Search This Blog

07/09/2011

હાસ્યલેખકનું હનીમૂન

ગયા બુધવારે હનીમૂન વિશેનો લેખ વાંચવાની લોકોને તો મજા પડી ગઈ...સિવાય શિક્ષકો, ડૉક્ટરો, બિલ્ડરો અને ભાઇલોગો, જેમના હનીમૂનો વિશે આપણે લખ્યું હતું. એ લોકો બહુ અકળાયા છે. વળતા હૂમલા તરીકે એ લોકોએ, ‘હું તો મરૂં, પણ તને વિઘુર કરૂં’ના ઉમદા ઉદ્દેશ્યથી, આવું હનીમૂન હાસ્યલેખકોનું કેવું હોય, એ લખી બતાવવા મને હણહણાવ્યો છે. ઓકે. લખું તો છું, પણ કોઇ ગૅરન્ટી નહિ, કે જે કાંઇ લખીશ તે સત્ય જ લખીશ અને સત્ય સિવાય બીજું કાંઇ નહિ લખું. જાતનો હાસ્યલેખક છું, એટલે બીજાઓના હનીમૂનો દરવાજાની તિરાડોમાંથી જોવા ટેવાયેલો છું.. અમારા પોતાના હનીમૂનમાં અમે બારી-દરવાજા ભલે ઉઘાડા રાખીએ, પણ તિરાડો કચકચાઈને પૂરાવી દઈએ. આપણે મહીં શું કરીએ છીએ, એની બહારના જગતને ખબરે ય શું પડે ?...બોલો, જયહિંદ.

તો આજે, સમાજના બીજા હનીમૂન-નિષ્ણાંતોની કામગીરી નિહાળીશું... (સૉરી, નિહાળવા તો નહિ મળે...હાલમાં ફક્ત વાંચીને ખુશ થજો.)

રાજકીય નેતાનું હનીમૂન

નેતાઓ માટે આમ તો લગ્નની પ્રથમ રાત્રી પણ એક ઉદ્ધાટન છે, એટલે નેતા ખુદ પોતાના હનીમૂન વખતે ખિસ્સામાં કાતર લઇને હોટેલના રૂમ તરફ હંકારી જશે. હોટેલમાં હનીમૂન-સ્વિટના દરવાજે લાલ-રિબન કાપીને તાળીઓના ગડગડાટો વચ્ચે તેઓશ્રી મંચ તરફ (એટલે કે, પલંગ તરફ) સિધાવશે. એમના સ્વાગતવાળો હાર જ ચાલુ રાખીને કન્યાને પહેરાવશે. વરમાળા પહેરાવતી વખતે આદત મુજબ, હસતા મોંઢે ફોટોગ્રાફરોની સામે સ્માઇલો આપશે. દુલ્હનના લટકતા ધૂંઘટને નેતાશ્રી કાતર વડે વચ્ચેથી કાપશે. આને તમે મઘુરજનીનું ઔપચારિક ઉદ્ધાટન કહી શકો. હનીમૂનોના અન્ય રોકાણો હોવા છતા, અત્રે પધારેલા વરારાજા-કમ-નેતાશ્રી કાતર વડે ચણીયા કે ચોળીના નાડાં વેતરી નાંખશે.

આપ સહુ તો જાણો છો કે, ટીવી પરના લાઇવ-કવરેજ વગર નેતાશ્રી બહાર નીકળતા નથી ને અંદર જતા નથી, માટે એમના હનીમૂનનું પણ જીવંત-પ્રસારણ દેશભરના નાગરિકો ટીવી પર નિહાળી શકશે. નેતાશ્રીના હનીમૂનના લાઇવ-ટૅલીકાસ્ટની રનિંગ-કૉમેન્ટરી હિંદી અને અંગ્રેજી-બન્ને ભાષામાં વારાફરતી રજુ થશે.

અલબત્ત, હનીમૂન પૂરૂં થયા પછી, તેઓશ્રી પલંગ પરથી જ તેમના સીધા ટીવી-પ્રસારણમાં રાષ્ટ્રજોગું નિવેદન આપશે, ‘‘મારી સાથે પલંગ પર લાલ સાડી પહેરીને બેઠેલી સદરહૂ મહિલાને હું ઓળખતો નથી. હમણાં રજુ થયેલા સીધા પ્રસારણમાં કથિત મઘુરજનીમાં સંકળાયેલ વરરાજા હું નથી. વો મૈં નહિ...! મારી પત્ની સાથે મઘુરજની માણી ચૂકેલો શખ્સ મારો કોઇ હમશકલ છે, પણ હું નથી. મને બદનામ કરવાનું મારા હરિફોનું આ કાવતરૂં છે.’’

પૅઇન્ટરનું હનીમૂન

તમને તો ખબર છે કે, પૅઇન્ટરો કદી પોતાના મૉડેલોને અડતા નથી. અડે તો બા ખીજાય. ભલે ને મઘુરજનીની મઘ્યરાત્રિએ પલંગ પર બેઠેલી કોઇ મૉડેલ નહિ, એની તાજી પરણેલી પત્ની કેમ ન હોય ? અડવા-બડવાની વાત નહિ. હનીમૂન પૅઇન્ટરનું હોય, એટલે કન્યા ઉર્ફે મોડેલને પલંગને બદલે સફેદ કૅન્વાસ પર સુવડાવે. ક્યારેક કન્યાનો પગ ઊંચો કરાવે તો ક્યારેક પોતે બાજુના કબાટ ઉપર ચઢી જાય. આમાં તો બધી ઊંચાનીચી આર્ટિસ્ટના મૂડ ઉપર આધારિત હોય, આપણાથી કાંઇ ના બોલાય. કલાકારોને તો કેવું હોય કે, કન્યાના વાળની એક લટ કપાળેથી ખસેડીને નાક ઉપર મૂકવી હોય, આપણાથી કાંઇ ના બોલાય. કલાકારોને તો કેવું હોય કે, કન્યાના વાળની એક લટ કપાળેથી ખસેડીને નાક ઉપર મૂકવી હોય તો આંગળી નહિ વાપરવાની...પીંછી અથવા રંગમાં બોળેલા છરી-ચાકુ વાપરવાના. ભવિષ્યમાં કલાકાર બનવા માંગતા યુવાનોએ ખ્યાલ રાખવો કે, પૅઇન્ટિંગના કલાજગતમાં ચુંબન-બુંબનો હોતા નથી, એને બદલે પીંછીના લસરકા મારીને હોઠ લાલ કરવાના. કલાજગતમાં તો જે થતું હોય એટલું જ થાય... આપણાથી કાંઇ સજેસ્ટ ના કરાય !

પાયલટનું હનીમૂન

વિમાન ઉડાડતા પાયલટો પરણ્યા પછી કોઇ હિલ-સ્ટેશનની હૉટેલમાં હનીમૂન માટે વાઇફને લઇ જાય, ત્યાં પ્રોબ્લેમ એક જ થાય કે, વિમાન ભલે તમારે ઉડાડવાનું હોય, બાજુમાં બીજા પાયલટને બેહાડવો જ પડે...! હાળું, થોડી વાર એને ય વિમાન ચલાવવા આલવું પડે...! (કોઇ પંખો ચાલુ કરો, ભાઇ!)

બીજો પ્રોબ્લેમ એ હોય છે કે, આ લોકોને બહુ ટૂંકી જગ્યામાં રમવાનું હોય છે, પગ બી માંડ લંબાવાય ! હનીમૂન-સ્વિટને બદલે ટૉયલેટમાં બેઠા હોય એવું લાગે. લગનની પ્રથમ રાત્રીએ પલંગ વિમાનના રન-વે ના આકારનો બનાવવો પડે છે, નહિ તો પાયલોટ-પતિને કાંઇ દેખાતું નથી. લગ્નજીવનમાં પાયલોટોને ટૅઇક-ઑફ જેવું હોતું જ નથી... સીઘું લૅન્ડિંગ જ કરવાનું હોય છે.

આ લોકોના ઊડ્ડયનના કલાકો નક્કી હોય આપણા જેવું નહિ કે સવાર સુધી ઉડાડે જ રાખો. પાયલોટોના હનીમૂનમાં મોટો પ્રોબ્લેમ આ જ... સાલું, ચાલુ હનીમૂને ય સીટ-બૅલ્ટ બાંધેલો રાખવો પડે...!

સંગીતકારનું હનીમૂન

આખેઆખું હનીમૂન પતી જશે, કન્યા આજીજીઓ-પ્રાર્થનાઓ ગાઈ ગાઇને અધમૂઇ થઇ જશે, હૉટેલવાળો અડઘું ભાડું માફ કરી દેવા તૈયાર થઈ જશે અને ઢોલક-તબલામાંથી પતરાંનાં પિપડાં ઉપર હાથ પછાડો, એવા અવાજો આવવા માંડશે, તો પણ... તો પણ... તો પણ વરરાજા-સંગીતકાર મૂરતીયો પોતાનો રંગીન ઝભ્ભો અને ચોયણી નહિ કાઢે. જગત આખું જાણે છે કે, ચોયણી-ઝભ્ભા વગર સંગીતકારો એક સૂર પણ કાઢી શકતા નથી. મહાબલી સૅમસન (ડીલાઇલાવાળો)ની સંપૂર્ણ તાકાત એના વાળમાં હતી, તેમ ગુજરાતભરના સંગીતકાર-ગાયકોની તાકાત એમના ચટાપટાવાળા ઝભ્ભામાં સમાયેલી હોય છે. એ કાઢીને, ઉત્તર ગુજરાતના પટેલો પેટ ઉપર આડા ખિસ્સાવાળું ખાદીનું બોંડીયું અને નીચે નાડાવાળો લેંઘો પહેરે છે, એવા લિબાસમાં સંગીતકારો ચાલુ હનીમૂને તબલાંનો એક ઠેકો ય ન મારી શકે. (કોઇ પંખો ચાલુ કરો!) સમાજે નોંધવા જેવી બીજી હકીકત એ છે કે, ૯૮-ટકા કૅસોમાં આવી સંગીતમય મઘુરજનીઓમાં કન્યા કરતા વરરાજાના વાળ વઘુ લાંબા હોય. એટલે શક્યતા પૂરી છે કે, તમે દરવાજે કાન માંડો અને મહીંથી ગીત, લહેરાતી-બલખાતી લટનું સંભળાતું હોય તો પૉસિબલ છે, કન્યા એના ગોરધનના કપાળ ઉપરથી લટીયા-પટીયા ખસેડતી હોય. એ કહેવાની જરૂર નથી કે, દુનિયાભરનું આ એકમાત્ર હનીમૂન એવું હોય જેમાં, ચીસો અને ઉંહકારા ય લય અને તાલબદ્ધ હોય. પ્રોબ્લેમ એક જ થવાનો...ઢીંઢા ભાંગી ગયા હોય અને હાંફી ગયેલા અને થાકેલા વર-કન્યા વહેલી પરોઢે રૂમની બહાર એમના ચાહકોને એક ઝલક આપવા આવે કે તરત જ, ભરચક લૉબીમાં એમની રાહ જોઇને ઊભેલા શ્રોતાઓ ‘વન્સ-મૉર...વન્સ-મૉર...’ના ગગનભેદી નારાઓ સાથે હોટેલ ગજવી મૂકશે...અને ક્યો કલાકાર ‘વન્સ-મૉરો’ને અવગણી શક્યો છે ?’ ‘વન્સ મૉર’ આપવું જ પડે... આ તો એક વાત થાય છે ! 

યોગગુરૂનું હનીમૂન

જગતની એક આ જ કમ્યુનિટી એવી છે, જે હનીમૂન કે વગર હનીમૂને લંગોટમાં જ ફરતી હોય. યોગગુરૂ માટે લંગોટ રીસેપ્શનના શૂટ બરોબર કહેવાય. એમાં પછી મોંધું કાપડ-બોંધું કાપડ આવે રાખે. મોટે ભાગે એમની કોઇ સશક્ત શિષ્યા સાથે જ લગ્ન કરવાના હોય, જેના શ્વાસ ન ચઢી જતા હોય, ભોંય પર બેઠા પછી લંબાવેલા પગ ઊંચા કર્યા વગર પગના અંગૂઠા પકડી શકતી હોય અથવા તો, કહીએ કે તરત જ શવાસનની મુદ્રામાં આવી જતી હોય. આ લોકોના હનીમૂન શરૂઆત પલાંઠી વાળીને સામસામા બેસીને થાય. આંખો બંધ રાખવાની. એક નાકે ખેંચી ખેંચીને ઊંડા શ્વાસો લેવાના. એ પછી ઍક્ચ્યૂઅલ હનીમૂનમાં યોગગરૂ કહે એ મુજબ, કન્યાએ પોતાનો જમણો પગ ઊંચો કરીને પોતાની ડોકી પાછળ ભરાવી દેવાનો. એક હાથ જમીન પર રાખીને ગુરૂની સામે જોઇને, ‘આઇ લવ યૂ’ બોલવાનું. ત્યાં સુધીમાં ગુરૂજીના પર્સનલ આસનો પતી ગયા હોય તો સામું ‘આઇ લવ યૂ’ કહે. હોટેલમાં એમના રૂમની બહાર દરવાજે કાન માંડીને ઊભેલા રૂમ બૉયઝ કંઇક જુદું સમજીને ખુશ થતા હોય, પણ હકીકતમાં એ અવાજો કપાલભાતિ દરમ્યાન નાકમાંથી નીકળતા સિસકારાના હોય !

કન્યા પોતે યોગ શીખ્યા વગર આવી હોય તો, સવાર સુધીમાં અધમૂઇ એ વાતે થઇ જાય કે, આમાં બઘ્ઘું હાળું શ્વાસ રોકી રાખીને કરવાનું.... નહિ તો ગુરૂજીના બા ય ખીજાય !

હાસ્યલેખકનું હનીમૂન

કમનસીબે, હાસ્યલેખકોને સ્ત્રીઓના અન્ય સાહિત્યકારો (ખાસ કરીને કવિઓ) જેટલો બહોળો અનુભવ ન હોવાથી હનીમૂનમાં ઍક્ચ્યૂઅલી શું કરવાનું હોય, એની ગતાગમ પડતી ન હોવાથી, ડૉ. મુકુલ ચોકસી લિખિત ‘પ્રથમ મઘુરજની માર્ગદર્શિકા’ કે એવું કોઇ પુસ્તક સાથે રાખીને પલંગ પર વાંચવા બેસશે. હાસ્યલેખકો સ્વભાવે અત્યંત સૌજન્યશીલ હોવાથી કન્યાને સહેજ પણ દુઃખી નહિ કરે, એટલે ધુંઘટ કા પટ ખોલવાની વેળાએ, પેલી જો સહેજ પણ આડું જોઇ ગઇ તો, ‘બિચારી બહુ દુઃખી થશે’ એમ માનીને, કન્યાને માથે સ્નેહાળ હાથ ફેરવીને, ‘‘સારૂં ત્યારે... ફરી કોક વાર...’’ કહીને ગઇકાલનો અઘૂરો લેખ પૂરો કરવા બેસી જશે..ગઇ કાલનું અઘૂરૂં હનીમૂન તો હજી બાકી હોય !

હાસ્યલેખક બનવાનો મોટો પ્રોબ્લેમ એટલો જ કે, સાહિત્ય પરિષદવાળાઓની માફક પત્નીઓ કે પ્રેમિકાઓ પણ અમને સીરિયસલી લેતી નથી. (ઉપરોક્ત વાક્યમાંથી ‘પત્ની’વાળું બહુવચન ફોક ગણવું) બઘું હસવામાં કાઢી નાંખે. બાલ્કનીમાં લઇ જઇને, વરસાદની ઠંડી વાછટને સહારે-સહારે, એની આંખોમાં સમાઇ જઇને, સ્પૅલિંગની એક પણ ભૂલ વિનાનું ‘આઇ લવ યૂ’ કહીએ, તો ખભે ધક્કો મારીને ખીજાઇ જાય, ‘‘જાઓ ને... મસ્તી નો કરો.. તમે તો બઘ્ઘું હશવામાં જ કાઢો છો... શવાર-શવારથી કોઇ બીજું મર્યું લાગતું નથ્થી...!’’ તારી ભલી થાય ચમના... આપણને આજ સુધી પસ્તાવો થાય કે, આને ‘આઇ લવ યૂ’ને બદલે ‘જે શી ક્રસ્ણ’ કહીને આવતા રહ્યા હોત, તો વાત પહોંચત તો ખરી ! 

સિક્સર 
He is better than me તદ્દન ખોટું ઇંગ્લિશ છે, જો કે ગ્રામર સમજ્યા વગર બધા બોલતા તો આમ જ હોય છે...બિલ કિલન્ટનને પણ મેં આમ જ બોલતા સાંભળ્યા છે. ઑક્સફર્ડ-ગ્રામર મુજબ, He is better than I am સાચું ઇંગ્લિશ છે. 

No comments: