Search This Blog

04/09/2011

ઍનકાઉન્ટર : 04-09-2011

* તુઝ મેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યાં કરૂં?
- રાધે રાધે રાધે...!
(જયપાલસિંહ વાળા, મહુવા)

* લાઇફમાં તમે કયું મોટું પરાક્રમ કરવા ઈચ્છો છો?
- બહાર કાઢેલી ટુથપૅસ્ટ પાછી મહીં નાંખવી છે.
(ચંદ્રકાંત જાની, જામનગર)

* હિંદી ફિલ્મોની કામવાળીઓ આટલી સુંદર કેમ હોય છે?
- એ લોકો ‘‘કામ’’વાળીઓ હોય છે, માટે.
(હિમાંક નાણાવટી, રાજકોટ)

* પ્રભુને પ્રસન્ન કરવાની આદર્શ રીત કઇ?
- એને નવરો પડવા દો.
(મોના જગદિશ સોતા, મુંબઇ)

* હાસ્ય ઘણીવાર એ વખતે ન સમજાય ને બહુ પછી સમજાય, એવું તમારી સાથે બન્યું છે?
- મેં આપેલા જવાબોમાં મને કદી સમજણ પડતી નથી.
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

* રૂા. ૧૦૦૦/-ની ફાટેલી નોટ પધરાવવાનો ઉપાય બતાવશો?
- ફાટેલી નોટો પધરાવવાનો ઉપાય બતાવવાનો આપણે ચાર્જ રૂા. ૨,૦૦૦/- છે. (સ્થાનિક કરવેરા અલગ) આપ આસાનીથી એ નોટ મને પધરાવી શકો છો.
(યોગેશ કૃ. દલાલ)

* બાબા રામદેવ ક્યાં ગૂમ થઇ ગયા?
- છેલ્લે છેલ્લે તો કોઇએ એમને મહિલાનો ડ્રેસ પહેરીને ફરતા જોયા હતા... પછીની ખબર નથી.
(વાય.જે. ચાવડા)

* પ્રામાણિક માણસની હાંસી કેમ ઉડાવાય છે?
- તો ય તમે મને જ સવાલ પૂછ્‌યો ને?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* હિમાલય આરોહણ અઘરૂં કે જીવનસાથી શોધવો તે?
- ત્યાં ઉપર પહોંચીને જીવનસાથી શોધવા ન બેસાય... એની ય બા ખીજાય.
(અજય પંચાસરા, રાજકોટ)

* લોખંડી પુરૂષ ફરી ક્યારે પેદા થશે?
- મારે તો સરકારી ધારાધોરણો અનુસાર બે બાળકો થઇ ગયા છે. સ્વાવલંબી બનો.
(નવનીત ડી. શાહ, વડોદરા)

* તમે ટિ્‌વટર કે ફૅસબુક પર કેમ આવતા નથી? અમારે તમારી સાથે વાતો કરવી હોય તો...!
- મેં દોરેલી ‘અશોકરેખા’ની અંદર હું સલામત રહી શકું માટે.
(શિલ્પા જે. દવે, અમદાવાદ)

* આપ મારા સવાલો કેમ ઉડાવી દો છો?
- આવી અન્ય બીજી કોઇ કૉલમમાં નામ ચમકાવવાની ધગશ હોય, તો ‘ઍનકાઉન્ટર’માં પ્રવેશ ન મળે.
(?...... સુરત)

* વર્ધા આશ્રમમાં પૂજ્ય બાપૂના ચશ્મા કોણ ચોરી ગયું હશે?
- મોટે ભાગે એ કોઇ ચોર હોવો જોઇએ.
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

* શું ભગવાન શ્રીકૃષ્ણ દેશવાસીઓને આપેલું વચન ભૂલી ગયા છે?
- ભગવાનને કૌચાપાક ધરાવો.
(અશોક એમ. ઠાકર, નડિયાદ)

* અશોકજી, આપના બા ક્યાં સુધી ખીજા-ખીજા કરવાના છે?
- છોકરો સુધરે નહિ ત્યાં સુધી.
(રીટા મોદી, અમદાવાદ)

* માનવીના કુકર્મો માટે જવાબદાર પરિબળો કયા?
- લખી લો. એકથી સો.
(દામોદર નાગર, ઉમરેઠ)

* દેશની સમસ્યાઓનો કોઇ ઉકેલ?
- તમે દેશનું નામ લખ્યું નથી.
(હિરલ જી. વાઘેલા, અમદાવાદ)

* પતિ અને પટાવાળા વચ્ચે શું ફેર?
- દિવસ-રાતનો.
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* સાનિયા મિર્ઝાને આખા વિશ્વમાં બીજો કોઇ ખાનદાની માણસ જ ન મળ્યો કે પાકિસ્તાની બીજવર પસંદ કરવો પડ્યો?
- આમાં મારે એ બેમાંથી મદદ કોને કરવાની છે, તે કહેજો.
(ઈલયાસ એ. પટેલ, સંતરામપુર)

* સ્ત્રીભ્રૂણહત્યા વિશે આપનું શું કહેવું છે?
- જીવનભર હું કાચબા, અજગર કે વાંદરાઓને સમજી શક્યો છું... આજ સુધી એકપણ સ્ત્રીને સમજી શક્યો નથી. (હા, રહી ગયું, હું ૩-૪ મંકોડાઓને પણ સમજી શક્યો હતો!)
(હિતેશ એસ. દેસાઇ, તલીયારા)

* દેશભરમાં લૂંગી પહેરીને ફરતા ગૃહપ્રધાન ચિદામ્બરમ પરદેશ જાય ત્યારે શેના કોટ-પાટલૂન ઠઠાડીને ફરે છે?
- એ તો ત્યાં ય કોક આપનારૂં મળી રહે...!
(ડૉ. વી.પી. કાચા, અમદાવાદ)

* બરફ પિગળે પછી એમાં એનો સફેદ રંગ ક્યાં જાય છે?
- બૅબીબેન... સ્કૂલનું હૉમવર્ક પપ્પા પાસે કરાવવાનું... ઓકે?
(ગીતા રામોલીયા, હરીયાસણ)

* પ્રણવ મુકર્જી કહે છે, કાળા નાણાં અંગે સરકાર પાસે છુપાવવા જેવું કશું નથી. તો સરકાર પાસે જાહેર કરવા જેવું શું છે?
- એનું કપાળ.
(ડૉ. કમલેશ મોઢા, મુંબઇ)

* પ્રેમીઓને પંખીડા કેમ કે છે? પશુડા કેમ નહિ?
- એકવાર મોર-ઢેલને બદલે ભેંસ અને પાડાને પ્રેમ કરતા જરી ધારી લો...!
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* આજકાલ મળતા ઈલેકટ્રોનિક સાધનો (મોબાઇલ, ટીવી વગેરે) તકલાદી આવે છે. શું કરવું?
- અગરબત્તી.
(મઘુરી ઈશ્વરલાલ લાકડાવાલા, સુરત)

* ફિલ્મ ‘શોલે’માં સૌથી કરૂણ દ્રશ્ય કયું હતું?
- તમારી બહેન હૅલન ડાન્સ કરીને જતી રહે છે એ.
(સલીમ ઍન્ડ જાવેદ, નડીયાદ)

No comments: