Search This Blog

16/06/2017

ફિલ્મ : ‘હમ સબ ઉસ્તાદ હૈ’ (’૬૫)
નિર્માતા : એ.વી.મોહન
દિગ્દર્શક : મારૂતિ
સંગીત : લક્ષ્મીકાંત–પ્યારેલાલ
ગીતકાર : અસલ ભોપાલી
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ
કલાકારો : કિશોર કુમાર, અમિતા, શેખ મુખ્તાર, દારા સિંઘ, બેલા બોઝ, કિંગકોંગ, મારૂતિ રાવ, નસરીન, લલિતા કુમારી, પન્ના કપૂર, સૅમસન, રિડકુ અને રતન ગૌરાંગ
ગીતો
૧. પ્યાર બાંટતે ચલો, ક્યા હિંદુ, ક્યા મુસલમાં... કિશોર કુમાર
૨. સુનો જાના સુનો જાના, મેરે પહેલૂ સે મત જાના... કિશોર કુમાર
૩. અજનબી, તુમ જાને પહેચાને સે લગતે હો... લતા મંગેશકર
૪. અજનબી, તુમ જાને પહેચાને સે લગતે હો... કિશોર કુમાર
૫. હાય રે હાય, ક્યા કિયા જાય, ઐસોં સે... લતા – કોરસ
૬. ક્યા તેરી ઝૂલ્ફેં હૈં, ક્યા તેરી આંખે હૈ... આશા – કિશોર

લક્ષ્મીકાંત-પ્યારેલાલ હજી તો ફિલ્મોમાં આવ્યા જ હતા અને એકે ય મોટી ફિલ્મ નહીં. કાં તો ધાર્મિક ફિલ્મો હોય, ક્યાં સ્ટન્ટ ફિલ્મો હોય ને જો સામાજીક ફિલ્મ મળે, તો એ કોઇ જોવા ય ન જાય એવી... છતાં ય , આ બન્ને સંગીતકારોએ પહેલી જ ફિલ્મ 'પારસમણી'થી ધૂમધામ મચાવી દીધી હતી. અલબત્ત, ચોપડે નોંધાયેલી એમની પહેલી ફિલ્મ તો હતી, 'છૈલા બાબુ', જેમાં મુહમ્મદ રફીએ આ જોડી માટે પહેલું ગીત અને તે પણ વિના મૂલ્યે ગાયું હતું, 'તેરે પ્યારને મુઝે ગમ દિયા, તેરે ગમ કી ઉમ્ર દરાઝ હો...'

પણ ફિલ્મ કોઇ બી હો, લક્ષ્મી-પ્યારેએ એમની કરિયરની જે કોઇ ફિલ્મમાં સર્વોત્તમ સંગીત આપ્યું હોય, એ જ કક્ષાનું સંગીત શરૂઆતની આ બધી ફાલતુ ફિલ્મોમાં ય આપ્યું. શંકર-જયકિશનની બેઠી છાંટ હતી એમના સંગીતમાં અને એ કબુલવાનો એમને સહેજ પણ છોછ નહતો. પ્રારંભથી જ એસ.જે.ની માફક ૩૦-૪૦ પીસની વૉયલિન તેમ જ ભરચક વાદ્યો ઉમેરીને બાકીના સંગીતકારોને આઘા કરી દીધા.

નવી વાત એક નહિ પણ બે લઇ આવ્યા. એમાંની એક નવી નહિ, થોડી જ નવી, પણ બીજા કોઇ હિમ્મત નહોતું કરતું, બર્મન દા અને શંકર-જયકિશન સિવાય, તે ગીતના મુખડા પછીના બન્ને અંતરાનું સંગીત અલગ હોય ને ક્વચિત તો ઢાળ પણ બદલાયો હોય. બીજી ખૂબી, રિધમ ક્ષેેેત્રે લક્ષ્મી-પ્યારેએ અવનવા એટલા બધા ઠેકા આપ્યા છે કે, ક્યાંય તો રાહુલદેવ બર્મન કરતા ય આ બન્નેનો આંકડો વધી જતો.

જયા પ્રદા-રિશી કપૂરની ફિલ્મના ગીતોમાં વગાડેલો 'સરગમ ઠેકો' આજ દિન સુધી પ્રચલિત છે અને બધા સંગીતકારો વાપરે છે. આજની ફિલ્મે સાચું પૂછો તો કિશોરની કરિયર શરૂ કરાવી દીધી, જે ઑલમોસ્ટ બંધ થવાને આરે હતી. કિશોરની જ ફાલતુ ફિલ્મ 'શ્રીમાન ફન્ટુશ'માં 'યે દર્દભરા અફસાના, સુન લે, અન્જાન જમાના જમાના...'થી એ વધુ ફૅમસ થયો.

સરખામણી તો કરવાની ન હોય, પણ અહીં પણ આપણું પેલું નિરીક્ષણ સાચું પડે છે કે, કોઇ પણ ફિલ્મમાં પુરૂષ ગાયકે ગાયેલું કોઇ ગીત મશહૂર થવાનું જ છે, એ ગણતરીએ લતા મંગેશકર પણ પોતાનું એ જ ગીત રેકોર્ડ કરાવતી અને જોઇ જુઓ, આજે ય આપણી વાત કેટલી સાચી પડે છે! કેટલાને તો ખબર પણ નહિ હોય કે, 'અજનબી, તુમ જાને પેહચાને સે લગતે હો'લતાએ પણ ગાયું છે - માત્ર લયનો જ ફર્ક ! લતાનું ગાયેલું ગીત ફાસ્ટ રિધમમાં છે ને કિશોરનું કરૂણ.

આ શબ્દોમાં 'લતાએ પણ'વાળી વાત આવા કેટલા બધા ટ્વિન-ગીતોને લાગુ પડે છે ? લક્ષ્મી-પ્યારેને તો આશાને ય રાજી રાખવાની હતી, એટલે કિશોર જેવી હરકતોવાળા ગીતો હોય તો એ આશા ભોંસલેને મળતા. એમાં ને એમાં, 'ક્યા તેરી ઝૂલ્ફેં હૈં...'માં આશા સાચ્ચે જ નિખરી ઉઠી છે.

એ વાત જુદી છે પાછી કે, '૬૦ના દાયકામાં આવી ઢીશૂમ-ઢીશૂમવાળી ફિલ્મો ખૂબ આવતી, જેમાં ગીતો કરતા ફાઇટ્સ વધારે હોય. આપણે સિનેમાની સીટમાં માંડ કળ વાળીને હજી બેઠા હોઇએ, ત્યાં તો બીજી ફાઇટ શરૂ થઇ જાય. એમાં પાછો સેકંડ હીરો દારા સિંઘ, એટલે એને તો ફાઇટ્સ ઉપરાંત મારીમચડીને કુશ્તીઓ ય આપવી પડે. દારાની પહેલી ફિલ્મ 'કિંગકોંગ' જેના નામ પરથી બની હતી તે ધોળીયો વિદેશી કિંગકોંગ પોતે પણ અહીં છે, જે દારા સાથે કુશ્તી કરવાને બદલે કુશ્તી કોને કહેવાય, એ શીખવે છે.

નવાઇઓ નહિ, હબકી તો ત્યાં જવાય કે, શેખ મુખ્તાર દારા સિંઘના મોંઢા ઉપર આપણે હોળી સળગાવતી વખતે ઝાડના જે લાકડા મંગાવીએ છીએ, એવું મોટું લાકડું શેખ દારાના મોંઢા ઉપર બે-ત્રણવાર પૂરા દમથી ફટકારે છે, છતાં દારાના ચેહરા ઉપર એક લિસોટો ય નહિ ! આમાં તો 'પતંજલી'વાળા કયો મલમ બનાવવા જાય ? વળી, એ જમાનાની આવી સ્ટન્ટ ફિલ્મોમાં બૅક-પ્રોજેક્શન એટલી હદે વપરાતું કે, સામાન્ય દર્શક પણ સમજી જાય કે આ લોકો તો સ્ટુડિયોની કારમાં માત્ર બેઠા જ છે... પાછળના દ્રષ્યો ફરે રાખે છે.

એવી રીતે, મારંમાર જતી કાર કે ઘોડાને બતાવવા આ લોકો ફિલ્મની પટ્ટી ફાસ્ટ ફેરવતા, એમાં જીવો આપણા અધ્ધર થઇ જાય કે, હાળા ક્યાયં પડે-બડે નહિ ! આ તો એક વાત થાય છે !

શેખ મુખ્તાર મુસલમાન હતો અને ભારતના રોટલા ખાવા છતાં ભારતને ઘણી ગાળો દેતો. નામદામ બધું અહીં કમાઇ લીધા પછી, ભારતને બે ગાળો વધારે સંભળાવીને એ કાયમ માટે પાકિસ્તાન જતો રહ્યો - પોતાની ફિલ્મ 'નૂરજહાં'ના ડબ્બાઓ લઇને. એને એવું હતું કે, પાકિસ્તાન જઇને ભારતને ગાળો આપીશ તો માન વધારે મળશે, એને બદલે પાકિસ્તાનની પ્રજા (ફિલ્મ-દર્શકો), સિનેમાવાળાઓ તેમ જ ખુદ સરકારે તેને ખૂબ હડધૂત કર્યો. ફિલ્મ તો રીલિઝ ન થવા દીધી, પણ ત્યારે એને જ્ઞાન લાધ્યું કે, પાકિસ્તાનમાં ભારતના મુસલમાનો માટે આવો જ વ્યવહાર થાય છે.

એને ખૂબ પસ્તાવો થયો અને હવે પાકિસ્તાનને ભાંડતો ભાંડતો પાછો ભારત આવ્યો, જ્યાં એની ફિલ્મ 'નૂરજહાંરીલિઝ કરી. ચાલી નહિ ને થોડા વખતમાં એ મરહૂમ થઇ ગયો. (કેટલાક માને છે કે, એ ભટકી ભટકીને પાકિસ્તાનમાં જ મરી ગયો હતો.) લતા મંગેશકરે ગાયેલું 'રાત કી મેહફીલ સુની સુની આંખે પુરનમ દિલ નાકામ...' કરતા પણ વધુ ઉપડયું હતું સુમન કલ્યાણપુરે ગાયેલું, 'શરાબી શરાબી યે સાવન કા મૌસમ, ખુદા કી કસમ ખૂબસુરત ન હોતા...' વધુ વહાલું લાગ્યું હતું.

એમ તો આશા-રફીનું 'આપ જબ સે કરીબ આયે હૈં...મીઠું યુગલ ગીત હતું. મુહમ્મદ રફીનું સોલો કોઇ ભૂલ્યું નથી, 'વો મુહબ્બત વો જફાયેં, હમ કિસ તરહા ભૂલ જાયેં...' રોશનના સંગીતમાં પૂરબહાર ખીલ્યું હતું. આ ફિલ્મમાં મીના કુમારી, પ્રદીપ કુમાર અન શેખ મુખ્તાર પોતે હતો. મને ખ્યાલ છે, ત્યાં સુધી શેખ મુખ્તાર તારદેવના ઍરકન્ડિશન્ડ માર્કેટ પાસે રહેતો હતો.

હિંદી ફિલ્મોમાં દારા સિંઘ આવ્યો, તે પહેલા આવી સ્ટન્ટ ફિલ્મોના હીરો તરીકે બોલબાલા આઝાદની હતી. 'ઝીમ્બો', 'ટારઝન' કે ગોરીલા કિંગકોંગવાળી ફિલ્મોનો હીરો આઝાદ હોય ! સ્નાયુબદ્ધ શરીરને કારણે (સાધના-સંજય)ની ફિલ્મ 'ઇન્તેકામ'ના 'આ જાનેજા, આ મેરા યે હૂસ્ન જવાં, જવાં જવાં...' ગીતમાં હૅલન સોનેરી પિંજરામાં પૂરાયેલા જે કૈદીને લલચાવવા ડાન્સકરે છે, તે આઝાદની એક જમાનામાં ચિત્રા સાથે પર્મેનેન્ટ જોડી હતી.

ચિત્રાને કદાચ તમે જોઇ ન હોય અને લતા મંગેશકરે શમ્મી કપૂર-ચિત્રાની ફિલ્મ 'ચોરબાઝાર'નું અત્યંત મધુરું ગીત, 'હુઇ યે હમસે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે' ચિત્રા ઉપર ફિલ્માયું હતું, જેમાં અત્યંત પ્રતિભાવંત છતાં કમનસીબ સરદાર મલિકે (અનુ મલિકના ફાધર) સંગીત આપ્યું હતું. મારૂં સજેશન કામમાં આવે એવું હોય તો છેવટે યૂ-ટયૂબ પર આ ગીત જોઇ-સાંભળી લેજો. લતા ઉપરાંત સરદાર મલિક ઉપરે ય ખુશ થઇ જવાશે.

ફિલ્મની ઢંગધડા વગરની વાર્તા જેવું કંઇક આવું છે :

શેખ મુખ્તારની રીવૉલ્વરમાંથી ગોળી તો છુટે છે, પણ મરનારને ગોળી મારનાર કોઇ બીજો મોરલો કળા કરી ગયો છે. મુખ્તારને ૧૪ વર્ષની જેલ થાય છે અને એની પ્રૅગ્નન્ટ પત્ની (લલિતા કુમારી) નદીમાં પડતું મૂકે છે. હિંદી ફિલ્મોમાં કોઇ પણ સ્ત્રી નદીમાં ઝંપલાવે તો આપણે ડરવાનું નહિ.

કોઇ ને કોઇ 'ગાંવવાલોંએને બચાવી જ લેવાના છે. ત્યાં એ દારા સિંઘને જન્મ આપે છે. ૧૪ વર્ષ પછી જેલમાંથી છુટેલા શેખ મુખ્તારને કોઇ કામધંધો કે નોકરી મળતા નથી, એટલે એ 'ભાઇબનવાનો નિર્ણય લે છે. પોતાની ગૅન્ગ બનાવ્યા પછી, દેશના ગુપ્ત દસ્તાવેજોની એક ફિલ્મ દુશ્મનોને પહોંચાડવા માટે એને મોટી રકમ મળે છે.

પોતે જાતે આપવા જવાને બદલે શેખ અમિતા અને તેની નાની બહેનનું અપહરણ કરે છે ને દુશ્મનને એ ફિલ્મ પહોંચાડવાનું આંગડીયું સોંપે છે, પણ એવું કરવા જતા અમિતાને દેશભક્તિ યાદ આવી જાય છે. શેખે બાનમાં લીધેલી એની નાની બહેનની ચિંતા કર્યા વગર એ દારા સિંઘના ગામે પહોંચી જાય છે, જ્યાં ઈનામની લાલચે એને શોધવા કિશોર કુમાર આવી પહોંચે છે.

ફિલ્મ ગઇ તેલ લેવા અને કિશોર કેવું સુંદર ગાય છે, એ બતાવવા ફિલ્મ કે દુશ્મનો ભૂલીને એ બન્ને નદી કિનારે ગીતડાં ગાય છે. છેવટની સામુહિક ફાઈટ પછી શેખ મુખ્તાર અચાનક એની વિખૂટી પડેલી પત્નીને ઓળખી કાઢે છે, એમાં દારા સિંઘ એનો પુત્ર સાબિત થાય છે.

શેખ મુખ્તાર મહાન સર્જક મેહબૂબ ખાને ઉતારેલી એક અત્યંત વિવાદાસ્પદ જ નહિ, ઘૃણાસ્પદ ફિલ્મ 'બહેન' (૧૯૪૧)માં નલિની જયવંતના ભાઇ તરીકે ઉતર્યો હતો. ફિલ્મ ઘૃણાસ્પદ એટલા માટે નિવડી કે, એમાં સગા ભાઇ-બહેનના શરીર સંબંધો (ઈનસૅસ્ટ) ઉપર આ ફિલ્મ બની હતી. મેહબૂબ ખાનને આ ફિલ્મ પછી ઘણું નીચાજોણું થયું હતું.

ફિલ્મ 'હમ સબ ઉસ્તાદ હૈપહેલેથી જ કૉમેડિયન મારૂતિએ દિગ્દર્શિત કરી હતી. ખૂબ ઢીંચી ઢીંચીને નહિ મરવા જેવી ઉંમરે મરી ગયેલો આ ઑલમોસ્ટ અભણ માણસ ફિલ્મનું દિગ્દર્શન કરે, એ કેવું હોય ? એનો બહુ વાંકે ય કાઢી શકાય એમ નથી કારણ કે, આવી ફિલ્મોને ય પ્રેક્ષકો તો મળી રહેતા.

ફિલ્મની હીરોઇન અમિતા ૧૧ ઍપ્રિલ, ૧૯૪૦માં કલકત્તામાં 'કમર સુલતાનાનામે જન્મી હતી. એની મા નું નામ શંકતલાદેવી હતું અને એણે છોકરીનું નામ 'જયજયવંતી' પાડયું હતું, પણ પિતાનું મીક્સ નામ હતું, 'સિલ્વેસ્ટર કોલકાય એહમદહતું, જે અમિતા એક વર્ષની હતી ત્યારે જ ગૂજરી ગયા. ભારત ભૂષણ સાથે પોતાની પહેલી ફિલ્મ 'ચૈતન્ય મહાપ્રભુ'માં એ આવી.

મધુબાલાની આ પાગલ ફૅન મધુબાલાની ફિલ્મ 'બાદલ'માં એ તલવારબાજી કરે છે, એની નકલ કરતી દિગ્દર્શક લેખરાજ ભાકરી જોઇ ગયા અને શમ્મી કપૂરની ફિલ્મ 'ઠોકર' (અય ગમે દિલ ક્યા કરૂં, અય વહેશતે દિલ ક્યા કરૂં ?')માં સાઇડ રોલ આપ્યો.

અમિતા એ વખતની સ્ટન્ટ ફિલ્મોના હીરો અને નિર્માતા-દિગ્દર્શક કામરાનને પરણી હતી કે જસ્ટ... લિવ-ઈન રીલેશનમાં હતી, તેની પાકી ખબર તો નથી, પણ કામરાનના બે સંતાનો આજની મશહૂર ડાન્સ-ડાયરેક્ટર ફારહા ખાન અને કૉમેડિયન-દિગ્દર્શક સાજીદ ખાનની માં (ડૅઇઝી અને હની ઈરાનીની બહેન) મેનકા ઈરાની હતી. આ બહેનો પારસી છે, એટલે ફારહા અને સાજીદ ફાંકડું ગુજરાતી બોલે છે.

એ તો બધાને ખબર છે કે, ફારહા-સાજીદની મા હની ઈરાનીને તલ્લાક આપીને ગીતકાર-લેખક જાવેદ અખ્તર શબાના આઝમીને પરણ્યો છે. અલબત્ત, એ બધા વચ્ચે ખૂબ સારા સંબંધો છે.

ખૂબ મોટી ફાંદ, કાળો ડિબાંગ અને એમાંય સફેદ ધોતી-ઝભ્ભા ઉપર કાળી ગોળ ટોપી પહેરે, એ ફિલ્મીસ્તાન સ્ટુડિયાનો માલિક તોલારામ જાલન અમિતા પાછળ પાગલ થઇ ગયો હતો અને ખાસ અમિતાને બહુ ઊંચે ચઢાવવા ફિલ્મ 'તુમ સા નહિ દેખા' બનાવી, જેના પોસ્ટરો-જાયજેન્ટિક હૉર્ડિંગ્સ અને છાપા-મેગેઝિનોની પબ્લિસિટીમાં અમિતાને જ સુપર-હીરોઇન બતાવી.

શમ્મી કપૂર હજી નવો હતો અને ફિલ્મ ચાલી કેવળ ઓ.પી. નૈયરના સંગીતને કારણે... છતાં પબ્લિસિટીમાં એ બન્નેના નામો શોધ્યા ન જડે. એકલી અમિતા દેખાય ! એ વાત જુદી છે કે, ફિલ્મ થીયેટરોમાં પહોંચ્યા પછી બે જ નામો મશહૂર થયા, શમ્મી અને ઓ.પી. ! અમિતા માંડ 'ગૂંજ ઉઠી શેહનાઇમાં આવી...'

જોકે, અમિતા બૌદ્ધિક સ્તરે પ્રતિભાવંત હતી. સ્ટુડિયોમાં શૂટિંગમાં બ્રેક પડયો હોય ત્યારે કોક ખૂણામાં ઇઝી-ચેર નાંખીને એ કોઇ ક્લાસિક પુસ્તક વાંચતી હોય !

બસ... તોલારામના ખોળામાં થોડા દિવસ રમ્યા પછી એ કામરાનને પરણી.

અગાઉ ૧૯૫૬માં આઇ.એસ.જોહરે શમ્મી કપૂરને લઇને 'હમ સબ ચોર હૈ' ફિલ્મ બનાવી હતી, એના અડધા ટાઇટલની ચોરી આપણા મારૂતિરાવે આ ફિલ્મમાં કરી છે.

No comments: