Search This Blog

18/09/2011

ઍનકાઉન્ટર : 18-09-2011

* આપના નામનો ખાસ કોઈ અર્થ ખરો?
- સિર્ફ નામ હી કાફી હૈ...!
(કૃતાર્થ ત્રિવેદી, રાજકોટ)

* શું દેશમાં હવે દૂધ-ઘીની નદીઓ વહેતી-વાળો જમાનો પાછો નહિ આવે?
- દૂધ-ઘીના ખાબોચીયાથી કામ ચલાવી લો.
(ડૉ. પિયુષ શુક્લ, વડોદરા)

* નારી તું નારાયણી, તો નર...?
- બનતા સુધી તો નર એ નર જ રહે, એમાં ફાયદો છે.
(હરીશ મણીયાર, જેતપુર)

* ‘દીકરી ચાલી સાસરીયે’, તો દીકરો ક્યાં જાય?
- દીકરામાં થોડી ય અક્કલ હોય તો સસરો અબજોપતિ જ ગોતાય... બીજે ક્યાંય ડાફરીયા મારવાની જરૂર તો નહિ! ...આ અમને જુઓ... આજ સુધી લચ્છા મારીએ છીએ !
(વૈભવ અંધારીયા, ભાવનગર)

* ‘જીન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ...?’
- ‘લૉસ્ટ પ્રોપર્ટી વિભાગ’માં તપાસ કરો.
(દેવેન્દ્ર શાહ, વડોદરા)

* ‘ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ-બહેનો છે’, એ સૂત્ર અગાઉનું હતું. આજનું કયું?
- ‘ભારત’ શબ્દ છેકી નાંખી, એની જગ્યાએ તમે જે જ્ઞાતિ કે ધર્મના હો, એ મૂકી દો. સૂત્ર એનું એ જ છે.
(મુગ્ધા અમિતા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* અમેરિકા પાકિસ્તાનને હજી આંતકવાદી દેશ કેમ જાહેર કરતો નથી?
- ભારતે ય ક્યાં કરે છે?
(તખુભા સોઢા, વડાલા-મુંદ્રા, કચ્છ)

* તમને ભૂત-પ્રેતનો કદી ભેટો થયો છે?
- ના. હું ગાંધીનગર જતો નથી.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* કન્યાઓ લગ્નના ફેરા પણ જીન્સ અને ટૉપ પહેરીને કરતી ક્યારે થશે?
- હું દવે છું, દરજી નથી.
(એન.એમ. ઠક્કર, જામનગર)

* તમારા મતે ભારતમાં ભ્રષ્ટાચાર ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે?
- મારા ઘરથી મારા ઘર સુધી.
(સોહમ બી. દવે, અમદાવાદ)

* અશોકજી, અન્ય સંતોની જેમ આપ પણ આપનું પ્રવચન ‘આસ્થા’ કે ‘સંસ્કાર’ ચૅનલ પરથી કેમ નથી આપતા? 
- મારા એવા સંસ્કાર જ નથી. હું તો બહુ આડો માણસ છું.
(વિધી પી. ત્રિવેદી, સાવરકુંડલા)

* પહેલાના જમાનામાં સાઘુસંતો બધે પગપાળા જતા. હવે ફ્‌લાઈટ ને ફોર-વ્હિલર્સ સિવાય ફરતા નથી. શું કારણ?
- પગપાળા જવાનો એમને કોઇ ખર્ચો આવતો નહોતો... અને આજે ય ‘એમને’ કોઇ ખર્ચો આવતો નથી!
(અલ્કેશ સેફેડ, જૂનાગઢ)

* તમને આટલા બધા પત્રો આવે છે... ભેગી થયેલી ટપાલોનું શું કરો છો?
- મહેલ બનાવવાનો ટ્રાય કરી રહ્યો છું...!
(ખુશાલ ડી. ચંદે, જૂનાગઢ)

* મનમોહનસિંઘ સોનિયા ગાંધીનું પૂંછડુ ક્યારે છોડશે?
- ના છોડાય... એ એક છોડે, એમાં બીજાં અનેક લબડી પડે એમ છે...!
(દર્શના વી. વાળંદ, વડોદરા)

* ‘ઍનકાઉન્ટર’ પહેલાં ઊભું છપાતું હતું...  હવે આડું કેમ?
- હવે હું સીધો થઈ ગયો છું.
(દર્શના મુંજપરા, લીંબડી)

* મુરખાઓ સ્માર્ટ દેખાવવાની કોશિષ કેમ કરે છે?
- એ લોકો સ્માર્ટ છે માટે.
(વિશ્વા નાણાવટી, રાજકોટ)

* રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે, એવી હવા કોંગી કાર્યકરો કેમ ઉડાવે છે?
- ભાજપના કાર્યકરોને આવી અફવા ઉડાડતા ન ફાવે એટલે...! એ બધાની બાઓ ખીજાય!
(સિદ્દીક ઈકબાલ પટેલ, અમદાવાદ)

* જમાનો ઇન્ટરનૅટનો હોવા છતાં ‘ઍનકાઉન્ટર’ના સવાલો પોસ્ટકાર્ડ પર પૂછાવવાનો આગ્રહ કેમ?
- જવાબો ઈન્ટરનૅટ પર નથી આપવાના.
(શીતલ મિસ્ત્રી, ભરૂચ)

* બહુ ફિલ્મો અને ટીવી જોવાથી બાળકો બગડી જાય છે, તો નહિ જોનારા બાળકો સુધરી જાય છે?
- તમે જોતા લાગતા નથી.
(વંદિત નાણાવટી, રાજકોટ)

* વઘુ સલામત શું? પત્નીનો પ્રેમ કે પ્રેમિકાનો પ્રેમ?
- આ જવાબ તમારે નોકરીના અરજી ફૉર્મમાં આપવાનો હોય તો બેધડક લખી નાંખો, ‘‘લાગુ પડતું નથી.’’
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

* અમારા ‘દાદા’ અમારા જમાનામાં તો આમ હતું ને તેમ હતું...’ કહેતા... હવે અમારે અમારા છોકરાઓને શું કહેવું?
- એ જ કે, ‘‘અમારા દાદાના જમાનામાં તો આમ હતું ને તેમ હતું...’’
(હિતાર્થ કાનાબાર, અમદાવાદ)

* કેરી દેખાવે પાકી લાગે અને અંદરથી કાપીએ તો કાચી લાગે એ કેરી કેવી કહેવાય?
- સોનિયાજી જેવી.
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

* અમારા ગીરમાં સિંહ અને દીપડાં ખૂબ વધી ગયા છે. શું કરવું?
- હાલમાં મારી પાસે એકેય સિંહણ કે દીપડી સ્ટૉકમાં નથી.
(પ્રફૂલ હરિયાણી, ઉમરેડી-ગીર)

* લોકપાલ બિલથી સરકાર કેમ ડરે છે?
- એ તો તમે માનો છો કે ડરે છે...! નફ્‌ફટો કોઇથી ડરે?
(ભૂપત આર. પરીખ, અમદાવાદ)

* ગાંધીજી એમના પત્નીને ‘બા’ કેમ કહેતા હતા?
- મને લાગે છે કે, હાલમાં તમે હિમ્મત એકઠી કરી રહ્યા છો...!
(દિલીપ જે. ધંઘૂકીયા, અમદાવાદ)

* અશોક દવે પણ જોડણીની ભૂલ કેમ કરે છે? ડૉ. મનમોહન ‘સિંઘ’ને બદલે ‘સિંહ’ કેમ લખો છો? ‘સિંહ’નું એકે ય લક્ષણ એમનામાં દેખાય છે?
- એક જ લક્ષણ દેખાય છે... બોખા સિંહનું.
(ડૉ. રતિલાલ પટેલ, વડોદરા)

* અફઝલ ગુરૂ કે કસાબને પતાવવા તમારૂં ‘ઍનકાઉન્ટર’ કામમાં લાગે એમ નથી?
- મને પાછળથી ગોળી વાગવાની બીક છે...!
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

No comments: