Search This Blog

01/03/2017

યસ... હું ગાળો બોલું છું

કબ્બુલ કરૂં છું કે, મને ગાળો બોલવાની આદત છે. જન્મકુંડળી ખાડીયાની એટલે એકે ય ગાળની સ્પૅલિંગમાં ભૂલ ન પડે. એક સ્વર્ગસ્થ લેખકે કીધું હતું કે, ગાળો એ પુરૂષોનુ માસિક છે. મારા માટે એવું બધું નહિ, એનાથી ય વિશેષ છે કે, રોજ કેવળ ગાળો બોલવાને કારણે હું પબ્લિકમાં ટીચાઈ જતા કે પોલીસ-અદાલતના ચક્કરો કાપવામાંથી બચી જઉં છું.

શહેરમાં ગાડી ચલાવવી અને લોકોની બેવકુફીભરી ટ્રાફિક-સૅન્સ જોઇને રોજની ૪-૫ મારામારી કરવી પોસાય નહિ. આમાં તો શુ કે, ગાડીમાંથી ઉતર્યા વિના પેલા નૉનસૅન્સને મા-બેનની (મનમાં) ચોપડાવી ગુસ્સો ઠાલવી દેવાનો એટલે આપણો ગુસ્સો ઠરી જાય અને આગળ વધવાનું. (ટ્રાફિકમાં આગળ વધવાનું... ગાળોમાં નહિ !)

ને તો ય, સંસ્કારી સમાજનો સભ્ય છું, એટલે છેલ્લા અનેક વર્ષોથી સારી કે ગંદી ગાળો બોલવાનું બંધ કર્યું હતું. સ્પૅલિંગની ભૂલો બહુ આવતી હતી. પાછું, મને કોઈ સામી ચોપડાવે, એ સહેજે ય ન ગમે. બેહતર રસ્તો ગાળો બંધ કરવાનો હતો. ....કર્યો.

પણ રામ જાણે, હમણાં હમણાંથી ટીવી-ન્યૂસ કે છાપાં વાંચીને એટલું ચીડાઈ જવાય છે કે, ભૂલાઈ ગયેલી જૂની ગાળો યાદ આવવા માંડી છે અને ધમધમાટ બોલવા માંડયો છું. ઊફ્ફ... કોઇ સમાચાર પોઝીટિવ જ નહિ ? આપણા કોઇ વાંકગૂન્હા વગર રોજ ટીવી-ન્યૂઝમાં માયાવતીને જોવાની, મુલાયમ, રાહુલ, કેજરીવાલ કે મોદીના માણસોને રોજેરોજ સાંભળવાના. ટીવી આપણે આ લોકોને જોવા માટે ખરીદ્યું હતું ? મન પ્રફૂલ્લિત થાય, એવા આખા દેશમા કોઈ સમાચાર નથી ? છેલ્લા કેટલાય મહિનાઓથી આ ઉત્તરપ્રદેશ નડી રહ્યું છે ને એને કારણે આપણા કોઇ વાંકગૂન્હા વગર રોજ માયાવતીનો સુંદર ચહેરો જોવાનો, રાહુલની સ્ટૂપિડિટી સાંભળવાની, મોદીના બયાનો સાંભળે રાખવાના...!

ગુજરાત વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓના પરિણામો પછી ય કોંગ્રેસમાં અક્કલ નથી કે, મોદીને ભાંડવા સિવાય તમારી પાસે બીજો એક મુદ્દો તો આપો, તો અમે મોદીને નહિ, તમને વોટ આપીશું. માની લો કે, યુ.પી. તો ઠીક છે, ઈવન આવનારી લોકસભાની ચૂંટણીમાં તમે જીતી ગયા, તો દેશ માટે શું કરવાના છો, એની એક નાનકડી વાત તો કરો. આપણી કેવી કમનસીબી કે રાહુલ અને કેજરીવાલ જેવાઓ ફક્ત મજાકના પાત્રો બની ગયા છે. આ બધી મીડિયાની પેદાશો છે. માયાવતી કે મુલાયમની જેમ બધા શીખી ગયા છે કે, ટીવી-ન્યૂઝમાં ચમકતા રહેવું હોય તો તદ્દન બેવકૂફીભર્યા નિવેદનો કરો. વિવાદોમાં રહો. લાલુ યાદવ, અમરસિંહ, રાજ ઠાકરે... કેટલાના નામો ગણાવવા ? આ બધી મીડિયાની પેદાશો છે, જેમનું પોતાનું કૉન્ટ્રીબ્યુશન શું, એવું પૂછનારે ય મૂર્ખો ઠરે. દેશ માટે મરી મીટવાના ફાંકા મારતા અન્ના હજારેએ શું કર્યું ? મશ્કરી તો એ વાતે થઇ કે, એને ખબર હતી કે, મીડિયા પબ્લિસિટી પૂરી આપવાનું છે, એટલે મહાત્મા ગાંધીના અંદાજથી પલાંઠી વાળીને રાજઘાટ ઉપર ઉપવાસ પર બેસી ગયા... આજે ક્યાં ગયા ? દિલ્હીની ચૂંટણીમાં પોતાનો ચોક્કસ વિજય માનીને દેશભક્તિના બેફામ નિવેદનો કરનારી પોલીસ-વૂમન કિરણ બેદી ચૂંટણી હારી ગઈ, એટલે દેશ પણ ગયો ભાડમાં...? આજે એમનો કોઈ અતોપતો નથી.

મીડિયાએ આવા આવા નમૂનાને હીરો બનાવી દીધા, જેના પરિણામો આપણે ભોગવીએ છીએ. શરમ તો એ વાતે આવે કે, મીડિયા તો કેવી મહાન શક્તિ કહેવાય અને ભલભલા એનાથી થથરતા હોય, થથરતા રહેવા પણ જોઈએ, એને બદલે ભારતનું ઈલેક્ટ્રોનિક (ટીવી) મીડિયા બે બદામના ફાલતુ નેતાઓની ગાડી પાછળ ભિક્ષુકોની માફક દોડી દોડીને આજીજીઓ કરતું ફરે. ચાલતી ગાડીની પાછલી બારીઓમાં મોંઢાં ચઢાવીને બેઠેલા બે બદામના નેતાની એક ઝલક પામવા મીડિયાકર્મી કેમેરા પકડીને દોડતો જાય ને એક 'બાઇટ' માટે યાચના કરતો જાય. આવી લાચારી અને એ પણ આવા નેતાઓ માટે ? નેતાઓ તો તમારી આગળપાછળ ફરવા જોઈએ, યાચનાઓ કરે અને એમની વાતમાં દેશહિતની કોઇ વાત હોય ત્યારે પબ્લિસિટી આપો, પણ એને હીરો તો ન બનાવી દો ! અહીં તો પાર્લામેન્ટના થાંભલે-થાંભલે હીરો ઊભા છે... ઓહ, એમને તો ઊભા ય રહેવું પડતું નથી... 'સા'બ... સા'' કરતા તમે દોડી જાઓ છો.

સવાલ રોજ થાય કે, આખા દેશમાં એક પણ ઘટના સારી બનતી જ નથી ? 'આ ચોર... ને પેલો ઘંટી ચોર...' બસ, એકબીજાની ગાળો આપણે સાંભળવાની ? હવે તો કબુલ કરશો ને કે, કમ-સે-કમ ટ્રાફિક-જામમાં હું જે નઠારી ગાળો બોલું છું, એ બધા નાલાયકોના જીભડા કરતા વધુ પવિત્ર છે ?

અને આ જ કારણે, ટીવીમાં 'તારક મહેતા કા ઊલટા ચશ્મા', 'કપિલ શર્માનો શો' કે ક્રિકેટ મેચો જોવી વધુ શાંતિભરી છે કે, કમસેકમ આપણને ટેન્શન તો આવતા નથી. દેશના ક્રિકેટરો ઉપરાંત મોટા ભાગના રમતવીરોએ દેશનું નામ કેવું અને કેટલી વાર ઊંચું કર્યું છે ! દુનિયા રાહુલ ગાંધીને નથી ઓળખતી, વિરાટ કોહલીને ઓળખે છે, પી.વી. સિંધૂ ક મેરી કોમને ઓળખે છે.

આપણું ટીવી તો ખાડામાંથી પડી ગયેલા ૩-૪ વર્ષના બાળકને ય ઇન્ટરનેશનલ પબ્લિસિટી આપી દે છે. મોટા આઘાતની વાત એ છે કે, ન્યુઝ-ચેનલો ચોવીસ કલાસ ચાલુ હોવાથી, જેને સમાચાર જ ન કહેવાયએવી ઘટનાઓનું લાઇવ-કવરેજ આવે. મુરાદાબાદથી ૬૦ કિ.મી. દર કોઈ ગામડાના ખેતરમાં ખોદેલા ખાડામાં ૩-૪ વર્ષનું બાળક ગબડી પડયું, એ બેશક દુ:ખદ વાત છે, પણ એનું આઠ-દસ કલાકનું 'લાઈવ-કવરેજ' જોઈને અમારે શું કામ છે ?

જાહેરાતોમાં એકેએક ન્યુઝ-ચેનલવાળો આપણને કેવા છેતરે છે ? મનને ગમી જાય એવી એક જા.ખ. બતાવો. એક એક ફિલ્મ ૬-૭ કલાકે પૂરી થાય ને ચેનલવાળા ધમકી આપતા જાય કે Back in 1.59 Seconds. મોઢાં ફાડીને એની એક મિનિટ ને ઓગણસાઇઠ સેકન્ડો પૂરી થવાની રાહો જોઇએ, ને એ પતે કે તરત જ ટીવી-ચેનલના સીમ્બોલ અને કંટાળાજનક ટયૂન સાથે પેલી કહેશે, 'તો આઈયે, દેખતે હૈ કુછ ઓર ખબરેં... થોડી દેર કે બાદ...!' એટલે પાછી બીજી એક મિનિટ !

તારી ભલી થાય ચમની. તો અત્યાર સુધી આ 'થોડી દેર' નહોતી તો શું હતું ? ફરી પાછી જાહેરાતો ચાલુ થાય. એક જમાનો હતો કે આખા દેશમાં 'દૂરદર્શન' સિવાય બીજી કોઈ ચૅનલ નહોતી અને દર રવિવારે સવારે એક હિંદી ફિલ્મ, રામાયણ કે મહાભારત આવે, ત્યારે આખો દેશ ઘરમાં પૂરાઇ જતો.

માંડ રાજકારણીઓમાંથી બાજુ હટીએ ત્યાં કાશ્મીર મોરચે રોજ આપણા સરેરાશ બે-ત્રણ જવાનોના કમૌતના સમાચારો જોવાના. પાર્લામેન્ટના સભ્યોને કોઇ લેવાદેવા વિનાના ભથ્થાં, પેન્શન, ઉત્તમોત્તમ જમવાનું, મફત ગાડી, વિમાન-પ્રવાસો અને જે આપણે હજી જાણતા નથી, એ બધા અમનચમનો કરવાના, ત્યારે લશ્કરનો એક-એક જવાનો કેવા કમૌતે મરે છે, ત્યારે ટીવી-કેમેરામેનો ઉપસ્થિત હોય તો આપણા નેતાઓ શ્રદ્ધાંજલી આપે. જવાનોને કેટલું પેન્શન કેવી રીતે અને ક્યારે મળે છે, એની મોદી સાહેબ તપાસ તો કરે ! આપણા જવાનને પર્સનલી તો પાકિસ્તાન સાથે કોઇ દુશ્મની નથી. પણ પાકિસ્તાનના આતંકવાદીએ છોડેલી ગોળી મારા-તમારા સીનાની આરપાર ઉતરી ન જાય, એ માટે એ પોતાની છાતી ધરી દે છે. હમણાં જોયેલી દેશભક્તિની બેનમૂન ફિલ્મ 'ગાઝી એટેક'માં એક લાગણીશીલ સંવાદ છે, 'આપણો જવાન દેશ માટે મરવા નથી માંગતો, દેશ માટે જીવવા માંગે છે, જેથી એ મારી-તમારી અને દેશની રક્ષા કરી શકે.' દરેક દેશભક્તે સત્યઘટના ઉપર આધારિત આ ફિલ્મ જોવા જેવી છે.

મારી આંખમાં પાણી તો એ જોઇને આવી ગયા કે, ચાલુ ફિલ્મે આપણું રાષ્ટ્રગીત ફિલ્મમાં ગવાય છે, ત્યારે સિનેમામાં બેઠેલા એકેએક દર્શક અદબથી ઊભો થઈ જાય છે. એ એ નથી જોવા જતો કે, અદાલતે તો ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રીગીત ગવાય ત્યારે જ ઊભા થવાનું... ફિલ્મના એક ભાગ તરીકે રાષ્ટ્રગીત હોય તો ઊભા થવું ફરજીયાત નથી, એવું કીધું છે. સાલું, આવું તો આપણા દેશમાં જ બને. રાષ્ટ્રગીતનો આદર પણ અદાલતના કહેવાથી કરવાનો ? કૂતરૂં ય જ્યાં બેસે છે, એ પોતાની જગ્યા સાફ કરીને બેસે છે, ત્યારે ભારતમાતા તો

આપણા મા છે... આપણુ જે કાંઇ છે, તે બધું ફક્ત આ દેશે આપેલું છે. કૂતરાંને ય તમે એક વાર ખવડાવો, તો એ જીવે ત્યાં સુધી તમને વફાદાર રહે છે... અને આ બાજુ, સાધુસંતો ભૂલ્યા વગર લાંબી લાંબી રામધૂન કે કૃષ્ણની ધૂનો શ્રોતાઓ પાસે ગવડાવે છે... ભલે ગવડાવે, પણ ૪-૫ કલાકની તમારી કથામાં માત્ર 'એક વખત' તો રાષ્ટ્રગીત ગવડાવો. હાલમાં આપણે ભગવાનો કરતા ભારત માતાની રક્ષા કરવાની વધારે જરૂર છે. કમનસીબી છે કે, કોઇ સાધુસંત ભૂલેચૂકે ય એની કથામાં રાષ્ટ્રગીત ગવડાવતો નથી.
કોઇ મારી ગાળો બંધ કરાવો, પ્લીઝ !

સિક્સર
એક અંદાજ મુજબ, એકલા અમદાવાદમાં રોજ ૨૦૦ ગાડીઓ અને સ્કૂટરોના નવા લાયસન્સો મળે છે... પહેલેથી આવા સાંકડા રસ્તાઓ ઉપર રોજ નવા સરેરાશ ૨૦૦-૩૦૦ વાહનો ઉમેરાય છે. ટ્રાફિક રાક્ષસી થતો જાય છે અને ટ્રાફિક પોલીસો તો એટલાને એટલા રહે છે... મેરા ગુજરાત મહાન.

No comments: