Search This Blog

25/06/2017

ઍનકાઉન્ટર : 25-06-2017

 * કહેવત છે કે, 'મોરના ઈંડા ચીતરવા ન પડે', પણ મોર તો ઈંડા મૂક્તો જ નથી, તો કહેવત કેવી રીતે પડી ?
- આ કોઇ ભૂખે મરતા પૅઇન્ટરે બનાવેલી કહેવત છે.
(
સ્વિટી ચંદારાણા, વડોદરા)

*
તમારો એક જવાબ ખૂબ ગમતો હતો. કોકનો સવાલ હતો કે, 'તમે ઊંટ પર બેઠા હો ને કૂતરૂં કરડી જાય તો ?' તમે જવાબ આપેલો, 'કૂતરાનો ટેસ્ટ આટલો ઊંચો હોય, એ જાણીને આનંદ થયો.' પણ તમે કોઇ જવાબી કાર્યવાહી કરો કે નહિ ?'
-
મારાથી એટલું નીચું ન જવાય.
(
સ્વપ્નેશ મોદી, વ્યારા)

*
આપણા જાસુસો પાકિસ્તાન કેમ નથી મોકલતા ? (પોસ્ટકાર્ડમાં સવાલ પૂછવાનું ફરી શરૂ કર્યું તેનો આભાર)
-
આપણે સામી છાતીએ લડનારા ભારતીયો છીએ... મોંઢે નકાબ પહેરીને પથ્થરો મારનારા કાયરો નથી.
(
પરેશ અંતાણી, રાજકોટ)

* કહે છે કે ભૂતને પિપળો મળી રહે છે, તમારો કોઈ ફૅવરિટ પિપળો ખરો ?
- બસ. અરીસો જોઇ લો.
(
શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

* તમને 'સેલ્ફી' લેવાની ઇચ્છા થાય તો કોની સાથે લો ?
- સિંહ તો એકલો બેઠો હોય, એ જ ફોટા સારા આવે !
(
રસીલા દિલીપ શાહ, અમદાવાદ)

* વડાપ્રધાનપદ કાંટાળો તાજ છે. મોદી સાહેબના ત્રણ વર્ષના વહિવટ પછી આપનું શું
મંતવ્ય છે ?
- હજી સુધી તો એમના લમણાંમાં ક્યાંય લોહીની ખરૌચ દેખાઇ નથી.
(
મૂકેશ ડી. પ્રજાપતિ, વાંકાનેર)

* દેશમાં ભ્રષ્ટાચાર અનીતિ વધતા જાય છે. તમે શું કરો છો ?
બસ. લહેર કરીએ છીએ.
(
સુરેશ આચાર્ય, અમદાવાદ)

* અગમ બુદ્ધિ વાણીયો ને પચ્છમ બુદ્ધિ બ્રહ્મ. આ હકીકત છે કે અમારો ભ્રમ ?
- આવું પૂછીને બીજી જ્ઞાતિઓને તમે બુદ્ધિની લઠ્ઠ કીધી... આ હકીકત છે કે મારો ભ્રમ?
(
કિરીટ શાહ, રાણાવાવ)

* વાજપેયીજી, મોદીજી અને યોગીજીમાં કઈ સમાનતા છે ?
- જી.
(
દિલીપ આર. વોરા, અમદાવાદ)

* ભારતના કથાકારો રાષ્ટ્રગીત ગવડાવે, એ સમજી શકાય, પણ દેશના રાષ્ટ્રપતિને રાષ્ટ્રભાષા ન આવડે, એ દુ:ખની વાત નથી ?
- એમના જોધપુરી શૂટ સુંદર
હોય છે.
(
વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઈ)

* ડૉક્ટરોના અક્ષરો ખરાબ કેમ હોય છે ?
- ઈન્કમટૅક્સ એમને ય ભરવો પડતો હોય છે.
(
સુરેખા વોરા, અમદાવાદ)

* માંડવીના દરિયાકાંઠે ઘોડાવાળાએ મને પૂછ્યું, 'ઘોડા ઉપર બેસવું છે ?' મેં ના પાડી. ૪૦-વર્ષ પહેલા સાસરાના ગામમાં ઘોડે બેઠો હતો, એની કળ હજી વળી નથી. આપનો અભિપ્રાય ?
- અભિપ્રાય ઘોડાનો લેવો જોઈએ.
(
મણીલાલ ડી. રૂઘાણી, રાણાવાવ)

* વાચકોએ પૂછેલા સવાલોના જવાબ આપવાને બદલે તમે સામો સવાલ કેમ પૂછો છો?
- ક્યારે પૂછ્યો ?
(
ભરત અંજારીયા, રાજકોટ)

* દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે ?
- કલાકેક રાહ જુઓ.
(
આર. એન. કાનાબાર, માણાવદર)

* છાપામાં અવસાન પામેલી વ્યક્તિના બેસણાંની જાહેરાતો આવે છે, તો જન્મેલા બાળકની જાહેરાતો કેમ નહિ ?
- અરે આવું કોણે કીધું તમને ? તમે ઇચ્છો ત્યારે જાહેર ખબર આપી શકો છો.
(
ટી. એસ. પરમાર, આણંદ)

* ભણતરનો ભાર ક્યારે ઓછો થશે ?
- બસ. ડીગ્રી મળી જાય એટલે તરત !
(
મહિમા રાવલ, સુરત)

* મોટા ભાગના હાસ્યકારો બ્રાહ્મણ છે, એનું કારણ શું ?
- કારણ કે, મોટા ભાગના બ્રાહ્મણો હાસ્યકારો છે.
(
પ્રતાપભાઈ બી. ઠાકોર, માતર-ખેડા)

* પ્રશ્નકર્તાઓને કોઇ સલાહ ?
- એક સપ્તાહમાં એક જ સવાલ લેવાય. વીસ-પચ્ચીસ સવાલો પૂછો, તો બાકીના રદબાતલ થાય !
(
મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મારી બીજી પત્ની રિસાઇ ગઇ છે. મનાવવાનો કોઇ રસ્તો બતાવશો ?
- ત્રીજી લાવવાની ધમકી આપો.
(
ઉત્તમભાઈ એચ. પટેલ, લાજપોર-સચિન)

* રાહુલજીના લગ્ન કરાવવાનું સોનિયાજીને કેમ સૂઝતું નથી ?
- આજકાલ રાહુલજી ગીતા-ઉપનિષદ વાંચી રહ્યા છે. એનું ઈટાલિયનમાં ભાષાંતર કરી લે, પછી મૉમ રસ્તો બતાવે ને !
(
રઝાહુસેન બચુભાઈ, મહુવા)

* પોસ્ટકાર્ડ પર સવાલ પૂછવાનું ફરી શરૂ કરાવ્યું, એ બતાવે છે કે, તમારૂં મગજ હજી કામ કરે છે.
- મેં તો કેવળ તમારા સાયકિઆટ્રિસ્ટની ભલામણ માનીને તમારો સવાલ લીધો છે.
(
ગૌરી વી. કાચા, અમદાવાદ)

No comments: