Search This Blog

21/06/2017

ફિલ્મી સ્ટાઇલમાં આપણાથી ગીત ગવાય ?

મને એવું લાગે છે કે, હિંદી ફિલ્મોના તમામ હીરાઓ ઉલ્લુના પઠ્ઠાઓ હોય છે. રહેતા હોય મુંબઇમાં અને પેલી સાથે માત્ર એક ગીત ગાવા માટે એને કાશ્મિર કે મહાબળેશ્વર લઇ જાય. લઇ જાય એનો ય વાંધો નહિ, પણ દૂઉઉર... દૂઉઉર સુધી કોઇ ચકલું ય ફરકતું ન હોય ત્યારે પ્રેમાગ્નિના 'હોમહવન' પતાવવાના હોય, એ બધું છોડીને નાચતા નાચતા ગીતો ગાવા બેસી જવાય ?

પેલીને આટલે દૂર લાવીને ગીતડાં ગાવાનાં હોય ? ....તારી ભલી થાય ચમના, એક વાર અમદાવાદ આવી જા. એક ગાર્ડનમાં તને પેલી સાથે બાંકડે બેસવા/રમવા મળે, તો તારી મમ્મીના સમ, જો કોઇ તમને હખણું બેસવા દે તો ! હજી તો પેલીના મુસ્કુરાતા ચેહરા ઉપર વેલની જેમ ઉતરી આવેલી વાળની લટને આપણે પ્રમાણસર ગોઠવવા જઇએ ત્યાં જ, સવાર/સાંજ ગાર્ડનમાં ચાલવા નીકળેલાઓ લોહીઓ પી જાય, વૉચમૅનો ડંડા ખખડાવતા આબરૂના ભૂક્કા બોલાવી દે, ''ઇધર નહિ બેઠને કા....'' અને કાંઇ બાકી રહી ગયું હોય તેમ આપણાવાળી 'જૂની' એના ડોહાનો ખભો પકડીને ઠબૂક-ઠબૂક ચાલવા આવી હોય ! આ વખતે એવું ય ન કહેવાય, ''લાય, હું તારા ગોરધનનો ખભો પકડું છું.... પણ થોડી વારમાં તું અહીંથી નીકળ....!'' શહેરોમાં ગાર્ડનો તો છોકરાઓ માટે ય રમવાના રહ્યા નથી ત્યાં સંસારને નવા છોકરાઓ આપવા માટે થનગનતા પ્રેમીઓને તો ક્યાં જગ્યા મળે ?

પણ ફિલ્મોમાં હીરો-હીરોઇનોને આવી કોઇ બબાલો નડતી નથી.

આવું જોઇને એક વાર તો આપણને ય વિચાર આવી જાય કે, લગ્નના હવે તો ૨૫-૩૦ વર્ષ પૂરા થવા આવ્યા પણ પેલીને બાગોં મેં ઝૂલે તો જાવા દિયો, ઘરના હિંચકે બેસાડીને ય કોઇ 'દિ હીંચકા ખવડાવ્યા નથી. પણ ફિલ્મોમાં એ લોકોને આમ જોઇને મન તો થાય કે, એકાદ વાર આપણને આવો ચાન્સ મળ્યો હોત તો સારૂં હતું.'

મને ઘણીવાર થાય કે, તમારા ભાભીને લઇને એકવાર મહાબળેશ્વર નહિ તો માઉન્ટ આબુ જવું છે અને ત્યાં પેલા લોકો ગોથમડાં ખાતા ખાતા ગીત ગાય છે, એવું અમારે ગાવું છે. (આમાં કોણી અને ઢીંચણો છોલાવવાની ગૅરન્ટી હોવાથી પેલીના પર્સમાં બર્નોલ, ડૅટોલ અને બૅન્ડ-ઍઇડની પટ્ટીઓ તેમ જ, જે ગીત ગાવાનું હોય તેના પૂરા શબ્દો સાથેની પુસ્તિકા રાખવી સારી. હારૂં ગબડતા ગીત ગાતા આગળના શબ્દો ય યાદ ન આવે. સઉં કિયો છો ?)

પહેલો પ્રોબ્લેમ જગ્યા ગોતવાનો હતો-એવી જગ્યા જ્યાં આપણા ગુજરાતી ઓળખીતાઓ ન મળે. જોઇ જાય તો અમદાવાદ આવીને કલબ, સોસાયટી કે યારદોસ્તોમાં આપણી ઉતારે, ''ડોહા ભાભીના ગળામાં હાથ પરોવીને 'જુમ્મા ચુમ્મા દે દે....'' ગાતા'તા... જાણે શ્રીનાથજીનો પ્રસાદ માંગતા હોય ! માઉન્ટનો પ્રોબ્લેમ એ કે, ત્યાં મોટા ભાગના ગુજરાતીઓ જ હોય.

રાજસ્થાનીઓ તો કાંકરીયા તળાવે ય જોવા ન મળે. મહારાષ્ટ્રીયનોને ઑફિસમાંથી લીવ-ટ્રાવેલ ઍલાઉન્સ સરખું મળ્યું હોય તો મૅક્સિમમ ફલૅટના ધાબે ફૅમિલીની પિકનિક કરે, બાકી પૈસો છોડવાની વાત નહિ. જગતભરના એકે ય ટ્રાવેલ-પ્લૅસ પર તમને એક સાઉથ ઇન્ડિયન જોવા મળે, તો એની જ બા ના સમ, સિવાય કે ત્યાં નોકરીએ લાગ્યો હોય. પૈસા તો ગુજરાતીઓ જ ખર્ચી જાણે અને એમાં ય માઉન્ટ આબુ તો કેમ જાણે એમના ફાધરોએ ભેગા થઇને બનાવ્યું હોય, એમ મહિને-મહિને ઉપડતા હોય ! ત્યાં પાછા માથે દસ-દસ રૂપિયાવાળા લાળ-પીળાં ટોપાં પહેરીને ફરે, ઘોડે ચઢે, મસાલા ઢોંસા મંગાવે અને ખાસ તો.... દારૂ પીવામાં રામ જાણે ક્યાં મોર માર્યા હોય તે, સાથે આવેલા બધાઓને કહેવાનું, ''જો જો પ્લીઝ... અમદાવાદમાં કોઇને કહેવાનું નહિ !''

''અસોક... પે'લા ઇ તો નક્કી કરો કે ઉવાં જઇને ગીત કિયું ગાવું છે ? હું નનેકડું ગીત ગાઇ સકીસ પણ ડાન્સ-બાન્સ કરતા નંય આવડે ! સબ્દો ભૂલી જાંવ તો મને યાદ કરાવજો.'

''જો. મને પેલું આખું આવડે છે... પેલું ક્યું ? યસ. 'અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહિ...' એમાં મારા પગે ગોટલાં ચઢી ગયા છે, એટલે ચાલ પણ દેવ આનંદ જેવી ઍક્ઝૅક્ટ આવશે.''

''જાવા દિયો ને.... હું તે વળી સાધના જેવી કિયાં લાગવાની છું...?''

''એ તો મને ય ખબર છે, પણ પહેલા આપણે કોક સારૂં ઝાડ ગોતી લઇએ. એની નીચે ઢાળ હોવો જોઇએ.... પછી આપણે ત્યાંથી ગબડતા ગબડતા નીચે આવીશું... કેવો લાગ્યો મારો પ્લાન ?''

''આપણા ફલૅટના દાદરાના પગથીયાં ઉપરથી લોટો ગબડતો હોય એવો પ્લાન લાઇગો ! આઇયાં ઈ તો નક્કી કરો કે, પે'લા કોને ગબડવાનું ? મારે કે તમારે ?

મારે-તમારે... મારે-તમારેના ચક્કરમાં પછી તો અમે ગબડવાનું માંડી વાળ્યું. જીતેન્દ્ર ફિલ્મ 'ફર્ઝ'માં સફેદ પાટલૂન પહેરીને 'કુક્કુઉઉઉ... મસ્ત બહારોં કા મૈં આશિક મૈં જો ચાહે યાર કરૂં....' એ મને બહુ ગમતું હતું, એટલે અમદાવાદથી જ હું સફેદ પાટલૂન અને સફેદ શૂઝ પહેરી લાવ્યો હતો. જાડીને મેં કીધું, ''હું દોડતો દોડતો આવીને તને વળગી પડીશ.

એ વખતે મારી છાતી ઉપર માથું રાખીને તારે ઝીણકું ઝીણકું સ્માઇલ આપવાનું એટલે હું ફરી ઊભો થઇ, ઠેકડૉ મારી ''કુક્કુઉઉઉ...'' વાળી બૂમ પાડીને બે હાથ પહોળા રાખીને દોડવા માંડીશ. બરોબર એ જ વખતે તારે ઝાડનું આ થડ પકડીને ગોળ ગોળ ચક્કરો મારવાના...

''એમાં તો હાથ છોલાઇ જાય, અસોક ! આમ વાયડી વાયડી વાતું નો કરો. મને તો ઓલું ગમે. યાદ છે, ''બૈજુ બાવરામાં' મીના કુમારીને ભારત ભૂષણ હિંચકે ઝૂલાવતા ગીતો ગાય છે, 'ઝૂલે મેં પવન કે આઇ બહાર...' ''હું તને એકેય ય ઍન્ગલથી ભા.ભૂ. આઇ મીન, ભારત ભૂષણ જેવો લાગું છું...? ગીત ગમે તે લઈ આવ પણ હીરો તો કોક સારો ગોત !''

વાતોને બદલે કાંઇ ઍક્શન કરીએ તો આવેલો હેતુ સિદ્ધ થાય, એમ માનીને અમે બન્ને ઊભા થયા. ફિલ્મોમાં એ લોકો એકબીજાનો હાથ પકડીને થોડું દોડે, હાંફ્યા વગર ગીતની લાઇનો ગાય, એ લોકોને ઊડતા જીવડાં ય ન કરડે અને આપણને હજી કળ વળે, ત્યાં સુધીમાં તો બન્નેના ઇસ્ત્રી કરેલા નવાનક્કોર કપડાં ય બદલાઇ ગયા હોય. ને આ બાજુ સાલું, અમે લોકો કપડાંની એક જ જોડ લાવ્યા હતા.

પણ હિમ્મત રાખીને મેં જાડીને મને ભેટી પડવા કીધું, જેમ રાજેન્દ્રકુમાર સાધનાને 'મેરે મહેબૂબ'માં ભેટે છે. ''પાટલો કિયાં...?'' મેં કીધું, ભેટવા માટે તારે મારી જરૂર પડે, પાટલાની નહિ. તો મને કહે, ''અસોક, હાઇટમાં તમે મારાથી સવા ફૂટ લાંબા છો. ભેટવા માટે હું નાની પડું, કેમ જાણે તમે છોકરૂં નો તેઇડું હોય, એવું લાગે ! એના કરતા.....'

આખરે, એ પ્લાન પણ માંડી વાળ્યો. જરાક માટે રાજેન્દ્રકુમાર અને સાધના બચી ગયા.

વાર્તાનો અંત તો સુખદ હોવો જોઈએ ને ? મેં સજેશન કર્યું કે, આપણે કાંઈ દોડતા દોડતા ગીતો નથી ગાવા. હું તને મારા બાહુબલી પાર્ટ-૧૫ જેવા બાહુઓથી પણ ઉચકી શકું એમ નથી. તારૂં વજન-આઇ મીન, તને તો ખબર છે, અમદાવાદમાં સ્કૂટર ઉપર ત્રણ સવારી ઍલાઉડ નથી. આ બધું રહેવા દઇએ.''

માઉન્ટ આબુથી પાછા ફરતા ગાડીમાં અમે બન્ને એકબીજાનો હાથ પકડયા વગર છેવટે અંતાક્ષરી રમ્યા.

સિક્સર
કેવો યોગાનુયોગ ? જીવનમાં આજ સુધી 'બાહુબલી-૨'થી વધુ રોમાંચક બીજી કોઇ હિંદી ફિલ્મ જોઇ નથી અને 'સરકાર-૩'થી વધુ માથું દુ:ખાડનારી પણ બીજી કોઇ ફિલ્મ જોઇ નથી. બન્ને સાથે આવી.

No comments: