Search This Blog

11/09/2011

ઍનકાઉન્ટર : 11-09-2011

* આજનું ગુજરાતી કાવ્ય સમજાતું નથી ને એનું સાહિત્યિક વિવેચન તો સહેજ પણ સમજાતું નથી...!
- આ તમે કવિ અને વિવેચકની પોતાની વેદનાની પણ વાત કરી કહેવાય....!
(
નવનીત શાહ, અમદાવાદ)


* રામના નામો પથરાં તરતા...આપના નામે ?
-
ભવસાગર.
(
ભૌમિક ગજ્જર / વિશ્વ ગજ્જર, અમદાવાદ)

* કૅટરિના કૈફ તમને આઇ લવ યૂકહી જાય, તો તમને બીક સલમાનખાનની વધારે લાગે કે હકીબેનની ?
-
વળતા હૂમલા તરીકે સલમાન હકીને એવું કાંઇ કહી ન જાય એની !
(
રાજેશ, ઊંટડી-લીંબડી)

* ઠાકરેઓએ બૉમ્બેનું મુંબઈકરાવી નાંખ્યું, એમાં શી નવાઈ....? ‘અરબી સમુદ્રનું મુંબઈ સમુદ્રકરાવે તો હિંમત કહેવાય...
-
હિંમત મુંબઈ સમુદ્રકરાવવામાં બતાવવાની નથી... અમદાવાદનું કર્ણાવતિકરવામાં બતાવવાની હતી.
(
મુકુંદ એચ. જોગીયા, નવસારી)

* એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો એક સફળ સ્ત્રીની પાછળ કોનો હાથ હોય ?
-
પહેલા તો મને એ સમજાતું નથી કે, પુરૂષની સફળતામાં વચ્ચે સ્ત્રી ક્યાંથી આવી ગઇ ? કમ-સે-કમ હું તો એવા કોઈ ભ્રમમાં નથી.
(
દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* મહારાણી લક્ષ્મીબાઈ વિશે માહિતી આપશો.
-
સૉરી. એ વખતે હું ગુજરાતનો મહારાજા હતો... અમારામાં એકબીજામાં માથાં મારવાનું ન હોય !
(
સુધીર ભટ્‌ટ, ભાવનગર)

* સાસરામાં સાળીને અડધી ઘરવાળીનું બિરૂદ મળ્યું છે, પણ સાસુ-સસરા કે સાળા, સાળીને અન્યાય કેમ ?
-
આમાં પગપાળા યાત્રાસંઘ કાઢવાનો ન હોય.....!
(
શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

* કહે છે કે, ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’, તો સ્ત્રીનું સૌંદર્ય ક્યાં ?
-
આપણી આંખમાં.
(
ડૉ. દીપક સી. ભટ્‌ટ, બોડેલી)

* તમે કૉલેજનો દરવાજો ય જોયો નથી. સાચી વાત ?
-
મારા લક્ષણો ઉપરથી કોઇપણ ધોખો ખાઇ જઇ શકે છે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* રૂ. દસની નૉટ અને દસના સિક્કામાં ચલણ તરીકે તમને ક્યું વધારે ગમે ?
-
બૅગર્સ હૅવ નો ચૉઈસ.
(
યોગેશ કૃ.દલાલ, સુરત)

* માણસનો અહંકાર તોડવા એની પત્ની અને બાળકો કાફી છે.... સુઉં કિયો છો ?
-
વળતા હૂમલા તરીકે પત્નીનો અહંકાર તોડનારા જોયા છે.... બાળકોનો અહંકાર તોડનારા હજી જન્મ્યા નથી.
(
સુનિલ નાણાવટી, રાજકોટ)

અમારા લગ્નને દસ-દસ વર્ષ થઈ જવા છતાં, મારો ગોરધન મારી સામે જોઇને, ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી... હોઓઓઓગાય છે... શું એ કોઇ બીજીનો બંધાણી તો નહિ થઇ ગયો હોય ને ?
-
એવું લાગે તો સામું ગાઓ ને...! ભૈયા મેરે, છોટી બહેન કો ના ભૂલાના, ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના.... હોઓઓઓ.’ (પેલીનો કૅસ ફાઈલ થઈ જશે.)
(
મહિન્તા એમ. ત્રિવેદી, જામનગર)

* બા ખીજાય ત્યારે બાપુજી શું કરતા હોય છે ?
-
કચ્ચી કચ્ચીને આંખો મીંચીને આગામી પરિણામોની રાહ જોતા હોય !
(
મંજુલા પરમાર, ગાંધીનગર)

* અન્કલ, મારે તમારી જેમ, ઍનકાઉન્ટર જેવા જવાબો આપતા શીખવું છે. શીખવશો ?
-
પરણી જાઓ, બેટા.
(
ભવ્યરાજ એન. શાહ, અમદાવાદ)

* કૉંગ્રેસ અને કૉંગ્રેસના સુપ્રિમો પ્રત્યે તમારા તિરસ્કારનું કારણ જણાવશો ?
-
ભાજપ માટે ય મને વરસી પડેલો ક્યારે ભાળ્યો ? બન્ને પક્ષો હળીમળીને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
(
જયરામ વાલાણી, અમદાવાદ)

* જાન લઇને વર જ આવે...કન્યા કેમ નહિ ?
-
આખરે વરનો જાન લઈનેજ કન્યા છોડે છે...!
(
મેઘના/ધવલ/દર્શિકા સૂચક, ભાણવડ)

* તમારા મતે લગ્ન એટલે શું ?
-
ગૂડ ક્વૅચ્શયન...! મારા મતે લગ્ન એટલે લગ્ન.
(
કેતન ગંડેચા, રાજકોટ)

* માણસ વૃઘ્ધત્વમાં જ ધાર્મિક કેમ બની જાય છે ?
-
મારે એ બન્ને તબક્કા પસાર કરવાના બાકી છે.
(
ચિરાગ કે. પંચાલ, મધવાસ-લુણાવાડા)

* ભગવાન મનુષ્યના હૃદયમાં વસે છે, તો પછી મંદિરો શા માટે ?
-
રસોઇ ઘરમાં ય બને છે, છતાં કોકવાર બહારનું ખાવાનું મન ઉપડે છે ને ?
(
રિયા ડી. કતીરા, ભૂજ)

* પહેલાના વખતમાં ૠષિમુનિઓ તપસ્યા કરવા પર્વત ઉપર જતા... આજે ઇશ્વરને પ્રસન્ન કરવા અમારે ક્યાં જવું ?
-
ઇશ્વર આજકાલ તમને ફાઇવસ્ટાર હોટેલો, ફલાઇટો કે ક્લબોમાં જોવા મળશે. બાકી બધે એનું હોવું દેખાયું નથી.
(
કવિતા કપિલ સોતા, મુંબઈ)

મળવા જેવો માણસઅશોક દવે તો નહિ ?
-
ઘણાને તો એ મરવા જેવો માણસલાગે છે.
(
મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* અન્નાને ટેકા માટે દેશ આખો ઉમટે, પણ વ્યક્તિગત ધોરણે તો સહુ ભ્રષ્ટાચાર ને જ ઉત્તેજન આપે છે કે નહિ ?
-
હું પણ ભ્રષ્ટાચારને જીજાનથી ઉત્તેજન આપું છું... મારે પણ જીવવું છે.
(
ડૉ. મિનાક્ષી એ. નાણાવટી - જૂનાગઢ)

* ભારતીય તિરંગા માટે દરેક ભારતીયને અભિમાન હોવું જોઇએ, એ છે ?
-
આપણા ધર્મ અને સંપ્રદાયોમાં તિરંગો ફરજીયાત બનાવો, તો કદાચ અભિમાન રહે.
(
પલક નાણાવટી, ઓખા)

* અમિતાભ બચ્ચન સાથે લંચ લેવાના રૂા. ૧૦-લાખ થાય છે. અશોક દવે સાથે લંચ લેવાના કેટલા આલવા પડે ?
-
તમે ઘરના છો, એટલે તમારૂં ૨૦-૨૫ લાખમાં પતાવી આપીશું.
(
રમેશ આર. સુતરીયા, મુંબઇ)

* તમે સુંદર અભિનેત્રીઓના સુંદર લેખો લખવાના બંધ કરી દીધા. બા ખીજાયા કે શું ?
-
સુંદર વાચકો હજી અત્યારે બોલે છે... બોલો !
(
સીમા મહેતા, અમદાવાદ)

* તમારા દુશ્મનો માટે તમે કેવો ભાવ રાખો છો ?
-
મારે એક પણ દુશ્મન નથી. મારા દુશ્મન ગણાવા માટે માણસે મારી નજરમાં બહુ આદરપાત્ર બનવું પડે !
(
આશા પટેલ, અમદાવાદ)

No comments: