Search This Blog

23/09/2011

‘ગાઈડ’ (’૬૫)

ફિલ્મ ‘ગાઈડ’ (’૬૫)
નિર્માતા : દેવ આનંદ (નવકેતન ઇન્ટરનેશનલ)
દિગ્દર્શક : વિજય આનંદ
સંગીત : સચિનદેવ બર્મન
રનિંગ ટાઈમ : ૨૨-રીલ્સ : ૧૮૩ મિનિટ્‌સ,
થિયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, વહિદા રહેમાન, કિશોર સાહુ, લીલા ચીટણીસ, કૃષ્ણ ધવન, ગજાનન જાગીરદાર, મૃદુલા, નર્મદા શંકર, રામ અવતાર, અનવર હુસેન, રશિદ ખાન, ઉલ્હાસ, દિલીપ દત્ત અને પરવિણ પૉલ

ગીતો
૧ વહાં કૌન હે તૈરા, મુસાફિર જાયેગા કહાં..... સચિનદેવ બર્મન
૨ કાંટો સે ખીંચ કે યે આંચલ, તોડ કે બંધન..... લતા મંગેશકર
૩ ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ..... લતા-કિશોર
૪ દિન ઢલ જાયે હાય, રાત ન જાયે..... મુહમ્મદ રફી
૫ તેરે મેરે સપને, અબ એક રંગ હૈ..... મુહમ્મદ રફી
૬ પિયા તોસે નૈના લાગે રે, નૈના લાગે રે..... લતા મંગેશકર
૭ મોસે છલ કિયે જાય, હાય રે હાય, સૈંયા બેઈમાન..... લતા મંગેશકર 
૮ કયા સે ક્યા હો ગયા, બેવફા તેરે પ્યાર મેં..... મુહમ્મદ રફી
૯ અલ્લાહ મેઘ દે પાની દે, છાયા દે રે..... સચિનદેવ બર્મન
૧૦ હે રામ, હે રામ હમારે રામચંદ્ર હે રામ..... મન્ના ડે

એ તો એવું થયેલું કે, અમેરિકાના ફિલ્મ ડાયરેક્ટર ટૅડ ડૅનિયલુસ્કી અને પ્રસિદ્ધ લેખિકા પર્લ બકે દેવ આનંદને એક ભારતીય લેખકની નૉવેલ પરથી હૉલીવૂડમાં બનનારી ઇંગ્લિશ ફિલ્મમાં કામ કરવા માટે ઑફર કરી. કારણ ગમે તે હોઈ શકે, દેવ આનંદે ના પાડી દીધી. પછી ઠેઠ ૧૯૬૨-ના બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ટૅડ, પર્લ અને દેવ મળ્યા, ફરી પેલી ઑફર દોહરાવાઈ ને એમાં કોકે સૂચન કર્યું કે, ‘તમે એકવાર વાર્તા વાંચી જાઓ.’ દેવ આનંદે ત્યાંના જ કોક બૂકસ્ટોરમાંથી આર. કે. નારાયણ લિખિત ‘ધી ગાઈડ’ ખરીદી લીધી, એકી બેઠકે વાંચી પણ ગયો અને તરત જ પોતે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો. આર.કે.નારાયણે તો પોતાના પુસ્તકના તમામ હક્કો પેલા ધોળીયાઓને વેચી દીધા હતા, એટલે દેવ આનંદે અમેરિકા પર્લ બકને પત્ર લખી પોતાની મનસા જણાવી. પર્લે દેવને તરત જ અમેરિકા આવી જવાનું આમંત્રણ આપ્યું. દેવ પહોંચી ગયો, નક્કી એવું થયું કે, આ ફિલ્મ ઇન્ડો-અમેરિકન સહયોગથી બન્ને ભાષામાં બનશે અને બન્નેનું શૂટિંગ એક સાથે થશે. મતલબ... ફિલ્મના એક દ્રશ્યનું હિંદીમાં શૂટિંગ કરીને તરત એ જ દ્રશ્ય ઇંગ્લિશમાં શૂટ કરવું. બીજા કોઈને તો ઇંગ્લિશ બોલવામાં વાધો નહોતો, પ્રોબ્લેમ થોડો વહિદા રહેમાનના ઇંગ્લિશ ઉચ્ચારો (diction) પૂરતો હતો, તો એ તો ખુદ પર્લ બકે વહિદાને શીખવવાની જવાબદારી લઈ લીધી. ભારત પરત આવીને દેવ આનંદ લેખકશ્રીને પણ મળી આવ્યો અને આર.કે.નારાયણની સંમતિ પણ લઈ લીધી. 

પણ કૂતરું ક્યાંક વચમાં આવી ગયું અને બન્ને ભાષાના એક સાથે શૂટિંગ દરમિયાન બન્ને પ્રોડક્શન-ટીમો વચ્ચે વાંધા પડવા માંડ્યા, એટલે કંટાળીને દેવ આનંદે હિંદી ‘ગાઈડ’નું શૂટિંગ મોકૂફ રાખ્યું. આ આખી વાતમાં ફાયદો દેવના બીજા બે ભાઈઓને થઈ ગયો. હિંદી ‘ગાઈડ’નું દિગ્દર્શન તો ચેતન આનંદ કરવાના હતા. આ ધમાલ થઈ એમાં દેવે ચેતનને પોતાની ફિલ્મના કૉન્ટ્રાક્ટમાંથી મુક્ત કર્યા, એટલે ચેતન આનંદ મુક્તપણે એમની પોતાની ફિલ્મ ‘હકીકત’ શરૂ કરી શક્યા. (નહિ તો ‘ગાઈડ પૂરી ન થાય, ત્યાં સુધી ‘હકીકત’ શરૂ ન થાય, એવો કરાર હતો.) ચેતનના ખસી જવાથી દિગ્દર્શન ‘ગોલ્ડી’ ઉર્ફે વિજય આનંદને સોંપાયું, એમાં એની તો લાઈફ-ટાઈમ કેરિયર બની ગઈ ! 

‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના વર્લ્ડ-ક્લાસ કાર્ટુનિસ્ટ આર.કે.લક્ષ્મણના મોટા ભાઈ આર.કે.નારાયણની મૂળ ઇંગ્લિશ નવલકથાનો ‘ગાઈડ’માં અંત જુદો હતો, જેમાં રાજુ ગાઈડના મૃત્યુ કે સ્વામીજી (દેવ આનંદ)ના ૧૨-દિવસના ઉપવાસ પછી વરસાદ આવતા દુકાળનો અંત આવે છે, એવા કોઈ ઉલ્લેખો નથી. ફિલ્મી અંત વિજય આનંદનો કરતબ છે, જેને માટે લેખકશ્રીને બહુ મોટો વાંધો પડ્યો હતો, જેઓ પોતાની વાર્તાના ‘પ્લોટ’માંથી તસુભાર જમીનનો ટુકડો પણ આપવા માંગતા નહોતા. મોટે ભાગે તો આ દુઃખાવાનું કદી સમાધાન થયું નહોતું. 

‘ગાઈડ’નો પ્લોટ શું હતો ? ઉદયપુરના રેલવે સ્ટેશને દેશ-પરદેશથી આવતા પ્રવાસીઓને ઉદયપુર બતાવવાની ગાઈડગીરી કરતો રાજુ એક તુંડમિજાજી પણ પૈસાપાત્ર આર્કિયોલૉજીસ્ટ માર્કો (કિશોર સાહુ) અને તેની પત્ની રોઝી (વહિદા)નો ગાઈડ બને છે. તેના દોસ્ત-કમ-ટૅક્સી ડ્રાઈવર ગફૂર (અનવર હૂસેન) પણ રાજુની જેમ ચોંકી જાય છે કે, તાજા પરણેલા (અને ખૂબ મોટી ઉંમરના) આ બન્ને વચ્ચે સહેજ પણ બનતું નથી... કારણ એ જ કે, ગૂફાઓના સંશોધનમાં જ ડૂબી ગયેલા પતિને પત્નીની સહેજ પણ પરવાહ એટલા માટે નથી કે, રોઝીની માં (મૃદુલા) દેવદાસી છે ને માર્કોને નાચગાના બજારૂ લાગે છે. પતિના ત્રાસથી કંટાળીને રોઝી એક-બે વખત આત્મહત્યાના પ્રયાસો કરે છે ને દેવ આનંદ ફક્ત બચાવી નથી લેતો, પણ રોઝીની આગળની જીંદગી બશર કરવાની ટીપ્સ પણ આપે છે, જેની મામૂલી કિંમતરૂપે રોઝીએ રાજુના પ્રેમમાં પડી બતાવવાનું હોય છે... પડે છે, પણ રૂઢીચુસ્ત ભારતીય સમાજ એક સંસ્કારી પરિવારમાં નાચને-ગાનેવાલીના પ્રવેશને માન્યતા નથી આપતો. દેવ માં અને મામા (લીલા ચીટણીસ અને ઉલ્હાસ) સામે વિદ્રોહ કરીને વહિદા સાથે પોતાની અલગ દુનિયા બનાને છે, પણ અચાનક મળેલી સંપત્તિ બન્ને જણા જીરવી શકતા નથી. રોઝીના પતિ માર્કો માટેની ઇર્ષા અને પૈસાની લાલચ દેવને જેલમાં લઈ જાય છે. એને પોતાના ગૂન્હાની ખબર હોવાથી બે વર્ષની સજા ભોગવીને બહાર આવ્યા પછી, એના વિચારો બદલાઈ જાય છે. પોતાના ઘેર કે રોઝી પાસે પાછા જવાને બદલે એ જંગલ-જંગલ, બસ્તી-બસ્તી ભટકે છે, એમાં ઍક્સિડેન્ટલી ભોળા ગામડીયાઓ એને સાઘુ-મહાત્મા સમજી બેશે છે. એ પોતે તો સાઘુ હોવાનો દાવો કરતો નથી, પણ આ નવી જીંદગી એને ગમવા જરૂર માંડે છે. કમનસીબે, ગ્રામજનોને ભૂલભૂલમાં ડોસીમાંની વાર્તા કહેવા જતા પોતે એક એવો સંદેશ આપી બેસે છે કે, પૂર હોય કે દુકાળ, પ્રભુ સાઘુ-મહાત્માઓની લાગણી સ્વીકારે છે. ‘માન ન માન, મૈં તેરા મહેમાન’ના ધોરણે ગ્રામજનોનો વિશ્વાસ ટકાવી રાખવા રાજુને ૧૨-દિવસના નક્કોડા ઉપવાસ ખેંચવા પડે છે, એમાં એનું મૃત્યુ થાય છે. રોઝી અને એને ધિક્કારનાર રાજુની માં રાજુના અંતિમ દિવસો દરમિયાન ભેગા થઈ જાય છે, પણ રાજુનું મૃત્યુની મોટી કિંમત ચૂકવ્યા પછી ! 

૧૯૮૧-૮૨માં વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસમાં આપણા ડૉ. કમલેશ આવસત્થી વહિદા રહેમાનની સાથે હતા. આગા અને શબ્બિર કુમાર પણ ખરા. કોકના ઘેર ફિલ્મ ‘ગાઈડ’ એ લોકોએ વીડીયો પર જોઈ. દેવ આનંદના આવા ફ્રોડ માટે કમલેશે વહિદાજીને પૂછ્‌યું, તો જવાબ મળ્યો, ‘વાંક રાજુનો હતો. એક સ્ત્રીએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધા પછી એને એટલો વિશ્વાસ કેમ ન આવ્યો કે, રોઝી સાથે હું પારદર્શી બનું...!’ 

ધૅટ્‌સ ફાઈન... આ તો એક કાલ્પનિક વાર્તા હતી, એટલે આપણે વહિદાના અર્થઘટન સાથે સહમત થવું જરૂરી નથી. મારી સમજ એમનાથી ઊલટી છે કે, રાજુને જેલમાં ધકેલી દેવો પડે, એવો ખૌફનાક એણે ‘રોઝીનો’ ગૂન્હો નહોતો કર્યો. એ સ્ત્રી એટલું કેમ ન જોઈ શકે કે, એ ઑલરેડી બબ્બે વખત મૃત્યુ પામી ચૂકેલ અસ્તિત્વ હતી. રાજુએ એને ફક્ત બચાવી જ નહોતી, એની અંદરની સ્ત્રી અને એની અંદરના કલાકારને ઢંઢોળીને કરોડો રૂપિયા કમાવી આપ્યા હતા, જેમાં રાજુનો બરોબરીનો હિસ્સો હતો. બનાવટી સહિ કરીને પૈસા ઉપાડી લેવાનો અપરાધ ઈ.પી.કો. મુજબ અફ કોર્સ ગૂન્હો બને, પણ એ બન્ને વચ્ચેની કૅમિસ્ટ્રી મુજબ કમ-સે-કમ રાજુને જેલમાં મોકલવો પડે, એવો કોઈ જઘન્ય અપરાધ હરગીઝ નહોતો... આ સ્ત્રી ચરિત્ર છે. કોઈ પણ સ્ત્રીનું તમે ગમે તેટલું સાચવો... એનો સ્વાર્થ શરૂ થાય ત્યાં તમે પૂરા થઈ જાઓ, એની એ પૂરી ખાત્રી કરી લેતી હોય છે. મુંબઈના પાલિહિલ વિસ્તારમાં આપણા મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સ રહે છે. દેવ આનંદે મને પહેલેથી ઍપોઈન્ટમેન્ટ આપી દીધી હોવાથી હું તૈયાર થઈને ગયો હતો. પાલિ કોણ હતી, એની ખબર નથી પણ હિલ એટલે ટેકરી ને એમાં ય ટેકરીનું ટોપકું પૂરું થાય, એ હાઈટ ઉપર દેવ સાહેબનો ૩-૪ માળનો આનંદ સ્ટુડિયો. એમને મળીએ એટલે જીવનની એક સિદ્ધિ પૂરી થયેલી લાગે. (સિદ્ધિ આપણી... એમની નહિ !) ફિલ્મ ‘ગાઈડ’ વિશેની વાતો નીકળી, એમાં ઇંગ્લિશ ‘ગાઈડ’નું શું થયું ? ઇન્ડિયામાં કેમ કોઈને જોવા ન મળી ? હજી પૉસિબિલીટી છે ? એવા સવાલોનો એક જ જવાબ હતો, ‘ઍક્સિડૅન્ટમાં એ ફિલ્મની પ્રિન્ટો બળી ગઈ.. ખુદ મને પણ જોવા મળે એમ નથી.’ 

એ તો બધાને ખબર છે કે, ‘ગાઈડ’ ઇંગ્લિશમાં પણ બની હતી... ૧૨૦-મિનીટની ફિલ્મ હતી. આપણી હિંદી ફિલ્મ ૧૮૩-મિનીટ્‌સની, એટલે ઇંગ્લિશ ‘ગાઈડ’માં ગીતો-બીતો ન આવ્યા હોય. 

‘ગાઈડ’ વિશે બીજી પણ અનેક માહિતીઓ જાણવી ગમે એવી છે. 

એક તો, એ વર્ષે આ ફિલ્મે ‘ફિલ્મફૅર’ના ચારે ચાર મોટા ઍવોર્ડસ્‌ જીતી લીધા હતા. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા દેવ આનંદ, શ્રેષ્ઠ અભિનેત્રી વહિદા અને શ્રેષ્ઠ દિગ્દર્શક વિજય આનંદ. કમનસીબે દાદા બર્મનને આટલું ઉત્કૃષ્ટ સંગીત હોવા છતાં એવોર્ડ ન મળ્યો. આ ઍવોર્ડ માટે તો ‘ગાઈડ’ના દાદા બર્મન કરતા ‘દો બદન’ના રવિ પણ આગળ હતા. એવોર્ડ મળ્યો, ફિલ્મ ‘સૂરજ’ના શંકર-જયકિશનને.

‘ગાઈડના દેવ આનંદ સામે હારી જનાર ‘દિલ દિયા દર્દ લિયા’નો દિલીપ કુમાર અને ‘ફૂલ ઔર પથ્થર’નો પથ્થર ધર્મેન્દ્ર હતો. વહિદા સામે હારી જનાર ફિલ્મ ‘મમતા’ની સૂચિત્રા સેન અને ‘ફલ ઔર પથ્થર’નું ફૂલ મીના કુમારી હતા. દિગ્દર્શકની કૅટેગરીમાં ગોલ્ડી સામે હારી જનાર નોમિનીઝ હતા ફિલ્મ ‘અનુપમા’ના ૠષિકેશ મુકર્જી અને ‘મમતા’ના અસિત સેન. (કોમેડિયન અસિત સેન જુદા). અફ કૉર્સ, ‘ગાઈડ’ બીજા બે એવોડ્‌ર્સ પણ ખેંચી લાવી. બેસ્ટ સીનેમેટોગ્રાફી માટે આપણી અભિનેત્રી શ્યામાના પારસી ગોરધન ફલી મિસ્ત્રી અને ઉત્તમોત્તમ સંવાદો માટે વિજય આનંદ. 

મશહૂર સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા અને તે પણ કોઈ ફિલ્મમાં નામઠામ વગર તબલાં વગાડવા બેસી જાય ખરા ? બેઠા’તા, ફિલ્મ ‘ગાઈડ’ના ‘પિયા તોસે નૈના લાગે રે, નૈના લાગે રે’ ગીતના રિહર્સલ દરમિયાન શર્માજી એમના ખાસ દોસ્ત રાહુલદેવ બર્મનને મળવા આવ્યા હતા. ત્યાં એમનું ઘ્યાન પડ્યું, તબલાંનો ઠેકો ખોટો વાગી રહ્યો છે. એમણે પંચમ દા (રાહુલદેવ)ને વાત કરી. પંચમે મજાકમાં જ કીઘું, ‘ગુરૂ... તમે વગાડો’. અને એમણે વગાડ્યા મતલબ.. હવે આ ‘પિયા તોસે..’ સાંભળો, ત્યારે ખાસ નોંધજો, તબલાં સંતુરવાદક શિવકુમાર શર્માએ વગાડ્યા છે. 

એવી એની મસ્તી બર્મન દાદાએ પણ ગજબની કરાવી છે. લતાના ‘કાંટો સે ખીંચ કે યે આંચલ...’ ગીતનું મુખડું અને ત્રણે ય અંતરાનો ઢાળ એક જ છે. નોર્મલી તમામ ગીતોમાં મુખડું જે ઢાળમાં ગવાયું હોય, એનાથી અંતરા જુદા ઢાળમાં ગવાયા હોય. બર્મન દા એક જ સંગીતકાર એવા હતા, જે મુખડું અને પહેલા અંતરા તેમજ બાકીના અંતરાઓ વચ્ચે સાવ જુદું સંગીત આપે. ઓ પી નૈયરનું તેનાથી સાવ ઉલટું હતું. એ કહેતા, ‘હું તો ગાંડો થઈ ગયો છું કે, એક ગીત પાછળ ત્રણ-ચાર ઘૂનો વેડફી નાંખું...? એટલામાં તો મારા બીજા ચાર ગીતોની ઘૂન બની જાય !’ 

સાઉથ કરતાં ય આપણા ગુજરાતમાં દીકરીઓને આરંગેત્રલ શીખવા મોકલવાનો ક્યા લૉજીકથી શોખ છે, તેની તો ખબર નથી, પણ દીકરીને ઉત્તમ પ્રકારનું નૃત્ય બતાવવું જ હોય તો ફિલ્મ ‘ગાઈડ’માં વહિદા રહેમાને કરેલો સપેરાનો ડાન્સ અચૂક બતાવવા જેવો છે. It’s a classic... ! દેવ આનંદ માટે ‘ગાઈડ’ એની સૌથી પહેલી કલર ફિલમ હતી, એટલે કપડાં જી-જાનથી સુંદર પહેર્યા છે. મોટા ભાગે તો ભડક રંગના શર્ટસ છે, પણ તમામ શટ્‌ર્સની સિલાઈ પણ ડીવીડી-પર ફિલ્મ ફ્રીજ કરીને જોવા જેવી છે. દેવ તમામ શટ્‌ર્સમાં ખૂબ શોભે છે. દેવના ડાય-હાર્ડ ચાહકોને આ ફિલ્મે એક તદ્દન નવો અને વઘુ સોહામણો દેવ આનંદ પણ આપ્યો. એક તો એ લોકો પહેલીવાર દેવને રંગીન ફિલ્મમાં જોતા હતા અને બીજું, વર્ષોથી દેવની પેલી ફેમસ ગુચ્છાવાળી હૅર સ્ટાઈલ આ ફિલ્મના અંતિમ દ્રષ્યોથી બદલાઈ હતી. લોકો તો બહુ ખુશ થઈ ગયા. સ્વયં દેવને કબુલ કરવું પડ્યું કે, જૂના કરતા નવી વઘુ અસરકારક છે. દેવ આનંદની ફિલ્મ કોઈ બી હો, પ્રણય દ્રશ્યોમાં બીજા કોઈ ચેનચાળા ન હોય, પણ બહુ આત્મીય લાગે એવું આલિંગન (Hug... Embrace) હોય જ. અને એની પોતાની પર્મેનેન્ટ જીદ મુજબ દેવ આનંદને પોતાના ખભા કેમેરામાં દર્શાવવાની હોબી હતી, એટલે હિરોઈનને ભેટતી વખતે દેવના ખભા પાછળથી દેખાડવાનો દસ્તૂર છે. 

રામ જાણે, રફી સાહેબ અને દેવ આનંદ વચ્ચે છેલ્લે છેલ્લે ઠંડુ યુદ્ધ કયા કારણથી શરૂ થયું હતું કે, દેવે પોતાની આત્મકથા Romancing with life માં એક વખત પણ મુહમ્મદ રફીનો ઉલ્લેખ માત્ર કર્યો નથી. આજે પણ દેવ આનંદ રફી સાહેબ માટે પુછાયેલા સવાલોના જવાબો સિફતપુર્વક ટાળે છે. 

અમારા કાઠીયાવાડીઓ ઈવન આજે પણ ખુશમખુશ થાય છે કે, દેવ આનંદે ‘ગાઈડ’માં અંતિમ દ્રશ્યોનું શૂટિંગ લીંબડી ગામની સીમમાં કર્યું હતું. એ દિવસોમાં શૂટિંગ જોવા જતા લીંબડી અને રાજકોટવાળા તો આજે ય ગૌરવપૂર્વક કહે છે, ‘અમે દેવઆનંદને જોયો’તો... બિલકુલ દેવ આનંદ જેવો જ લાગે, બોલો.’ 

No comments: