Search This Blog

07/06/2017

બસ પ્રભુ, મને એક સેકન્ડમાં જ ઉપાડી લેજે...!

જગતભરના સૌથી કરૂણ વિચારો હૉસ્પિટલમાં કોઇની ખબર કાઢવા ગયા હોઇએ, ત્યારે આવે છે. પેલાને રિબાતો જોઇને આપણે ઢીલા થઇ જઇએ છીએ, જાણે આપણને હુવડાયા હોય ! એ વખતે આપણો ચહેરો ભારે દુ:ખી હોવાથી ત્યાં એને મોંઢે કાંઈ બોલતા નથી.

સીધો ઈશ્વરને મૅસેજ મોકલી દઇએ છીએ, 'હે પરમાત્મા, મને જ્યારે ઉપર બોલાવી લેવો હોય ત્યારે બોલાવજે... પણ આમ હૉસ્પિટલમાં રિબાઇ-રિબાઇને ના મારતો. કાચી સેકન્ડમાં હાર્ટ-ફૅઇલ કરાવી દેજે... ! મને ખબરે ય પડવી ન જોઇએ કે, હું મરી ગયો છું.. પૉસિબલ હોય તો મને ઊંઘમાં જ ઉપાડી લેજે.'

કેમ જાણે ઉપર આપણા ફાધરનું કિંગડમ હોય ! કેમ જાણે ઈશ્વર માનવાનો હોય ! કેમ જાણે એના સિવાય બીજા બધા કટકે-કટકે અને હપ્તે-હપ્તે મરવા તૈયાર હોય ને આવડો આ એકલો જ કાચી સેકન્ડમાં પોતાનું પ્રાણપંખેરૂ ઊડાડી મારવા તૈયાર હોય !

હિમ્મત તો જુઓ મરદની. ભગવાનને આહવાન આપે છે કે
, એને કેવી રીતે મરવું, એ એને જ નક્કી કરવાનો ચાન્સ આપજો.

હું
'૬૦ના દશકની વાત કરૂં છું. આઠેક વર્ષની ઉંમર હશે મારી. ત્યારથી શરૂ કરીને લગભગ ૩૦-૪૦નો થયો ત્યાં સુધી હાર્ટ-ફૅઇલ (કાર્ડિયાક-ઍરેસ્ટ)નું નામ નહોતું સાંભળ્યું. હાર્ટ-ફૅઇલ થતા હતા-ચોક્કસ થતા હતા, પણ સાવ આજના જેવું નહિ. આટલી મોટી સંખ્યામાં નહિ. આજે તો સાવ જુવાનજોધ માણસ હજી હમણાં આપણને મળ્યો હોય, એની બીજી જ સેકંડે આપણી નજર સામે એનું પ્રાણપંખેરૂં ઊડી જાય.

૭૫-૮૦ની ઉપર પહોંચેલાઓના હાર્ટ-ફૅઇલો થતા હોય એ સમજી શકાય અને એમાં આપણા ગળામાંથી ચીસ પાડતું અને બીવડાવી મારતું
'હેંએએએએ...' ય નીકળી જાય... ઈવન આવા કોઇના સમાચાર સાંભળીએ તો પણ ! પણ છેલ્લા ૨૫-૩૦ વર્ષોમાં આવું વધારે પડતું બનવા માંડયું છે, કેમ જાણે દેવી-દેવતાઓ પાસે આપણને મારવાના બીજા કોઈ આઇડીયાઓ જ ખૂટી ગયા હોય ! પરવરદિગાર જીવવાની બીજી ક્ષણ જ આપતો નથી અને આપણે જોયો હોય એ જ ક્ષણે તરોતાઝા યુવાનને ઉપાડી લે છે.

ઍક્સિડૅન્ટમાં જુવાન ગૂજરી જાય
, એ હજી સમજી શકાય કે, આયુષ્ય પૂરૂં થઈ ગયું હશે પણ હાર્ટ-ફૅઇલ... ? બાપ રે... સર્જનહારે કેવી ગેરવ્યવસ્થા આચરી છે કે, વડોદરામાં પોતાના લગ્નના વરઘોડા ઉપર ઉમંગ-ઉલ્લાસથી દોસ્તના ખભે નાચતો-ઉછળતો વરરાજા બીજી જ ક્ષણે ઢળી પડે ! ટીવી ન્યૂસ ઉપરાંત, દેશભરમાં એનો વિડીયો વાયરલ થયો હતો.

અફ કૉર્સ
, આ સહન ન થઇ શકે એવા દુ:ખની વાત છે, પણ આવું વારંવાર બનવાને કારણે લોકો ઉપરવાળા પાસે આવી પ્રાર્થનાઓ કરવા માંડયા છે, 'ભલે પ્રભો, મરવાનું તો આજ નહિ ને કાલ છે... પણ કાચી સેકંડમાં તમે અમારા ૨૩-વર્ષના ગૌતમને ઉપાડી લીધો, ઍક્ઝૅક્ટ એવું જ મૌત મને આપજે.

હૉસ્પિટલમાં ડૉક્ટરોના ઇન્જૅક્શનો અને ગોળીઓ ખાઇ ખાઇને આઠ-દસ વર્ષે નથી મરવું. એક તો આટલું ક્ષણે ક્ષણે રિબાવાનું
, ઘર આખું પાયમાલ થઇ જાય, એટલા તોતિંગ હૉસ્પિટલના બિલો ભરવાના અને મરનાર ઘરની બહુ વહાલી વ્યક્તિ ભલે હોય, પણ સમય જતા ઘર આખું પ્રાર્થનાઓ કરતું હોય કે, 'આના કરતા તો પ્રભુ... આમને હવે ઉપાડી લે. એ રોજ રિબાય છે, એ અમારાથી નથી જોવાતું.

ઉપરાંત
, ઘરમાં આટલી લાંબી માંદગી ચાલી આવતી હોય એમાં ઘરના લોકો (ખાસ તો સ્ત્રીઓ) સેવા અને કામકાજ કરી કરીને તૂટી ગયા હોય. ખબર કાઢવા આવનારા સગાસંબંધીઓના ધાડાં ને ધાડાં ચાલ્યા આવતા હોય (મોટા ભાગે પોતાના મનમાં આંચકા ખાવા કે, 'ઑહ... ડોહો હજી ગયો નથી ?' હે ઈશ્વર, એના કરતા અમે બેઠા બેઠા વાતો કરતા હોઇએ ને અચાનક હૃદય બંધ પડી જાય, એવું કાંઇક ગોઠવી આપજે. આવતા જન્મે અમારે મનુષ્ય અવતાર જ ના જોઈએ.)

ઢોર-જનાવરોને હૉસ્પિટલોમાં દાખલ થવું પડતું નથી. એ લોકોને તો તું સીધેસીધા ઉપાડી લે છે
, અમારા માણસોના શું ભોગ લાગ્યા છે કે, આવો પાછળ પડી જાય છે ? હું તો કહું છું કે, જગતભરના તમામ માણસો આવા કાર્ડિયાક-ઍરેસ્ટ (હાર્ટ-ફૅઇલ)થી જ મરવા જોઈએ. (જો કે, ભગવાનો એવું કરવા જાય તો દુનિયાભરના ડૉક્ટરો કંગાળ થઈ જાય.)

કોક ડૉક્ટર ફૂટપાથ ઉપર શેરડીના રસનો સંચો ચલાવતો હોય
, કોક રેલ્વેના ડબ્બેડબ્બે ફરી ફરીને કાંસકા વેચતો હોય તો કોકનો વળી ધંધો ઠીકઠીક ઉપડયો હોય તો સોસાયટીઓમાં લારી સાથે ફરી ફરીને તાવ-દુખાવાની ગોળીઓ, બામ, ગૂમડે ચોપડવાની પટ્ટીઓ જેવી નિર્દોષ દવાઓ વેચીને પેટીયું રળતો હોય. 'હેઇ, લઇ લો પેટ સાફ કરવાની ગોળીઓ... એક લેનારને બે ફ્રી'... 'ચક્કર મટાડવાની સ્પેશિયલ દવા લઇ લોઓઓઓ..?'

આપણે તો પ્રભુ પાસે એટલું જ માંગ્યું છે કે
, રિબાઇને મારવાને બદલે ચપટી વગાડતા જ અમને ઉપાડી લેજે. આવા કાયર માણસોના લિસ્ટમાં મેં ય નામ નોંધાવ્યું છે. ઈશ્વર માને તો મને ય આટલો ઝડપથી જ ઉપાડી લેજે. બાય-પાસ સર્જરી કરાવીને હેમખેમ ઘેર પાછા આવ્યા પછી એવું બોલાઇ જતું કે, 'હવે તો મરી જઉં તો ય બીજી વાર હૉસ્પિટલમાં દાખલ નથી થવું. ઊભેલી મીણબત્તી ટપ્પક કરતી પડે, એવું તાબડતોબ મરવું છે.'

મને રૂબરૂ જોઈને ઘણા માની બેસે છે કે
, આ એકલો ૫૦-પાકિસ્તાનીઓને ભારે પડે એવો છે અને બોલવામાં તો હજી એમાં બીજા ૨૫૦ ઉમેરો, તો ય હું પહોંચી વળું એવો છું. બાકી, હું બહુ પોચીયો છું.

દવાખાનામાં કોઇ બીજાને ઇન્જૅક્શન અપાતું હોય એ હું જોઇ શક્તો નથી.
'મરી ગયોઓઓઓ...' નામની બૂમ પેલાએ પાડવી જોઈએ, એને બદલે હું પાડી બેસું છું. જેને ઇન્જૅક્શન અપાયું છે, એ તો જાણે યુધ્ધમાં શરીર પર અઢીસો લોહિયાળ ઘા ખાઇ આવ્યો હોય, એમ સ્પિરિટનું પૂમડું હસતા હસતા દબાવીને ઊભો થાય છે. આપણી એવી તાકાત નથી (ને ખાસ તો એવી જરૂરત નથી ! ઇન્જૅક્શન લેવામાં કઈ બહાદુરી આવી ?)

આપણો જન્મ રોજ સવારે ઉઠીએ ત્યારે થાય છે અને રાત્રે સુતા પછી મૃત્યુ પામીએ છીએ. બીજા દિવસની સવારે પાછો નવો જન્મ થાય છે. આ વચ્ચેના ગાળામાં આપણું કોઇ શાસન ચાલતું નથી. સુતા પહેલા ભગવાનનું નામ લેવાનો આ જ ફાયદો છે કે
, એ લીધા પછી જીવવાના વિચારો આવે છે-મરવા કે રિબાવાના નહિ.

આજના આખા દિવસમાં કેવી કેવી મનભાવન ઘટનાઓ બની
, એના વિચારોનું ટ્રૅલર રાત્રે સુતા પહેલા હું ચોક્કસ જોઉં છું.ગુસ્સો કે  ઝગડા તો મારે કદી થતા નથી, છતાં દિવસ દરમ્યાન કાંઇ ન ગમે એવું બની ગયું હોય તો શ્રી.ગાયત્રી માતાનો એક મંત્ર કાફી છે, બીક લાગે એવા વિચારોને મારાથી દૂર રાખવા માટે ! આવતી કાલે મારી સાથે શું બનશે, એના વિચારો કરતો નથી. 

 એવા ટૅન્શનવાળા વિચારોમાં અડધી રાત કાઢી નાંખીએ ને બીજે દહાડે એવું કાંઇ બને જ નહિ, તો ગઇ કાલની રાત તો ખોટા વિચારોમાં બર્બાદ ગઇ ને ? એને બદલે, દિવસ દરમ્યાન ખરેખર કોઇ સુંદર અને લલચાવી મારે એવી પર્સનાલિટીવાળી સ્ત્રી (હવે છોકરી નહિ... એ ઉંમર ગઈ !) જોવાઇ ગઈ, તો એના વિચારોમાં ખુશ થઈ જવાનું. એના ગોરધનને ૫-૧૦ વર્ષ માટે અમેરિકા-ઇંગ્લેન્ડ મોકલી દેવાનો. એને ટૅમ્પરરી પ્રિયતમા બનાવીને હૉલૅન્ડ-ન્યુઝીલૅન્ડના પ્રવાસોએ લઇ જવાની.

ત્યાં એને આપણા ખર્ચે પૉપકૉર્ન અને બહુ મોંઘો ન હોય તો આઇસક્રીમ ખવડાવવાનો. સવારે ઉઠતા સુધીમાં તો પરોઢિયાની પહેલી ફ્લાઇટમાં ઇન્ડિયા પાછા ! એ પ્રવાસના ખર્ચાની બહુ ચિંતા નહિ કરવાની.... ક્યાં આપવાનો છે
? અને આ બધું ભર ઊંઘમાં બની ગયું હોય, એમાં બાજુમાં સુતેલી વાઇફને ય ખબર ન પડે ને આપણું ચરીત્ર અકબંધ રહે... સુઉં કિયો છો ?

એને બદલે લોકો રાત્રે સુતા પછી જ હેરાની-પરેશાનીના વિચારો કરે છે. અચાનક દૂરથી જોવાઇ ગયેલા જૂના દુશ્મનના ખૌફનાક વિચારો કરે છે ને પેલાને તો ખબરે ય ન હોય ! અમસ્તી બેસવાની જગ્યાએ નાનકડી ફોડલી થઇ હોય ને આડેપડખે સુવું પડયું હોય
, તો હવે એનો ફોડલો તો નહિ થઈ જાય ને ? ડૉક્ટર સાલો સર્જરી કરશે, એમાં બુમાબુમ કેટલી કરવી પડશે ? આવા ખૌફનાક વિચારો કરે છે... શું કમાયા ? હું તો અનેકવાર ડિમ્પલ કાપડીયાને લઇને પૅરિસના આયફલ ટૉવર પર સેવ-મમરાનું પૅકેટ લઇને ગયો છું ને ત્યાંથી એના છાપાના કાગળનો ડૂચો નીચે ફેંક્યો છે... હું મારી ભારતીયતા સહેજ પણ ઓછી ન થવા દઉં. મોદીનું 'સ્વચ્છતા અભિયાન' ઇન્ડિયામાં ચાલે છે, પૅરિસમાં નહિ ! કોઇ પંખો ચાલુ કરો.

મારી જગ્યાએ કોઇ બીજો હોય તો પહેલો વિચાર આયફલ ટૉવર પરથી પગ લપસવાનો કરે. આટલી સ્પીડથી નીચે આવ્યા પછી જીવવાનો તો કોઇ ચાન્સ જ નહિ ને
? છતાં, માની લો કે બચી ગયા, તો હાથે-પગે એવા લૂલા લંગડા થઇ જવાય કે, પછી તો ડિમ્પલ જ નહિ... ડાહી બા ય આપણી સામે ન જુએ... એને બદલે વિચારો તો ઊંઘમાં ય રોમૅન્ટિક કરવાના કે, આયફલ ટૉવરની અગાસી ઉપર ડિમ્પલ મારૂં મોંઢું ખોલાવીને એક એક મમરો મારા મોંઢામાં ફેંકતી હોય, પછી મારો વારો...! (આ પધ્ધતિથી ફાયદો એ થાય છે કે, એક એક મમરે વાત ક્યારે પતે ? લાંબુ બેસી શકાય... આ તો એક વાત થાય છે !)

રિબાઇ રિબાઇને હૉસ્પિટલમાં મરવાને બદલે
, કાચી સેકંડમાં ઇશ્વર આપણને મૃત્યુ આપી દે એવી પ્રાર્થનાઓ લગભગ હવે બધા કરતા થઇ ગયા છે. અનેક એવા છે કે, હજી મર્યા પહેલા, એમના મર્યા પછી સાચેસાચ કોણ કોણ રડવાનુ છે, એનું લિસ્ટ બનાવતા હોય છે. બીજી રાત્રે એ જ લિસ્ટ ચૅક કરીને બે-ચાર નામો કાઢી નાંખે ને દસ-બાર ઉમેરે. 'આ તો સાલો... હજી જૂના ૪૦૦-રૂપીયા માંગવા આવ્યો હતો, એ તો નહિ જ રડે... ઉપરથી રાજી થશે.

' એને ખબર નથી કે, ખરેખર એ ૪૦૦-વાળાએ જ રડવાનું છે.... કે, 'આટલા ય ગયા સાલો મર્યો એમાં !પણ આવું નૅગેટીવ વિચારનારો એટલું નથી વિચારતો કે, જેને એ, પોતાના ગયા પછી સૌથી વધુ રડશે, એવું માની બેસે છે, એ ય ચાર દહાડામાં તો છાનો કે છાની રહી જવાના છે. તમારા દેવલોક પામ્યા પછી ૨૦-૨૫ વર્ષોમાં એ ય ઉપર તમારી પાસે આવે, તો અહીંના એ ૨૦-૨૫ વર્ષો રડે રાખવાની નથી. એને ય બીજા કોઇ કામધંધા હોય કે નહિ ?

ચોંકી જવાય એવી વાત તો એ છે કે
, કેટલાક તો ભરઊંઘમાં સુતા ય એવા આકારમાં હોય કે, ઘરવાળા ફફડી જાય કે, 'કાકા.. ગયા !' જંગલમાં આડે પડખે સિંહ સૂતો હોય, એ સુવાની આદર્શ પધ્ધતિ છે. ડોહો રોજ આવો સૂતો હોય તો ખરેખર જ્યારે એ 'જાય', ત્યારે ઘરવાળા 'કાકા તો હજી સુતા છે' એમ માનીને બે દહાડા સુધી ઉપાડે નહિ, બોલો ! લેખક તરીકે આ અમારી ખોટી જવાબદારી છે... સૂતાં ય અમારે શીખવાડવાનું ?

સાર એટલો જ કે
, મરવાના વિચારોએ ચઢી જવાથી મરવાનું લાંબુ ખેંચાવાનું નથી અને ખેંચાય તો તમે ક્યારે ય ટુંકા થઇ ન શકો, એવા ખેંચાઇ જશો. વિચારો હરદમ સ્ફૂર્તિના, દમકઝમકના અને તોફાનમસ્તીના કરો... કારણ કે, આવા શુધ્ધ વિચારો કેવળ માણસો કરી શકે છે, જનાવરો નહિ !

સિક્સર

-
પૂરા ભારતની તો ખબર નથી, પણ અમદાવાદનું કયું થીયેટર એવું છે, જેમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગીત જ વગાડાતું નથી ?
-
ગુરૂકૂળ પાસે આવેલા હિમાલયા મૉલ્સના ચારે ય થીયેટરો !

No comments: