Search This Blog

30/05/2014

'જોહર મેહમૂદ ઇન હોંગકોંગ ' ('૭૧)

ખૂબ હસાવે તેવી નૉનસૅન્સ ફિલ્મ

ફિલ્મ : 'જોહર મેહમૂદ ઇન હોંગકોંગ ' ('૭૧)
નિર્માતા : મદન ચોપરા-કે.ઝેડ. શેઠ
દિગ્દર્શક : એસ.એ. અકબર
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતો : કમર જલાલાબાદી-ઈન્દિવર
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ
થીયેટર : યાદ નથી (અમદાવાદ)



કલાકારો : આઇ.એસ. જોહર, મેહમુદ, સોનિયા સાહની, અરૂણા ઈરાની, પ્રાણ, કમલ કપૂર, આગા, રામાયણ તિવારી, મજનૂ, પૉલસન, જુ. મેહમુદ, મુકરી, રાજકિશોર, હારૂન, ટુનટુન, મનોરમા, મધુમતિ, ખૈરાતી, મુરાદ અને બી.બી. ભલ્લા

ગીતો
૧. હમ તો તેરે હૈં દીવાને, તુ માને યા ન માને... મુહમ્મદ રફી-મન્ના ડે
૨. જલતી હૈ દુનિયા જલતી રહે, પ્યાર કી ગાડી... મૂકેશ-ઉષા તિમોથી
૩. લાગા લાગા ઝૂલનીયા કા ધક્કા, બલમ કલકત્તા... આશા ભોંસલે-ઉષા
૪. તમાશા આજ યે દેખેં... લક્ષ્મીશંકર-ઉષા તિમોથી
૫. યે કૌન આજ આયા... શમશાદ બેગમ
૬. હે માઇ જબ જબ પીડ પડે ભક્તન પર... મુહમ્મદ રફી-મૂકેશ
૭ મેહબૂબા મેહબૂબા, બના દો મીઝે દુલ્હા... મુહમ્મદ રફી-મેહમુદ

આ લેખનું ટાઇટલ એકદમ પરફૅક્ટ અપાઇ ગયુ છે, 'ખૂબ હસાવે તેવી નૉનસૅન્સ ફિલ્મ : 'જોહર મેહમૂદ ઇન હોંગકોંગ'. ૪૩ વર્ષોથી હાસ્યલેખો લખું છું, એ હિસાબે મારામાં હાસ્યની જે કાંઇ સમજ હશે. ગૉડ નૉવ્ઝ... પણ ફૂલફટાક હસવા માટે આ ફિલ્મ મેં નહિ નહિ તો ય ૬-૭ વાર જોઇ છે ને હજી જોયે રાખું છું, તો યે બા ખીજાતા નથી કારણ કે હસવું અને ખડખડાટ હસવું બાને ય ગમે છે.

ટાઇટલમાં બીજો શબ્દ ય વપરાયો છે, 'નૉનસૅન્સ' ફિલ્મ. અર્થાત્, મગજના તમામ સ્પેર-પાર્ટ્સ નેવે મૂકીને જોવાની આ ફિલ્મ છે. ફિલ્મ બનાવનારાએ બુધ્ધિ વાપરી છે, આપણે જોવામાં ખર્ચી નહિ નાંખવાની... ને તો જ ગમ્મત પડે એવી ફિલ્મો જોવાની બની છે. જોહર કાંઇ ક્લાસિક ફિલમો નહતો બનાવતો... એવી જોવી હોય તો મૃણાલ સૅન કે સત્યજીત રેની ફિલ્મો જોવાની હોય! જોહર પોતાની ખુશમીજાજ બદમાશીથી ઉઘાડેછોગ કહી શકતો, ''ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે, ખરાબ અને બહુ ખરાબ. એમાંની હું પહેલાવાળી બનાવું છું.''

આશ્ચર્ય એ વાતનું મારી જેમ તમને ય થવું જોઇએ કે, મૂળભૂત રીતે આઇ.એસ. જોહરના હાસ્યનું સ્તર સાહિત્યિક અઇને ખૂબ બારીક નકશીકામવાળું, હૉલીવૂડના બાકાયદા મહાન કહી શકાય એવા ડૅવિડ લીન જેવા સર્જકો કે 'મૅકેનાઝ ગૉલ્ડ'વાળો ઓમર શરીફ... હરકોઇ જોહરને પૂરા આદરથી જુએ. એને હૉલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કરવું મળ્યું. એમાં એની અભિનયક્ષમતાનો ફાળો ડિજીટલ, પણ બૌધ્ધિક સ્તરનું હાસ્ય મોટું કામ કરી ગયું હતું. તમારે જોહરનું એના લૅવલનું હ્યુમર જોવું હોય તો, દેવ આનંદની ફિલ્મ 'જ્હૉની મેરા નામ' જોઇ જુઓ, ઈન્દ્રસેન જોહર તગડા નહિ, પણ તંદુરસ્ત હાસ્યનો માલિક હતો, એની મોટી ખાત્રી વર્ષોથી 'ફિલ્મફૅર'માં એણે 'ક્વૅશ્ચન-બૉક્સ' કૉલમથી કરાવી હતી. મારી 'ગુજરાત સમાચાર'માં દર રવિવારે આવતી 'એનકાઉન્ટર' કૉલમની પ્રેરણા આમ તો જોહર નહિ પણ, એનાથી ય પહેલા 'મધર ઈન્ડિયા' (જે પછીથી 'ફિલ્મ ઈન્ડિયા' બન્યું.) નામના ફિલમી મૅગેઝીનમાં આવતી બાબુરાવ પટેલની કૉલમથી પ્રેરિત છે એ તો સમય એ હતો કે, પૂરૂં ઈંગ્લિશ આવડે નહિ છતાં બાબુરાવની કૉલમને કારણે ડિક્શનૅરી લઇને બેસવાનું અને એમની તીખી મજાકો માણીને રહેવાનું. યસ. પ્રેરણા ભલે મને બાબુરાવમાંથી મળી હોય પણ છાતી સોંસરવો આનંદ તો આઇ.એસ. જોહરની 'ફિલ્મફૅર'ની કૉલમે આપવા માંડયો. બાબુરાવમાં હાસ્ય ભાગ્યે જ હોય... ધારદાર કટાક્ષ હોય, ત્યારે જોહરના જવાબો વાંચીને તો 'ફૂઉઉઉઉઉ..' કરતું હસી તો પડાય, પણ મારા ખાડીયાની ભાષામાં જેના છોંતરા ફાડી નાંખ્યા હોય, એને જોહરે દેશભરમાં હાસ્યાસ્પદ બનાવી દીધો હોય. સ્વ. રાજીવ ગાંધીની સ્મશાનયાત્રામાં સ્વ. નેહરૂ કરતા ય વધુ માનવ મેદની શાથી? એવા સવાલના જવાબમાં જોહરે ત્રણ કારણો આપ્યા હતા, ''(૧) પંડિત નેહરૂના મૃત્યુના વર્ષ કરતા રાજીવના મૃત્યુના સમયગાળા વચ્ચે ભારતની જનસંખ્યામાં દસ ગણો વધારો. (૨) ચર્ચાસ્પદ નેતાનું વિવાદાસ્પદ સંજોગોમાં મૌત અને (૩) સ્મશાનયાત્રામાં અમિતાભ બચ્ચનની ઉપસ્થિતિ....!'' બોલો, કેવો, જનોઇવઢ ઘા માર્યો કહેવાય? અમદાવાદના સન્માન્નીય વડિલ શ્રી મહેન્દ્રભાઇ શાહે તો ઉત્તમ સવાલો બદલ જોહર પાસેથી અનેક ઈનામો મેળવ્યા છે. એમને તો બાબુરાવ પટેલની કૉલમમાંથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા... એ વાત જુદી છે કે, એમની હ્યુમરનું સ્તર ઊંચુ, એટલે 'એનકાઉન્ટર'માં કદી સવાલ પૂછ્યો નથી...! (બાય ધ વે... આ ટીખળ મહેન્દ્રભાઇને રાજી કરવા નહિ.... બીજા અનેક 'હિતેચ્છુઓને' ખુશ કરવા લખી છે.... કોઇ પંખો ચાલુ કરો!)

...અને હવે બોલો, આ લૅવલનો આઇ.એસ. જોહર આવા સ્તરની ફિલ્મો બનાવે, જે ધારત તો વર્લ્ડ-ક્લાસ કૉમેડી બનાવી શકે, એવી કૅપેસિટીનો સર્જક હતો. પણ મારી કોઇ ફરિયાદ નથી. એની બધી જ ફિલ્મો 'બફૂનરી' એટલે કે બેવકૂફીભરી હોય, પણ મને સડસડાટ હસવું આવતું જાય, એમાં આપણા પૈસા વસૂલ!

કમ્માલની વાત એ ખરી કે, જોહરની બધી ફિલ્મો આવી જ ફાલતુ હોવા છતાં એમાં બે ચીજ ઊડીને આંખે વળગે એવી હતી. મગજ ઘેર મૂકીને ફિલ્મ જોવાની હોય તો હસવું તો દોથા ભરી ભરીને આવે ને બીજું... જેવો હતો એવો હતો જોહર. પણ એની ફિલ્મોમાં દેશભક્તિ ગૌરવપૂર્વક છલકતી હોય.

બૉબ હૉપ અને બિંગ ક્રોસબીની '૫૦ના દશકામાં બહુ ચાલેલી (આવી જ બેવકૂફીભરી) 'ધી રોડ ટુ...' સીરિઝની ફિલ્મો પર જ જોહરે નકલબાજી મારવા માંડી હતી. એના જેવો હિંમતવાળો નકલીયો હજી સુધી મેં તો હિંદી ફિલ્મોમાં બીજો કોઇ જોયો નથી. એ આખાને આખા દ્રશ્યો જ ઈંગ્લિશ ફિલ્મોમાંથી ઉઠાવીને પોતાની ફિલ્મમાં ઠોકી દેતો. બીજા નિર્માતા દિગ્દર્શકો બહુ બહુ તો આખી વાર્તા કે પ્લોટ ઉઠાવે. આ ભ'ઇને તો એ મેહનતે ય નહિ કરવાની. પેલાને ત્યાં અમેરિકામાં બેઠા બેઠા શું ખબર પડવાની હતી? સ્ટંટ દ્રશ્યોની ફિલ્મોના ટુકડા ઉઠાવીને જોહર પોતાની ફિલ્મમાં જોડી દે, પછી સફેદ વાળની વિંગ કે એવા જ કપડાં પોતે પહેરીને નજીકના શૉટ્સ લે, જેથી પ્રેક્ષકોને દ્રશ્યો અસલી લાગે. આવો કસબ કિશોર કુમારની ફિલ્મ 'બેગૂનાહ'ના નિર્માતાઓ બતાવવા ગયા, એમાં ભરાઇ ગયા હતા. હૉલીવૂડના નિર્માતાએ જંગી રકમનો દાવો ઠોકી દીધો. એ ફિલ્મ હતી. 'નૉક ઑન ધ વૂડ'. આપણી 'બેગૂનાહ' ફિલમમાં શંકર-જયકિશન છવાઇ ગયા હતા, ખાસ કરીને જે ગીત મૂકેશના કંઠે પરદા ઉપર સંગીતકાર જયકિશને ગાયું હતું કે, 'અય પ્યાલે દિલ બેઝુબાં, દર્દ હૈ તેરી દાસ્તાં...'

આ ફિલ્મ 'જોહર-મેહમુદ ઇન હોંગકોંગ'માં 'જોહર મેહમુદ ઇન ગોવા'ની જેમ મેહમુદને લીધો છે. મેહમુદ બેશક વર્લ્ડ-ક્લાસ કૉમેડિયન હતો. એ કેમેરામાં જોઇને એક્ટિંગ કરતો નહતો કરતો. સ્ક્રીન પર પોતે કેવો બેવકૂફ અને કઢંગો લાગશે, એની પરવાહ નહતો કરતો. મૂળભૂત રીતે એ મિમિક હતો, એટલે અનેક પ્રકારના અવાજો કાઢી શકતો. ખૂબ સારા નિરીક્ષણને લીધે જ્હોની વૉકર કરતા તો એ માઇલો આગળ નીકળી ગયો હતો. જોહરની ખેલદિલીને પણ સલામ કહેવી પડે કે, 'ગોવા'ની જેમ 'હોંગકોંગ'માં પણ જોહરે મેહમુદને એના જેટલું જ ફૂટેજ અને મહત્વ આપ્યું છે. એ વાત બહુ સમજાતી નથી કે, મેહમુદે પોતાની એક પણ ફિલ્મમાં જોહરને લીધો નહતો.

સોનિયાએ પ્રેક્ષકોને 'ગોવા'માં પસંદ કરી ખરી, પણ એના સૌંદર્યનો (અને સૅક્સનો!) પરદા ઉપર થોડો પમ હલાવી નાખે એવો ઉપયોગ રાજ કપૂરે ફિલ્મ 'બૉબી'માં કર્યો... એક સંવાદના બહાને સોનિયા પાસે એની છાતી ઉઘાડાવીને! 'બૉબી'માં પણ સોનિયા સાહનીનો પતિ બને છે ને અહીં!... '...હોંગકોંગ' બનવું હોય છે ને બની શકતો નથી.

સોનિયા સાહની એક્ટિંગમાં બધું જે-શી-ક્રસ્ણ, પણ સુંદરતા અને તે પણ સૅક્સથી ભરપુર ગ્લૅમરને કારણે ચાલી બહુ. રાજેશ ખન્ના-શમ્મી કપૂરની ફિલ્મ 'અંદાઝ'નાં આશાના કંઠે 'મુઝે પ્યાસ ઐસી પ્યાસ લગી હૈ...' ગીતમાં સોનિયાને જોવા અમારી પોળવાળા ઘણા તો રોજ આ ફિલ્મ જોવા જતા અને ગીત પતે એટલે પાછા ઘેર આવતા રહેતા.

પ્રાણ વિલનની સાથે કૉમેડી પણ કરતો. અહીં એના સાથમાં રાજ કપૂરના દૂરના કઝિન કમલ કપૂર અને રાજ કપૂરના 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં રાકા (પ્રાણ)ને ખાતર પોતાના પ્રાણ ગુમાવનાર બહારવટીનો માણસ હતો કે નહિ? હાઈટ-બૉડી અને ચેહરો બિલકુલ ખલનાયકને શોભે એવા. અવાજમાં છલકાતી બદમાશી એટલે એ જે કાંઇ બોલે, તેમાં કપટ લાગે. ખભે ધાબળો ઓઢીને પોલીસ સુપ્રીન્ટૅન્ડૅન્ટ સા'બ (રાજ મેહરા)ના ઘરમાં ખૂંખાર ડાકુ રાકાની જાસાચિઠ્ઠી પથ્થરના ઘા વડે નાંખવા જાય છે, ને છાપરા ઉપર પછડાટો ખાઇને પોલીસની ગોળીઓનો ભોગ બને છે, ત્યારે આપણે પણ રાકાનો ગુસ્સો આના મૌતની કરૂણતામાં ફેરવી નાંખીએ, એવું વ્યક્તિત્વ રાજ કપૂરે તિવારીનું ઊભું કર્યું હતું. લેકીન... બાકીના જે કોઇ હતા, તે પોતાના ડાર્ક-શૅડના રોલને ન્યાય આપી શકે એવા મળ્યા હતા. જેમ કે, કમલ કપુર, ગોરો ને એમાં ય રાજ કપૂર જેવી ભૂરી આંખોવાળો... ફાંદ-બાદ કુછ નહિ, એટલે ક્યારેક તો એ હીરો કરતા ય વધુ હૅન્ડસમ લાગતો. રાજ કપૂર-માલા સિન્હા પર ફિલ્માયેલું આશા-મૂકેશનું 'વો સુબહા, કભી તો આયેગી...' આ કમલ કપૂરના માલા ઉપરના શારીરિક અત્યાચારના પ્રયાસને કારણે ગવાયું હતું.

ફિલ્મની સેકન્ડ હીરોઇન અરૂણા ઇરાની હાઇટને કારણે માર ખાઇ ગઇ હશે, નહિ તો ફિલ્મની એક માત્ર હીરોઇન- અને તે પણ અમિતાભ બચ્ચન સાથે- અરૂણા બાકીની જીંદગીમાં છવાઇ ગઇ હોત, પણ હાઇટ ઉપરાંત બીજું કારણ મેહમુદ સાથેના લફરાનું નીકળ્યું. મેહમુદને કારણે અફ કૉર્સ, એન અનેક ફિલ્મો મળી પણ ફિલ્મનગરીમાં વન્સ એ કૉપ, ઑલવૅયઝ એ કૉપ...'ના ધોરણે આ ગુજરાતી છોકરી ઈન્ડિયન ડોસી થઇ, ત્યાં સુધી કૉમેડિયનની સાઇડ-કિક જ રહી. ગુજરાતી ફિલમોની તો એ સુપર-મહારાણી બનીને રહી, પણ ગુજરાતી ફિલ્મો શહેરના દર્શકો વળી ક્યારે જોવાના હતા...! પરિણામે રાજ કપૂરે ફિલ્મ 'બૉબી'માં અને ફિરોઝ ખાને ફિલ્મ 'કુરબાની'માં આપેલા ટુંકા પણ દર્શકોને યાદ રહી જાય એવા રોલ પણ કોઇ કામ ન આવ્યા. જેના ગીતોએ ધૂમ મચાવી હતી, તે ફિલ્મ 'કારવાં'ની તો એ હીરોઇન આશા પારેખ કરતા ય વધુ ફૂટેજ ખાઇ ગયેલી સાઇડ-હીરોઇન હતી.

...ને જુઓ, 'જોહર મેહમુદ ઇન હોંગકોંગ' તો એ મુખ્ય અભિનેતા જોહરની હીરોઇન હતી. સોનિયા મેહમુદને ફાળવવામાં આવી હતી, એટલે હિંદી ફિલ્મોની પ્રણાલિ મુજબ, સોનિયાને મુખ્ય હીરોની હીરોઇનને જ અસલી હીરોઇન સંગીત કલ્યાણજી-આણંદજીનું હોવાથી આ ફિલ્મના ગીતોમાં ય કોઇ દમ નહતો. જોવાની ખૂબી એ છે કે, આ ફિલ્મની જેમ પાછળની અનેક ફિલ્મોમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ એમના આસિસ્ટન્ટ્સ હતા, જેમણે ફિલ્મોમાં આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી હતી, ફિલ્મ 'પારસમણી'ના બેનમૂન ગીતોથી, સ્વાભાવિક છે, લક્ષ્મી-પ્યારે નવાસવા હોવાથી શરૂઆતમાં એ લોકોને સ્ટંન્ટ કે ધાર્મિક ફિલ્મો જ મળતી, પણ એ બન્ને એવી ફિલ્મોમાં ય પૂરજોશ કૌવત બતાવ્યું, નહિ તો 'સતી સાવિત્રી', 'સંત જ્ઞાાનેશ્વર', 'રાજા હરિશ્ચંદ્ર', 'લૂટેરા' કે ઈવન 'દોસ્તી' ક્યાં મોટા બૅનર કે હીરોની ફિલ્મો હતી, પણ એ બધી ફિલ્મો કેવળ લક્ષ્મી-પ્યારેના ગીતો પર તો આજ તક જીંદા છે.

કમનસીબે, આપણા કચ્છી માડુઓને લક્ષ્મી-પ્યારે કરતા ય મોટો બૅનરો કે હીરોલોગ મળ્યા, છતાં એમના નામે ફિલ્મો કેટલી ચાલી? જો કે, 'જોહર મેહમુદ ઇન હોંગકોંગ'માં મુદમ્મદ રફી અને મૂકેશ પાસે નવરાત્રીએ ગરબો એમને મદમસ્ત બનાવીને ગવડાવ્યો છે.

હજી તો મળી જાય તો હું 'જોહર મેહમુદ ઇન બૉમ્બે' પણ જોવાનો છું. જોહર મને ગમે જ!

(સીડી સૌજન્ય : હરેશ જોશી-વડોદરા)

No comments: