Search This Blog

14/09/2011

....ઔર ચાબી ખો જાય

કોઈકે ‘એનકાઉન્ટર’માં મને સવાલ પૂછ્‌યો હતો કે, ‘તમે જિંદગીમાં એકની એક કઈ ભૂલ વારંવાર કરો છો ?’ મેં કીઘું ‘ગાડીમાં ચાવી ભૂલી જવાની !’

યસ. ચાવી અંદર, હું બહાર ને ગાડી લૉક ! ડૂપ્લિકૅટ ચાવી તો ઘેર પડી હોય. પણ એ વખતે તો જ્યાં જ્યાં હોઈએ ત્યાં ભરાઈ જઈએ ને ? ગાડી ઘેર મૂકીને ડુપ્લિકેટ ચાવી લઈને બહાર નીકળી ગયો હોઉં, એવું ઘણીવાર મારાથી થઈ જાય છે. મને ઓળખતા લોકોને મારા મગજ ઉપર ખાસ કોઈ ભરોસો નથી હોતો. સિનેમા જોવા ગયા ત્યારે ઇન્ટરવલમાં અડધી પૉપકૉર્ન હકીને બદલે આ બાજુ કોક બેઠેલીને ખવડાઈ દીધી, એ પછી તો હકીને ય મારા મગજ ઉપર વિશ્વાસ રહ્યો નથી...! (એ વાત જુદી છે કે, પૉપકૉર્નવાળીનો મારા ઉપરનો વિશ્વાસ બહુ વધી ગયો છે... કોઈ પંખો ચાલુ કરો !)

ધોમધખતા વરસાદમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે ગાડી પાર્ક કરીને હું બહાર નીકળું છું. તરત યાદ આવ્યું કે ચાવી અંદર રહી ગઈ. હૃદય એક ધબકારો ચૂકી ગયું. બે-ત્રણ વધારે ચૂક્યું હોત તો હકીને ધોળા હાડલાનો ખોટો ખર્ચો થાત. પણ ચાવી મહીં રહી ગયા પછી આપણે શું કરવાનું હોય છે, તેની મને જાણ ન હોવાથી, દરવાજાના લૉક ઉપર મેં આંગળી ફેરવી જોઈ કદાચ ખૂલે. પાછો ટટ્ટાર થઈને આજુબાજુ રોડ ઉપર જોવા માંડ્યો. ફરી કંઈ ન સૂઝ્‌યું એટલે હેન્ડલ પકડી દરવાજો ખેંચી જોયો. ન ખૂલ્યો પાછો ટટ્ટાર થઈને ટ્રાફિક જોવા માંડ્યો. મેળામાં નાનું બાળક બાયોસ્કોપ જોતું હોય એમ, બારીના કાચ પર મોંઢુ ચીપકાવી, આંખ ઉપર હથેળીનું નેજવું કરીને અંદર લટકતી ચાવી જોઈ લીધી. એ ત્યાં જ હતી. હું ગભરાવા માંડ્યો કે, ‘હવે શું થશે !’, ‘હવે કંઈ નહિ થાય’, એવો હું જ મને જવાબ આપતો હતો, એ મને નહોતું ગમતું (આ આપણી એક સ્ટાઇલ છે.. મને ઉદભવતા ૯૮,૦૦૦ સવાલોના જવાબો મને આવડતા હોય ! સવાલ ઉભો કરીને જવાબ બી જાતે આપી દેવાની આપણી એક સ્ટાઇલ છે...!) ગાડીની ફરતે ગોળ આંટો મારીને ચારેચાર દરવાજા ખેંચી જોયા, કોઈ સહકાર નહીં.

બીજી હકીકત એ પણ હતી કે, પર્સનાલિટીમાં હું કોઈ કાળે ગાડીના માલિક જેવો તો લાગતો નથી. ગાડી ચલાવતી વખતે હું સહેજ પણ શોભતો નથી. હકી સાથે ગાડીમાં નીકળ્યો હોઉં, ત્યારે કેટલાક આંખ મારીને એકબીજાને કહે છે પણ ખરા કે, ‘શેઠ ઘેર ને ડ્રાયવરને લીલાલહેર’... હઓ !!) હું દરવાજાનું હૅન્ડલ મચડ- મચડ કરતો હતો, ત્યાં મારી ગાડીનો ય માલિક લાગે એવી પર્સનાલિટીનો એક યુવાન મારી પાસે આવ્યો, ‘‘આ પતે એટલે સામે મારી ગાડીનું વ્હિલ બદલવાનું છે... આવી જજે. દસ રૂપિયા આપીશ... હું સામે ઉભો છું...!’’ 

એ તો હું સહન કરી લેત, પણ સામે પહોંચ્યા પછી એણે મને ‘છીછ... છીછ... છીછ.. છીછ...’ના ઇશારા કર્યા, એમાં તો સાલી ઘરાકી વધવા માંડી. આમ મને પબ્લિસિટીનો કોઈ શોખ નહિ, છતાં ઘરાકો એમને એમ આવવા માંડ્યા. વરસાદમાં ભલભલાની ગાડીઓ કે સ્કૂટરો બંધ પડી જતા હોય છે. એવો હું દેખાત હોઉં, એની ના નથી પણ એક વડિલે તો મને, ‘‘અરે અબ્દુલ.. જરા મેરી ગાડી કો ધક્કા મારને આ જાઓ !’’

હું થડકી ગયો. (આવું થડકી જવું મારી કોઈ હૉબી- બૉબી નથી, પણ મારે થડકી જવાનું બને છે બહુ ! ૩૬ વર્ષ પહેલા હકીએ મને હા પાડી હતી, ત્યારથી થડકવાનું ફાવી ગયું છે. મને કેમ હા પાડી હશે, એનો આઘાત લાગે તો ખરો ને ?... આ તો એક વાત થાય છે !)

વડીલની ઑફર સાંભળીને મેં હાથ ફેલાવી આશ્ચર્ય વ્યક્ત કર્યું, એમાં કોક મારા હાથમાં રૂપિયાનો સિક્કો મૂકી ગયું. મને મારી ભૂલ સમજાઈ. પર્યુષણના દિવસો ચાલતા હોય ત્યારે રસ્તા ઉપર કદી હાથ ફેલાવીને ઉભા ન રહેવાય...!

ઘટનાસ્થળ છોડવું જરૂરી લાગ્યું. મારા માટે આવી ઘટનાઓ રોજની છે, એટલે મારા ફૂલટાઇમ સંકટમોચન સુપુત્રને મોબાઇલ પર ફોન કર્યો કે, ‘‘ગાડીની ચાવી અંદર રહી ગઈ છે... શું કરવું ?’’

ચોંકી એ ગયો. ‘‘વૉટ પાપા...? આજે તો તમે ગાડી લઈ જ ગયા નથી... ઓહ માય ગોડ નીચેવાળા ક્યારના બૂમો પાડે છે કે એમની ગાડી આપણા પાર્કિંગમાંથી કોક ગઠિયો ઉઠાવી ગયો છે... જરા ગાડીનો નંબર જોઈ લો તો...!’’

સાલો ફરી પાછો નવો લોચો મારીને હું આવ્યો હતો બન્ને ગાડીઓ સરખી હોવાના કારણે અમારા નીચેના ફ્‌લેટવાળાની ગાડી હું લઈ ગયો હતો... ત્યારે મને થયું કે આજે ગાડી આટલી સરસ કેમ ચાલે છે ?

‘‘બોસ, શું પ્રોબ્લેમ છે ?’’ કાળમીંઢ ખડક જેવો એક આકાર મારી પાસે આવ્યો અને પૂછ્‌યા પછી મને મારવાનો હોય, એવા કડક અવાજમાં પૂછ્‌યું. મેં કીઘું, ‘‘ગાડી લૉક થઈ ગઈ છે... ચાવી અંદર રહી ગઈ છે...!’’ 

‘‘તીન સો રૂપિયા લગેગા...’’ સાલો આટલો ભાવ તો હું પોતે વેચાવા ઉભો રહું તો ય કોઈ ન આલે. આ મને શું સમજતો હશે ? 

‘‘નીચેવાલેને યે ગાડી ઢાઇસો રૂપિયે મેં ખરીદી થી...’’ મારા આવા નફ્‌ફટ જવાબથી એ ખિજાયો અને જતો રહ્યો. 

ઘરની ચાવી ઘરમાં રહી ગઈ હોય ને હું બહાર હોઉં, એવા કિસ્સાઓનો મને બહોળો અનુભવ હોવાથી, મને ખબર છે, એ વખતે શું કરવાનું ! એ વખતે એવું કરવાનું હોય છે કે, બાજુવાળાને ફ્‌લેટની બહારની સીમેન્ટની પાઇપો પકડાવી બાલ્કની માર્ગે ઘરમાં જવાનું કહેવાનું. આપણે જાતે જઈએ તો, ચોથા માળેથી ઠેઠ ભમ્મ થઈ જઈએ. જીવનમાં ખોટા રિસ્કો લેવાનું હું માનતો નથી.

પણ ગાડીમાં બાલ્કનીઓ હોતી નથી એટલે અંદર કોઈને મોકલાય બી નહિ. મેં બારીના કાચમાં જોઈ લીઘું કે, કોઈ પણ એન્ગલથી હું અન્ના હજારે જેવો લાગતો ન હોવાથી સ્વસ્તિક ચારરસ્તાની ફૂટપાથ પર બેસી, જ્યાં સુધી દરવાજો નહિ ખૂલે ત્યાં સુધી ઉપવાસ ખેંચી નાખવાનો કોઈ અર્થ નહોતો. વળી અમદાવાદમાં તો કેવું છે કે, ગાડીમાં વાઇફો સાથે બેઠી હોય તો જ વટેમાર્ગુઓ મદદ કરવા સામેથી આવી પહોંચે. એમાં ય પાછું, વાઇફ યુવાન અને આકર્ષક હોવી જોઈએ. ઝંડા જેવા આપણે એકલા ઉભા હોઈએ તો કોઈ વાવટો ફરકાવવા ય આવતું નથી. ઓળખીતાઓ તો રસ્તો બદલીને જતા રહે. પત્ની સાથે હોય તો દેશ-વિદેશના રાજકુમારો ગાડી રીપેર કરી આપવા આવી જાય. પત્ની સાથે હતી નહિ ને અહીં આપણને તો એવું કોઈ ઓળખે ય નહિ કે, કોઈ મહિલાને રીક્વેસ્ટ કરીએ કે, ‘‘જરી દસેક મિનિટ મારી બાજુમાં ઉભા રહેશો.. if you have no mind” ... ?’’

દ્રૌપદીના પ્રભુએ ચીર પૂર્યા હતા, એમ ઐન મોકે પર પ્રતાપી પુત્ર પુરતા શસ્ત્ર- સરંજામ સાથે આવી પહોંચ્યો. નવા કોઈ આઘુનિક શસ્ત્રો નહોતા એની પાસે... એક એલ્યુમિનિયમની ફૂટપટ્ટી કાફી હતી, જે તેણે બારીના કાચ પાસેથી સીધી સરકાવી... હૅન્ડલ સુધી ઉતારી ને લૉક ખોલી નાખ્યું. એ કહે છે, ‘‘પાપા, રોજેરોજ મારે ફૂટપટ્ટી લઈને દોડવું પડે છે, એના કરતા સાયકલ વાપરો ને...!’’

...ને તે દિવસે, મારી સાયકલ સીજી રોડ પર લૉક કરીને મૂકી... and you know, what....! 

સિક્સર 
મેં મારા પુત્રને કહી રાખ્યું છે. તમારા પૂજાના કબાટમાં મહાત્મા ગાંધી કે ઇવન મારો ફોટો ય નહિ રાખો તો ચાલશે ... પણ શરદ પવારજી, એ. રાજા, કનિમોઝીના ફોટા ભૂલ્યાં વગર રાખજો... અબજો રૂપિયા કમાઇશ અને તારો તો ભગવાને ય વાળ વાંકો નહિ કરી શકે!

No comments: