Search This Blog

04/06/2017

એનકાઉન્ટર : 04-06-2017

* સની લિયોનીની ઉંમર કેટલી હશે ?
-
તમને હજી એની ઉંમરમાં જ રસ  છે ?
(
પુરૂરાજ ચંદ્રવદન મહેતા, મુંબઇ)

*
હું જ્યારે તમારૂં 'એનકાઉન્ટર' વાંચું છું ત્યારે મારો ભાઇ મને ગાળો આપે છે. મારે શું કરવું ?
-
સીધ્ધા પપ્પાને મળો અને કરો ફરિયાદ કે, 'મને ભાઇ આપવામાં તમે મોટી ગરબડ કરી નાંખી !'
(
વિકી નરહરિ ઠાકર, સુરત)

*
તમે સ્ત્રીઓ માટે રોમેન્ટિક ખરા ?
-
અફ કોર્સ ખરો...! પણ એમના સિવાય બીજું કોઇ મને જોતું નથી ને, એ ચૅક કરી લીધા પછી !
(
દિવ્યાંગના ચારૂભાઈ પટેલ, અમદાવાદ)

*
દીપકા પદુકોણ વિશે તમારો શું ખ્યાલ છે ?
-
સુંદરતામાં એના કરતા તો અમારા નારણપુરાની છોકરીઓને વધુ માર્ક્સ આપવા પડે... પણ ડાન્સમાં મારી સમજ મુજબ આજની તમામ હીરોઇનો કરતા એ વધુ શોભે છે.
(
પ્રદ્યુમ્ન કુમુદભાઇ શાહ, કડી)

*
હમણાં ટીવી પર ફિલ્મ ઍવૉર્ડસની પાર્ટીમાં ઍન્કરે આપણી લાડકી ટૅનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પૂછ્યું, 'શાહરૂખ, અક્ષય, આમિર અને સલમાનમાંથી તમને સૌથી વધુ કોણ ગમે ? 'જવાબમાં એક સેકન્ડે બગાડયા વિના સાનિયાએ 'અક્ષય કુમાર'નું નામ દીધું હતું. આને શું કહેવાય ? (એ સમારંભમાં એ ચારે ય હીરો ઉપસ્થિત હતા.)
- એમાં એણે નવું શું કીધું ?
(
મધુકર છ. પટેલ, મહેસાણા)

* બર્નાર્ડ શૉએ કીધું હતું, '૪૦ની ઉપરનો દરેક પુરુષ બદમાશ હોય છે.'તમે સહમત છો ?
- શૉ એ આવું કીધું હોય, એવું જાણમાં તો નથી... અને કીધું હોય ત્યારે મારી ઉંમર ૩૯ની હતી.
(
અમિશ વાય. સિદ્ધપુરા, નવસારી)

* કોઇ યુવાન, હાસ્યલેખક બનવા તમારી સલાહ લેવા આવે, તો શું કહો છો ?
- 'તારો ટેસ્ટ ઘણો ઊંચો છે, ભાઇ'.
(
દીપક સી. તારપુરા, વડોદરા)

* કેજરીવાલ, માયાવતિ, અન્ના હજારે, લાલુ, અખિલેશ કે આઝમ ખાન... બધા ક્યાં ખોવાઇ ગયા ?
- એ બધા ભારતની ટીવી- ન્યૂઝ ચેનલોના ગેરકાયદે સંતાનો હતા... રાહુલ ગાંધીમાં પોલિટિકલ પરિપક્વતા ઓછી જરૂર હશે, પણ એ આ લોકો જેવા 'ચીપ'નથી.
(
વી.એલ.સોની, રાજકોટ)

* તમારી દ્રષ્ટિએ ડૉક્ટર અને વકીલ... બેમાંથી આપણે કોની પાસે વધુ સાચવવું ?
-  એકેય પાસે નહિ. સચવાઇ જવાનો મોકો તમને મળે તો વાત છે ને ?
(
મધુર પી. ખંડેલવાલ, જામનગર)

* અમેરિકા આવી ગયા પછી તમને અહીંનું સૌથી વધુ શું યાદ આવે છે ?
- મારી એક સાચી બનેલી 'સિક્સર' : શિકાગોથી શાર્લોટ પ્લેનમાં મારી બાજુમાં બેઠેલી કોઇ ૮૦- ૮૫ વર્ષની (અમેરિકન) વૃદ્ધા ખીજાયેલી હતી. અમારી બરોબર પાછળની સીટો પર બેઠેલું એક તદ્દન નવયુવાન યુગલ કોઇની ચિંતા વગર બચ્ચાબચ્ચી કરતું હતું, એ અવાજો સાંભળીને કાકી બહુ અકળાતા હતા. એમણે મને કહ્યું, 'આ બન્નેને શરમ નથી આવતી ?' મેં હસીને ગુજરાતીમાં કહ્યું, 'ચાલો, આપણે એ બન્નેને જલાવવા છે ?' (ઇંગ્લિશમાં એટલે ન કીધું કે, માજી ક્યાંય 'હા'પાડી દે તો ?)
(
ધૈર્યા મુકેશ પટેલ, ન્યુઑર્લિયન્સ, અમેરિકા)

* તમે ગઝલો કેમ નથી લખતા ?
- આવું કોઇએ પૂછ્યું નથી, પણ હાસ્યલેખો કેમ લખો છો, એવું ઘણા પૂછે છે.
(
કેયૂરી ના. પટેલ, વડોદરા)

* પ્રેમીઓને ચંદ્ર સાથે જ લેવા- દેવા... સૂરજ સાથે કેમ નહિ ?
- ઉનાળામાં પ્રેમ કરતા કરતા પાછળ બરડામાં અળાઈઓ ખંજવાળવી ના ફાવે, માટે.
(
દીપ્તિ જોજણકર, વડોદરા)

* તમે લાગો છો તો આનંદી માણસ... તમે દુ:ખ કદી જોયું છે ?
-
બિનધાસ્ત કવિ અનિલ ચાવડાનો શે'ર કાફી છે આ જવાબ માટે :
'
કૈં યુગોથી ચૂકવે પર્વત નદી રૂપે,
એની પર દરિયાનું જાણે કોઇ દેવું ન હોય.

નોકરીએ ક્યારનું લાગી ગયું છે એ
,
દુ:ખ મારામાં રહે
, બેકાર શેનું હોય ?'
(
પ્રભાત જે. દોશી, જામનગર)

* મિનિસ્ટ્રીમાં ઘણા પ્રધાનોને ખાતાં વિનાના કેમ રખાય છે ?
- ગળે પટ્ટો પહેરાવવાથી કૂતરાના વંશની ખબર પડે !
(
નિરૂપમ મણીકાંત પટેલ, નડિયાદ)

* કોઇ સુંદર છોકરી ગળે પડે તો શું કરવું જોઇએ ?
- પ્રશ્નમાં તમે 'મારા' કે 'તમારા' ગળાનો ફોડ પાડયો નથી.
(
વિશ્વેશ સુ. ચિતળકર, વડોદરા)

* હાથમાં હથિયારો હોવા છતાં આપણા જવાનોએ લાચારીથી કાશ્મિરી ભાડુતી તોફાનીઓના પથરાં ખાવાના... અને છતાં વડાપ્રધાનનું રૂંવાડું ય ફરકતું નથી ?
-  ગુજરાતની ચૂંટણીઓ આવવા દો.. શબ્દરૂપી એવા પથરાં આપણે ય ખાવા પડશે.
(
કમલદીપ જૈનેન્દ્ર શાહ, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, તમારા અક્ષરો ખૂબ સુંદર છે. વાત સાચી ?
- હા. મારા અક્ષરો તો કમ્પ્યૂટરમાં ય સુંદર આવે છે - બિલકુલ છાપેલા હોય એવા!
(
દિનેશ જે. પરમાર, લિમડી)

No comments: