Search This Blog

16/09/2011

‘ફિર વો હી દિલ લાયા હું’ (’૬૩)

ફિલ્મ : ‘ફિર વો હી દિલ લાયા હું’ (’૬૩)
નિર્માતા-દિગ્દર્શક : નાસીર હુસેન
સંગીત : ઓ પી નૈયર
ગીતો : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૮ રીલ્સ
થિયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : જૉય મુખર્જી, આશા પારેખ, રાજેન્દ્રનાથ, પ્રાણ, વીણા, વાસ્તી, કૃષ્ણ ધવન, રાની, અમર, શેટ્ટી, રામ અવતાર, તબસ્સુમ, ઇંદિરા બંસલ, રાજેન્દ્રસિંહ, રણજીતકુમાર.

ગીતો 
૧ લાખોં હૈં નિગાહ મૈં, જીંદગી કી રાહ મેં – મુહમ્મદ રફી
૨ ઝુલ્ફ કી છાંઓ મેં ચહેરે કા ઉજાલા લેકર – રફી-આશા
૩ હમદમ મેરે, ખેલ ના જાનો, ચાહક કે ઇકરાર કો – રફી-આશા
૪ અજી કિબલા, મોહતરમા, કભી શોલા, કભી નગ્મા – મુહમ્મદ રફી
૫ આંચલ મેં સજા લીયા કલીયાં, ઝુલ્ફોં મેં સિતારેં – મુહમ્મદ રફી
૬ આંખો સે જો ઉતરી હૈ દિલ મેં તસ્વીર હૈ એક – આશા ભોંસલે
૭ દેખો બીજલી ડોલી બિન બાદલ કે – આશા ભોંસલે
૮ મુઝે પ્યાર મેં તુમ ન ઇલ્ઝામ દેતે, નહિ તુમને દેખા – આશા ભોંસલે
૯ બંદા પરવર, થામ લો જીગર, બનકે પ્યાર ફિર – મુહમ્મદ રફી
(ગીત નં. ૨ ડીવીડી-માં ઉપલબ્ધ નથી)

નાસીર હુસેન એટલે આજના હીરો આમિરખાનના સગા કાકા. એમનો એક વર્લ્ડ-રેકોર્ડ હોવો જોઈએ. એકની એક વાર્તા ઉપરથી ૫-૭ ફિલ્મો બનાવી નાંખી... ગણો. દિલ દે કે દેખો, તુમ સા નહિ દેખા, જબ પ્યાર કિસી સે હોતા હૈ, ફિર વો હી દિલ લાયા હૂં અને પ્યાર કા મૌસમ. આ બધી ફિલ્મોની વાર્તા અક્ષરસઃ એક જ છે. દરેક ફિલ્મે હીરો બદલાય અને સંગીતકાર બદલાય, બાકી ત્રણ જણા એના એ જ રહે, આશા પારેખ, રાજેન્દ્રનાથ અને મજરૂહ સુલતાનપુરી. પેલો ગોળમટોળ જોડીયો રામઅવતાર પણ નાસીરની બધી ફિલ્મોમાં હોય. શમ્મી કપૂરની તીસરી મંઝિલમાં ટ્રેનમાં શમ્મી જેને હસાવી-હસાવીને બેભાન કરી નાંખે છે તે રામઅવતાર. ખૂબી તો એ કે પ્રસંગો ય એના એ જ રહે. દરેક ફિલ્મમાં હીરો ખભે ગીટાર લટકાવીને સુંદર છોકરીઓ જોવા નીકળે, એનું એક ગીત ગાય. દાખલો આપું. ગાયક બધામાં રફી સાહેબ. (તુમ સા નહિ દેખા’) ‘જવાનીયાં યે મસ્ત મસ્ત બિન પિયે’. (જબ પ્યાર કિસી સે હોતા હૈ) બિન દેખે ઔર બિન પહેચાને તુમ પર હમ કુર્બાન’. (ફિર વો હી દિલ લાયા હૂં) લાખોં હૈ નિગાહ મેં, જિંદગી કી રાહ મેંતો (પ્યાર કા મૌસમ’)માં ચે ખુશ નઝારે, કે ખુદ પુકારે’.

પાછી દરેક ફિલ્મમાં બાપે એની માં સાથે એને પડતો મૂક્યો હોય ને ગરીબ માં શહેરથી દૂરના કોક અજ્ઞાત સ્થળે ફાર્મ-હાઉસ જેવા મકાનમાં દીકરા સાથે રહેતી હોય, એ બધીઓનો ગૅટ-અપ કે મૅક-અપ એક જ. ગોળ રીમના ચશ્મા, સફેદ સાડલો, ખભે શૉલ. નાસીર હુસેનની આજ સુધીની એકે ય ફિલ્મનો હીરો કાંઈ કમાતો-ધમાતો બતાવ્યો નથી,
છતાં કપડાં-લતા બાર લાખ બાવી હજારના પહેરે. આ ફિલ્મમાં જૉય મુખર્જીની આવી માં બારમાસી જવાબદાર પોલિસ-ઓફિસર ઇફતેખારની બહેન વીણા બને છે.

આ મશ્કરી નાસીર હુસેનની નથી, ભારતના પ્રેક્ષકોની છે કે, એ લોકોને ફિલ્મોની વાર્તા-ફાર્તા સાથે કોઈ લેવા-દેવા જ નહિ ? ઓકે. એમની તમામ ફિલ્મોમાંથી મજરૂહ સુલતાનપુરીએ લખેલું કોઈપણ ગીત પરફેક્ટલી ઢંગધડા વગરનું હોવાની તો ગીતમાં લખેલી ગૅરન્ટી. એક જ દાખલો આ ફિલ્મનો કાફી છે. ‘‘લાખોં હૈં નિગાહ મૈં, જીંદગી કી રાહ મૈં, સનમ હસિન જવાં, હોઠોં મેં ગુલાબ હૈ, આખોં મેં શરાબ હૈ, લેકીન વો બાત કહાં...?’ આવું ગાતા હીરોને આપણે ૯૦/૪ ના બસસ્ટૅન્ડે ઊભો રાખીને પૂછવું જોઈએ, ‘તું કઈ બ્રાન્ડની છોકરી શોધવા હાલી નીકળ્યો છું ? આ તેં આપેલા વર્ણન મુજબની બહુ બહુ તો એકાદી ગાય આવે... લાખોની સંખ્યામાં જીંદગી નહિ તો અમદાવાદની રાહો ઉપર ભટકતી બહુ બહુ તો ગાયો જોવા મળે એના ડોળામાંથી નીકળતા પીયાં છે પીયાં. કોઈ શરાબ-વ્હિસ્કી પણ નાસીરને એક વાતની સલામ કાયમની કરવી પડે કે, એની તમામ ફિલ્મોનું સંગીત આલા-દરજ્જાનું હતું, ભલે ફિલ્મે-ફિલ્મે સંગીતકારો બદલી નાંખવાના, તો ય ! ને એમાં ય, આ એક ફિલ્મ પૂરતા ઓપી નૈયર આવ્યા ને માય ગૉડ... દુનિયાભરની સંગીતના વાજીંત્રોની દુકાનોના દરવાજા ખોલી નાંખ્યા. આ ફિલ્મના ગીતો દ્વારા. ગીતો ૬૦-ના આખેઆખા દાયકાની તમામ ફિલ્મો કરતા ૫૦-માળ ઊંચા એવા બન્યા કે, એ જ ઓપી નૈયરના કચ્ચરઘાણ દુશ્મનો શંકર-જયકિશનને ૬૪-ના ફિલ્મફેરના અંકમાં કબુલ કરવું પડ્યું કે, ‘ફિર વો હી...જેવા મઘુરાં ગીતો અમે કેમ ન બનાવી શક્યા ? ઓપીને સલામ નહિ, પ્રણામ કરવા પડે.

એ બન્નેએ ઓપીને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું, ત્યારે છંછેડાઈને ઓપીએ એ બન્નેને દાઢમાં રાખીને શમ્મી કપૂર-આઈ.એસ.જોહરની ફિલ્મ હમ સબ ચોર હૈમાં રફી સાહેબ અને જી.એમ.દુર્રાણી પાસે એક ગીત ગવડાવ્યું, ‘હમ કો હંસતે દેખ જમાના જલતા હૈ, ચોર બનો યા મોર યહાં સબ ચલતા હૈ’... જેના વળતા હૂમલા તરીકે શંકર-જયકિશને શૈલેન્દ્ર પાસે દેવ આનંદ-માલા સિન્હાની ફિલ્મ લવ મૅરેજમાં રફી પાસે ગવડાવ્યું, ‘ટીન કનસ્તર પિટ પિટ કર, ગલા ફાડ કર ચિલ્લાના, યાર મેરે મત બુરા માન યે ગાના હૈ ન બજાના હૈ’ (ટીન કનસ્તર એટલે પતરાંનું ડબલું).

તો એ શંકર-જયકિશને ફિર વો હી...ના ગીતોની પ્રચંડ સફળતા સામે ઝૂકવું પડ્યું. અને ઓપીએ પણ ૬૦-નો આખો દાયકો આ એક જ ફિલ્મના ગીતોથી ખરીદી લેવો હોય, એવા ઝૂમતા ગીતો બનાવ્યા. બહુ ઓછાને ખબર હશે કે, ઓપીએ એમની આખી કરિયરમાં ન છુટકે જ કરૂણ ગીતો બનાવ્યા છે. એમના પ્રત્યેક ગીતોમાં સ્ફૂર્તિ, સ્ફૂર્તિ ને સ્ફૂર્તિ જ હોય. એમાં ય પોતે શાસ્ત્રીય સંગીતનો કક્કો ય જાણતા ન હોવાની કબૂલાત ઓપી ઉઘાડેછોગ કરતા, એ જાણ્યા પછી આશા પારેખે ટીવી-ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દેખો બીજલી ડોલી બિન બાદલ કેમાં ઓપીએ ૧૮-માત્રાનો લક્ષ્મી-તાલ વગાડીને અમને બધાને (એટલે નૃત્ય-નિર્દેશક ગોપી કૃષ્ણ તેમ જ, એ જમાનાની પરફૅક્ટ ડાન્સર અને જેના લાવણ્યમય શરીર-સૌષ્ઠવને કારણે દર વખતે હીરોઈનોની ઇર્ષાનો ભોગ બનતી રાની’) માની નહોતા શક્યા કે, આટલો પરફૅક્ટ લક્ષ્મી-તાલ કોઈ બનાવી જ કેવી રીતે શકે ? ઓપી બેશક ગ્રેટ છે. ખાસ કરીને હમદમ મેરે, ખેલ ના જાનોગીતમાં ઢોલક-ખંજરીની રમઝટ ઉપરાંત વૅસ્ટર્ન-બીટ્‌સમાં ડ્રમ્સનો મુઠ્ઠીપછાડ ઉપયોગ ગીતને બહુ મર્દાના બનાવે છે. ઓપીએ પોતાના સંગીતવાળી એકપણ ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ કે ટાઈટલ મ્યુઝિક ક્યારેય આપ્યું નથી. એ કામ એના આસિસ્ટન્ટ જી.એસ.કોહલી કરતા, જેમણે તુમ કો પિયા, દિલ દિયા, કિતને નાઝ સે, હોઓઓઓફિલ્મ શિકારીમાં આપ્યું છે.

આશા પારેખને ઍક્ટિંગ-ફૅક્ટિંગ બહુ આવડતી નહિ હોય, એવું બીજા તો ઠીક, કમ-સે-કમ એની જીંદગીના સર્વેસર્વા નાસીર હુસેન બાકાયદા માનતા હશે, કારણ કે નાસીરની તમામ ફિલ્મોમાં આશા હોવા છતાં, નામ પુરતી ય એકે ય ફિલ્મમાં એને ઍક્ટિંગ બતાવવાનો કોઈ મોકો નાસીરે આપ્યો નથી. બધી ફિલ્મોમાં ઢંગધડા વગરના એકના એક રોલ. ઓહ યા... ઍક્ટિંગનો ખજાનચી તો આપણો પ્રાણ હતો, ભાઈ, પ્રાણસાહેબે મગજના ચસકેલ વિલનનો રોલ જરી મજા કરાવી દે એવો કર્યો છે.

એક વાત ગમ્મતમાં. હિંદી ફિલ્મોનું શૂટિંગ કાશ્મિરની બર્ફીલી પહાડીયોંમાં કરવામાં આવ્યું હોય તો હીરોઈનને ટાઢો વાય જ, હીરો પોતાનો કોટ ઉતારીને પહેરાવે જ. પેલી ભૂલભૂલમાં એ પહેરીને એના ઘેર કે હોટેલમાં જતી જ રહે, જેથી કોટ લૌટાને..બન્ને ફરીથી મળી શકે.

સાલું, આપણી આખેઆખી લાઈફોમાં ભૂલેચૂકે ય આવો મોંઘો કોટ ભૂલમાં ય પેલીને ઠોકી જવા ન દઈએ... એક તો, ઘેર આયા પછી બા ખીજાય અને બીજું... ચિંતા હીરોઈનના પાછા આવવાની ન હોય.. કોટ પાછો આવવાની આખી રાત રહે... આ તો એક વાત થાય છે !

નાસીર હુસેનની ફિલ્મો બેશક મનોરંજક હોય છે. બહુ ભાર રાખીને નહિ જોવાની. એમાં ય પોપટલાલ એમની ફિલ્મોનો એક ઇન્ટેગ્રલ પાર્ટ હતો. પોપટલાલની કૉમેડી સ્લૅપસ્ટિક, એટલે કે બફૂનરી એટલે કે સ્થૂળ અને વિદુષકવેડાંવાળી હતી. પણ એ માનવાની ભૂલ કરવા જેવી નથી કે, એવી બફૂનરી આપણી સૅન્સિબલ કૉમેડી કરતાં ય ખડખડાટ વધારે હસાવી પાડે છે. જુઓ. આ જ ફિલ્મમાં એના જોકરવેડાં યાદ કરો. એના લાલચુ ફાધર (રાજેન્દ્રસિંઘ) અને મધર (ઇંદિરા બંસલ... પેલી માંજરી આંખોવાળી ઇંદિરા બિલ્લી જુદી !) ડિકુ (રાજેન્દ્રનાથ)ને આશા પારેખ સાથે પરણાવવા માટે આમાદા હોય છે. પેલો મિનીટે-મિનીટે વાંદરાવેડા કરે, એનાથી અકળાઈને બન્ને ગુસ્સે થઈને ડિકુને ધક્કા મારે છે, તો ડિકુ ક્યા કર રહે હો ?’ પૂછીને કૅમેરા (એટલે કે, આપણી) સામે જોઈને બોલે છે, ‘વૉટ એ ફૅટ મધર...? વૉટ એ ફની ફાધર...!... આઈ વિશ, આઈ વૉઝ અનાથ... ઓર પ્રેમનાથ...!અકળાયેલો બાપ એની માંને કહે છે. ક્યા નમૂના પેશ કિયા હૈ તુમને !’’ ફિલ્મમાં એની ઍન્ટ્રી પણ હાસ્યાસ્પદ ઢબે બતાવાઇ છે. ઍરપોર્ટ પર એને લેવા આવેલ આશા પારેખ અને એના ચાચાજી (વાસ્તી) પૂછે છે, ‘‘ડિકુ કહાં હૈ ?’’ એના જવાબમાં તરતના શૉટમાં ઍરપોર્ટના ટૉઈલેટનું ફલશ ખેંચાય અને આ ભઈ એમાં કોઈ રૂસ્તમને મારીને આવ્યા હોય, એમ બંને હાથ પહોળા કરીને ખુશ થતો વિજયપતાકાની મુદ્રા બતાવે છે. એ તો નદી કિનારે કોગળા પણ બન્ને પગ અને હાથ પહોળા કરીને કર્યા પછી મોટું મેદાન માર્યું હોય, એવો ખુશ થાય. પાર્ટીમાં એ કૅક પર કે ચટણી ભરેલી થાળી ઉપર સીધો બેસી જાય પછી, શેના ઉપર એનો રાજ્યાભિષેક થયો છે, એ જાણવા પાટલૂન પર હાથ ઘસીને ચાખી જૂએ ય ખરો... હસવું ખૂબ આવે કે નહિ ? કબ્બુલ યાર... કે આ નોન-સૅન્સ કૉમેડી છે પણ વલ્ગેરિટી વગર કોઈ ખડખડાટ હસાવતું હોય તો એવું ય હસવાનું આજકાલ છે ક્યાં ?

આ ફિલ્મ જોતી વખતે જમ્મુ-કાશ્મિરના આંખને એ.સી. બનાવે એવા દ્રશ્યો ઉપરાંત હીરો જૉય મુખર્જી બાકાયદા ખૂબ હૅન્ડસમ લાગે છે. એને કપડાં ખૂબ શોભે છે. હાઈટ બૉડી અને મર્દાના અવાજને કારણે જૉયને એ જમાનાનો અમિતાભ કહેવામાં રૂકાવટ એની ઍક્ટિંગની લાલીયાવાડી પૂરતી આવે. જૉય મુખર્જી ખુમારીથી જીવ્યો છે. જમાનો પૂરો થઈ ગયા પછી એના દોસ્ત શમ્મી કપૂરે ચરિત્ર અભિનેતાના ચાચા-મામા કે ડૅડીના રોલ સ્વીકારવા માંડ્યા, ત્યારે જૉય ખીજાયો હતો, ‘યે તુ ક્યા કર રહા હૈ, શમ્મી ? હમ એક બાર હીરો રહ ચૂકે હૈ.. તો હીરો હી મરેંગે... ! ઇતના કૉમ્પ્રોમાઈઝ ક્યું કર રહા હૈ ?’ આ ઉપરાંત હવે પછીની વાત મને જૉય મુખર્જીના સૌથી નાના ભાઈ અને મારા મિત્ર શુબિર મુખર્જીએ કીધી હતી કે, ‘અમે બધા ભાઈઓએ જીંદગી કસરતો કરવામાં જ કાઢી છે. (હું શુબિર સાથે બેઠો હતો, ત્યારે પણ એ હાથમાં લાકડાનું મસમોટું મગદળ ફેરવતા-ફેરવતા વાતો કરતો હતો) બી.આર.ચોપરા કે નાસીર હુસેનની સાથે એના ફાધર શશધર મુખર્જી રાહ જોઈને બેઠા હોય કે એમની ફિલ્મમાં એને સાઈન કરવો હોય... આ બોંગોલી બાબુને કોઈની પડી નહોતી.

અફ કોર્સ, ગુજરાતી તરીકે જાણવાનું ગમે એવી જૉય મુખર્જીની એક ઘટના એવી છે કે, એના માટે ગર્વ થાય. આપણા કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે જૉય અને તેની પત્ની નીલમ એક મહિના સુધી કોઈ પણ પબ્લિસિટી વિના કચ્છમાં મજુરોની ભાંતિ સેવા કરવા રોકાયા હતા.

વાર્તાનો પ્લોટ ટુંકમાં જોઈ લઈએ એટલે નાસીરની એક સાથે, દિલ દે કે દેખો, તુમ સા નહિ દેખા, જબ પ્યાર કિસી સે હોતા હૈ, ફિર વો હી દિલ લાયા હું અને પ્યાર કા મૌસમ... એમ બધી વાર્તાઓ એકમાં આવી જાય. (આમાંની કોઈ ફિલ્મમાં વાર્તા થોડી પણ ડિફર થતી હોય, તો નાસીર હુસેનને માફ કરવા... જાણી જોઈને એ એવું કરે એવા નહોતા.)

કર્નલ મહેન્દ્રનાથ (વાસ્તી) એની પ્રેગ્નન્ટ પત્ની વીણાને ચરીત્રહીન ગણીને છોડી દે છે, એ પછી એમના પુત્ર મોહન (જૉય મુખર્જી) નું બાળપણમાં જ કૃષ્ણ ધવન અપહરણ કરીને વીણાને વેચી દે છે. એની પાછળ પડવા જતા અકસ્માતમાં વાસ્તીના ડોક્ટર મિત્રનું અવસાન થઈ જતા ડૉક્ટરની પુત્રી મોહના ઉર્ફે મોના ઉર્ફે આશા પારેખનો ઉછેર વાસ્તી કરે છે. ભૂલ સમજાયા પછી પત્નીને ઘરમાં પાછી જમા કરાવવા વાસ્તી છાપામાં જા.ખ. આપે છે, જે વીણા વાંચવા છતાં નીગ્લૅક્ટ કરે છે ને એ પુત્રને પણ બાપથી દૂર રાખે છે. મોટા થયા પછી કૃષ્ણ ધવન એક ખૂની ગૂંડા પ્રાણને કર્નલના ખોવાયેલા પુત્ર તરીકે પેશ કરે છે, જેને વાસ્તીની ભત્રીજી આશા પારેખે બાય ડીફોલ્ટ પ્રેમ કરવાનો આવે છે. આ જાણ્યા પછી જૉય મુખર્જી આશા પારેખ પાસે રાખડી બંધાવવા જતો નથી, એને બદલે પ્રાણની પિટાઈ કરે છે... ગાંધીજીએ જે કીઘું હોય તે, પણ અહીં ભરપુર હિંસાને કારણે જ હીરો હીરોઈનને પાછી મેળવી શકે છે. 

No comments: