Search This Blog

09/06/2017

'કુરબાની' (૮૦) : ભાગ ૨

(ગતાંકથી ચાલુ)
ફિલ્મો બનાવવામાં ફિરોઝ ખાન પણ રાજ કપૂરની જેમ લખલૂટ પૈસા ઊડાવતો. આ ફિલ્મમાં એ બ્રાન્ડ-ન્યુ મર્સીડીઝ-બૅન્ઝને એક પાર્કિંગમાં અથડાવી અથડાવીને કૂચા કાઢી નાંખે છે. આજે એ વાતની નવાઈ નહિ રહી હોય ( રોહિત શેટ્ટીની બધી ફિલ્મોમાં ગાડીઓના કૂરચા ઊડતા હોય !) પણ એ
'૮૦ની સાલના વર્ષોમાં ભારતના પ્રેક્ષકોએ બહ બહુ તો મર્સીડીઝનું નામ સાંભળ્યું હોય... મહીં બેસવાનું તો જાવા દિયો, જોઈ પણ ભાગ્યે જ હોય !

આ લૂખલૂટ ખર્ચો કરવા ફિરોઝે આ સ્ટંટસ માટે ઇંગ્લેન્ડના એકસપર્ટ જેમ્સ ડાઉડૉલને અને ખાસ આ દ્રષ્યોને કેમેરાંમા પકડવા એરિક વાન હેરનને બોલાવ્યા હતા. જો કે, હોલીવૂડની જ ફિલ્મ 'ધી ડ્રાયવરમાંથી કારની આ તોડફોડનો આઇડિયો લેવાયો હતો. આ ફિલ્મમાં ઇંગ્લૅન્ડમાં મારામારીના જે દ્રષ્યો લેવાયા છે, એ પણ આ ધોળીયાઓના દિગ્દર્શન હેઠળ ફિલ્માયા છે.

યસ. જમાનો પૂરબહારમાં અમિતાભ બચ્ચનનો ચાલતો હતો, એટલે વિનોદ ખન્નાવાળો રોલ એ બચ્ચનને આપવા માંગતો હતો, પણ આવનારા છ-મહિનાઓ સુધી અમિતાભ શુટિંગની તારીખો આપી શકે એમ નહતો, એટલે વિનોદને એ રોલ મળ્યો. એ જ રીતે, રૂણા ઇરાનીવાળો રોલ સીમી ગ્રેવાલને સોંપાયો હતો. અરૂણાએ પૂરી ફિલ્મમાં રંગીન કૉન્ટૅક્ટ- લૅન્સ પહેરવાના હતા અને આંખો એક પણ દ્રષ્યમાં એક પણ વખત પટપટાવવાની નહોતી. એ કામ કરી ગઈ અને સીમીને રોલ ન મળ્યો. ફિલ્મ રીલિઝ થઈ ત્યારે કોઈ ઝગડાને કારણે ફિરોઝ અને અમજદ એકબીજા સાથે બોલવાના સંબંધમાં ય નહોતા.

ફિરોઝને આ પ્રોબ્લેમ શક્તિ કપૂર સાથે પણ થયો હતો. ફિરોઝ અતિશય દારૂ પીવાને કારણે થોડી જ વારમાં આઉટ થઈ જતો અને કોઈની પણ સાથે ઝગડો કરીને મારામારી અને તોડફોડ કરી મૂક્તો. મુંબઈમાં હવે તો ઘણા પ્રીવ્યૂ થીયેટરો છે, જે ઓછી સીટોના હોય, જેમાં ફિલ્મનો નિર્માતા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ(વિતરકો) અને જરૂર હોય એ કલાકારો- દોસ્તોને બોલાવી ફિલ્મ બતાવતો. જેથી મામૂલી કાપકૂપી હોય તો કરી શકાય.

ફિરોઝે આવો પહેલો શો જુહુના એક પ્રીવ્યૂ-થીયેટરમાં રાખ્યો એ વખતે એના હાથમાં વૉડકાનો પૅગ ભરેલો હતો, જે વધતો ગયો ને ફિલ્મ પૂરી થઈ ગયા પછી બધા ઘરભેગા થઈ ગયા ને એ એકલો નશાથી ધૂર્ત હાલતમાં બેસી રહ્યો. બહુ ફફડાટ સાથે પ્રોજેક્ટર- કલાર્કે આવીને ઝૂકીને કીધું, ''સર જી, હવે થિયેટર બંધ કરવું પડશે. મોડી રાત થઈ ચૂકી છે.

બોસનો પિત્તો ગયો. વૉડકાની ત્રણ-ચાર બોટલો ખાલી કરી ચૂકેલા ફિરોઝે ગુસ્સામાં હાથનો ગ્લાસ કાચ ઊપર ભારે ગુસ્સાથી પછાડયો... હાથમાં એણે પીધેલી બોટલોના આંકડા કરતા વધુ ટાંકા આવ્યા.

એજ રીતે, આ ફિલ્મનો પ્રીવ્યૂ ફિરોઝ ખાન જેવી 'લેવિશ પાર્ટીઓ કોઈ આપી શક્યું નથી. સેંકડો મહેમાનો માટે એણે સ્પેશિયલ સ્કૉચ વિદેશથી મંગાવ્યો હતો. પહેલા બે રાઉન્ડ સુધી તો બધું બરોબર ચાલ્યું, પણ પછી કોઈકે એનું ધ્યાન દોર્યું કે, હવે ઇન્ડિયન વ્હિસ્કી અપાઈ રહી છે.

ફિર ક્યા ..? કિંગકૉગને આખો પહાડ પછાડવા માટે આટલું કારણ કાફી હોય. ફિરોઝે ઑબેરોય હોટલનો આખો બાર તોડી નાંખ્યો, ગ્લાસ- પૅનલો અને જે હાથમાં આવ્યું એ બધું ! ગુસ્સામાં એણે હોટેલના મેનેજમેન્ટ કહી પણ દીધું કે,'બધો સ્કૉચ નવેસરથી આપો, અલબત્ત, એણે જે નુકસાન કર્યું હતું, તે બધું રોકડા ચૂકવીને ભરપાઈ કરી દીધું.

ઓછી હાઈટને કારણે ફિલ્મના મુખ્ય વિલન તરીકે શક્તિ કપૂરને લેવા બદલ ઘણાએ ફિરોઝને વાર્યો હતો. વિનોદ અને ફિરોઝ બન્ને લાંબા અને એ વખતે સાઈડ વિલનના પાત્રમાં એ બન્નેથી ય લાંબા અમરીશપુરીને લેવાયો હતો. પણ ફિરોઝને શક્તિની આંખો બડી બદમાશ લાગી હતી, એટલે બધાની ના છતાં એણે શક્તિને જ મૅઇન-વિલન તરીકે લીધો, એની ય એક નાનકડી રસદાર કથા છે.

શક્તિ મુંબઈના લિંન્કિંગ રોડ ઉપર પોતાની '૬૧ મૉડેલની ફિયાટ લઈને મારમમાર જતો હતો, એમાં બ્રાન્ડ-ન્યૂ મર્સીડીઝ- બૅન્ઝ લઈને નીકળેલા ફિરોઝ ખાનની ગાડીને એણે ટક્કર મારી દીધી ને ઉપરથી એને મારવા માટે શક્તિ ગાડીમાંથી ઉતર્યો. પાસે જતા જ ખ્યાલ આવ્યો કે, ''આ તો ફિરોઝ સા'બ છે.''શક્તિએ માફી માંગી અને કહ્યું,''સર, હું આપનો મોટો ફૅન છું અને મારે તમારી ફિલ્મમાં કામ કરવું છે. ભીડ જમા થઈ જવાને કારણે અને વાત આગળ ન વધે માટે ફિરોઝ ચુપચાપ જતો રહ્યો.''

'કુરબાની'ના સહલેખક કે.કે. શુકલા હતા, જેને તરત ફિરોઝે ફોન કરીને કહ્યું, ''એક માણસ આજે મારી કારને અથડાયો. મને એની આંખો બહુ ભયાનક લાગી. આપણે આ ફિલ્મમાં એને વિલનનો રોલ આપીએ છીએ. શુકલા તો શક્તિને ઓળખતા નહોતા પણ એમની વાઈફ (જૂની બાળ કલાકાર ડૅઈઝી ઇરાની) શક્તિને એક પાર્ટીમાં મળી હતી અને એને ફિરોઝની વાત સાચી લાગી.

શક્તિ અવારનવાર ડૅઈઝીને ઘેર જતો અને પોતાના માટે વિલનીના કામની માંગણી પણ કરતો. આ વખતે ઘેર આવેલા શક્તિને શુક્લાએ કીધું કે, ''તારૂં નસીબ ખરાબ છે. મેં તારૂં નામ ફિરોઝ સા'બની ફિલ્મ 'કુરબાની'ના વિલન તરીકે સૂચવ્યું હતું, પણ આજે બપોરે કોક બદમાશે ફિરોઝ સા'બની ગાડીને ટક્કર મારી, એ માણસ એમને ગમી ગયો. એટલે તારૂં પત્તું કપાઈ ગયું. શક્તિએ ખુશીથી ઉછળી પડીને કીધું. ''સર...એ બદમાશ હું જ છું...ઓહ, થૅન્ક યૂ સર... !'' અને એમ આ રોલ શક્તિને મળ્યો.
શક્તિ કપૂર આ ફિલ્મના યુનિટ સાથે લંડનમાં શૂટિંગ કરતો હતો, ત્યારે આડેઘડ ખરીદી કર્યા પછી એને યાદ આવ્યું કે, ફેમિલી માટે તો એણે કશું લીધું જ નથી. બધા પૈસા ખૂટી ગયા. એ વિનોદ ખન્ના પાસે જઈને ખૂબ દયામણા મોંઢે પોતાની યાતના કીધી કે, એ લાઈફમાં પહેલીવાર જ પરદેશ આવ્યો છે અને હવે એની પાસે ફૂટી કોડી પણ રહી નથી. મને થોડા પૈસા આપો તો મહેરબાની.

વિનોદે કોઈ સવાલ કર્યા વિના શક્તિના હાથમાં ૬૦૦૦ પાઉન્ડ પકડાવી દીધા (મારૂં ગણિત બહુ કાચું ન હોય તો આજના ભાવે આ રકમ રૂ.૫ લાખ જેટલી થાય !) એટલું જ નહિ, વિનોદનો લંડનમાં એક કાયમી ફલૅટ હતો, તે પણ શક્તિને રહેવા માટે આપ્યો, જે શક્તિએ છ-વર્ષ વિના મૂલ્યે વાપર્યો. આવો દિલદાર માણસ હતો વિનોદ ખન્ના ! વિનોદે એક પાઉન્ડ પણ ભાડું લીધું નહોતું.

પણ દારૂ પીવામાં શક્તિ ફિરોઝનો ય બાપ થાય એવો હતો ને એમ જ થયું. ફિલ્મની સફળતાની ફરી એક વાર ગ્રાન્ડ પાર્ટી ફિરોઝે આપી, એમાં અતિશય ઢીંચેલા શક્તિએ માનમરતબાને બાજુ પર રાખીને નફફટાઈથી ફિરોઝને જ પૂછયું,''એ ય..મારી જાન દિલ્લુ ક્યાં છે ?'' આ દિલ્લુ એટલે દિલશાદ શું ફિરોઝની સગી બહેન હતી. પછી આ પઠાણ છોડે ?

શક્તિ જમીન પર ગબડી પડયો, એવો કસીને મુક્કો એના મોંઢા ઉપર ફિરોઝે માર્યો અને બન્ને વચ્ચે બોલવાના સંબંધો સમાપ્ત થઈ ગયા. અલબત્ત, રાજકારણની જેમ ફિલ્મોમાં ય કહું કાયમી હોતું નથી. ફિલ્મના પ્રીમિયર વખતે ફિરોઝે શક્તિને સ્ટેજ પર બોલાવીને ઓળખાણ આપી કહ્યું, ''આ મારો નાનો ભાઈ છે... '' શક્તિ ખુશ થઈ ગયો અને બનેના સંબંધો ચાલુ રહ્યા.

પણ ફિરોઝ ખાન સાથે એના નાના ભાઈ સંજય ખાનના સંબંધો બગડે, એની એકાદ સેકન્ડ જ બાકી રહી હતી. જગત જાણે છે કે, ઝીનત અમાન અને સંજય ખાન વચ્ચે લગ્ન કરવા સુધીના સંબંધો વિસ્તર્યા હતા અને સંજય રોજ ઝીનીને મળવા 'કુરબાની'ના સૅટ પર પણ આવતો.

એમાં એને ડાઉટ ગયો કે ઝીનત તો ફિરોઝના ય પ્રેમમાં છે. એ ગુસ્સો તો પી ગયો પણ બીજે દિવસે મુંબઈની તાજમહલ હોટલની લાઉન્જમાં સામેથી આવતી ઝીનતને જોઈને આ નાનો પઠાણ ભડ્કયો અને એવો કસદાર તમાચો માર્યો કે, ઝીનત જીંદગીભર માટે એક આંખે અપંગ થઈ ગઈ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હીરોઈનો હોય કે હીરો, કૅરેકટર માટે કોઈના વખાણ કરવા જેવા નથી. ફિલ્મોમાં કામ મેળવવા આ લોકો ગમે તે હદે જાય એમ છે.

દેવ આનંદના પોતે પ્રેમમાં છે, એવું દેવના મનમાં ઠસાવી દીધા પછી એજ તાજમહલ હોટલમાં દેવ ઝીનતને 'આઈ લવ યૂ'પ્રપોઝ કરવા ટૅરેસ રેસ્ટરાંમાં લઈ જતો હતો, ત્યાં સામેથી રાજ કપૂર, પબ્લિસિસ્ટ બની રૂબેન અને વિશ્વા મહેરા( રાજના મામાજી) આવતા હતા. ઝીનીને જોઈને રાજે ભરપુર ઊમળકાથી બોલાવી,' ઓ મ્માય ઝીની.. સૉ યૂ આર હીયર ! ...કમ ઑન !'

ઝીનત રાજ સાથે જતી તો રહી, પણ કાયમ માટે. દેવ આનંદ હાથ ઘસતો રહી ગયો. અને રાજની ફૅકટરીમાં ગયેલો કાચો માલ તો પાકો થઈને જ પાછો આવે ને ?

ફિરોઝને ઠેઠ સુધી ખબર ન પડી કે, ઝીનત મારા પણ પ્રેમમાં હતી ખરી ?

આ દરમ્યાનમાં ઝીનત અમન ફિલ્મ 'શાન'માં પહેલીવાર આવેલા સાઈડ-ઍકટર મઝહર ખાનના પ્રેમમાં પડીને ક્યારે પરણી ગઈ, તે બધા માટે મોટેથી 'હેં' બોલવાની ઘટના હતી.

આજે જમાનો રૂ.૧૦૦- કરોડની ફિલ્મકમાણીનો ચાલે છે, પણ હિસાબ મૂકીએ તો ફિરોઝની આ ફિલ્મે એ જમાનામાં સીધો રૂ. છ- કરોડનો ધંધો કર્યો હતો, જે એ સમયમાં ખૂબ તોતિગં ગણાયો હતો. ફિલ્મના બાકીના એકે ય ગીતમાં શકરવાર જણાયો નથી. ફિલ્મ 'સફર'માં ફિરોઝ પહેલીવાર શર્મિલા ટાગોરને મળે છે, ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં 'ક્યાં દેખતે હો, સૂરત તુમ્હારી....'ની ધૂન વાગે છે.

ફિલ્મમાં એક ગીત ગાવા આવેલી પાકિસ્તાની ગાયિકા સ્વ. નાઝીયા હસને ગાયેલા 'આપ જૈસા કોઇ મેરી ઝીંદગી મેં આયે, તો બાત ન જાયે... ઘેરઘેર ભજનની માફક ગવાતું થઈ ગયું હતું. જેનું સંગીત અને શબ્દો એક નવા છોકરડા સંગીતકાર 'બિડ્ડુ'એ લખ્યા હતા. આ એક જ ગીતથી હિંદી ફિલ્મોમાં 'ડિસ્કો'નો વૅવ શરૂ થયો.

બાકીનું સંગીત તો કલ્યાણજી-આણંદજીએ આપ્યું હતું અને તેમણે વિરોધ ખૂબ કરી જોયો કે, ફિલ્મના એક ગીત માટે સંગીત આપવા બહારના (લંડનના) માણસને બોલાવો, એ નહિ ચાલે, આ બાજુ, બિડ્ડુ પણ હિંદી ફિલ્મોમાં સંગીત આપવા તૈયાર નહતો, પણ નાઝીયા અને બિડ્ડુ લંડનની એક હોટેલની પાર્ટીમાં મળ્યા ત્યારે નાઝીયાની મમ્મીએ ફિરોઝને વિનંતિ કરી કે, એક વખત મારી દીકરીનો કંઠ સાંભળી લો.

બધું નક્કી થઈ ગયા પછી નાઝીયા (અને તેનો ભાઈ ઝોયેબ) વિફર્યા. બિડ્ડુ સીધેસીધું અમેરિકન રૉકબૅન્ડ 'બોની-ઍમ'નું ગીત નાઝીયા પાસે ગવડાવવા માંગતો હતો, પણ નાઝીયાએ ના પાડી કે, ''ગાઈશ તો કોઈ ઓરિજીનલ ગીત જ ગાઈશ.કોઈની નકલ નહિ કરું !''અને એમ આ ડિસ્કો-સૉંગનો જન્મ થયો.

કિશોર કુમાર, અનવર અને અઝીઝ નાઝાંએ ગાયેલી ટાઈટલ- કવ્વાલી 'કુરબાની કુરબાની, અલ્લાહ કો પ્યારી હૈ કુરબાની 'એટલી લોકપ્રિય થઈ કે ગુજરાતમાં નવરાત્રી આવતી હતી એમાં ગરબા- ગાયકોએ નવો ગરબો બનાવી કાઢ્યો, ''ગરબાની ગરબાની ગરબાની , માતાને વહાલી છે ગરબાની...''

વિનોદ ખન્નાએ આ ફિલ્મમાં કામ કરવાના પૈસા લેવાને બદલે મુંબઈની આખી ટેરીટરી લઈ લીધી હતી, જેનાથી એકટર તરીકે એને મળવાપાત્ર રકમ કરતા દસ ગણી વધુ રકમ મળી હતી.

કલ્યાણજી- આણંદજીએ ફિરોઝની અગાઈની ફિલ્મ 'સફર'માં સંગીત આપ્યું હતું, એમાં ''કુરબાની''ના ગીતની નાનકડી ધૂન સંભળાય છે.

આ ફિલ્મમાં 'ક્યા દેખતે હો, સૂરત તુમ્હારી, ક્યા ચાહતે હો...'ગીતની ધૂન કલ્યાણજી-આણંદજીએ પોતાની જ પછીની ધર્મેન્દ્રની ફિલ્મ 'પ્રોફેસર પ્યારેલાલ'ના 'તેરે સિવા ના કીસિ કા બનૂંગા' માં રીપિટ કરી હતી. 'લૈલા ઓ લૈલા, કૈસી તુ લૈલા..'ગીતાના મૂળ આફ્રિકન ગીત 'ચિકાનો'ના આફ્રિકન-બેન્ડ 'બ્લેકવૂડ'માં પડયા હતા. ફિલ્મનું એક માત્ર ગીત ' આપ જૈસા કોઈ...'ઉપડયું અને બાકીનાનો ભાવે ય ન પૂછાયોએનાથી નારાજ કલ્યાણજી- આણંદજીએ આ ગીતથી ભારે નાખુશ હતા. એમના કહેવા મુજબ, બિડ્ડુએ બનાવેલા આ ગીતમાં કોઈ સંગીતનું ચાતુર્ય જ નહોતું એ વાત જુદી છે કે, આ જ ભાઈઓએ બિડ્ડુના એક અન્ય ગીત 'ડાન્સ ધ કંગ-ફૂ'નો ઉપયોગ અમિતાભની ફિલ્મ 'અદાલત'માં કર્યો હતો.

ખાસ તો સ્વ.વિનોદ ખન્નાને યાદ કરવા આ ફિલ્મ પસંદ કરવામાં આવી. જેમ જેમ વર્ષો જતા જાય છે, એમ આપણે વર્ષો પહેલા જોયેલી અનેક ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટને ઇશ્વર ઉપર બોલાવવા માંડયો છે. જવાનું તો હરેકને છે અને તદ્દન જીવવાની ઉંમરે રિમા લાગુ અચાનક સ્વર્ગસ્થ થઈ ગઈ.

પણ વિનોદ માટે જવાની આ ઉંમર નહોતી જ. અમથો ય, રાજકારણમાં પડયા પછી એ ફિલ્મોમાં આવતો લગભગ બંધ થઈ ગયો હતો, પણ જતા પહેલા એણે ચણેલા મહેલો આજે ય જોવા ગમે એવા છે. આ કૉલમમાં અગાઉ એવી ય અનેક ફિલ્મો વિશે લખાયું છે, જેનો એક પણ કલાકાર આજે હયાત ન હોય. પરમેશ્વર સૌને શાંતિ આપે.

No comments: