Search This Blog

21/09/2011

ચાવી બનાવનાર

ડૉ. પરીખે નાકનું ટોપકું ઘણા વખતે આંગળી વડે ખંજવાળ્યું. પૅશન્ટ્‌સની ભીડ ભારે રહેતી હોવાથી નાક ખંજવાળવા માટે અઢી રૂપિયાવાળી પૅન ઘસવાનો ટાઈમ ન હોય. ભારતભરના ડૉક્ટરો ક્લિનિકમાં અઢી રૂપિયાની બે વાળી પેનો જ વાપરવાનો આગ્રહ રાખે છે. દવાની કંપનીઓ તરફથી ગિફટમાં મળતી સહેજ મોંઘી પૅનો ઘરના કબાટમાં ઘૂળ ખાતી પડી હોય. (હવે તો ડૉક્ટરોને ફૅમિલી સાથે ફોરેનની ફ્રી-ટુરો ગિફટમાં આપતી દવા બનાવનારી કંપનીઓ, જાણવા મળ્યા મુજબ, ડૉક્ટરોના નાક-કાન ખંજવાળી આપવા માટે ત્રણ શિફટમાં ફ્રી નર્સો ગિફટમાં આપવાની છે.)

બહાર બેઠેલા બહુ દર્દીઓ ‘પતાવવાના’ હોય, ત્યારે દુનિયાભરના ડૉક્ટરો એમની સામે બેઠેલા દર્દીઓ સાથે પૂરી ઠંડકથી વાતો કરતા હોય. એમનો સૅલ ફોન રણક્યો. સામે કોક પરિચિત અવાજ હતો. (દુનિયાભરના ડૉક્ટરોને મોબાઈલ પર કદાપિ જાણિતા અવાજો ન ગમે. કમાવાનું નવા દર્દીઓમાં હોય !) આમાં તો પાછો ફોન પર બહુ ઉમળકો ય બતાવી ન દેવાય, નહિ તો નવો પૅશન્ટ સમજે, ‘ડૉક્ટર નવરા લાગે છે’. એક હોનહાર ડૉક્ટરે તો ફોન પર ‘યસ...?’ બોલવામાં ય પ્રભાવ પાડવાનો હોય... આખરે માર્કેટિંગ નામની બી કોઈ ચીજ છે...! 

‘યસ...?’ ડૉક્ટર છત તરફ નજર નાંખીને બોલ્યા. 

‘અરે ભ’ઈ... અમારા ઝોંપાનું તારૂં ખૂલતું નહિ... ચાવી બનાવવી છઅ... જરા આઈ જા ને ભ’ઈ.. શરનોંમું લખાઉં છું.’ કોઈ મેહસાણા-ઊંઝા બાજુથી ફોન હોય એટલી તો ખબર પડી ગઈ. 

પરીખ સાહેબ અકળાયા. રોંગ નંબર કહીને મૂકી દીધો. 

સાંજના ફરી કોઈ બીજાનો બીજો ફોન આવ્યો. ‘મારે કબાટની ચાવી બનાવવી છે.. તમે આવી જાઓ છો કે કબાટ મોકલાવું ?’ 

આ બીજો ફોન પણ ચાવી બનાવવા માટેનો. આવી સ્ટુપિડિટી...? સાલું તાળું એનું ખુલતું નથી, એમાં મારે શું ? ત્રીજા ફોનમાં તો ગાળ પણ બોલાઈ ગઈ, જેણે પૂછ્‌યું કે ‘બેન્કમાંથઈ બોલું છું.... અમારે હિસાબમાં તાળો મળતો નથી... સ્ટાફ બપોરનો બેઠો છે...સાંભળ્યું છે, તમે તાળાના એક્સપર્ટ છો... તો કલાકેક આવી જાઓ ને !!’ 

ક્લિનિક પતાઈને ડૉક્ટર ઘેર આવ્યા ત્યારે રોજ તો ઘરમાં પૅશન્ટ બેઠા હોય.. આજે બે જણા સાઈકલ લઈને કમ્પાઉન્ડમાં ઊભા હતા. એમાંના એકની ધીમી ધીમી છપછપ વાત તો ડૉક્ટર સાંભળી ગયા, ‘મારા હાળાએ તાળા ખોલવામાં બંગલો જોરદાર બનાયો છે... છે ચાવીવાળો.. પણ બંગલો તો જો, બનાયો છે..!’ 

‘ઇડિયટ.... આવા બંગલા તાળા ‘ખોલીને’ ના બને... તોડીને બને.’ 

બપોરથી ભારે ગિન્નાયેલા ડૉક્ટરે કોઈપણ ખુલાસો પુછ્‌યા વગર ઘાંટો પાડીને બન્નેને કમ્પાઉન્ડની બહાર કાઢી મૂક્યા. પેલા બન્નેને આખી સાઈકલ ચાવી જવા જેટલો આઘાત લાગ્યો કે, એક તાળા-કુંચી બનાવનારો આટલો પાવર શેનો કરે છે ? ના બનાવવી હોય તો ના પાડી દે. 

રોજ આ ટાઈમે ઘેર આવતા,પત્ની દરવાજામાં જ પરીખસાહેબને એક ચુંબન કરી લે, એવી વર્ષોની પ્રથા આજે ન જળવાઈ. ડૉક્ટર બન્ને ખભાથી આગળ ડોકી લઈ જઈને ક્ષણિક ઊભા રહ્યા, પણ વાઈફે ના કર્યું, તે ના જ કર્યું. ‘રોજવાળું ચુંબન ગયું ક્યાં ?’ એક સેકન્ડ માટે ડૉક્ટરે ઝાંપા તરફ જોઈ લીઘું... ‘સાલો સાયકલવાળો તો લઈ ગયો નહિ હોય ને ?...’ 

‘સાહેબ...’ વાઈફે પહેલો જ સવાલ કર્યો. નોર્મલી, ડૉક્ટરોની સૂચના, વિનંતી અને ક્યાંક ક્યાંક આજીજીઓનો લિહાજ રાખીને એમની વાઈફો પાસે પોતાને ‘સાહેબ’ કહેવડાવવાની ટેવો પાડી હોય છે. ઘેર મહેમાનો આવ્યા હોય, તો ય વાઈફ નામના બદલે ‘સાહેબ’ જ બોલે અને એક્સપૅક્ટ કરે કે, બીજા ય એમને ‘સાહબ’ કહીને બોલાવે. બધી વાઈફોને ખબર ન હોય કે, તું જેને અમારી પાસે ‘સાહેબ’ સંબોધવાનો આગ્રહ રાખે છે, એ અમારા માટે તો પોપટીયો જ વળી... ! સ્કૂલમાં અમે એની ચડ્ડી ઉતારી લેતા, ત્યારે રડતા ય નહોતું આવડતું... છાની મર અને પંખો ચાલુ કર...!’ 

‘ Isn’t it stupid of you to change gears like this?’ ગુજરાતી વાઈફોઝ ઘરમાં ગ્રામરની ભૂલો વગરનું ગુજરાતી બોલે છે. લોચા બહાર નીકળ્યા પછી થાય છે. ‘હું એમ પૂછું છું કે, પેશન્ટોને તો તમે પહોંચી વળતા નથી ને આ હવે નવો તાળા-ચાવીનો ધંધો શેને માટે શરૂ કર્યો છે ? આ આપણું કામ છે...? ગમે તેના ઘરમાં લોખંડના કબાટો ખોલતા તમે શોભો એવા છો ? જરીક તો ઘરની આબરૂનો વિચાર કરવો’તો ...!’ 

પરીખ સાહેબ સમજી ગયા કે મૌસમ બપોરની બગડી છે, છતાં પૂછી લીઘું, ‘શું થયું ?’ 

‘અરે સવારથી લૅન્ડલાઈન ઉપર ફોન આવે રાખે છે કે, અમારું તાળું ખૂલતું નથી, તો માણસ મોકલો... કોક બહેને તો ગરમ થઈને કીઘું કે, હજી અમારી ચાવીઓ બની નથી... ? તમે કરો છો શું ?’ 

‘ડાર્લિંગ... મારા ઉપરે ય એવા જ ફોનો આવે છે.. હું તને-’ 

‘મતલબ.. હવે તો ક્લિનિક ઉપરે ય તાળા-કૂંચીના ધંધા શરૂ કરી દીધા...? તમને તો કાંઈ-’ 

બીજો એક ફોન આવ્યો. ચીસ પાડવી પડે તો પાડી નાંખવાની, એવા ઝનૂન સાથે વાઈફે ખરેખર ચીસ પાડીને કીઘું, ‘અમે લોકો તાળા-ચાવી બનાવનારા નથી.. Do you understand...??’ 

એ તો સારું થયું ખુલાસો સામેથી કોક યુવતીએ કર્યો કે, ‘મૅડમ... હું પરફૅક્ટ ફાર્મામાંથી બોલું છું... અમે પ્રેગ્નન્સીની દવાઓ બનાવીએ છીએ... અમારી સ્કીમ છે એમ તમે ભાગ લો તો, બીજી પ્રેગ્નન્સીની દવાઓ કંપની તરફથી તદ્દન ફ્રી... આપ કોણ બોલો છો, તે જણાવશો... ?’ 

‘હું તારી બા છું, બોલ કાંઈ કામ છે...?’ 

એ લોકો ક્લબમાં ય પાછા મૅમ્બર. શનિવારે ફૅમિલી સાથે ડિનર પર બેઠા હતા, ત્યાં કોઈ અંબાણી-અદાણી નહિ, ક્લબનો વૅઇટર નમ્રતાપૂર્વક આવ્યો, ‘સાહેબજી સલામ... આપણી ક્લબના સ્ટાફ-રૂમના ટૉઈલેટનું તાળું ખૂલતું...’ 

ભૂરાયા થઈ ગયેલા પરીખ સાહેબને એ વખતે તમે લોખંડનો સળીયો ગળી જવા આપ્યો હોત, તો ગાળીને ગળી જાત. કમનસીબે, ક્લબોવાળા ડિનરમાં સળીયા સર્વ નથી કરતા. 

પછીનું આખું વીક ડૉ. પરીખ માટે ભારે ભારે વિચારો અને ટૅન્શનોમાં ગયું. આવું કેમ થઈ રહ્યું છે ? સાલા પૅશન્ટો પૂરા આવતા નથી ને તાળા ખોલાવનારાઓની હું ડિમાન્ડમાં કેવી રીતે આવી ગયો ? રોંગ-નંબર એકાદો આવે, પણ હવે તો જે ઇન્કવાયરી આવે છે બધી ચાવી બનાવવાની જ આવે છે. એક તબક્કે તો ડોક્ટર સાઈડમા ઊભા રહીને પણ વિચારવા માંડ્યા કે, મૅડિકલના ધંધા કરતા આમાં તો કમાવવાનું વધારે નહિ હોય ને ? એમણે ખિસ્સામાંથી ગાડીની ચાવી કાઢી. આમ તેમ ફેરવીને જોઈ. એકાદ રાઉન્ડ કાનમાં ધુમાવી. ડોક્ટરને કાનમાં ગલીગલી કરવાની બહુ મઝા આવતી. ટાઈમ પાસ થાય ને કાંઈક સર્જનાત્મક કરવાનો આનંદ પણ મળે. આવા જ કોક સર્જનાત્મક વિચારે એકવાર તો ડોક્ટરે ફોન પરના ગ્રાહકને હા ય પાડી દીધી કે, ‘હા બોલો ભાઈ... હું ચાવી બનાવવાવાળો બોલું છું. કયું તાળું ખોલવું છે ?’ 

ને સામેવાળો અકળાયો. ‘એએએએ... તાળું ગયું હમણાં કહું એની... અરે, મારી ફૅક્ટરીમાં બરફની પાટો મોકલવાની હતી, એનું શું થયું...? અને ડોહા... માલ જરી સારો મોકલાવજો... ઓગળી જાય એવો બરફ નહિ ચાલે !’ 

કંટાળીને એક સુંદર સવારે ડૉ. પરીખ, ‘યે દુનિયા, યે મહેફીલ, મેરે કામ કી નહિ, મેરે કામ કી નહિ.. હોઓઓઓ’ ગાતા ગાતા સાઘુ બની જવાનો વિચાર કરતા હતા, ત્યાં જ એક શુદ્ધ ફોન આવ્યો, ‘પરીખ સાહેબ... તમને ડૉક્ટરમાંથી ચાવીવાળો બનાવનાર આપણા અજીતસિંહ છે.... એમણે જ ચાવી બનાવવાવાળાનો નંબર તમારા નામે બધાને આપી દીધો હતો... એમણે જ તમારા સર્કલમાં હજારો SMS કર્યા... ગયા મહિને તમે એમનું માથું દુઃખતું’તું ને જુલાબની ગોળીઓ ખવડાઈ દીધી, એટલે કહેતા’તા... ‘આ ડૉક્ટરને તાળાં કે તગારાં વચ્ચે ખબર પડતી નથી...’ 

... અને અજીતસિંહે ખાસ કહેવડાવ્યું છે, ‘ડૉક્ટરને કહેજો, પંખો ચાલુ કરે...’ 

સિક્સર 
ભેળસેળ વિનાનાં ‘નિર્ભેળ’ ભક્તિ ગીતો... (એટલે શું ?) 
આવું કોઈ સાહિત્યાકારે લખ્યું છે. 
બીજા કોક ‘અંજળપાણી’ શબ્દ વાપરે છે... ‘અન્ન જળ’ પછી ‘પાણી’ ક્યાંથી આવ્યું ? 

No comments: