Search This Blog

25/09/2011

ઍનકાઉન્ટર : 25-09-2011

* બાળકોની લાઇફમાંથી રમતગમત ગાયબ થઇ ગઇ છે.. ટીવી, કમ્પ્યૂટર અને મોબાઇલે ભરડો લીધો છે... કોઇ ઉપાય ?
- આપણા બાળકો પર વિશ્વાસ રાખો. એમને આપણા કરતા વઘુ સાધનો મળ્યા છે.. અને આ ત્રણે સાધનો ભણવાથી કમ નથી.
(વર્ષા તુષાર ઠક્કર, મુંબઇ) 

* ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે શા માટે પગલાં લેવાતા નથી ? 
- પગલાં લેનાર અધિકારીઓ ઉપર પગલાં ચાલુ હોય છે. 
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* દુઃખમાં ભગવાનને યાદ કરવાના તો સુખમાં કોને ? 
- તમારા મોબાઇલની ડિરેકટરી તપાસી લેવાની. 
(હોઝેફા બારીયાવાલા, ગોધરા) 

* વકીલો કાળા કપડાં કેમ પહેરે છે ?
- તમારો વાંધો રંગ સામે છે કે કપડાં સામે ?
(લલિત સી. જોશી, રાજકોટ) 

* સ્ત્રીનો સાચો સ્વભાવ જાણવા શું કરવું ?
- એક વખત એના મોંઢે એને સ્ટુપિડ કહી દેવી... !
(શાંતિલાલ કે. ચંદારાણા, પોરબંદર) 

* ઓછું નુકસાનકારક કોણ ? પત્ની કે તીનપત્તી ?
- તીનપત્તીમાં ક્યારેક તો જીતવાનો ચાન્સ હોય છે... !
(જુગલ એન. ઇનામદાર, આણંદ) 

* પૂજ્ય ગાંધીબાપુની ચાલવાની ગતિ બહુ તેજ હતી. શું તેમની લાકડીમાં ઍક્સીલરેટર હતું ?
- એમની આગળ ‘આઝાદી’ નામની દીકરી દોડે જતી હતી... !
(મથુરભાઈ બી. સોની, ચૅન્નઇ-તમિલનાડુ) 

* તમને સ્ત્રીનો કયો અંદાજ ગમે ?
- મારે અંદાજો ગમાડવાના ન હોય... સ્ત્રી ગમાડવાની હોય !
(સુમન વડુકૂળ, રાજકોટ) 

* શિવજીની પૂજા બિલીપત્રથી, ગણેશજીની પૂજા જાસુદના ફૂલથી ને હનુમાનજીની આકડાના ફૂલથી થાય, તો ગોરધનની પૂજા કયા ફૂલથી થાય ?
- લિંબુના ફૂલથી.
(રાહુલ જી. રાઠોડ, ઉપલેટા) 

* ઓબામા ફરી ભારત આવશે ?
- એના ભોગ લાગ્યા હશે તો આવશે ?
(રમેશ આશર, કાલાવડ- શીતલા) 

* સાયગલ, પંકજ મલિક, કે.સી.ડે અને મુહમ્મદ રફી.. આ બધા ગાયકોમાંથી સર્વોત્તમ કોણ ?
- રણછોડભ’ઇ મફાભ’ઇ પટેલ... મને એ સર્વોત્તમ લાગે છે.
(કે. વી. શુકલ, મુંબઇ) 

* સાંભળ્યું છે કે, ‘કૌન બનેગા કરોડપતિ’ની હૉટ-સીટ પર તમે બેસવાના છો ?
- ગરમ સીટો ઉપર કદી ના બેસાય.. પાઇલ્સ થઇ જાય !
(અબ્દુલરશીદ મેમણ, માંડવી-કચ્છ) 

* ગુજરાતી સાહિત્યમાં વર્ણાશ્રમ પ્રથા શરૂ થાય, તો હાસ્યલેખકો ક્યા વર્ણમાં મૂકાય ?
- શુદ્ર.
(જશવંત બી. આશર, મહુવા) 

* ઇ.સ. ૨૦૧૨-માં પૃથ્વીનો વિનાશ થવાનો છે. તમારૂં શું પ્લાનિંગ છે ?
- મારૂં પ્લાનિંગ ઉપરવાળો કરવાનો છે.
(ડૉ. એ.ડી. ભટ્ટ, ભાવનગર) 

* કૉલમનું નામ ‘ઍનકાઉન્ટર’ રાખવા પાછળનું લૉજીક શું ?
- બસ.... અમને ખબર પડશે કે તરત જણાવી દઇશું.
(ભાવેશ માઘાણી, રાજકોટ) 

* મારે રાજકારણમાં ઝંપલાવવું છે. આપનો અભિપ્રાય ?
- દરિયામાં ઝંપલાવવું હોય ત્યારે કહેજો.. !
(શીતલ અનિલકુમાર સોલંકી, ગોંડલ) 

* દર વખતે ૨૫-સવાલોના જવાબો આપવાને બદલે, એક જ વખત ‘કે.બી.સી.’માં ૧૩-જવાબો આપીને કરોડપતિ થઇ જાઓ ને ?
- કરોડપતિ તો હું ઑલરેડી છું જ... પણ અહીં ૨૫-જવાબો આપવામાં મને ૬-કરોડ લોકોનો પ્રેમ મળે છે.
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ) 

* ક્ષત્રિયો માટે બે જ પ્રકારના મૃત્યુ પ્રશસ્ત માનવામાં આવે છે.. એ કયા ?
- મને બ્રાહ્મણો પૂરતી ખબર છે. એ લોકો એક જ પ્રકારે મૃત્યુ પામે છે... શ્વાસ બંધ થઇ જવાથી !
(જાડેજા ખુમાનસિંહ માઘુભા, રાજકોટ) 

* લેખક મહાન કે વાચક ?
- વાચક માટે લેખક.. લેખક માટે પ્રકાશક ને પ્રકાશક માટે વાચક.
(રમેશ આર. સુતરીયા, મુંબઇ) 

* આજના બ્રાહ્મણો જનોઇ કેમ પહેરતા નથી ?
- એટલામાં તન ઢંકાતું નથી.
(જગદિશ સોની, વડોદરા) 

* તમને ડિમ્પલ ‘સાગર’ની ગમી કે ‘રૂદાલી’ ની ?
- સ્વ. ચુનીલાલ કાપડીયાની.
(હરીશ એમ. લાખાણી, પોરબંદર) 

* અમદાવાદમાં અડધી ચા ના ય કેમ ત્રણ ભાગ કરે ?
- ચોથામાં ઢોળાઇ જાય માટે.
(સલમા મણિયાર, વિરમગામ) 

* ‘અંકલેશ્વરમાં પાલિકા પ્રમુખ સાથે ઝપાઝપી’ના સમાચાર પછી, પાલિકાના કર્મચારીઓ માટે દવાખાનું શરૂ કરવાની ભલામણ થઇ હતી... યોગાનુયોગ ?
- અંકલેશ્વરના સ્મશાનની પૂર્વભૂમિકા તપાસવી પડે.
(ડૉ. સુરેન્દ્ર દોશી, રાજપિપળા) 

* રસોઇની સુવાસ માત્રથી મોંમાં પાણી આવે ખરૂં ?
- એ તો રસોઇ કોની છે ને મોંઢું કોનું છે, એ જોયા પછી નક્કી થયા !
(નિરાલી એમ. મહેતા, ગાંધીનગર) 

* શું તમારા પ્રતાપી પુત્રો ધાંધલ-ધમાલ, જેન્તી જોખમ કે પરવિણ ચડ્ડીએ VRS લીઘું છે ?
- એ લોકોએ મારી પાસે લેવડાવી દીઘું છે.
(ડૉ. કિરીટ એમ. વૈદ્ય, અમદાવાદ) 

* હૅર કટિંગ સલૂનોમાં આટલા બધા અરીસા કેમ રાખવામાં આવે છે ?
- વાળ કોણ કાપી રહ્યું છે, તેની સ્પષ્ટ ખબર પડે માટે.
(અશોક એસ. દેસાઇ, દાહોદ)

No comments: