Search This Blog

28/09/2011

બેન્કની બપોરે

- ઍક્સક્યૂઝ મી... મહેતા-આઈ મીન, વિભાવન મહેતા ક્યાં બેસે છે ?
- મારા માથા પર...!
- સર.. મારે વિભા-
- મને ખબર નથી. બાજુના ટેબલ પર પૂછો.
- ઓકે... પણ ત્યાં તો કોઈ બેઠું નથી.
- તો તમે બેસી જાઓ... શીટ... કોઈ બેઠું નથી, એ મારો પ્રોબ્લે છે ? જાઓ... આગળ કોઈને પૂછો.
- ઓહ ગૂડ નૂન મેડમ... વિભાવનભાઈ મહેતા ક્યાં બેસે છે ?
- કયા વિભાવનભ’ઈ ?
- કયા.. ? એક્ચ્યૂઅલી... આવો તો બસ. એક જ પીસ પડ્યો છે.. કોઈ દસ-બાર પીસ આ બેન્કમાં નહિ હોય...!
- ઉફફો... ક્યા-મતલબ... એ આ બ્રાન્ચમાં છે ?
- ના. (મનમાં) આમ તો એમને દૂધની કોથળીઓ વેચવાનો ધંધો છે... (મનમાં પૂરું) જી. એ આ જ બ્રાન્ચમાં છે.
- આ જ બ્રાન્ચમાં ? તો તો સોરી... મને બહુ ખ્યાલ નથી.
- ઓહ... ઈન ધેટ કેસ... તમને જે બ્રાન્ચવાળા વિભાવનનો ખ્યાલ હોય, એ વિભાવન ક્યાં છે એ કહેશો ?
- આઈ મીન... ૩-૪ વર્ષ પહેલાં તો એ ગાંધીરોડ બ્રાન્ચમાં હતા... પણ તમે ઉપર તપાસ કરો.
- ઉપર... ? આઈ ડોન્ટ બીલિવ... શું ?
- અરે ભ’ઈ ઉપર એટલે ઉપરના ફલોર પર... ત્યાં પૂછો કોઈને ! (સાલા કેવા રાભા જેવા હેંડ્યા આવે છે, બેન્કમાં !)
- ઓ હેલ્લો... મારે વિભાવન મહેતાનું કામ છે... ક્યાં બેસે છે ?
- અમે ય ઈ જ કહી છી કે, ઈ કોઈ ’દિ ક્યાં બેસે જ છે ?
- ઓહ... મતલબ, એ ઊભા ઊભા જ કામ કરે છે ?
- નોન સેન્સ... ઈ ઘડીક આઈ રે’તો હોય, તો બેસે કે ઊભે ને ?
- હા સાલું.. બેન્કોની નોકરીઓમાં તો આવું રહેવાનું જ ! ઘણીવાર ટેબલ પર પાછું બી આવવું પડતું હોય છે... બહુ શોષણ... બહુ શોષણ...!
- એ ભા’આ ય ! સોસણની માં નો - હમણાં કઉં એ દીકરો... પણ તમે સુઉં નામું દીધા ?
- સરજી... મેં આપને ૨૦-૨૫ નામો નથી દીધા... ફક્ત એક-વિભાવન મહેતા જ નામ દીઘું છે.
- વિ... વિભ---વિભાવન મે’તા ? ભા’આ ય.... શ્યોરી હોં શ્યોરી... હું વિમલ મે’તા હઈમજ્યો’તો !
- ઓહ...
- વિભાવનભાઆ’યને બદલે વિમલભા’આ ય હાઈલશે ? અબઘડી બોલાવી લઉં... ઈ અમારા શગામાં થાઈ...!
- ઓહ... વિમલભાઈને સગાં પસંદ કરતા ન આવડ્યા.. થેંન્ક યૂ.
- સુઉં બોઈલા હમણાં તમે ?
- કાંઈ નહિ. સામેના ટેબલ પર પૂછી લઉં છું.
- યૂ મીન... વિભાવન મેહતા...?
- યસ. આઈ મીન હિમ.
- વિ.. યૂ મીન, ઓફિસરમાં છે ?
- એ તો ખબર નથી, પણ બને ત્યાં સુધી બેન્કોમાં બુદ્ધિશાળી લોકો ઓફિસર નથી બનતા. બેવકૂફોના સરદારો જ ઓફિસર કે મેનેજર બને છે.
- વોટ...? એવું કયા ઇડિયટે તમને કીઘું ?
- કોઈએ નહિ સર. એક જમાનામાં હું પોતે બેન્ક-ઓફિસર હતો, એટલે બોલાઈ ગયું...!
- એ પંડ્યા... આપણે ત્યાં કોઈ વિરેચન મેહતા ખરા ?
- સર. વિરેચન નહિ... વિભાવન...! વિરેચન તો હરડે જેવું ચૂરણ આવે છે...!
- પેલો ખભો બહુ ઊંચો ઊંચો થયે રાખે છે એ ?
- એ તો વિપલો... બેન્કમાંથી પેન્સિલો ઘેર લઈ જતો’તો, એ વળી !
- તો આ વિભાવન કોણ ? અરે પરમાર સાહેબ... આપણે ત્યાં કોઈ વિ.....સાલાએ ફોન જ મૂકી દીધો.
- ડોન્ટ વરી સર... હું કોક બીજાને પૂછી જોઉં...
- અરે ઠક્કર... કોણ યાર પેલો વિભાવન...? આપણી બેન્કમાં છે ?
- ખબર નહિ, પણ કોક પૂછવા આયુ’તું... બનતા સુધી પેલો કેશમાં નવો આયો છે, એ ના હોય !
- અરે હોતો હશે... એ તો અઢી ફૂટીયો ખેંખડી છે... આ તો નામ પરથી નાગર કે વાણીયો લાગે છે...
- એ પેલો તો નહિ હોય ને ? પાછળથી ફાટેલું પેન્ટ પહેરીને આવે છે. નાકના વાળ બહાર લટકે છેએએએ..!
- અરે એ તો મકવાણા...! ૨૦-વરસ જૂનો. ભલે પેન્ટ ફાટેલું પહેરતો પણ માણસ બહુ સારો. એક વાર એના ટેબલ પર મને બોલાવીને અડધી પીવડાઈ’તી.. મેં અડધીના પૈસા આપવાનો વિવેક કર્યો તો . ના લીધા... ‘અરે લહેર કરો ને રાજ્જા... મને કહે, તારા તો પૈસા લેવાતા હશે ?’ બહુ સારા માણસ.
- તો પછી આ વિભાવન છે કોણ ? સવારથી આખા સ્ટાફની મેથી મરાઈ ગઈ છે... જે મળે એ પૂછે છે ?
- હા. મારા ઉપર બી ચાર મોબાઈલ આઈ ગયા... કદાચ નવી ભરતીવાળો હશે... આજકાલ આયા છે ને બધા આપણા બાપાઓ...! સાલા બેન્કની બે પરીક્ષા પાસ શું કરી... આપણા ય બાપ થઈને ફરે છે. મારી બહુ હટી જાય છે.
- અરે ઓળખ્યો ઓળખ્યો બોસ... વિભાવન મેહતા... આપણો વિભુ, યાર...!
- આપણો ? આપણો એટલે ?
- નહિ પેલો શેર’ઓ શાયરીઓ બહુ કરતો’તો... ઉર્દુનો જબરદસ્ત માસ્ટર યાર...!
- હા હા... પણ એ તો ક્યારનો ય રીટાયર થઈ ગયો...!
- એક્સક્યૂઝ મી... મારું નામ વિભાવન મેહતા છે. મારી તપાસ કરવા કોણ આવ્યું હતું ?
- વિ.... ? તમે વિભા... ?? સોરી બોસ... ઓળખાણ નહિ પડી... આપ કયા વિભાવન મેહતા સાહેબ...?
- જી... હું તો ઓકે... વિભાવન મેહતા નામનો કોઈ માણસ જ નથી. હું પણ વિભાવન કે મનભાવન મેહતા નથી, જે ભાઈ પૂછવા આવ્યા હતા, એ બેન્કના વિજિલાન્સ ઓફિસર હતા... દિલ્હીથી આવ્યા હતા...!
- હેં...? સુ... સુ... શું કામ આયા’તા પણ...?
- બસ. જે જોવાનું હતું તે જોઈ ગયા કે, તમે કસ્ટમર-કૅર કેવી રાખો છો ...! 

સિક્સર 
- ગુજરાત ભાજપ હોય કે કોંગ્રેસ... નેશનલ ન્યૂસની ટીવી-ચેનલો સાથે ઇંગ્લિશ બોલતા કેવા ફાંફાં પડી જાય છે...?
- હિન્દીમાં બોલે તો એમની બાઓ ખીજાવાની છે ?... 

No comments: