ કૌર. વીણા ફિલ્મ 'પાકીઝા'માં મીના કુમારીને બહેન બને છે, જે મીનાના આખરી દિવસોમાં એને કબ્રસ્તાન મૂકવા આવે છે. વીણાનો લાઈફ-ટાઈમનો રોલ રાજ કપૂરની ફિલ્મ 'દાસ્તાન'માં હતો. ફિલ્મમાં તો ગર્વિષ્ઠ સ્ત્રી છે, પણ વાસ્તવમાં ય કમ નહોતી. ફિલ્મના પ્રારંભમાં જ ફ્લૅશબેકમાં ઘરડો રાજ કપૂર મરવા પડેલી વીણાને મળવા આવે છે, ત્યારે પણ એના ચહેરા પર ઘમંડ જોઈને રાજ કટાક્ષમાં હસીને બોલે છે, ''રસ્સી જલ ગઈ, પર બલ નહિ ગયા...!'' આ જ ફિલ્મમાં કામ કરતા ઍક્ટર અલ નાસિર સાથે વીણા પરણી હતી. અશોક કુમાર એને ખૂબ ગમતો. આ ફિલ્મ 'અફસાના' ઉપરાંત અગાઉ વીણાએ દાદામોની સાથે 'હુમાયૂન' અને 'નજમા' કરી હતી. કિશોર કુમારની ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં એ અશોક કુમારની પ્રેમિકા બને છે. વીણાનું સાચું નામ 'તાજૌર સુલતાના' હતું. પાકિસ્તાનમાં જન્મેલા આ ભાઈ-બહેન આમ તો આંધ્રપ્રદેશના નેલ્લૂર જીલ્લાના હતા. વીણાનો સગો ભાઇ એટલે ઇફતેખાર.

બલદેવરાજ ચોપરાની પહેલી ફિલ્મ છતાં, એ કેમ મહાન દિગ્દર્શક બની શક્યા, એની છાંટ આ ફિલ્મમાં એમના દિગ્દર્શનમાં દેખાય છે... ખાસ તો કૅમેરા ક્યાં મૂકાવવા, આર્ટ-ડાયરૅક્ટર સંત સિંઘ પાસે સૅટ કેવા બનાવડાવવા તેમજ અદાકારોની પરદા પર મૂવમૅન્ટ્સ અને ચેહરાના હાવભાવ ઝડપવામાં તો ચોપરા અન્ય કોઈપણ ડાયરેક્ટર કરતા જોજનો આગળ હતા. ફિલ્મોમાં અદાલતો દેખાડવામાં તેમની માસ્ટરી હતી. ચોપરાની ભાગ્યે જ કોઈ ફિલ્મ અદાલત વગરની હશે. તમે પોતે ય અન્ય ફિલ્મોની કૉર્ટ અને ચોપરાની કૉર્ટ વચ્ચે તફાવત શોધી શકશો.

નવાઈ અશોક કુમારની લાગે કે, એના સમયમાં તો એ એકલો બિનહરીફ હીરો હતો. રાજ-દિલીપ-દેવ તો બહુ પછી આવ્યા, પણ ફિલ્મ 'કિસ્મત'ની તોતિંગ સફળતા છતાં એણે બહુધા ઍન્ટી-હીરોની ભુમિકાઓ જ સ્વીકારી અને એ સંપૂર્ણપણે ચરીત્ર-અભિનેતા બન્યો ત્યાં સુધી... અને તે પછી ય! સાચું પૂછો તો એ હીરોને શોભે, એવા કપડાં ય ભાગ્યે જ પહેરતો. કદાચ એને ખબર હતી કે, હિંદી ફિલ્મોનો એ સર્વોત્તમ અભિનેતા બેશક છે અને છેવટ સુધી રહેવાનો, પણ પોતે હીરો-મટિરીયલ તો નથી જ. માટે સમજીને જ ઍન્ટી-હીરોના રોલ સ્વીકારતો હશે!

પ્રાણ સાથે પ્રારંભથી જ દાદામોનીને ગહેરી દોસ્તી રહી. (કારણ કદાચ એ હોય કે, પ્રાણ એની જેમ ચૅમ્બૂરમાં નહોતો રહેતો... ચૅમ્બૂરના બે મહાન અભિનેતાઓ રાજ કપૂર અને ઓમ પ્રકાશ સાથે દાદાને કોઈ સારાસારી રહી નહોતી. દિલીપ કુમાર સાથે ખાસ ધંધોધાપો ય નહિ અને કાંઈ ખરાબે ય નહિ... પણ દોસ્તી તો નહિ જ. યસ. દેવ આનંદે અશોક કુમારને લાઈફ-ટાઈમ ખૂબ આદર આપ્યો છે.

પ્રાણ સહુ જાણે છે તેમ વાસ્તવિક જીવનમાં સાવ 'જીવન' જેવો નહોતો, સારો અને શુધ્ધ માણસ હતો. એ વાત જુદી છે કે, એક જમાનામાં આ જ ફિલ્મની ખલનાયિકા કુલદીપ કૌર સાથે પ્રાણનું નામે ય જોડાયું હતું. કુલદીપ સંપૂર્ણપણે પ્રાણને ન્યોછાવર હતી. એક જમાનામાં તો કુલદીપ પાકિસ્તાનથી એકલી ગાડી ચલાવીને પ્રાણને એની ગાડી પાછી આપવા મુંબઈ આવી હતી. ભાગલાને કારણે પ્રાણ અને કુલદીપ બન્નેને પહેરેલે કપડે લાહૌર છોડવું પડયું હતું, એમાં પ્રાણની ગાડી પણ પાકિસ્તાન રહી ગઈ હતી, તે કુલદીપે જબરદસ્ત હિમ્મત કરીને એના 'પ્રાણનાથ'ને ઈમ્પ્રેસ કરવા આ મજલ ખેડી હતી, બોલો! (આપણી વાઈફો, નાસ્તાનો ડબ્બો ઘેર રહી ગયો હોય તો ઑફિસ આલવા આવે...? કોઈ પંખો ચાલુ કરો!) એનો પતિ સરદાર મોહિન્દર સિંઘ 'પોમ્પા' બિલકુલ છેલબટાઉ અને છોકરીઓનો શોખિન કરોડપતિ હતો. ગાડીઓનો પુષ્કળ શોખ. મૂળ 'સીખ' કુલદીપ કૌરનો અંત ઘણો કરૂણ આવ્યો. ઉઘાડા પગે ફરવામાં એના પગમાં કાંટા ખૂંપી ગયા. એ એણે હાથથી ખેંચી કાઢ્યા એમાં ધનૂર થઈ ગયું. કોઈપણ જાતની દવા કે ડોક્ટરી-સારવાર લેવાને બદલે, જેમાં એને અખૂટ શ્રધ્ધા હતી, તે મુંબઈની હાજીઅલી દરગાહ પર દુવા કરવા ગઈ... પણ એ જ એનો આખરી દિવસ બની ગયો.

(બાય ધ વે, એક પણ અપવાદ વગર, ગુજરાતના તમામ પત્રકારો કે લેખકો 'શીખ' શબ્દ લખે છે. આ નામનો કોઇ શબ્દ જ હયાત નથી. સાચો શબ્દ 'સીખ' છે. વિશ્વાસ ન હોય તો પૂછો કોઇ સરદારજીને !)

ગોતવા જઈએ તો ફિલ્મના ડાયરૅક્શનમાંથી થોડા છુંછા નીકળે એવા છે. આમે ય, ડબલ-રોલની આજ સુધીની એક ય ફિલ્મ વાસ્તવિકતાને અડી આવી નથી. વાસ્તવિક જીવનમાં કોઈ જોડીયા ભાઈ-બહેનોની શકલો આટલી હદે મળતી હોતી નથી, જેટલી ફિલ્મોમાં બતાવે છે.

એવો જ લોચો માર્યો છે, 'ચોપાટી પે તુઝ સે કલ જો આંખ મટક્કા હો ગયા...'માં જીવન ગીત ગાય છે, કક્કુની સાથે. ગીતના પ્રારંભે જીવણ (ખાડીયામાં કોઈ કદી 'જીવન' બોલ્યું જ નથી. ''બે પેલો જીવણ...'' એમ વાત થાય!) રૅગ્યુલાર હૅર-સ્ટાઈલમાં સ્ટેજ પર આવે છે, પણ પછી તરત જ બ્રાહ્મણભાઈની ચોટલી અને ઝીણા વાળ આવી જાય છે. ગીતમાં બાકીનું બધું યથાવત રહે છે. કક્કુના કપડાં અને વાળ પણ એના એ જ રહે છે.આ કક્કુ માટે આપણે આગળ ઘણું લખી ચૂક્યા છીએ. એ વખતે હૅલન હજી આવી નહોતી અને હેલનને લાવનાર જ કક્કુ. ભાગ્યે જ કોઈ ફિલ્મ એવી હતી, જેમાં કક્કુનો કમ-સે-કમ એક ડાન્સ ન હોય! ખાટલે મોટી ખોડ એ કે, કક્કુનો કોઈ પણ ડાન્સ જુઓ, શરીરની અંગભંગીઓ કે ડાન્સની સ્ટાઈલ એની એ જ રહે. નવાઈ લાગે કે, ડાન્સ-ડાયરેક્ટરો પાસે કક્કુ માટે બીજી કોઈ સ્ટાઈલ જ નહિ હોય? વર્ષો પછી અમિતાભ બચ્ચને ય આવું કર્યું. એને ડાન્સ તો આજે ય આવડતો નથી, પણ ભાઈ... જમાનો એનો હતો. એને જે ફાવે, એવા જ સ્ટૅપ્સ જ એના ડાન્સમાં લેવાના અને એને એક જ સ્ટાઈલ ફાવે છે... સાયકલના ટાયરમાં હાથે પમ્પથી હવા ભરવાવાળી એક જ સ્ટાઈલ એને આવડી છે. બહુ બહુ તો ઑટોરીક્ષા ચલાવતો હોય, એવું લાગે.

ફિલ્મ 'અફસાના' નહિ જોવા માટે એક જ કારણ છે.. થ્રિલિંગ છતાં બહુ ઈમ્પૉસિબલ વાર્તા અને જોવા માટે તો આ આખો લેખ પડયો છે.

No comments: