Search This Blog

30/09/2011

‘લવ ઈન ટોકિયો’ (’૬૬)

ફિલ્મ : ‘લવ ઈન ટોકિયો’ (’૬૬)
નિર્માતા-નિર્દેશક : પ્રમોદ ચક્રવર્તી
સંગીત : શંકર-જયકિશન
ગીતકાર : શૈલેન્દ્ર-હસરત જયપુરી
રનિંગ ટાઈમ : ૧૮ રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : જૉય મુકર્જી, આશા પારેખ, પ્રાણ, મેહમુદ, શોભા ખોટે, ઘુમલ, મોહન ચોટી, અસિત સેન, લલિતા પવાર, લતા બૉઝ, ઉલ્હાસ, માસ્ટર શાહિદ, મદન પુરી, તરૂણ બૉજ, મુરાદ.

ગીતો
૧. કોઇ મતવાલા, આયા મેરે દ્વારે, અખીયોં સે કર ગયા... લતા મંગેશકર
૨. મૈં તેરે પ્યાર કા બિમાર હું ક્યા અર્જ કરૂં... મન્ના ડે
૩. સાયોનારા, સાયોનારા, વાદા નિભાઉંગી સાયોનારા... લતા મંગેશકર
૪. ઓ મેરે શાહેખુબા, ઓ મેરી જાને જનાના... મુહમ્મદ રફી
૫. ઓ મેરે શાહેખુબા, ઓ મેરી જાને જનાના... લતા મંગેશકર
૬. જાપાન, લવ ઈન ટોકિયો, લે ગઇ દિલ ગુડીયા જાપાન કી... મુહમ્મદ રફી
૭. આજા રે આ જરા આ, લહેરા કે આ જરા આ... મુહમ્મદ રફી
૮. મુઝે તુમ મિલ ગયે હમદમ, સહારા હો તો ઐસા હો... લતા મંગેશકર 

મારી તો ઉંમર જ ૧૪ વર્ષની, પણ જૉય મુકર્જી પાછળ ફિદા ફિદા. ઊંચો, પહોળો, છાતી આગળ, પહોળા ખભા, ખૂબસૂરત ચેહરો, શમ્મી કપૂર જેવા લહેરાતા વાળ અને પહાડી અવાજ ને પાછો અશોક કુમારનો સગો ભાણો, એટલે ફાધરને ય બહુ ગમતો. એ દિવસે અમદાવાદની રીગલ ટૉકીઝમાં ‘લવ ઈન ટોકિયો’ પડ્યું. ખાડીયાની ખત્રી પોળથી સવારે દસ વાગે તો નીકળી ગયો. શો સાડા બારનો, પણ લાઈનમાં નહિ ઊભું રહેવાનું.. ? અને એ ય ‘‘રૂપિયાવાળી’’માં ... ! રૂા. ૧.૪૦ની અપર સ્ટૉલ્સ તો પૈસાદારોને પોસાય... રૂા. ૧.૬૦ની બાલ્કનીમાં તો શહેરના રઇસલોગ જ બેસે... આપણા જવાનો ક્લાસ નહિ, એવી લધુતાગ્રંથિ. વચમાં બાલા હનુમાન આવે. ત્યાં ‘પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ, રામલછન સીતા સહિત, હૃદય બસહૂ સુર ભૂપ...’ એમ આખી હનુમાન ચાલીસા બોલીને ચાલમાં સ્પીડ વધારીને રીગલ ટૉકીઝ પહોંચી ગયો. રીગલની પાછળ જ ન્યુ હાઇસ્કૂલ... લાઇન ઠેઠ ત્યાં સુધી. આપણે ક્યાં ભણવાની લાઇનમાં ઊભા રહેવું’તું, તે લાઇનમાં ઊભા રહેવાનો કંટાળો આવે!

કલાકની તપસ્યા પછી ટિકીટબારી ખુલી ને ફરી ધક્કમધક્કી સાથે, ‘એ બે... બીચ મેં મત ધુસ.. ચલ બે હટ...’ની બુમો સાથે મનમાં હનુમાનજીનું રટણ તો ખરૂં જ. (મને યાદ છે, ત્યાં સુધી બૉસ એટલે કે હનુમાનજી પિક્ચર જોવા નહોતા આવવાના... એ તો આપણને ટિકીટ અપાઇને નીકળી જવાના હતા.... કદાચ મારા જેવા બીજા ભક્તોને ટિકીટ અલાવવા!) 

આ ફિલમ અને આ કિસ્સો બખૂબી યાદ એટલા માટે રહી ગયા છે કે, ઍકઝૅક્ટ મારો નંબર આવ્યો ત્યાં જ બારી બંધ થઇ ગઇ. એક સૅકન્ડ માટે હું મોડો પડ્યો. પસ્તાવો થયો કે, બાલા હનુમાન ટાઇમો ન બગાડ્યા હોત, તો અત્યારે હું ‘લવ ઈન ટોકિયો’ જોતો હોત!... ટોકિયો અને અમદાવાદ વચ્ચે હનુમાનજી ઊભા રહી ગયા હતા...!! 

એ વાત જુદી છે કે, એ જમાનામાં ભગવાનો સાથે અમારા બધાની દોસ્તી ફિલ્મોની ટિકીટ અપાવવાથી વિશેષ ખાસ નહોતી. પ્રેમ અથવા તો પ્રેમોમાં પડવાની હજી ઉંમર થઇ નહોતી. ઈવન, આશા પારેખને પણ અમે મોટી બહેન ગણતા. (એ ગુજરાતના મહુવાની, એટલે આપણી તો બહેન જ થાય ને?... જો કે, આપણું આવું મોટું મન સૌથી વધારે આશાને નડ્યું. અમે બધા એને ‘બહેન’ ગણતા’તા, એમાં એ આજ સુધી વાંઢી રહી ગઇ!... અમારામાં એટલી ય અક્કલ નહિ કે, બધીઓને બહેન ન ગણાય!... પાછું, ‘લવ ઈન ટોકિયો’માં ય જૉય મુકર્જીનું નામ ‘અશોક’... એ હિસાબે ગણવા માંડો, કેટલા જીવ બળે?... આપણો નહિ, આશા પારેખનો!.... આ તો એક વાત થાય છે!!!) 

મુંબઇના સાન્તાક્રુઝમાં હસનાબાદ લૅન આવેલી છે. રોડ ઉપર એક ૩-૪ માળના બંગલાની બહાર સોમુ મુકર્જી લખ્યું છે. આજની કાજોલના પપ્પા અને તનૂજાના ગોરધન. એની બરોબર પાછળ જોડાયેલા બિલ્ડિંગમાં ઉપર જૉય મુકર્જી અને નીચે દેબુ મુકર્જી રહે છે. એ પછી કમ્પાઉન્ડ સાથેની ખાલી જગ્યા પછી શશધર મુકર્જીનો અસલ બંગલો ‘ગ્રોટો-વિલા’ છે, જ્યાં સૌથી નાનો ભાઇ શુબિર મુકર્જી રહે છે. આ એ બંગલો છે, જ્યાં અશોક કુમાર, કિશોર કુમાર અને અનુપ કુમાર અવારનવાર આવતા-જતા રહે. 

‘‘અમે ત્રણે ભાઇઓ કસરતની પાછળ ગાંડા છીએ...’’ એવું શુબિર મને પહેલવાનો વાપરે છે, એવું લાકડાનું મોટું અને વજનદાર મગદળ ફેરવતા કહે છે. જૉય અને દેબુ પણ ઘરમાં નવરા પડે, એટલે કસરતો ચાલુ થઇ જાય.’’

અને એની વાતને સમર્થન મળે, ‘લવ ઈન ટોક્યો’ જોવાથી. એ વખતનો કોઇપણ સ્ટાર આજના ૠત્વિક રોશન કે સલમાનખાનો તો જાવા દિયો, ઍટ લીસ્ટ ધર્મેન્દ્ર જેવું મસ્ક્યુલસ બૉડી પણ ધરાવતા નહોતા. પણ જૉય મુકર્જી એની ફિલ્મ ‘શાગિર્દ’માં આઇ.એસ. જોહરને કહે છે, ‘‘...ઈશ્ટાઈલ સે ઉઠે કદમ, સીના જ્યાદા તો પેટ કમ’’ના ધોરણે એવું જ ફિઝિક ધરાવતો હતો. (આજે એનાથી તદ્દન ઊલ્ટું થઇ ગયું છે, આ વાત જુદી છે!) પણ પહોળા ખભા અને હાઇટ-બૉડીને કારણે એને કપડાં ખૂબ શોભતા. ‘લવ ઈન ટોક્યો’માં તો એણે ટી-શર્ટ (જર્સી), શૂટ-શર્ટ-પેન્ટ અને સ્વૅટરો પણ પહેર્યા છે. ખૂબ મજાનો હીરો હતો... થોડી ઍક્ટિંગ મામા-પ્યારે (અશોકકુમાર) પાસેથી શીખી લાવ્યો હોત, તો એ જમાનો એના નામ ઉપર લખાઇ જાત! 

કબુલ... આશા પારેખ આ ફિલ્મમાં એવી કોઇ રૂપપરી નથી લાગતી. જૉય સામે ઝાંખી પડે. એક તો એ જમાના પ્રમાણે જુવાન હીરોઇનો ય માથામાં અંબોડા ભરાવીને ફરે, એમાં અડધો કચરો થઇ જાય. કોઇ ખાસ હૅર-સ્ટાઇલ નહિ. વળી, આપણને આ ફિલ્મના દિગ્દર્શક ચક્કી દા (પ્રમોદ ચક્રવર્તી) માટે માન થાય કે, જાપાનની સડકો ઉપર આશા પારેખને સંપૂર્ણપણે ભારતીય સાડીમાં ફેરવી છે. (ચક્કી દા ગાયિકા ગીતા દત્તના બનેવી થતા હતા.) એમની આગળની ફિલ્મ ‘ઝીદ્દી’માં પણ આ જ સ્ટારકાસ્ટ રાખી હતી. એ ય આની માફક સુપરહિટ ગઇ હતી. બન્ને ફિલ્મોનું બીજું એક કૉમન અને મજબુત ફૅકટર, બન્ને ફિલ્મોનું ‘ક્યા બ્બાત હૈ’ બ્રાન્ડનું સુપરડુપર મ્યુઝિક. પેલામાં બર્મન દાદા હતા ને આમાં શંકર-જયકિશન. 

...ઓહ શંકર-જયકિશન. સાલું સાઉથની માફક આપણી હિંદી ફિલ્મોના કલાકારો કે ગાયક-સંગીતકારો માટે ભગવાન જેવા મંદિરો બનતા નથી. ભલે ના બન્યા. આ ફિલ્મ ‘લવ ઈન ટોકિયો’ના ગીતો સાંભળ્યા પછી, વાચકોએ પોતપોતાના વિસ્તારોમાં શંકર-જયકિશન અને મુહમ્મદ રફી, એ બન્ને મંદિરો બનાવવા માટે આજથી ફાળો ઉઘરાવવા માંડવો. ઉદઘાટન માટે કોઇ નહિ આવે, તો હું બેઠો છું... (કોઇ પંખો ચાલુ કરો...!)

શું ગીતો બન્યા છે આ ફિલ્મના અને રફી સાહેબે કેવા મઘુરા-મઘુરા ગાયા છે? બીજું બઘું જાવો દિયો.... જે રીતે, રફીએ ‘જાપા.......ન, લવ ઈન ટોક્યો......’ ખેંચ્યું છે, એમાં સાહેબના અવાજનો ‘થ્રો’ હૃદયને હલબલાવી નાંખે છે. આ ગીતમાં વધારે ઘ્યાન ખેંચે છે, શંકર-જયકિશનના બારમાસી ઍકૉર્ડિયન પ્લૅયર ગુડ્ડી સિરવાઇ, જેમનું ઍકૉર્ડિયન આખા ગીત ઉપર હાવી રહ્યું છે. બહુ ઓછાનું ઘ્યાન ગયું હશે કે, પેલા આઉટરાઇટ સૅક્સી ગીત, ‘આજા રે આ જરા આ, લહેરા કે આ જરા આ’માં એમણે અવાજના કંપનો પેદા કરીને ગીતને ફિલ્મી ભાષામાં જરા ચુલબુલુ બનાવી આપ્યું છે. આવી કંપન (tremolo) તલત મેહમુદના અવાજમાં પર્મેનૅન્ટ હતી, પણ એનાથી કરૂણા ઉપજે, સૅક્સ નહીં. યાદ કરો, ‘તેરે ભી દિલ મેં આગ લગી હૈ, મેરે ભી દિલ મેં આગ લગી હૈ..’ ગાતી વખતે રફીએ અવાજને ટૅબલ-ફૅનની સામે બેસીને ગાયું હોય, એવો ઘુ્રજારીપૂર્ણ બનાવ્યો છે. એની સાથે સાથે અતિ મઘૂરૂં ગીત, ‘ઓ મેરે શાહેખુબા, ઓ મેરી જાને જનાના’ સાદ્યંત રૉમેન્ટિક લાગે છે કે નહિ? (ના લાગતું હોય તો ના પાડવાની... સંબંધ નહિ બગાડવાના!) 

ઈવન, લતા મંગેશકરનું ‘સાયોનારા’ સાંભળો તો કન્વિન્સ તરત થઇ જશો કે, આ ગીત પૂરતો લતાએ ઘણો જુદો અવાજ કાઢી બતાવ્યો છે... જાપાની-ટચનો! 

બીજી બાજુથી જોવા જઇએ તો ‘લવ ઈન ટોક્યો’ને જમીન પર પડેલા કાગળને વાવાઝોડું કાચી સૅકન્ડમાં ઉપાડી જાય, એમ મેહમુદ-શોભા ખોટે અને ઘૂમલની રાબેતા મુજબની ત્રિપુટીએ આખી ફિલ્મ ઉપાડી નાંખી છે. મેહમુદ... બાય ઑલ મીન્સ, હિંદી ફિલ્મોનો આજ સુધીનો સૌથી વઘુ પરફૅક્ટ કૉમેડિયન હતો ને એમાં એના પર્મેનૅન્ટ સસુરજી તરીકે ઘૂમલ હોય, એટલે એને તો જોઇને ય ખડખડાટ હસવું આવે રાખે. પ્રાણ ભલે કહેવાય વિલન, પણ આવી ફિલ્મોમાં એના રોલ હોય કૉમેડી-મીશ્રિત. એ કાયમ ટૅન્શનમાં જ હોય. કાંઇક ને કાંઇક હાંધા-હલાડા કરતો રહે, એમાં આપણને તો હસવું આવે. અલબત્ત, એક ઍકટર તરીકે મૂલ્યાંકન કરવાનું આવે તો કમ-સે-કમ હજી સુધી એની બરોબરીનો કોઇ વિલન આવ્યો નથી. ખોટી વાત છે મારી? (જવાબ : ના. આપની વાત ખોટી હોઇ જ કેવી રીતે શકે! જવાબ પૂરો) 

ગુરૂદત્તની ની કાયમી કૅમેરામૅન વી.કે. મૂર્તિ પાસે ચક્કી દાએ આ ફિલ્મની ફોટોગ્રાફી કરાવી છે. સૉરી ટુ સે ધીસ... પણ આવો મોકો મળ્યા પછી જાપાનના બાહરી દ્રશ્યો તો જમાવટ સાથે-ડૉક્યુમૅન્ટરીની હૈસિયતથી ફિલ્માવવા જોઇએ. મોટે ભાગે થયું છે એવું કે, જાપાનના આઉટડૉર લોકેશન્સ વખતે કૅમેરા સ્પીડથી ફર્યો છે, એક હિરોશીમાના કાયમી મૉન્યૂમૅન્ટને બાદ કરતા અન્ય દ્રશ્યો ધરાઇને જોવાય એવી રીતે ફિલ્માયા નથી. રાજ કપુરે ફિલ્મ ‘સંગમ’માં પણ આ જ ભૂલ કરી હતી. કૅમેરા પરદેશ લઇ જતા હો, તો ફિલ્મની વાર્તાને લક્ષ્યમાં રાખીને, એની ફોટોગ્રાફી દસ્તાવેજી પણ બનવી જોઇએ, જેથી કદી પરદેશ નહિ ગયેલા દર્શકો માટે એ મોટી ઉપલબ્ધી બની જાય. 

રાજ કપુરની વાત નીકળી, એટલે યાદ આવ્યું કે, આ ફિલ્મના ટાઇટલ્સમાં પહેલો આભાર રાજ કપૂરનો માનવામાં આવ્યો છે કે, મેહમુદ પાસે રાજની ફિલ્મ ‘સંગમ’નું ‘બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ’ ગીત ઑડિયો પૂરતું વાપરવા દીઘું છે. અહીં મેહમુદે રાજ કપૂરની સાથે સાથે દિલીપકુમારની પણ મિમિક્રી કરી છે. 

વાર્તા તો બેઠી ઈંગ્લિશમાં પેલું શું કહે છે... હા, run-of-the-mill જેવી જ છે. ધનવાન ગાયત્રીદેવી (લલિતા પવાર)નો મોટો પુત્ર જાપાનમાં એમની મરજી વિરૂદ્ધ જાપાની છોકરીને પરણ્યા પછી, એક બાળક આપીને ગૂજરી જાય છે. લલિતાબાઇ જાપાનીઝ વહુ કે એના પોરીયાને સ્વીકારવા તૈયાર નથી, પણ એક દિવસ વહુ પણ ગૂજરી જાય છે, પોરીયાને જાપાનમાં નોંધારો મૂકીને. એટલે અમદાવાદની મૉમ ડ્રાયવરને સ્કૂલે મોકલીને બન્ટીને તેડવા મોકલે, એમ લલીતાબાઇ એમના નાના પુત્ર અશોક (જૉય મુકર્જી)ને જાપાન મોકલે છે. ત્યાં આશા (આશા પારેખ) નામની યુવતીના પ્રેમમાં પડી જાય છે. આશાના ઓરમાન કાકા (મદન પુરી) જબરદસ્તી એને પ્રાણ સાથે પરણાવી દેવા માંગતા હોય છે, જે આશાને ગમતો નથી, એટલે ઘર છોડીને ભાગી જાય છે. પછી તો બાળકનું અપહરણ, ધોખાઝડી, કરૂણ ગીત અને છેલ્લે મારામારીના રાબેતા મુજબના પૂરા ૧૮ અઘ્યાયો પછી અચ્યુતમ્‌ કેશવમ્‌ થાય છે. 

ઈન ફૅક્ટ, ‘લવ ઈન ટોકિયો’ ૧૯૬૪ની ઑલિમ્પિક્સ પછી તરત બની હતી. ભારતીય કૅમેરા પહેલી વાર જાપાન ગયો હતો. શુબિર કહેતો હતો, રાજ કપૂરના ચાહકો રશિયામાં છે, તેમ જૉય મુકર્જીના અસંખ્ય ચાહકો આ ફિલ્મના કારણે જાપાનમાં આજે પણ છે. થોડા વર્ષો પહેલાં જૉય ફરી એક વાર જાપાન ગયો, તો નવાઇ લાગી હતી કે, એના ચાહકો હજી એને ભૂલ્યા નથી... આપણે પણ ભૂલી જઇએ એવી આ નબળી ફિલ્મ નથી. જુઓ તો ગમે એવી છે.

1 comment:

Unknown said...

નમસ્કાર અસોક સર
આપને હું ૧૯૯૩ થી વાંચું છું આપ બધી બાબતો માં મજાક કરો છો પણ ફિલ્મી વાતો સીરીયસલી લાખોછો આજે આપનો બ્લોગ મળી ગયો ખુબ આનંદ થયો!!!!