Search This Blog

17/01/2014

'ચાર દિલ, ચાર રાહેં' ('૫૯)

ફિલ્મ : 'ચાર દિલ, ચાર રાહેં' ('૫૯)
નિર્માતા-દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસ
સંગીત : અનિલ બિશ્વાસ
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ-૧૬૦-મિનિટ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારા : રાજ કપૂર, મીના કુમારી, શમ્મી કપૂર, નિમ્મી, કુમકુમ, અજીત, બદ્રીપ્રસાદ, જગદિશ કંવલ, પી.જયરાજ, બેબી નાઝ, નાના પળશીકર, રાશિદ ખાન, ડેવિડ અબ્રાહમ, અનવર હુસેન, શકુંતલા અને અચલા સચદેવ.



ગીતો
૧. નહિ કિયા તો કર કે દેખ, તુ ભી કિસી પે - મુકેશ
૨. કોઈ માને ન માને, મગર જાને મન, કુછ - લતા મંગેશકર
૩. ઈન્તેઝાર ઓર અભી, ઓર અભી ઓર અભી - લતા મંગેશકર
૪. કોઈ દિલ કોઈ ચાહત સે મજબુર હૈ - લતા મંગેશકર
૫. સ્ટેલા ઓ સ્ટેલા, તેરા જાની થા - મીના કપૂર-મહેન્દ્ર કપૂર
૬. કચ્ચી હૈ ઉમરીયા કોરી હૈ ચુનરીયા - મીના કપૂર-સાથી
૭. સાથી રે સાથી રે, કદમ કદમ સે દિલ સે દિલ - મુકેશ-મન્ના ડે

શમ્મી કપૂરને તો કાયદેસરની નોટીસ આ ફિલ્મ 'ચાર દિલ, ચાર રાહેં'ના નિર્માતા-દિગ્દર્શક ખ્વાજા એહમદ અબ્બાસે મોકલી હતી. શમ્મીએ આ ફિલ્મના એક ગીતમાં ઍક્ટિંગ કરવાની ધરાર ના પાડી દીધી હતી. કારણ તો ભ'ઈ... આજ સુધી કોઈને ખબર નથી ને સમાધાને ય કેવી રીતે થઈ ગયું, એની તો ક્યાંથી ખબર હોય, પણ આ ઘટના પછી કે.એ. અબ્બાસે હવે પછી ક્યારેય મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ નહિ બનાવવાનો નિર્ણય લઈ લીધો. નહિ તો રાજ કપૂરના ઘણા ડ્રીમ-પ્રોજેકટ્સ, ફિલ્મ 'શ્રી. ૪૨૦', 'આવારા', 'મેરા નામ જોકર', 'બૉબી' અને 'હિના' પણ અબ્બાસે લખ્યા હતા. એક જોતાં, વર્ષો અગાઉ લીધેલો આ નિર્ણય કમ-સે-કમ અમિતાભ બચ્ચનને બહુ ફળ્યો. અબ્બાસે બનાવેલી ફિલ્મ 'સાત હિંદુસ્તાની'નો એક હિંદુસ્તાની બનવાનું સદભાગ્ય બચ્ચન બાબુને મળ્યું. નહિ તો એમાં ય સાત મોટા સ્ટાર્સ લીધા હોત તો બચ્ચન બાબુની ઍન્ટ્રી થોડી મોડી થઈ હોત ને ખાસ તો... અમિતાભ બચ્ચન જેવા ભારતના એક માત્ર સુપરસ્ટારને પહેલો બ્રેક આપવાનો યશ અબ્બાસને ન મળ્યો હોત! એ પાછી બહુ ઓછાને ખબર હોય કે, અમિતાભના માતૃશ્રી (જે સીખ હતા) અને ઈંદિરા ગાંધી વચ્ચે ફાટફાટ દોસ્તી હોવાને કારણે ઈંદિરાજીએ કે.એ.અબ્બાસ પર ભલામણ-ચિઠ્ઠી લખી આપી હતી, એને આધારે બચ્ચનને 'સાત હિંદુસ્તાની'માં ચાન્સ મળ્યો હતો.

આમ તો, રાજ કપૂર, શમ્મી કપૂર, મીના કુમારી અને નિમ્મી જેવા એ જમાનાના સાચ્ચા સુપરસ્ટાર્સ જે ફિલ્મમાં હોય એ તો ધમધોકાર ઉપડવી જોઈતી હતી, પણ કેવી પિટાઈ ગઈ હશે, એનો ઘચરકો એક વાતથી જ આવી જાય છે કે, આપણા બધાના આ માનિતા હીરો-હીરોઈનો અને ભારતશ્રેષ્ઠ સંગીતકાર અનિલ બિશ્વાસ હોવા છતાં, ખુદ આપણામાંથી જ ભાગ્યે જ કોઈએ આ ફિલ્મનું નામ કે એકે ય ગીત સાંભળ્યું હોય તો, આપણામાંથી જ કોઈની છેલ્લા ડચકાં ખાતી સાસુ મરે, ભઈ'શાબ... ! આમ તો, આ જ વર્ષે રાજ કપૂરની પાંચ ફિલ્મો રીલિઝ થયેલી, 'કન્હૈયા', 'મૈં નશે મેં હૂં', 'દો ઉસ્તાદ', 'અનાડી' અને આ... 'ચાર દિલ, ચાર રાહેં.' એમાંની આ એક જ પિટાઈ ગઈ. દેવ આનંદની તો એક જ ફિલ્મ આવી, 'લવ મેરેજ' સુપરહિટ ગઈ. આખા વર્ષના તમામ રેકોર્ડ તોડનારી વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગે' તો અમદાવાદની મૉડેલ ટૉકીઝમાં એક વર્ષ પૂરું કર્યું. અમે મૉડેલ ટૉકીઝની સામે જ રહીએ, એટલે રોજ એકવાર તો 'ફોટા' જોવા જવાનું જ! શમ્મી કપૂરની ચાર ફિલ્મો, 'મોહર' (જેનું મદન મોહને બનાવેલું લતાએ ગાયેલું કર્ણમધુર ગીત યાદ છે ? 'તુમ હો સાથ રાત ભી હસિન હૈ, અબ તો મૌત કા ભી ગમ નહિ હૈ...', બીજી ફિલ્મ 'રાત કે રાહી', 'દિલ દે કે દેખો' અને 'ઉજાલા' છેલ્લી બન્નેએ બૉક્સ ઑફિસ છલકાવી. ગુરૂદત્તની 'કાગઝ કે ફૂલ'ના કાગળ જેવા ડૂચા નીકળી ગયા. દિલીપ કુમારની ફિલ્મ 'પૈગામ' પણ આ જ વર્ષમાં અને એ ય... ટિકિટબારી ઉપર બર્બાદીનો પૈગામ આપીને હોલવાઈ ગઈ.

મૂળ તો અબ્બાસને ફિલ્મ બનાવતા જ આવડી નહોતી. એક ફિલ્મમાં છ-છ જણાની ત્રણ લવ-સ્ટોરીઓ વારા ફરતી ચાલે. એમાં ક્યા દહાડે પતે? પાછું, ત્રણમાંથી એકે ય જોડીને એકબીજા સાથે લેવાદેવા નહિ. ત્રણે વાર્તાઓ જુદી જુદી હાંકે રાખે. તારી ભલી થાય ચમના... હજી બીજી વાળીમાંથી કળ વળી ન હોય ત્યાં તું પહેલી બતાવે ને એ સમજવામાં મહિનો-બે મહિના કાઢી નાંખીએ ત્યાં ત્રીજી ઊભી હોય! બફાટમાં કંઈ હજી બાકી રહી જતું હોય તેમ, વાર્તાને અંતે આમતેમ ગુંચળું વાળીને ત્રણે જોડીઓને ભેગી કરી દીધી છે, જેને સ્ટોરી સાથે બાય ગૉડ... કોઈ લેવાદેવા નહિ !

ત્રણ સ્ટોરીઓ એટલે પહેલી રાજ કપૂર-મીના કુમારીની સ્ટોરી. માથે ફાળીયાવાળો રાજ કપૂર અને કાલીકલૂટી મીનાકુમારી ચમારની દીકરી. એ બન્ને વચ્ચે પ્રેમ નાનપણનો, પણ મોટા થયા ત્યાં સુધીમાં રીન્યૂ કરાવવાનો રહી ગયેલો, એટલે મીના તો કોઈ ઈન્કમટેક્સની ઓફિસ ખોલીને થોડી બેઠી હતી તે જૂનો ટેક્સ પણ ભૂલે નહિ. એ બિચારી તો બધું ભૂલી ગયેલી, પણ રાજ કપૂર આપણો માનવંતો ગ્રાહક છે, એમ સમજીને પેલો પ્રેમ રીન્યૂ કરાવવા આવ્યો, તો કરી આલ્યો. આમે ય, એની આગળ-પાછળ કોઈ ભટકતું નહોતું, એમાં રાજનું કાર્ડ રીન્યૂ થઈ ગયું. પણ ગામ આખું વિરોધમાં-ઈવન, ફાધર-મધર કે ચમારની દીકરીની તો સામું ય ન જોવાય, ત્યાં રાજ તો મીનાએ ખાધેલી કાચી કેરીઓને ય બચકાં ભરી આવતો... પછી તો બા ખીજાય જ ને ? યસ. એ જમાનામાં હજી ઉંચનીચના ભેદભાવો વ્યાપક હતા.

રાજ કપૂર અને મીના કુમારીએ ઝાઝી ફિલ્મો સાથે નથી કરી... સમજો ને, માંડ બે-ત્રણ હશે. પહેલી તો મદ્રાસના એલ.વી. પ્રસાદની ફિલ્મ 'શારદા.' બીજી આ અને આના સિવાય ત્રીજી મોટા ભાગે તો નથી. રાજ કપૂરની માફક દેવ આનંદ પણ મીના કુમારી સાથે ફિલ્મો સ્વીકારતો નહતો. 'તમાશા', 'બાદબાન', 'સનમ' અને 'કિનારે-કિનારે'... હજી એકાદી રહી જતી હોય તો મોબાઈલ પકડીને જ બેઠો છું... કહી દો. યસ. દિલીપ કુમાર સાથે એ સરસ ફિટ થતી હતી. પણ ફિલ્મોની સંખ્યા બહુ નહિ. 'કોહિનૂર', 'યહૂદી', 'આઝાદ', 'ફૂટપાથ'. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો, મીના એક જ એવી હીરોઈન કહેવાય, જેણે આ ત્રણે મોટા સ્ટાર્સની પરવાહ કર્યા વગર બી-ગ્રેડના હીરોઝ સાથે જ વધુ ફિલ્મો કરી. ફિલ્મો ય એવી પસંદ કરી, જેની વાર્તા હીરોઈન ઉપર આધારિત હોય ! હવે તાળો મળી જાય કે, વાર્તા હીરોઈન ઉપર આધારિત હોય ત્યાં પેલા ત્રણ મોટા બ્રાહ્મણભ'ઈઓ શું કામ શીંગડામાં માથાં ભરાવવા આવે ?

બીજી લવ સ્ટોરી શમ્મી કપૂર અને કુમકુમની સાયમલટેનીયસલી ચાલતી હતી. ને ત્રીજી સ્ટોરી અજીત અને નિમ્મીની. આમાં, ફિલ્મ જોતાં જોતાં તમારાથી આ ત્રણ ચોકઠાં આઘાપાછા થઈ ગયા તો રાજ કપૂર નિમ્મીમાં ભેરવાઈ જાય, શમ્મી કપૂરને મીના કુમારી સાથે વળી ક્યાં મેળ પડવાનો હતો... એનો બાબો હોય એવું લાગે, પણ ત્રણ સ્ટોરીની ગુચડમગુચડીમાં આવું થઈ શકે ને ફિલ્મ જોઈ લીધા પછી ચિંતા તમે કરો કે, અજીત અને કુમકુમ છેલ્લે પઇણ્યા કેમ નહિ ? આ તો એક વાત થાય છે !

આ 'ફિલ્મ ઈન્ડિયા' કૉલમ આટલા વર્ષોથી ચાલે છે, એમાં એક આ ફિલ્મ એવી આવી કે એક તબક્કે અધૂરી છોડી દેવાનું ખૂન્નસ ચઢ્યું. પણ લખવું તો પડે, એટલે ફિલ્મ વગર જોયે કે અધૂરી જોયે લેખ લખી નાંખવાની બેઈમાની કરી નહિ, એમાં મગજની નસો તંગ થઈ ગઈ. સાલી અત્યંત ફાલતુ ફિલ્મ !

'ચાર દિલ, ચાર રાહેં'માં સંગીત અનિલ બિશ્વાસનું હતું. જૂની ફિલ્મોના શોખિન ખરા, પણ એટલા બધા નહિ કે વાત અનિલ દા કે સી.રામચંદ્ર સુધી પહોંચે ! અનિલ દા સંગીતની એ ઊંચાઈઓ પર હતા, જ્યાં એ પછીના નૌશાદ. શંકર-જયકિશન કે બાકીના તમામ સ્થાપિત સંગીતકારો અનિલ દા ને ગુરૂભાવે જુએ. લતા મંગેશકરના શ્રેષ્ઠ ગીતોમાં કદાચ કોઈની પસંદગીમાં એમનું નામ ન આવે, પણ લતાના અપ્રતિમ ચાહકો માટે લતા-અનિલ બિશ્વાસની જોડીના ગીતો પછી જ સી.રામચંદ્ર કે મદન મોહનના ગીતોનો નંબર આવે. અને જુઓ જરા. આ ફિલ્મમાં અનિલ દા ને છાજે એવું એક માત્ર ગીત લતા મંગેશકરનું 'ઈન્તેઝાર ઓર અભી, ઓર અભી...' જે ત્રણ-ચાર રાગોમાં બન્યું છે. દુ:ખદ વાત એ છે કે, આવું સુંદર ગીત ફિલ્મમાં નિમ્મી ઉપર મુજરા ડાન્સ તરીકે ફિલ્માયું છે. બીજું વધારે ઉપડયું, અનિલ દા ના પત્ની મીના કપૂરે ગાયેલું અને સ્ક્રીન પર મીના કુમારીએ ગાયેલું 'કચ્ચી હૈ ઉમરીયા...' કંઈક રાહતભર્યું છે. બાકી અનિલ બિશ્વાસની ઢળતી કારકિર્દીનો આસાર આ ફિલ્મથી આવી ગયો હતો. બહુ સામાન્ય કક્ષાના ગીતો બનાવ્યા, એનો મતલબ એ થયો કે, કાકા પાસે એમનો અસલી માલ ખૂટી ગયો હતો. તો પછી અનિલ બિશ્વાસ ચાલ્યા કેમ નહિ ? કેમ એમનું નામ એ વખતના સફળ સંગીતકારોમાં હજી ય નથી મૂકાતું ? મને બે-ત્રણ કારણો આવડે છે. એક તો, અનિલ બિશ્વાસની ફિલ્મોની સંખ્યા નાની સૂની તો નહોતી, છતાં આઉટરાઇટ તો જવા દો... એમના સંગીતને કારણે જ ધૂમધામ સફળ થયેલી ફિલ્મોનું લિસ્ટ મારીમચડીને બનાવવું પડે ને એમાં ય વાતમાં વજન તો લતા મંગેશકરના પ્રવેશ પછી જ પડે. મતલબ, સ્ટ્રાઈક-રેટ નબળો. એક ફિલ્મના ૮-૧૦ ગીતોમાંથી કેટલા લોકજીભે ખૂબ ચઢ્યા અને એ પછી એવી કેટલી ફિલ્મો આવી... એને સ્ટ્રાઈક-રેટ કહેવાય. ત્રીજું કારણ એ પણ ખરૂં કે, એમના ગીતોની રચના સામાન્ય ગાયિકાઓ માટે આ ભાવમાં પરવડે એવી નહોતી. લતાએ એમના કમ્પોઝીશનમાં ગાયેલું ગીત આપણી વાઇફ ગાવા જાય તો કાં તો વચમાં આપણે હસી પડીએ ને કાં તો અંદરના રૂમમાં લઈ જઈને, ખાનદાન કી ઇજ્જત બચાવી લેવા આપણે જ એને સમજાવવી પડે. નૌશાદ કે શંકર-જયકિશનની તરજો લોકભોગ્ય અને ગાવામાં સરળ પડે.

અનિલ દા જેવો બીજો દાખલો સંગીતકાર જયદેવનો. એમના સંગીતલાલિત્ય વિશે કોઈ શંકા નહિ, પણ ખુદ લતા-આશાએ કબુલ કર્યું છે કે, જયદેવની ધૂન પર ગાવું અમને પણ કઠીન પડતું.

ફિલ્મ 'ચાર દિલ ચાર રાહેં'માં એ સમયની મશહૂર ત્રિપુટી મુખ્ય ભૂમિકાઓમાં હતી. રાજ-મીના તો સમજ્યા, પણ અજીત અને નિમ્મી બન્ને આમ તો સેકન્ડ-કલાસ સિટિઝન્સ કહેવાય. એમનું કોઈ માર્કેટ નહિ. એમાં ય, શમ્મી કપૂર તો અડધી ફિલ્મ પછી આવે છે અને ફિલ્મનો અસલી હીરો ય એ જ છે. રાજ કપૂર અને મીના કુમારી કે પેલા બન્ને ફિલ્મની શરૂઆતમાં નામ પૂરતા આવે છે, બાકી ફિલ્મ શમ્મીએ ઉપાડી છે. શમ્મી બહુ અન્ડરરેટેડ હીરો હતો. માત્ર 'હીરો' તરીકે જ નહિ, 'ઍક્ટર' તરીકે ય એની પૉટૅન્શિયાલિટી રાજ-દિલીપ કે દેવ કરતા સહેજ બી ઉતરતી નહિ, પણ પહેલેથી જ એને ઉછલમ-કૂદમનો હીરો બનાવી દેવાયો, એટલે એક છાપ જ ખોટી પડી ગઈ કે શમ્મી એટલે 'તારીફ કરૂં ક્યા ઉસકી...'ના ઠેકડાવાળો !

અજીત પઠાણ હતો-હૈદરાબાદ (ભારત)નો. મૂળ નામ હમીદઅલી ખાન. આંધ્રપ્રદેશના વરંગલ જીલ્લામાં ગોલકુન્ડામાં એ જન્મ્યો હતો. હિંદી ફિલ્મોમાં 'નાસ્તિક', 'બડા ભાઈ', 'ઢોલક' અને 'બારાદરી' જેવી એક પછી એક ફાલતુ ફિલ્મોમાં કામ કરવા બદલ હીરો તરીકે જલ્દી ફેંકાઈ ગયો. મૂકેશનું પેલું ગીત, 'મુફ્ત હુએ બદનામ, કિસી કે હાય દિલ કો ચુરા કે...', પરદા પર એણે ગાયું હતું, ફિલ્મ 'બારાત'માં પણ સાઇડ-હીરોમાં ઠીક ઠીક ચાળ્યો. 'મુઘલ-એ-આઝમ' અને 'નયા દૌર'માં એ વધુ જાણિતો થયો. જોવાની ખૂબી એ છે કે, શરૂઆતના દોઢ-બે દસકાઓમાં હીરો કે સાઈડ હીરો તરીકે બધું મળીને ૫૭-ફિલ્મો તો માંડ કરી, એ પછી વૈજ્યંતિમાલા અને રાજેન્દ્ર કુમાર સાથે સત્તાવાર વિલન તરીકે ફિલ્મ 'સૂરજ'માં પહેલી વાર આવતા વ્હેંત છવાઈ ગયો. પછી તો એ જીવ્યો ત્યાં સુધી ફિલ્મ 'ઝંજીર'ના તેજાના અપ્રતિમ રોલને કારણે બધું મળીને અઢી સો ફિલ્મો કરી દીધી. એની સફળતા એ વાત સુધી જાય છે કે, એણે ભજવેલા 'લૉયન'નું પાત્ર અનેક જૉક્સમાં વપરાતું થઈ ગયું.

કમનસીબે, આ ફિલ્મ 'ચાર દિલ ચાર રાહેં'માં દિલાવરખાન પઠાણનો એનો રોલ (અને ઍક્ટિંગ)ને કારણે આ ફિલ્મ હતી, એના કરતા ય વધુ ફાલતુ બની. એક અભિનેતા તરીકે અજીત મોટું મીંડુ હતો.

(સીડી સૌજન્ય : શ્રી. ભરત દવે-સુરત)

No comments: