Search This Blog

08/01/2014

અમદાવાદના એ થીયેટરો

ગુજરાતીઓ સિનેમા કે નાટકના થીયેટરને માટે એક જ શબ્દ વાપરે છે, 'થીયેટર'. નાટક અથવા તો જાણકાર તરીકે ઓળખાવવું હોય તો નાટક માટે નાટક-ફાટક નહિ, 'સ્ટેજ' અથવા 'થીયેટર' શબ્દ વાપરો. ગુજરાતીઓ ફિલ્મે ફિલ્મે ફિલ્મની જાતિ બદલે છે. 'છેલ્લી કઇ ફિલ્મ જોઇ ?' (સ્ત્રીલિંગ), 'બૉસ, તમે બચ્ચનનું 'મર્દ' જોયું ?' (નાન્યતર જાતિ) અર્થાત, ભલભલા 'મરદ'ને ગુજરાતીઓ નાન્યતર જાતિમાં મૂકી શકે છે. પણ મહારાષ્ટ્રમાં ફિલ્મો માટે પુલ્લિંગ વપરાય છે. 'સુજાતા' જોયો ? અર્થાત, એક સીધી સાદી સ્ત્રીને પુરૂષ બનાવી દેવામાં મરાઠીઓની માસ્ટરી છે. પણ થીયેટરો માટે ગુજરાતીઓ 'ટૉકીઝ' શબ્દ પણ વાપરે છે. એ જ વાપરે છે ! ઇન ફૅક્ટ, ૧૯૩૧માં ભારતમાં 'આલમઆરા' નામની પહેલી બોલતી એટલે કે 'ટૉકી' ફિલ્મ રજુ થઇ, એ પછી ફિલ્મો માટે ટૉકીઝ શબ્દ વપરાયો. અંગ્રેજોના જમાનામાં આપણા લોકોનું ઇંગ્લિશ આજના જેટલું કાચું નહોતું, છતાં ક્યા મેળનું થીયેટર માટે 'ટૉકીઝ' શબ્દ વપરાવાનો શરૂ થયો, તે સ્મરણોનો વિષય છે.

પણ આ કૉલમ વાંચનારાઓ તો એ ઉંમરના સિનેમા શોખિનો છે, જે લોકોએ મંદિરો કરતા ગુજરાતના જૂના થીયેટરોના વધારે પ્રવાસો કર્યા છે. ક્યા થીયેટરમાં કઇ ફિલ્મ જોઇ હતી, એ બધાને યાદ છે. હું ૧૯૫૨માં જન્મ્યો હતો, એટલે વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' અમારા ગાંધી રોડ પરની મોડેલ ટૉકીઝમાં એક વર્ષ ચાલી હતી ને શો-કૅસમાં મૂકેલા ફોટા જોવા રોજ જવાનું, એટલે સાલ '૫૯-ની હોવા છતાં બધું યાદ છે. હું આ કૉલમમાં, કઇ ફિલ્મ કયા થીયેટરમાં આવી હતી, તે યાદોને આધારે લખું છું. ફિલ્મ, ક્રિકેટ અને છોકરીઓ સિવાય કોઇ વિષયમાં પિચ પડતી નહોતી, એટલે ઘણા વાચકો મને હિંદી ફિલ્મોના 'ઍનસાયક્લોપિડિયા' કહે છે, પણ અમારા ખાડીયામાં એ વખતના યુવાનો બધા આવા જ 'ઍનસાયક્લોપીડિયાઓ' હતા. શુક્રવારે નવી ફિલ્મ આવે, એ ૩ થી ૬ના 'બીજા' શોમાં જોવી પડે, એનાથી મોટી શરમની બીજી કોઇ વાત નહોતી. આવા બદનસીબોની તો રાત્રે પોળને નાકે ફિલમ ઉતરે. ''હટ...ચીનીયાને તો કોઇ થીયેટરનો લાલો-બાલો ય ઓળખતો નથી. હાળાને ડોરકીપરની છોકરી ય પસંદ નહિ કરે !'' ફિલ્મનું ઍક્ઝૅક્ટ પહેલું દ્રષ્ય ક્યું હતું કે, ફાઇટીંગના સીનમાં પાછળ દેખાતા ટોળામાં વચ્ચે ઊભેલો માણસ કોણ હતો, એનું નામ જાણી લાવવાની શરતો રમાય. આમ તો શંકર- જયકિશન એટલે ભગવાન મહાદેવ અને શ્રીકૃષ્ણની જોડી થઇ ને ? પણ ધર્મને નામે મરજાદી વૈષ્ણવો ભૂલમાં ય 'શિવ' કે 'શંકર' ન બોલે (કપડું 'સિવડાવવા' નહિ, કપડું 'વેતરાવવા' બોલવાનું. 'સિવડાવવા'માં ય 'શિવ' તો આવી જાય ને ? પરિણામે, અમદાવાદમાં ફિલ્મ 'શિવા' આવી ત્યારે મરજાદીઓ ફક્ત '...આ' બોલતા. પણ વાત શંકર-જયકિશનની નીકળે એટલે ધરમ-બરમ બધું જ બાજું પર ગયું... ખાડીયા આખું આ સંગીતકારો પર કુર્બાન !

ફિલ્મની ટિકીટો આજની જેમ 'ઓનલાઇન' નહોતી મળતી. આગલા સપ્તાહથી કંઇ કેટલાય કલાકો વહેલી સવારથી લાઇનમાં ધક્કામુક્કી અને 'લાલાઓ'ના 'હઇડ...હઇડ' સાંભળ્યા પછી માંડ ટીકિટ મળતી. વૅલ્યૂ તો પહેલા દિવસની પહેલા શો ની ટિકીટની જ ! અમદાવાદી સિનેમા-લાઇનમાં ઘુસી શકે, સિનેમાની લાઇનમાં નહિ. એ થીયેટરોમાં મોટી એહમીયત બાલ્કની કે અપર સ્ટૉલ્સની નહિ... 'રૂપિયાવાળી' લૉઅર સ્ટૉલ્સની હતી. અત્યારે કહેતા કોઇ સંકોચ થતો નથી કે, એ જમાનામાં મોટા ભાગની ફિલ્મો મેં 'રૂપિયાવાળી'માં જોઇ હતી. રૂ.૧.૪૦ અપર સ્ટૉલ્સ અને રૂ.૧.૬૦ બાલ્કનીના પોસાતા નહોતા. પણ એ વખતે ટિકીટ 'રૂપિયાવાળી' લઇને 'હાઉસ' અંદર લેવાઇ જાય, અંધારૂં થઇ જાય ત્યારે મોઢૂં ઓળખાઇ ન જાય માટે કૉલર ઊંચા કરીને છાનામાના ઘુસવાનું, જેથી અપર સ્ટૉલ્સમાં બેઠેલું કોક ઓળખીતું ઓળખી ન જાય !

મને એકને જ નહિ, અમદાવાદના થીયેટરો મારા જેવા બધા 'ઍનસાયક્લોપીડિયાઓને' આજે પણ યાદ છે. જામનગર મારૂં મોસાળ, એટલે વર્ષમાં બે-ચાર વાર જવાનું થાય. ચાલતી હોય એ બધી ફિલ્મો જોઇને જ પાછા આવવાનું. એ જમાનામાં ત્યાંની અનુપમ, જયશ્રી, દીપક, શત્રુશલ્ય, દિગ્વિજય ટૉકીઝો યાદ છે ને થાનગઢનું વાસુકી સિનેમા યાદ છે, જ્યાં એક જ પ્રોજૅક્ટર હોવાથી રીલ બદલાય એટલા ઇન્ટરવલ પડે. ઇન્ટરવલ વખતે બાકીની ફિલ્મ અડધા ભાવે જોનારાઓ બહાર આપણી રાહ જોઇને ઊભા હોય.

એ જમાનામાં શહેરો બધા નાનકડા, ગાડી તો દૂરની વાત છે, સ્કૂટરો કોઇની પાસે નહિ, એટલે પાર્કિંગમાં મોટી માથાકૂટ સાયકલ કાઢવાની આવે. સાયકલની સીટ ઉપર ચોક વડે નંબર લખ્યો હોય, એ ઉતાવળમાં યાદ ન રહે ને સાયકલ મળતા જ ઠેકડો મારીને બેસી જઇએ. એમાં પાટલૂનની પાછળ ખોટી જગ્યાએ ચોકનો ઊંધો નંબર છપાઇ ગયો હોય ! શો શરૂ થતાં પહેલાં રીક્ષામાંથી ઉતરવું જાહોજલાલી ગણાતી. ઉતરતી વખતે કોઇ જુએ, એ અપેક્ષા રહેતી ને જોનારાઓ ય આપણને રીક્ષામાંથી ઉતરતા જોઇને એકબીજાને આંખ મારીને કહે, ''શું વાત છે ? દીપકીયો રીક્ષામાં...? દીપકીયો રીક્ષામાં...?'' કોઇ મોટાનું કરી નાંખ્યું લાગે છે.''

ફિલ્મની તોતિંગ દીવાલો ઉપર આજના જેવા ફ્લૅક્સના ટુકડા ન માર્યા હોય... મોટા જાયગૅન્ટીક હૉર્ડિંગ્સ લાગ્યા હોય ને નવી ફિલ્મ આવવાની હોય, એની આગલી રાત્રે એ હૉર્ડિંગ્સ જોવા ખાસ જવાનો ય મહિમા મોટો હતો. અમદાવાદમાં હજી સુધી ફિલ્મ 'સંગમ' જેવા વિરાટ હૉર્ડિંગ્સ બીજી કોઇ ફિલ્મના બનેલા જોયા નથી. ફિલ્મમાં રાજ કપૂર કૅમેરા પરદેશ લઇ ગયો હોવાથી સિનેમાની દિવાલો પર રોમ, પૅરિસ, લંડનને સ્વિત્ઝરલૅન્ડના મોટા કટ-આઉટ મૂક્યા હતા. પૅરિસના આયફલ ટાવરની પ્રતિકૃતિ મારા જેવા અનેકને યાદ હશે.

આ બધા થીયેટરો એકબીજાના ખભે હાથ મૂકીને યાર દોસ્તોની જેમ નજીક ઊભા હતા. એમની યારીનો સીધો ફાયદો શહેરના સિનેમા શોખિનોને થતો કે, આ થીયેટરમાં ટીકીટ ન મળે તો બીજામાં, બીજામાં ન મળે તો ત્રીજામાં.. રીલિફ રોડ અને ઘીકાંટા એકબીજાની માસીઓના દીકરા થતા હોય, એટલા નજીક હોવાને કારણે ચાલતા ચાલતા ય બીજા થીયેટર પર પહોંચવું અઘરૂં નહોતું. યસ. આજે આમાંનું એક પણ થીયેટર ન ચાલે, ગમે તેવી સારી ફિલ્મ લઇ આવો તો પણ...! કારણ, મૉડેલ ટૉકીઝ જેવા એકાદ- બે થીયેટરોને બાદ કરો, તો અમદાવાદના એકેય થીયેટર પાસે કાર-પાર્કિંગ જ નહિ ! કારો હોય તો પાર્કિંગ થાય ને ?

આ કૉલમના વાચકો માટે અમદાવાદના થીયેટરોનો નાનકડો પ્રવાસ કરાવીને જૂની યાદો ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. જોઇ જુઓ... કેટલે સુધી સાચો છું !

સિક્સર

હવેના બાળકો કાન અને ખભા વચ્ચે દબાવેલા મોબાઇલ સાથે જ જન્મશે... બસ, બહાર આવી ગયા પછી એમના બન્ને પગ વચ્ચે એક મોટર-બાઇક જ ભરાવી દેવાની !

1 comment:

pranita majmudar said...

અમદાવાદ ના થીયેટરો વિષે વાંચવાની ઘણી મઝા આવે છે. તે સમયે પિક્ચર જોવા જવાનું હોય તો સવારથી ઉત્તેજના અને આનંદ થતા. આજે આ વાત કોઈ મને નહિ, પણ કયા કપડા પહેરી ને પિક્ચર જોવા જવાનું છે, તેની તૈયારીઓ થતી તે વખતે મોટા ભાઈ કે બહેન અમારો ઉત્સાહ ઠંડો કરતા કહે કે પિક્ચર જોવા આવતા લોકો તમને જોવાના નથી !!!