Search This Blog

10/01/2014

‘ફન્ટુશ’ (૫૬)

ફિલ્મ : ફન્ટુશ
નિર્માતા : દેવ આનંદ 
દિગ્દર્શખ : ચેતન આનંદ
સંગીત : સચિનદેવ બર્મન
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ-૧૧૮ મિનિટ્સ
થીયેટર : લીબર્ટી (મધુરમ).. (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, શીલા રામાણી, કે. એન. સિંઘ, લીલા ચીટણીસ, કુમકુમ, જગદીશ રાજ, કૃષ્ણ ધવન, ભગવાન સિન્હા, અબુ બકર, ભીમજીભાઈ અને ઇન્દિરા બિલ્લી


ગીતો
૧. દુ:ખી મન મેરે, સુન મેરા કહેના, જહાં નહિ ચૈના - કિશોરકુમાર
૨. વો દેખેં તો ઉનકી ઇનાયત, ના દેખે તો રોના ક્યા - આશા- કિશોર
૩. એ જી ઓ..  હમે આજ કોઈ ન છેડીયો - આશા- કિશોર
૪. અય જ્હોની, જીને મેં ક્યા - આશા ભોંસલે
૫. અય મેરી ટોપી પલટ કે આ, ન અપને ફન્ટુશ કો સતા - કિશોરકુમાર
૬. દેને વાલા જબ ભી દેતા, પૂરા છપ્પર ફાડ કે દેતા - આશા- કિશોર
૭. ફૂલ ગેંદવા ન મારો, મૈં ડર જાઉંગી - આશા ભોંસલે

મૂળ તો આ ફિલ્મ હોલીવૂડમાં ઠેઠ ૧૯૪૧માં બનેલી મશહૂર ફિલ્મ સર્જક ફ્રેન્ક કાપરાની ઇંગ્લિશ ફિલ્મ 'મીટ જ્હોન ડો' ઉપરથી સારી બની હતી... (અર્થાત્, સારી કે ખરાબ ફિલ્મી વાર્તાઓ આપણા દેશમાં એ જમાનામાં ય નહોતી મળતી ) એ ફિલ્મમાં ગેરી ક્યૂપર અને બાર્બરા સ્ટોનવીક હતા. જાવેદ અખ્તર રહી જતા હતા, તે એમણે ય પોતાની બીજી વારની વાઇફ શબાના આઝમીને અમિતાભ સાથે ચમકાવતી ફિલ્મ 'મૈ આઝાદ હૂં'માં ફ્રેન્ક કાપરાની આ જ ફિલ્મોની સ્ટોરી ઉઠાવી. પાછું સલીમ જાવેદ કબુલી પણ નાખે કે અમે તો હોલીવુડની ફિલ્મમાંથી જ પ્રેરણા લઈને વાર્તાઓ લખીએ છીએ. સાલું... આટલા વર્ષો અમે જખ મારી છે કે, ઇંગ્લિશ કે અમેરિકન હાસ્ય લેખકોમાંથી આજ સુધી એક દોરો ય ઉઠાવ્યો નહિ, એટલે અમારું કોઈ જ નામ ન થયું... રાજ- નરગીસની ફિલ્મ 'ચોરી ચોરી' પણ કાપરાની જ ફિલ્મ 'ઇટ હેપન્ડ વન નાઇટ'ની ઉઠાંતરી હતી.

દેવ આનંદે નવકેતનની સ્થાપના કર્યા પછી પહેલી ફિલ્મ 'અફસર' બનાવી, તે પછી સીધી જ બીજી ફિલ્મ આ, 'ફન્ટુશ'. ચેતન આનંદ આ ફિલ્મથી છૂટો થયો અને વિજય આનંદની એન્ટ્રી થઈ. દેવ આનંદની આત્મકથા 'રોમેન્સિંગ વિથ લાઇફ'માં પોતાના મોટા ભાઈ ચેતન આનંદની આમ દગો કરીને નવકેતનથી છૂટા પડવાની વાત દેવે સ્પષ્ટ લખી છે. ચેતને એની એ વખતની પત્ની ઉમા આનંદ (જે આ ફિલ્મની પટકથા લેખક પણ છે.)ને લખેલો પણ બીડવાનો રહી ગયેલો ખુલ્લો પત્ર દેવઆનંદના હાથમાં આવી જાય છે, જેમાં ચેતને - 'દેવ એક મોટો પ્રોબ્લેમ છે...' એવું પોતાની નવી ફિલ્મ કંપની સ્થાપવાના અનુસંધાનમાં લખ્યું છે. સ્વાભાવિક છે દેવે વિજય આનંદને દિગ્દર્શનની ધૂરા સોંપી દીધી. એ વાત જુદી છે કે, 'હરે રામા, હરે ક્રિશ્ના' પછી દેવે વિજયને પણ પડતો મૂકી જાતે આપઘાત કરવાનું નક્કી કર્યું.

અમથું ય એક દિગ્દર્શક તરીકે તો ચેતન આનંદમાં ય કોઈ ભલીવાર નહોતો (એમાં ય બીજી પત્ની સ્વ. પ્રિયા રાજવંશના આવ્યા પછી તો સાવ દાટ વાળ્યો) ચેતન આનંદની એક ફિલ્મ સર્વોત્કૃષ્ટ બની હતી, 'આખરી ખત'. ફ્રેન્ક કાપરાની મૂળ ફિલ્મ મીટ જ્હોન ડો.ના કેવા ધજ્જીયા ઉડાવી શકાય છે, એ જોવા માટે આ ફિલ્મ જોવાય નહીં. લેવા દેવા વગરના બા ખિજાશે.

વાર્તા કંઈક આવી હતી.

દેવ આનંદની નજર સામે એની માં અને બહેન આગમાં ભડથું થઈ જાય છે, એના આઘાતમાં એ ગાંડો થઈને હોસ્પિટલમાં ભરતી થાય છે. ત્યાંથી છૂટીને પાગલપનના ખયાલોમાં એ આત્મહત્યા કરવા જાય છે. વિલન કે. એન.સિંઘ એને બચાવીને ઘરે લઈ આવે છે, જ્યાં એની પુત્રી શીલા રામાણી આવા ગાન્ડાને પણ દિલ દઈ બેસે છે. (છાપાઓમાં એક ટચૂકડી જા.ખ. આપી દીધી હોત તો માંગો એ બ્રાન્ડના ગાન્ડાઓ મળી જાત) સિંઘ એ ઇરાદાથી બચાવે છે કે, દેવને મરવું જ હોય તો ઉતાવળ શી છે ? થોડા દિવસો પછી મરે, જેથી જીવન વીમાના એક લાખ રૂપિયા સિંઘને મળે. સિંઘ બે-ત્રણ વખત દેવ આનંદને આત્મહત્યા કરવા લઈ જાય છે, પણ દેવ બચી જાય છે. દેવ સીધી રીતે ન માને, તો એનું ખૂન કરવું, એ ઇરાદાથી સિંઘ એને મારી નાખવાનો પ્રયત્ન કરે છે ને દેવ મરી ગયો સમજીને ઇન્શ્યોરન્સ પાકો કરીને ઘેર આવે છે, જ્યાં દેવને જીવતો જોઈને સિંઘનું પોતાનું છટકી જાય છે અને ખુદ પાગલખાનામાં આવી જાય છે.

એ તો ફિલ્મ પૂરી થયા પછી આપણને ખ્યાલ આવે છે કે, કે. એન. સિંઘની બાજુના વોર્ડમાં આપણને ય દાખલ કરવા પડે, એવી મગજની નસો ખેંચાય એવી ફાલતુ ફિલ્મ હતી. ગાન્ડો થઈને હોસ્પિટલમાંથી બહાર આવેલો દેવ આનંદ આપઘાત શેના માટે કરવા માગે છે, એ કોઈને ખબર નથી. આખી ફિલ્મમાં એ હસતો રહે છે. (યસ બન્ને તરફના એના વર્લ્ડ ફેમસ ગપોલીવાળા દાંતો સાથે) છતાં ફિલ્મને કોઈ લાગેવળગે જ નહીં અને હમણાં જ એની સાસુ મરી ગઈ હોય એવા રોતડે મોંઢે એ ગીત ગાય છે, 'દુ:ખી મન મેરે, સુન મેરા કહેના...' ગીતની આગળ પાછળ દેવને એવું તો કોઈ દુ:ખ પડતું નથી કે આવા રોંદણાં રોવા પડે દેવ આનંદ પોતાના ચાલુ રીસેપ્શનમાં સિગારેટ પીએ છે, એની પાછળ ડાયરેક્શનનો કયો ટચ હશે, એ તો ચેતન આનંદ જાણે.

કમ્માલની વાત તો એ છે કે, દેવ આનંદે આ ફિલ્મના ભરચક વખાણ કર્યા છે અને કરે એમાં એ સાચો છે, કારણ કે, ૧૯૫૬માં રીલીઝ થયેલી તમામ ફિલ્મો કરતા 'ફન્ટુશ'નો વકરો સૌથી મોટો હતો. આમ તો, એની આત્મકથામાં ભાગ્યે જ કોઈ હીરોઇનોના નામ લીધા છે... વખાણ કરવાની વાત તો દૂર રહી પણ શીલા રામાણી ઉપર દેવ આનંદ પૂરજોશ મેહરબાન છે. એની સાથે કામ કરવાનો દેવને ખૂબ મજો પડયો એવું ય એણે લખ્યું છે. જો કે, શીલા રામાણી હતી ય, વખાણ કરવા જેવી. એ કેમ ચાલી નહિ, એની ખબર પડે એમ નથી. નહિ તો ધગધગતું રૂપ અને હર્યુંભર્યું શરીર, ખૂબ ઘટાદાર વાળ અને એક્ટિંગ મેં વૈસે ભી બૂરી નહિ... કદાચ કારણ એ હશે કે, વચમાં એ પાકિસ્તાન ગઈ હતી અને ત્યાંની એક ફિલ્મ અનોખીમાં કામ કર્યું હતું ને નિર્માતાઓએ માની લીધું હોય કે આ તો હવે ગઇઇઇ... એ ફિલ્મ અને એના ગીતો હિટ થયા, પણ શીલા ભારત પાછી આવી ગઈ. છેલ્લી ફિલ્મ માં-બેટા કર્યા પછી એક પારસી સાથે લગ્ન કરી શીલા કાવસજી બની ગઈ. એના પતિ જાલ કાવસજી સાથે મુંબઈ, ન્યૂયોર્ક, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકામાં અનેક વર્ષો વસવાટ કરીને હાલમાં શીલા મધ્યપ્રદેશના મ્હાઉમાં રહે છે. શીલા જીવનભર ભગવાન શ્રીનાથજીની ભક્ત રહી છે. શીલા રામાણી સિંધી હતી. સાચું નામ શીલા કેવલરામાણી. આપણા સહુની ઓલટાઇમ ફેવરિટ હીરોઇન સાધના પહેલી વાર કોઈ ફિલ્મમાં કામ કર્યું હોય તો એ સિંધી ફિલ્મ 'અબાના' હતી, એ 'અબાના'ની હિરોઇન આ શીલા રામાણી હતી. હિંદી ફિલ્મોમાં પણ સિંધી કલાકારો દેશની વસ્તીમાં હતા, એમ અહીં પણ લઘુમતીમાં જ હતા. પારસીઓની જેમ સિધીઓએ સખ્ખત સંઘર્ષ કરીને આ દેશમાં જ સમય પસાર કર્યો છે, જિંદગી નહિ. આ લોકોએ કદી પોતાને લઘુમતીમાં સમાવિષ્ટ કરવા સરકાર માઇ-બાપને અરજીઓ કરી નથી. સિંધીઓ ખુમારીથી જીવ્યા છે... સરકારી ટુકડાઓ ઉપર નહિ. લજ્જા પણ આવે છે કે હવે તો, કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ પણ પોતાને લઘુમતીમાં મૂકવા આમાદા છે. થોડા વખતમાં બ્રાહ્મણો અને પટેલો કહેશે, ખરી લઘુમતીમાં તો અમે છીએ... ફિર ક્યા?  આખા દેશની તમામ કોમો લઘુમતીમાં... અને પછી બહુમતીમાં આવી જશે સિંધીઓ અને પારસીઓ. તો આ રહ્યું, હિંદી ફિલ્મોમાં સિંધી કલાકારોનું લિસ્ટ. (બહુ જાણીતા ન હોય, એવા કલાકારોને અહીં સ્થાન અપાયું નથી.) સાધના, બબીતા, હરિ શિવદાસાણી (બબિતાના ફાધર અને સાધનાના કાકા), અસરાણી, બિરબલ, શીલા રામાણી, મનોજકુમારવાળી ફિલ્મ 'પૂનમ કી રાત'ની હીરોઇન કુમુદ છુગાની, પેલો ગોળમટોળ કોમેડિયન મૂલચંદ, સ્વ. અજીત વાચ્છાણી, નવી હિરોઇનોમાં આરતી છાબરિયા, અંજના સુખાણી, આફતાબ શિવદાસાણી, અનિતા હાસાનંદાણી, પ્રીતિ જાંગીયાની, શત્રુઘ્નસિંહાની પત્ની પૂનમ ચંદીરામાણી, જમણાં જેલ જઈ આવેલો હીરો શાયની આહુજા, પહેલા સલમાનખાન સાથે રીતસરના લગ્ન કરવાની અણી ઉપર આવીને ભોંઠી પડીને અઝહરૂદ્દીનને પરણેલી સંગીતા બિજલાણી, હંસિકા મોટવાણી, કિટ્ટુ ગીડવાણી, કરણ જોહર, રાજ કપૂરની 'બુટ પોલિશ'માં લપક ઝપક તુ આ રે બદરવા... ગાનાર ટકલુ ભૂડો અડવાણી, સંગીતકાર બુલો સી રાણી અને તેમના જ આસિસ્ટન્ટ રહી ચૂકેલા સી. અર્જુન, 'પ્રીતમ આન મીલો'ના ગાયક ચેનાની હશમતરાય આત્મા એટલે કે સી.એચ. આત્મા અને એમના નાનાભાઈ ચંદ્રુ આત્મા, ખૂબ હેન્ડસમ અને ઇંગ્લિશ એક્ટર લાગે એવો દલિપ તાહિલ, શોલેવાળા જી.પી. સિપ્પી- રમેશ સિપ્પી, ('ધરકી કહે પુકાર કે'ના લેખમાં જીતેન્દ્રની પત્ની શોભા સિપ્પીને 'શોલે'વાળા રમેશ સિપ્પીની બહેન ગણાવી છે, તે શરતચૂક છે. એ રમેશ સિપ્પીની બહેન ખરી, પણ 'શોલે'વાળા નહી) હીરો ગોવિંદા, દિગ્દર્શક ગોવિંદા નિહલાણી, જૂના જમાનાના કોમેડિયન ગોપ, આ જમાનાનો ઘનશ્યામ વાસવાણી, અને શોલેવાળો સામ્ભા સ્વ. મેકમોહન... આ બધા સિંધીઓ છે. મોટા ભાગના સિંધીઓ અણીદાર માણસો છે એમની અટકો અણીથી જ પૂરી થાય. (આમાં આકાશવાણી કે દૂરવાણીનો સમાવેશ થતો નથી.) એ જ રીતે કચ્છીઓની અટકો પણ અણીદાર હોય છે, પણ એ સિંધીઓ નહિ. આટલી બધી અણીઓ ભેગી કરીને મને ય મારી અટક બદલાવીને ''અશોક દવાણી'' કરી નાખવાનો સોટો ઉપડયો છે... બ્રાહ્મણોએ મને ઝાલી રાખવો.)

સિંધી કલાકારોનું માહિતી સૌજન્ય હિંદી ફિલ્મ ઇતિહાસવિદ શ્રી હરિશ રઘુવંશીને આપવું પડે. એ તો જૂની અને બહુ જૂની હિંદી ફિલ્મોના શોખિનોને જ ખબર પડે, એવા તદ્દન ભૂલાયેલા કલાકારો વિશે હરિશે સખ્ખત પરિશ્રમ કરીને 'ઇન્હેં ના ભૂલાના' જેવું એક અદ્ભુત પુસ્તકો વર્ષો પહેલા આપ્યું હતું. સ્વ. ગાયક મૂકેશના પૂરા અને ઓલમોસ્ટ તમામ ગીતોનો ગીતકોષ પણ રઘુવંશીએ બહાર પાડયો હતો.

રાહુલ દેવ બર્મન અને સચિનદેવ બર્મનનો પુત્ર હોવાના કારણે જ ફિલ્મોમાં આવી ગયો, એમ કહેવું ખોટું નથી, પણ એ કારણે જ ચાલી ગયો, એ કહેવું બાકાયદા ગલત છે. ખૂબ ટેલેન્ટેડ એવા આ છોકરાએ અગાઉ ફિલ્મ 'પ્યાસા'માં પણ મુહમ્મદ રફી પાસે તોફાની ગીત 'સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે..' જાતે કમ્પોઝ કર્યું હતું એમ અહીં કિશોરકુમારના કંઠમાં 'અય મેરી ટોપી પલટ કે આ, ન અપને ફન્ટુશ કો સતા...' ગીતની ધૂન પંચમે બનાવી હતી. લેકિન બાપ આખિર બાપ હોતા હૈ...ના શોએબ અખ્તરને ફટકારેલી વીરેન્દ્ર સેહવાગની સિક્સર મુજબ, બર્મન દાદાના તો મોલ થઈ શકે એમ નથી. કિશોર પાસે કેવી ઉચ્ચ ગુણવત્તાના કામ દાદાએ લીધા છે ? આશા ભોંસલે સાથે સાથે આ ફિલ્મના યુગલ ગીત 'વો દેખે તો ઉનકી ઇનાયત, ન દેખે તો રોના ક્યા ?' ખરા અર્થમાં તો ક્લાસિકલ ગીત છે. દાદા કિશોર પાસે એના ગીતોમાં જે હરકતો કરાવતા અને છતાં કિશોર પરફેક્ટ સૂરમાં રહેતો, એ સાંભળ્યા પછી આ ગાયકને પ્રણામ કરવા પડે.

સંગીતમાં આસિસ્ટન્ટ જયદેવ વર્મા અને દિગ્દર્શનમાં વિજય આનંદ- ગોલ્ડી જે પોતે પણ ફિલ્મમાં અડધો ચેહરો છૂપાવીને એક દ્રષ્ય માટે લેખક બનીને આવે છે. (એ લેખક છે, માટે ચેહરો છૂપાવે છે, વેરી બેડ, વેરી બેડ) કોમેડિયન મેહમૂદ પણ દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડ કે દેતા... ગીતમાં ડાન્સ કરવા આવી જાય છે. સાહિર લુધિયાનવીએ લખેલા ફૂલગેંદવા ન મારો... ગીતમાં આપણા ગુજરાતી ગીત 'લવિંગ કેરી લાકડીએ, રામે સીતાને માર્યા જ, ફૂલ કેરે દડૂલડે સીતાએ વેર વાળ્યા જો...'નો સ્પષ્ટ પ્રભાવ છે. સાહિરે આ જ ગીતનું ફિલ્મ 'મુખડું દૂજ કા ચાંદ'માં મન્ના ડેના, 'ફૂલ ગેંદવા ન મારો, લગત કરેજવા મેં ચોટ...' ફરી વાપર્યું છે. દરેક સંગીતકારની ખાસિયત છે, એમ આ ફિલ્મમાં પણ બર્મન દાદાએ બૅક-ગ્રાઉન્ડમાં ટેક્સી ડ્રાઇવરવાળા 'જાયે તો જાયે કહાં..'ની ધૂન વગાડી છે.આ ફિલ્મ બનતી વખતે દેવ આનંદ સુરૈયા સાથેનું પ્રેમપ્રકરણ જે શી ક્રસ્ણ થઈ ગયું હતું, છતાં ય ક્રાઇમની ભાષામાં કહે છે કે, ગુનેગાર એક વખત તો ગુન્હાના સ્થળે પાછો આવે જ છે.

એમ દેવ- શીલાને શોધવા નીકળેલા કે. એન. સિંઘ અને અબુ બકર બસ રોકાવે છે, એની સામે જ સુરૈયા રહેતી હતી, તે મરિન લાઇન્સનો 'કૃષ્ણા મહલ' દેખાય છે. આ જ મકાનની બરોબર સામેની ફૂટપાથ ઉપર આપણા બારમાસી પોલીસ સુપ્રિ. સાબ ઇફ્તેખાર સુરૈયાને માન ન માન, મેં તેરા મેહમાનના ધોરણે પરણવાના બદ ઇરાદાથી આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા. જો કે, એ જમાનામાં ઇફ્તેખારે પણ અણ્ણા હજારેવાળી કરી હતી.ખાસ મેળ પડે, એમ લાગતું નહોતું, એટલે ઉપવાસ- ફૂપવાસ સમેટી લઈને ઘરભેગા થઈ ગયા હતા... જય અંબે.

મારા જન્મ પહેલાની ફિલ્મો કયા થિયેટરમાં રીલીઝ થઈ હતી, તેની મને જાણ ન હોય, પણ એક સમયે કૃષ્ણ ટોકીઝ (અમદાવાદ) સાથે સંકળાયેલા વડીલ શ્રી અરૂણભાઈ જે. રાવલને એ સમયની મોટા ભાગની ફિલ્મો કઈ ટોકિઝમાં આવી હતી, તે પલભરમાં કહી શકે છે. ઘીકાંટા પરની છેલ્લી ટોકિઝ મધુરમ્, જેમાં છેલ્લી પેઢીએ તો કેવળ ઇંગ્લિશ ફિલ્મો જ જોઈ છે, તે અગાઉ લિબર્ટીના નામે ચાલતી ને એમાં ય ઇંગ્લિશ ફિલ્મો જ આવતી. પણ એનું ય મૂળ નામ પરિમલ ટોકિઝ હતું. એ જ ગ્રૂપની રેલ્વે સ્ટેશન સામે આવેલી અલંકાર સિનેમા અસલમાં સરસ્વતી થિયેટર તરીકે ઓળખાતી તો પ્રકાશ ટોકીઝનું નામ દેવ-ભુવન થિયેટર હતું. ગાંધી રોડ પરની કલ્પના ટોકિઝ એટલે સિનેમા દ ફ્રાન્સ અને હાલમાં પણ હયાત રીલીફ રોડની અશોક ટોકિઝ મૂળ વિક્ટરી ટોકિઝ હતી.

ફિલ્મ ફન્ટુશ જોઈ ન હોય, તો મિલાવો હાથ... બચી ગયા છો તમે...

(સીડી સૌજન્ય : શ્રી ભરત દવે - સુરત)

No comments: