Search This Blog

09/09/2011

મિલન

ફિલ્મ : ‘મિલન’ (’૬૭)
નિર્માતા : ઍલ.વી. પ્રસાદ
દિગ્દર્શક : એ.સુબ્બા રાવ
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ
થીયેટર : નૉવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : નૂતન, સુનિલ દત્ત, જમુના, પ્રાણ, શ્યામા, સુરેન્દ્રનાથ, મુકરી, દેવેન વર્મા.

ગીતો :
૧. હમ તુમ, યુગયુસ સે યે ગીત મિલન કે.... મૂકેશ-લતા
૨. તોહે સાંવરીયા, નાંહી ખબરીયા... લતા મંગેશકર
૩. બોલ ગોરી બોલ, તેરા કૌન પિયા... મૂકેશ-લતા
૪. મુબારક હો સબ કો સમા યે સુહાના મૂકેશ
૫ આજ દિલ પે કોઇ જોર ચલતા નહિ. લતા મંગેશકર
૬ રામ કરે ઐસા હો જાયે, મેરી નીંદિયા... મૂકેશ
૭. હમતુમ યુગ યુગ સે ગીત મિલન કે... મૂકેશ-લતા
૮ સાવન કા મહિના, પવન કરે સોર. મૂકેશ-લતા
ગીત નં. ૫ ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યું હતું.

નૂતનની તો પ્રતિમા બનાવડાવીને એની પૂજા કરવી જોઇએ, એવી આ અભિનેત્રીની કોઇપણ ફિલ્મ યાદ કરો, તો એક છાબડીમાં ફૂલો લઇને તમે પણ આવશો. તત્સમયની અન્ય ઘણી હીરોઇનો બેમિસાલ... કોઇ આર્ગ્યૂમૅન્ટ નહિ, પણ વાત ઍક્ટિંગની નીકળે, તો નૂતન પછી એ બધીઓ પાંચમા, છઠ્‌ઠા કે સાતમા નંબરથી શરૂ થાય. બીજાથી ચારેક નંબર સુધી તો ફક્ત ને ફક્ત નૂતનનું જ નામ લખવું પડે. સહેજ પણ ગ્લૅમર વિનાની આ હીરોઇનની સાહજીકતા અને ચેહરાના શુદ્ધ હાવભાવો એના અભિનયમાં ભળે, એટલે આપણી બાજુના ફલૅટમાં રહેતી કોઇ સન્માન્નીય સન્નારી જ નૂતનમાં દેખાય. ઓહ... શરીર પણ ઠેઠ પહેલી ફિલ્મથી આખરી ફિલ્મ સુધી પરફૅક્ટ રાખી શકનાર નૂતન નહિ પતલી, નહિ બાંઠી ને છતાં ય લમ્બી તો ખરી જ. પણ રોલ એનો ‘સુજાતા’ ‘બંદિની’નો હોય કે છેક છેલ્લે ‘મૈં તુલસી તેરે આંગન કી’નો હોય, નૂતનની ઍક્ટિંગથી બાકાયદા અંજાવું તો પડે જ. ફિલ્મ તમને ગમી હોય, ન ગમી હોય, એમાં અમે કોઇ પોલીસ-ફરિયાદ કરી ન શકીએ, પણ નૂતન વિશે કાંઇ પણ આડુંઅવળું બોલ્યા તો યાદ રખના ઠાકૂર.... કલ શામ ઢલને તક... અમે સાંભળવાનું બંધ કરી દઇશું.

ઇન ફૅક્ટ, વાત નૂતનની ફિલ્મ ‘મિલન’ની નીકળી છે. ફિલ્મ તો લાગણીશીલ અને એવા ઘણા બધા શીલ હતી જ, એટલે ’૬૭-ની સાલમાં એ આવી, ત્યારે અમે બધાએ લાઇનોમાં ઊભા રહી રહીને જોઇ હતી...(લાઇનમાં ઊભા રહીને તો ત્રીજી-ચોથી વારની વાત થાય છે... પહેલી બે વાર સામટી તો અમે બધાએ ‘બ્લૅક’માં જોઇ હોય કે નહિ ? બા કહેતા’તા કે, આવી સુંદર ફિલ્મ ‘વ્હાઈટ’માં તો ના જ જોવાય !) પણ નૂતનની જેમ આ ફિલ્મ ‘મિલન’માં બીજો ય એક સદાબહાર હીરો હતો, સુનિલ દત્ત. આ બન્નેની પૅર એ દિવસોમાં બહુ જામી હતી. બન્નેએ સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘ખાનદાન’, ‘ગૌરી,’ ‘ભાઇ-બહેન’, ‘મેહરબાન,’ અને નૉટ ટુ ફરગેટ... ‘સુજાતા.’ ભારતની પ્રજાને આ બન્નેમાં પોતાના દર્શન થતા હતા. સુનિલ દત્ત અને નૂતન જેવા થોડાથોડા કે ઘણાઘણા આપણે બધા લાગી શકીએ, દેખાવમાં નહિ તો વ્યવહાર-વર્તનમાં. ગમે તેટલા રાંટા ચાલીએ કે કમરના ઠૂમકા મારીએ, તો ય કદી દેવ આનંદ કે વૈજ્યંતિમાલામાં આપણે દેખાવાના નથી. નૂતન-સુનિલ દત્તના દેખાવનું મિડલ-ક્લાસપણું આપણને પોતિકું લાગતું, માટે આવી સામાજીક ફિલ્મોમાં અન્ય કોઇ કરતા એ બન્ને બહુ વહાલાં લાગે. 

નૂતન-સુનિલ માટે માન ઉપજે, એવી વાત એ પણ છે કે, આટલા વર્ષો ફિલ્મોમાં હોવા છતાં ચરીત્રના મામલે બન્ને આદરણીય જીવન જીવ્યા છે. બેમાંથી કોઇને નામે આડો સંબંધ ક્યાંય નહિ. ચીપ પબ્લિસિટી મેળવવા માટે સંજીવકુમારે નૂતન સાથે પોતાના કથિત લફરાની વાત ફિલ્મી છાપાઓમાં જાતે ચગાવી હતી અને નૂતનને ખબર પડી ગઇ, ત્યારે વિફરેલી વાઘણની જેમ ફિલ્મના સૅટ પર બધાની વચ્ચે એણે સંજીવને લાફો મારી દીધો હતો. મુંબઇની ફાયરબ્રાન્ડ સૅક્સી પત્રકાર શોભા ડેને ફિલ્મ ‘શોલે’ના શૂટિંગ દરમ્યાન, બૅંગાલૂરૂની એક ફાઇવ-સ્ટાર હૉટેલમાં પોતાના રૂમમાં જમવા બોલાવીને સંજીવે રીતસરનો ઍટેક કરી દીધો. એ પીધેલો અને શોભા શક્તિમાન હોવાને કારણે વાર્તા ત્યાં જ પૂરી થઇ ગઈ, પણ શોભાએ વાત ત્યાં જ પતાવી ન દીધી. સંજીવને ચારે બાજુ ચીતરી મ્હેલ્યો... એની એ જંગાલિયત માટે. 

ઓકે ઓકે... ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંજીવ એકલો જ આવું કરતો હતો, એવું ન માનવું. તમને કે મને સારા અને સજ્જન લાગતા અનેક હીરો એનાથી ય બદતર હતા અને હોય છે. હીરોઇનો સહેજ પણ પવિત્રતાની મૂર્તિઓ હશે, એ ન માનવું. ઇન ફૅક્ટ, આવા અડપલાં ફિલ્મ નગરીમાં સાહજીક ગણાઇ ગયા છે. 

એ જમાનો એવો હતો કે, સાઉથની ફિલ્મોમાં બહુ નસીબદારોને જ કામ કરવા મળે. જીતેન્દ્ર સાઉથમાં બહુ ચાલ્યો હતો. મુંબઈ કરતા સાઉથમાં ફિલ્મો બહુ ઑર્ગેનાઈઝડ તરીકાથી બનતી હતી. આજે પણ ક્વૉલિટીમાં ત્યાંની ફિલ્મો બે માર્ક વધારે જ લઇ જાય. 

એક અભિનેતા તરીકે સુનિલ દત્તનું મૂલ્યાંકન કરવામાં ભરાઇ પડાય એવું છે. એ બેસ્ટ હતો, જ્યાં સુધી ઍન્ગ્રી યંગ મૅન કે ડાકૂ-ફાકુના રોલ કરવાના હોય. રૉમૅન્ટિક હીરો તરીકે ‘વક્ત’ કે ‘હમરાઝ’ જેવી ફિલ્મોમાં એના જેવો પ્રભાવ કદાચ જ કોઈ ઊભો કરી શકે. પણ ભા’ આય... ભા’ આય... ભા’ આય...! ઇમોશનલ રોલમાં સુન્નુ બાબા બહુ ફિક્કા પડે છે. જ્યાં ઢીલા થઈ જવાનું હોય, રોઇ બતાવવાનું હોય, ભેંકડા તાણવાના હોય અથવા તો ફિલ્મ ‘પડોસન’ જેવી કૉમેડી કરવાની હોય, સુનિલ દત્ત એ ફિલ્મ જોવા થીયેટરમાં બેઠેલો ય ના ચાલે. બહુ મસ્તદાર મજેદાર કોમેડી ‘પડોસન’નો હીરો સુનિલ દત્ત હતો, એ આ ફિલ્મની મોટી ટ્રેજેડી હતી. એના સિવાય બીજો કોઇપણ ચાલી ગયો હોત ! 

તો ઇવન આ... ફિલ્મ ‘મિલન’માં ય એ ગોપી નાંવવાલાના રોલમાં ટોટલ મિસફિટ છે. નથી એને રડતા આવડતું, નથી ગામડીયાની અબુધતા દર્શાવતા આવડતી. પાછું, એ જમાનાની ફિલ્મોમાં રોલ ગામડીયાનો હોય એટલે શહેરની ‘પઢીલિખી’ હીરોઇન પાસે એક ડાયલૉગ તો લોખંડની વખારમાંથી કાઢીને મારવાનો, ‘‘બીબીજી.... આપ ભી ક્યા....! મૈં ઠહેરા અનપઢ, ગંવાર, ગરીબ કિસાન.... ઔર આપ શહેર કી પઢીલિખી સુંદર ઔર ધનવાન બાપ કી બેટી.... આપ કા ઔર મેરા મેલ કહાં હો સકતા હૈં....?’’ 

તારી ભલી થાય ચમના... તને આટલી અક્કલ આવી જ ગઇ છે તો છાનોમાનો હોડીમાં બેઠો બેઠો ‘મક્કે દી રોટી ઔર સરસોં દા સાક...’ ખાધે રાખ ને ! પેલીને કઈ કમાણી ઉપર ઉલ્લુ બનાવે છે ? 

યાદ હોય તો, બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં કોક માંદુ-હાજું હોય ને ઘેર ડૉક્ટર આવે, એ ઝૂંપડપટ્‌ટીમાં ય શૂટ પહેરીને આવે. હવે તમે આટલા વર્ષોથી ગુજરાતમાં રહો છો... યાદ કરો. તમારો એકે ય જી.પી. ( General Practionar ) શૂટ પહેરીને વિઝિટે આયો છે ? પાછું એ લોકોમાં તો કેવું હોય કે, દર્દીના રૂમમાંથી બહાર નીકળતી વખતે ડૉક્ટર મોંઢું ગંભીર રાખે અને હીરો વિલાયેલા મોંઢેં એની બૅગ પકડી લે. (હીરોમાં થોડી અક્કલ હોય તો ડૉક્ટરની બૅગને બદલે એનું ખિસ્સું પકડી લેવું જોઇએ... સુઉં કિયો છો ?) 

ટૂંકમાં આવું બઘું.... આવું બઘું એટલે બૅગો પકડવાનું કે શૂટો પહેરવાનું ફિલ્મ ‘મિલન’માં છે જ, પણ એથી ય વઘુ રસપ્રદ (અથવા વિવાદાસ્પદ !) એની વાર્તા છે. માણસના મૃત્યુ પછી એનો પુનર્જન્મ થાય, એ પાછો કોકને ડીટ્‌ટે-ડીટ્‌ટો યાદ આવે અને એ પ્રમાણે જ બઘું બનતું રહે, એવી અંધશ્રદ્ધામાં તમે ન માનતા હો, તો આ ફિલ્મ તમને બેવકૂફ નહિ બનાવી શકે. બાકી તો, એક જન્મમાં છુટા પડેલા ગોપી (સુનિલ) અને રાધા (નૂતન) બીજા જનમમાં પાછા શાશ્વત પ્રેમીઓ તરીકે મળે છે, એની વાત છે. આપણે હાળું બીજો જન્મ યાદ આવે તો પણ ગયા જનમમાં જે ગળે પડી હોય, એને ને એને જ પાછી રીપિટ કરવાની બેવકૂફી શું કામ કરીએ, એ કોઇ મને દિન-૭ માં સ્વચ્છ અક્ષરે કોરા કાગળ ઉપર લખી જણાવશે ? અને સાતે સાત ભવમાં એના એ જ ગોરધનને ઉલ્લુ બનાવવાની પ્રાર્થના દુનિયાભરના ભગવાનોને કરી હોય, તો પણ હાલના જનમમાં ખબર પડે કે, આપણે તો ઑરાઈટ છીએ પણ પેલી આ જનમમાં કોઇ પુરૂષ તરીકે જન્મી છે અને કોઇ શૉપિંગ-મૉલના મૅનેજર તરીકે હંગામી ધોરણે હજી હમણાં જ નોકરીએ ચઢી છે ! છાતી ઉપર કેવી સૅફ્‌ટી-પિન વાગે ? આપણે એને ઓળખી પણ જઇએ કે, આ તો મારી ગયા જનમની રાધા છે, પણ આ જનમમાં તો એ મૂછોવાળો ઉત્તર પ્રદેશનો કોઇ ગુપ્તો છે... તો આપણે તો છપ્પનના ભાવમાં વેચાઇ જઇએ કે નહિ ? (જવાબ : ડિસકાઉન્ટમાં વેચાઇ જઇએ. જવાબ પૂરો.) 

ફિલ્મ ‘મિલન’ મૂળ તેલુગુ ફિલ્મ ‘મૂગા માણસુલુ’ની આ રીમૅક છે. સાઉથની એ વખતે બક્સમ બ્યુટી ગણાતી જમુના (જે ફિલ્મ ‘હમરાહી’માં રાજેન્દ્રકુમારની હીરોઇન બની હતી.) અહીં સૅકન્ડ-લીડ હીરોઇન છે. દિગ્દર્શકે એના સાઉથી ઉચ્ચારોનું ઘ્યાન રાખ્યું નથી, એટલે હિંદી સંવાદ બોલતી વખતે.. આઇ મીન, ઢોકળાં મસાલા ઢોંસાના સામ્ભારમાં બોળી બોળીને ખાતા હોઇએ, એવું લાગે. એ વખતના પ્રેક્ષકોને અભિનય અને રોલ વચ્ચેના ફરકની ખબર નહોતી, એટલે જેનો રોલ સારો લાગ્યો, એનું કામ ખૂબ સારૂં લાગે. અહીં જમુના ફિલ્મની વાર્તાના કેન્દ્રસ્થાને છે અને ખૂબ મોટી કુરબાની આપે છે. દેખિતું છે, પ્રેક્ષકોમાં એ છવાઇ જાય. એટલે અમે કોકને પૂછતાં તો જવાબ મળતો, ‘બૉસ્સ... આખી ફિલ્મમાં જમુનાનું તો કોઇ કામ છે...! શું ઍક્ટિંગ કરી છે... નૂતન-સુનિલને ય પાછળ રાખી દીધા છે !’ 

આ જ ફિલ્મમાં જમુના ઉપર બળાત્કાર કરવામાં બબ્બે વાર ફૅઇલ ગયેલો પ્રાણ ત્રીજી વખતે જમુનાની લાચારીવાળી મરજીથી પોતાનું શરીર પ્રાણને સોંપી દે છે, એ જોઇને અમારા ખાડીયામાં બઘ્ધાને સૌથી સારૂં કામ પ્રાણનું લાગ્યું હતું... આ તો એક વાત થાય છે ! દેવેન વર્મા નામનો મૂળ ગુજરાતી કૉમેડીયન આવી અસરકારક ફિલ્મમાં વેડફાઇ ગયો છે. દિગ્દર્શક દમદાર હોત તો કૉમેડીના સ્કૉપ ઘણા હતા... કશું ના બન્યું. ‘આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ’ એ જગપ્રસિદ્ધ ગીત નૂરજહાંની સાથે ગાનાર, બૉમ્બે ટૉકીઝે સાયગલની હરિફાઇ (!)માં ઉતારેલા ગાયક-હીરો સુરેન્દ્રનાથ અહીં નૂતનના પિતાશ્રી બને છે. શ્યામા એમની વાઇફ. બાકી કાંઇ નહિ. 

પણ ‘મિલન’ને ઠેઠ તળીયેથી આસમાને બેસાડ્યું હોય તો સૌથી મોટો લાયન્સ-શૅર લક્ષ્મીકાંત-પ્યારેલાલનો હતો. ફિલ્મના એકોએક ગીતો ફક્ત યાદ તો કરી જુઓ... રૂંવાડા ઊભા થઇ જાય, યાર ! હજી તો બે-ત્રણ વર્ષ પહેલા જ આ બન્ને દોસ્તો સંગીતકાર તરીકે રજુ થયા હતા અને કબુલ કરતા હતા કે, અમારા સંગીત ઉપર શંકર-જયકિશનની અસર બહુ મોટી છે. અફ કોર્સ, એ એમની નમ્રતા હશે કારણ કે, પ્રત્યેક ગીતને શંકર-જયકિશનની માફક અને વાજીંત્રોથી ભરી દેવાની કમાલને તમે અસર ગણતા હો, તો અમે અહીં ચૂપ્પ છીએ, બાકી તો લક્ષ્મીકાંત-પ્યારેલાલે એક પછી એક ફિલ્મોમાં ઉત્તમોત્તમ કામ આપ્યું છે... આઉટરાઇટ સંગીતપ્રધાન ફિલ્મો કેટલી બધી ? એવું નહિ કે, ફિલ્મના કોઇ એકાદ-બે હિટ ગીતોને લીધે વખણાય આખી ફિલ્મનું સંગીત...! ફિલ્મ ‘સરગમ’, ‘પારસમણી’, ‘બૉબી’, ‘સત્યમ્‌ શિવમ સુંદરમ્‌’ કેટકેટલાનાં યાદ કરાવશો ? મૂકેશના ચાહકોને તો આ ફિલ્મ દ્વારા લક્ષ્મી-પ્યારેએ છલ્લમછલ્લા કરાવી દીધા હતા. લતા મંગેશકરની તો એ બન્નેની મૅન્ટર હતી, પણ યાદ કરો ‘તોહે સાંવરીયા, નાહિ ખબરીયા’નો રિધમ-પાર્ટ. મૂકેશ તો ઑલમોસ્ટ બધા ગીતોમાં ઉપસ્થિત હતો. કમનસીબે, નૂતન પર ફિલ્માયેલું, ‘આજ દિલ પે કોઇ જોર ચલતા નહિ, મુસ્કુરાને લગે થે, મગર રો પડે’ ગીત ફિલ્મમાંથી કાઢી નાખ્યું હતું. 

ઘણા પૂછતા હોય છે કે, આવું કેમ બનતું હશે ? કોઇ ગીત કે આખેઆખા સીન ફિલ્મમાંથી કાઢી નાંખવા પડે ? ઓકે. આજકાલ તમે ડીવીડી પર જે ફિલ્મો જુઓ છો, એમાંથી ગીતો કપાઇ ગયા હોય, તો જે તે કંપનીને ફરિયાદ કરવી જ જોઇએ. એ લોકો એક ડીવીડીમાં ૩-૪ ફિલ્મો આપવાના મોહમાં ડીવીડી-ની કૅપિસિટી જેટલું જ ભરી શકે, માટે એ લોકો ગીતો કાઢી નાંખતા હોય છે, પણ ફિલ્મ ‘મિલન’ના ગીત, ‘આજ દિલ પે કોઇ...’ જેવું ગીત, ફિલ્મ રીલિઝ થઇ હોય ત્યારે શરૂઆતના બે-ચાર સપ્તાહ એ ગીત થીયેટરોમાં દર્શાવાય, પણ ઘણીવાર ટાઇમના મામલે થીયેટરના માલિકો ફરિયાદ કરે કે, ફિલ્મ વઘુ પડતી લાંબી છે અને ચાર શોમાં પહોંચી વળાતું નથી, તો ડિસ્ટ્રિબ્યુટર્સ ફિલ્મના નિર્માતાને કહીને એકાદ-બે ગીત કઢાવી નાંખી શકે છે.

No comments: