Search This Blog

30/06/2017

ચાંદ પર ડાઘ ચલેગા, શર્ટ પર નહિ !

મને જેમણે પર્સનલી જોયો છે, એ બધાને ખબર છે, મારૂં કોઇ શર્ટ ડાઘ વિનાનું ન હોય. ચા, દાળ–શાક સ્યાહિ કે કાંઇ નહિ તો છેવટે છીંકના છાંટા ય ઊડે ખરા, જેને ગુજરાતીમાં કહે છે ને કે, ‘ઊડીને આંખે વળગે’ એવા. પણ મારી આંખે નહિ, મને જોનારાની આંખે ! ઝાડના થડ પર મંકોડા ચઢ્યા હોય, એવું શર્ટ એ છીંટાને કારણે લાગે. પી શકાય એવા કોઇ પણ પ્રવાહીનો શર્ટ ઉપર એકાદો ડાઘ તો હોય જ. (ચરીત્રનો ડાઘ હજી સુધી તો સ્ત્રીઓની કૃપાથી પડ્યો નથી ! જય અંબે)

એવું નથી કે, બજારમાં આવા ડાઘવાળા શર્ટો ય મળે છે ને હું ચાઈજોઈને એવા શર્ટો લઇ આવતો હોઉં. કૃષ્ણ વૃંદાવનમાં હોય તો ગોકુળથી પણ ગોપીઓને એ દેખાય, એમ મારા કોઇ પણ શર્ટ–ઝભ્ભા ઉપર દૂરથી દેખાય એવો એકાદો ડાઘ તો હોય જ. આપણે જેને બતાવવા ન માંગતા હોઇએ, એ બધીઓની પહેલી નજર એના ઉપર પડે. ઘણી મિલ્કતો પોતાની હોવા છતાં માલિક કરતાં બીજાની આંખે ઝાઝી વસી જતી હોય છે, એમ મારા ડાઘ ઉપર મારા કરતાં બીજાઓનું ધ્યાન વધારે જાય છે. અર્થાત્, ડાઘ વાઇફ જેવા હોય છે... આપણા કરતાં બીજાઓ બહુ જો જો કરતા હોય ! (કેટલાક વાઇફો ડાઘ જેવી હોય છે... એને ય બીજાઓ બહુ જો જો કરતા હોય ! આ તો એક વાત થાય છે.)

આપણે તો મારા શર્ટના ડાઘની વાત કરતા હતા. આવા શર્ટો પહેરીને સમાજને હું કોઇ નવી ફેશન આપવા માંગતો નથી. પણ ગમે તેટલું સાચવું, ખાસ કરીને નવા શર્ટ ઉપર મારાથી ડાઘો પડી જ જાય છે. આજકાલ તો નવું શર્ટ રૂ. ૨–૩ હજારમાં આવે છે અને ડાઘવાળા શર્ટ બજારમાં મળતા નથી કે, એમાં ડાઘની સાઇઝ પ્રમાણે આપણને એટલું ડિસકાઉન્ટ કાપી આપે. શર્ટ નવું હોય કે જૂનું, ડાઘ હંમેશા નવાનક્કોર હોવાનો. ડાઘ ૫૦–ઉપર પહોંચેલા પરિણિત માણસ જેવો હોય. એને પોતાના આકાર, રંગ કે સાઇઝ પર કાબુ હોતો નથી. એ તો અમીબાથી માંડીને મૅક્સિમમ એક લિસોટા જેટલો હોય. ફરક એટલો કે, ડાઘવાળું શર્ટ કાઢીને ફેંકી દેવાય છે... ભારતીય સંવિધાન મુજબ, પરિણિત પુરૂષને આવી જાહોજલાલી હોતી નથી.

એવું નથી કે, હું સાચવતો નથી. ચા કરતાં મારૂં ધ્યાન હવે પછી પડનારા ડાઘ ઉપર વધુ હોય છે. મોટાઓ કહી ગયા છે કે, બહુ સાચવવા જવામાં જ શર્ટ કે જીવન ઉપર ડાઘ પડી જતા હોય છે. આપણા કરતાં બેફિકરાઓ સારા અને આજ કારણે દારૂને જગતનું સર્વોત્તમ પીણું કહેવામાં આવે છે. બીજા કોઇ પણ પીણાંનો શર્ટ પર ડાઘ પડી શકે, દારૂનો ડાઘ પડતો ક્યાંય જોયો ? (સૂંઘ્યો હોય તો ખબર નથી !) દારૂનો ડાઘ બહુ બહુ તો જીંદગી ઉપર પડે અને એવા ડાઘને તો ભગવાને ય ધોઇ શકતા નથી. હું આ કારણે આગ્રહ કરતો હોઉં છું કે, હોટલમાં જઇને સમ્ભાર પીવા કરતાં ઘેર બેસીને દારૂ પીવો સારો... શર્ટ તો ન બગડે ! સામ્ભારનો ડાઘ પડે, શરાબનો નહિ. સુઉં કિયો છો ? રોજ રાત્રે ‘પૅગ’ મારનારાઓના કપડાં જોઇ લેજો. એક પણ ડાઘો ન મળે. અને ઘરમાં હોય એટલા ફૅમિલી મૅમ્બરોને લઇને હોટલમાં જમવા ઊપડેલાઓને જોજો. શર્ટ તો જાવા દિયો, એના કૉલર ઉપર દાલ મખની કે પાલક–પનીરનો લીલો ડાઘો પડ્યો હોય. ઘડીભર આપણે હેબતાઇ જઇએ કે મોંઢાને બદલે આવડો આ ગળેથી ખાતો હશે ? આ જ કારણે દારૂનો ડાઘ ન પડે, કારણ કે, પાલક–પનીર કરતાં દારૂ મોંઘો છે. કોઇ એવો બગાડ ન થવા દે. શરાબને રકાબીમાં કઢીને કે ચાની માફક ફૂંકી ફૂંકીને ન પીવાય. ચાર–પાંચ પૅગ ચઢાવેલાને ‘ચઢ્યા’ પછી આખો રૂમ હાલી જાય, એવો એ ઘુમ્મર–ઘુમ્મર થાતો હોય પણ ગ્લાસમાંથી એક ટીપું ય હેઠું પડવા નહિ દે. એક ટીપું વેડફાય, એ ય ૨૫–૫૦નું પડે. કોઇ પંખો ચાલુ કરો. દારૂનો ડાઘ શર્ટ ઉપર ભલે ન પડે, પણ જીંદગી ઉપર મોટો પડે છે, એવી સૌરાષ્ટ્રના ડાયરાના મારા લાડકા ગાયક–કલાકારશ્રી માયાભાઈ આહિરે એમની આહિર–કમ્યૂનિટી માટે અદ્ભૂત વાત કરી. ‘ગરવી રે ગુજરાતમાં આહિર વટ છે તમારો...’ અને આ વટ એટલા માટે છે કે, માયાભાઈએ એમની પૂરી કૉમને આહવાહન આપ્યું છે કે, દુનિયાભરનો એક પણ આહિર વ્યસની ન હોવો જોઇએ... દારૂ તો બહુ દૂરની વાત છે.

રોજ મને ચા આપતા પહેલાં મારી પત્ની અને વહુ એક રકાબી ચાલે એટલું ટુંકુ ભાષણ નિયમિત આપે છે, ‘‘જો જો, હાચવજો... શર્ટ પર ચા ઢોળાય નંઇ... અટાણે પે’લી વાર જ પેર્યું છે !’’ કેમ જાણે ચા માટે ખાસ હું શરીર પર ટુવાલ વીંટીને બેસું, તો વાંધો નહિ. એ લોકોને તો ટુવાલ પરના ડાઘા ય ન ગમે. જો કે, આમાં ગમવાની વાત ક્યાં આવી, પણ એ બન્નેની એ ફરિયાદ પણ છે કે, હું તો ટુવાલ ઉપર ડાઘા પાડીને નહાઈને બહાર નીકળું છું... કેમ જાણે ચાનો કપ હું બાથરૂમમાં લઇ જઇને પીતો હોઉં !

હું સહમત થાઉં છું કે, ગમે તેવી કાળજી રાખું, મારાથી ડાઘ રોકી શકાતા નથી. એ પડે જ ! મને કોઇ માનસિક અસ્થિરતા હશે, એવી શંકાથી મારા સસુરજી મને કાયમ શીખવાડતા, ‘‘જો બેટા, ચાયું પીતા વખતે નજરૂં દિવાલની કોર નંઇ રાખવાની. પીતા પીતા છત પર તો કોઇ’દિ નંઈ જોવાનું. હલહલ નંઇ કરવાનું. મૂછો ઊંચી લેવાની અને ધિયાન ફક્ત અડાળી (રકાબી)માં જ રાખવાનું. એમ ચાયું શેની ઢોળાય...?’’ એમની સલાહ પૂરી થાય, એ પહેલા જ મને છીંક આવી ને મોંમાંથી ચાનો ફૂવારો એમના શર્ટ ઉપર છૂટ્યો...!

કહે છે કે, વિજ્ઞાને આટલી તરક્કી કરી, પણ હજી સુધી શર્ટ પરના ડાઘા દૂર કરી શકે, એવું કોઇ દ્રાવણ શોધાયું નથી. સાબુથી માંડીને જાતજાતના નૂસખાઓની જાહેરાતો ટીવી કે છાપામાં આવે ખે, પણ ખિસ્સામાં ભરાવેલી બૉલપૅનનો આ મોટો વાદળી ડાઘો કાઢી બતાવો, લિયો હાલો ! ૧૬–વર્ષની સુંદર છોકરીના ચહેરા ઉપર કાળો તલ હોય, એ આમ તો ડાઘ જ કહેવાય ને ? કવિઓ તો એમાં ય ખુશ, ભલે ને પેલી કાળી ધબ્બ હોય ! આ તમારા કાળા રંગમાં તમારો ય વાંક નથી... ઈશ્વર તલ બનાવવા ગયો ને સ્યાહિ ઢોળાઇ ગઇ ! આવું આવું લખે એટલે પેલી તલ કઢાવવા માંગતી હોય તો ય ન કઢાવે ને બીજા બે ચોંટાડતી આવે ! તારી ભલી થાય ચમના, તલ પણ ડાઘનું કાયમી સ્વરૂપ છે. એ હવે ન નીકળે.

હું કોઇ પાર્ટી કે રીસૅપ્શનોમાં જઉં છું, ત્યાં જમવાનું પહેલા પતાવી લઉં છું. જે કામ માટે આવ્યા હોઇએ, ઐ પહેલું પતાવી લેવું, એ મારો સિદ્ધાંત કારણ... જમતી વખતે ડાઘ તો પડવાનો છે, એટલે પાર્ટી–શાર્ટી શરૂ થાય ને કોઇ જુએ એના કરતાં જતા રહેવું વધુ ફિફાયત પડે. તો ય, જો કે નાનપણમાં મા–બાપે શીખવ્યું હતું કે, આપણા ગુણો સમાજને બતાવવા, આપણી બેવકૂફો નહિ ! એટલે, જમતી વખતે પડેલા ડાઘને કોઇ જુએ નહિ, એ માટે મારા હાથ ઢાંકીને છુપાવું છું. કાળું ધન અને કાળો ડાઘ છુપાવવાની ચીજો છે. એ વાત જુદી છે કે, કાળા ધનને પકડવા સરકાર પોલિસ મોકલે છે....

ને એમાં ય, જેની પાસે સૌથી વધુ બ્લૅક–મની પકડાય, એમાં સમાજ અને સરકારમાં એની ઇજ્જત અને ડીમાન્ડ વધે છે. જેના ઝભ્ભા ઉપર સૌથી વધારે ડાઘા હોય એનો તો દરજીઓ ય ભાવ પૂછતા નથી ને ડાઘ કાઢીને રફૂ કરી આપવાની ના પાડે છે. ઢીંચણથી ફાટેલાં જીન્સ પાટલૂનો પહેરવાની ફેશન શરૂ થઇ છે એટલે મને આશા બંધાણી છે કે, કોક ’દિ સોનાનો સૂરજ ઊગશે અને મારા દેશના જુવાનીયાઓ ઢીંચણથી શરૂ કરીને થાપા ઉપર – બધે ડાઘાડૂઘીવાળા પૅન્ટ પહેરવાના શરૂ કરશે.

ડાઘની એક જ સિદ્ધિ છે કે... એ હોય આપણો, પણ આપણે જોવો પડતો નથી, ને બીજાઓને જોયા વિના રહેવાતું નથી.

સિક્સર
પારંપરિક રદ્દીફ–કાફિયાને સી.ઍલ. પર ઉતારી દઇને એકદમ યુવા ગઝલકાર તેજસ દવેએ અમદાવાદી ખાડીયાની બોલ ચાલ – પરંપરાના ફ્રૅશ રદ્દીફ–કાફિયા કેવા મિલાવ્યા છે.... વાઉં !
ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા સમજી લેજે,
છીદ્ર પડેલી હોડી તરતી એ... આ મૂકી, તારાથી જે થાય એ કરી લે,

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા–
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય એ કરી લે.

No comments: