Search This Blog

02/12/2011

‘દોસ્તી’ (’૬૪)

ફિલ્મ : ‘દોસ્તી’ (’૬૪) 
બૅનર : રાજશ્રી પ્રોડકશન્સ 
નિર્માત : તારાચંદ બરજાત્યા 
દિગ્દર્શક - સત્યેન બૉઝ 
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ 
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી 
કલાકારો : સુધીર, સુશીલ, સંજયખાન, ઉમા, બૅબી ફરિદા, નાના પળશીકર, લીલાચીટણીસ, લીલા મીશ્ર, અભિ ભટ્ટાચાર્ય 

ગીતો 
૧. જાનેવાલોં જરા મૂડ કે દેખો મુઝે, એક ઇન્સાન હૂં.. મુહમ્મદ રફી 
૨. કોઈ જબ રાહ ન પાએ, મેરે સંગ આયે, કે પગ પગ... મુહમ્મદ રફી 
૩. રાહી મનવા દુઃખ કી ચિંતા કયું સતાતી હૈ, દુઃખ તો.. મુહમ્મદ રફી 
૪. ગુડીયા, હમ સે રૂઠી રહોગી, કબ તક ના હંસોગી.. લતા મંગેશકર 
૫. મેરા તો જો ભી કદમ હૈ, વો તેરી રાહ મે હૈં.. મુહમ્મદ રફી 
૬. ચાહુંગા મૈં તુઝ સાંઝ સવેરે, ફિર ભી કભી અબ.. મુહમ્મદ રફી 

એક પણ હીરોઇન લીધા વગર તો ઘર પણ ચાલતું નથી, ત્યાં આખેઆખી ફિલ્મ ચલાવવી, એ તો અશોકકુમાર, રાજકુમાર અને ફિરોઝ ખાનવાળી ફિલ્મ ‘ઊંચે લોગ’ (‘હાય રે તેરે ચંચલ નૈનવા...’) માં ચાલી ગયું એ ચાલી ગયું.. અને તો ય બૉક્સ-ઑફિસ પર કાંઇ એ ફિલ્મ ચાલી નહોતી. પણ એવો બીજો પ્રયોગ ‘ઊંચે લોગ’ પહેલા રાજશ્રી પ્રોડકશન્સવાળા તારાચંદ બરજાત્યાએ કરી બતાવ્યો અને તે પણ આખી ફિલ્મ લાગે-વળગે છે, ત્યાં સુધી, મુહમ્મદ રફી સાહેબ સિવાય બીજું એકે ય નામ તગડુંતો જાવા દિયો.. જાણિતું ય નહિ.. ને તો ય ફિલ્મ સુપરડૂપર હિટ.. રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’ની સીધી હરિફાઇમાં હોવા છતાં વિજયી બનીને ! 

ઝીનત અમનવાળા સંજયખાનની એ પહેલી ફિલ્મ હતી. ફિરોઝ ખાનનો એ નાનો ભાઈ. બાકીના ભાઈઓ લાઇમલાઇટમાં આવ્યા નહોતા, છતાં ફિલ્મનગરીની લિંગોમાં એ લોકો ‘ખાન-બ્રધર્સ ઓફ જુહુ’ તરીકે ઓળખાતા. સંજય તો ખૂબ સુંદર પર્સનાલિટીવાળો હીરો હતો. સાવ ભારત ભૂષણો કે પ્રદીપકુમારો જેવો નહિ. ઊંચો, કદાવર અને અવાજ ઘેધૂરઘટ્ટ અને મીઠો.. ‘દોસ્તી’માં હિરોઇન તો કોઈ હતી નહિ, પણ નામ પૂરતી હીરોઇનનું નામ ઉમા (રાજુ) મૂકાતું હતું, પણ ફિલ્મમાં તો એ ગ્રે-ટચવાળો રોલ હતો. પેટ ભરવા માટે આ ફિલ્મનો હીરો નંબર વન સુશીલ કુમાર આખા મુંબઇની સડકો પર ગીતો ગાઇગાઇને તૂટી જાય છે.. ખોવાયેલી સગી બહેનને શોધવા, પણ ભઇલો ભીખારી હોવાથી આ હીરોઇન એને ઓળખવાનો ય ઇન્કાર કરી દે છે.. (શું સારા ઘરની હીરોઇનોને આવું શોભે ? જવાબ : જરા ય ન શોભે.. જવાબ પૂરો !) 

રાજશ્રીવાળાઓએ ઇવન આજ સુધી મોટે બાગે હેતુલક્ષી ફિલ્મો જ આપી છે : અશોકકુમાર, પ્રદીપકુમાર અને મીનાકુમારીવાળી ફિલ્મ ‘આરતી’ થી શરૂઆત કરીને ભારત ભૂષણવાળું ‘તકદીર’ (‘જબ જબ બહાર આઈ, ઔર ફૂલ મુસ્કુરાયે, મુઝે તુમ યાદ આયે’) ‘ઉપહાર’ (મેં એક રાજા હું, તું એક રાની હૈ) ‘જીવનમૃત્યુ’ (‘ઝીલમીલ સિતારોં કા આંગન હોગા) ‘પિયા કા ઘર’ (અમિતાભ-નૂતનવાળું ‘સૌદાગર’) ‘તુમ્હારે બિના’, ‘અમોલ પાલેકરનું ‘ચિત્તચોર’, આજકાલમાં જેની સીકવલ રજુ થવાની છે, તે સચિન-રંજિતાવાળું ‘અખીયોં કે ઝરોખોં સે’, ‘દુલ્હન વો હી, જો પિયા મન ભાયે’, ગીત ગાતા ચલ’ સલમાનખાનવાળી ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપ કે હૈં કૌન’, ‘હમ સાથ સાથ હૈં’... લિસ્ટ વાંચ્યું હશે તો ખ્યાલ આવશે કે જૂજ અપવાદોને બાદ કરતા રાજશ્રીની બધી ફિલ્મો સંગીતપ્રધાન રહી છે ને મોટે ભાગે એમના ફૅવરિટ સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલ જ રહ્યા છે. 

ફિલ્મ ‘દોસ્તી’ની વાર્તા ય રસ પડે એવી છતાં ટીપિકલ મૅલો-ડ્રામા હતી. જરૂરી નથી બધાને ગમે. વેદના કે દુઃખો પાસે આમે ય બહુ ગમવા જેવો કોઈ માલ પડ્યો હોતો નથી. ફિલ્મના એક હીરો રામનાથ (સુધીર કુમાર)ના અત્યંત ગરીબ પિતા ગુપ્તાજી ઍક્સિડન્ટમાં ગૂજરી જતા, વિધવા માતા (લીલા ચીટણીસ) સાથે રહીને સ્કૂલમાં ભણે છે, પણ પતિના એ ઍક્સિડેન્ટની નુકસાનીના વળતરનો કૅસ હારી જવાના દુઃખથી લીલા આઘાતમાં નિસરણી પરથી ગબડી પડીને મૃત્યુ પામે છે. ડૉક્ટરને બોલાવવાના જુનુનમાં રામનાથને પણ કાર-અકસ્માત થતા તે એક પગે લંગડો થઇ જાય છે. ભાડું કે સ્કૂલની ફી ભરી શકવાની તાકાત ન રહેતા, રામનાથ રસ્તા ઉપર આવી જાય છે, જ્યાં એનો ભેટ અંધ ભિક્ષુક મોહન (સુશીલકુમાર) સાથે થાય છે. રામનાથ માઉથ-ઑર્ગન સારૂં વગાડે છે ને મોહન ગાય છે સારૂં, એટલે પેટ ભરવા માટે બંને મુંબઇની સડકો પર ગીતો ગાઇને ગૂજારો કરે છે. સુશીલને પોતાની ખોવાયેલી બહેનની તલાશ છે. જે નર્સ તરીકે કામ કરતી હોય છે અને કરોડપતિ ભાઈ (સંજય)ની કૅન્સરગ્રસ્ત બહેન નાનકડી મંજૂલા (બૅબી ફરીદા) પેલા બંને ભાઈઓના સંગીતથી આકર્ષાઈને માનસિક આશરો આપે છે. પૈસા ભેગા કરીને રામનાથને સ્કૂલમાં ભણવું હોય છે, તો બીજી બાજુ ખૂબ જંગી ખર્ચો પોસાય તો જ મોહનની આંખોનું ઑપરેશન થાય. ગંદી બસ્તીમાં રહીને રામનાથ ભણી નહિ શકે, એ જોઇને તેને ખૂબ ચાહતા શિક્ષક (નાના પળશીકર) એને એ બસ્તી છોડવાની સલાહ આપે છે, પણ મોહનને છોડીને પોતે કયાંય નહિ જાય, એ જીદ ટકતી નથી ને મોહનને અંધારામાં રાખીને રામનાથ એને છોડી દે છે. આ બાજુ, મોહનની બહેન સંજયના જ ઘરમાં નર્સ તરીકે કામ કરે છે પણ ભાઇ ભિખારી હોવાથી સગા ભાઇને ઓળખવાનો ઇન્કાર કરી દે છે.. થોડી ડ્રામાબાજી પછી, અંતે બંને મિત્રો અને ભાઈ-બેન ભેગા થાય છે. 

‘દોસ્તી’એ લક્ષ્મી-પ્યારે જેવા મહાન સંગીતકારો તો આપ્યા, પણ મુહમ્મદ રફી માટે પણ નવી સફળતાના દરવાજા ખોલી આપ્યા. એમના એકેએક ગીતો આજે પણ અમર છે. ફિલ્મમાં રામનાથ દ્વારા વગાડાતું માઉથ ઑર્ગન ફિલ્મનો ઇન્ટેગ્રલ હિસ્સો છે. આખી ફિલ્મમાં માઉથ ઓર્ગન (જેને ‘હાર્મોનિકા’ પણ કહેવાય છે.) રાહુલદેવ બર્મને વગાડયું હતું. 

હિંદીમાં લખવાને પોતાની તૌહિન સમજતા, એ જમાનાના મોટા ભાગના ઉર્દૂ ફિલ્મી શાયરો પૈકીના મજરૂહ સુલતાનપૂરીને તારાચંદ બરજાત્યાએ સંપૂર્ણ હિંદી ભાષી ગીતો લખવાની સ્પષ્ટ સૂચના આપી હતી. મજરૂહે આ મુદ્દે ભાગ્યે જ કોઇ સમાધાન કર્યું છે, પણ આમાં એને પણ ગીતો હિંદીમાં લખવા પડયા હતા. સુશીલ કુમાર (મોહન-અંધ હીરો) આ ફિલ્મ રજુ થવાના થોડા જ વખતમાં ગૂન્હેગારીના ધંધે લાગી ગયો હતો અને અત્યંત ગંભીર ગૂન્હાઓમાં એને જેલમાં સબડવાનું આવ્યું હતું, એનું સાચું નામ હતું. ‘મનુ મીશ્ર’ ‘ગોરખપુરવાલા’ .. ગોરખધંધા દ્વારા એણે પોતાના શહેરનું નામ આ રીતે ચમકાવ્યુ. બૅબી ફરીદા મોટી થઇને હમણાં ફિલ્મ ‘થ્રી-ઇડિયટસ’માં માધવનની મમ્મી અને પરિક્ષત સાહનીની પત્નીના કિરદારમાં જોવા મળી હતી. હીરોઇન ઉમા (રાજુ) આ એક જ ફિલ્મ પછી ગૂમ થઇ ગઇ હતી. 

ફિલ્મ ‘દોસ્તી’ને ‘શ્રેષ્ઠ ફિલ્મ’ ઉપરાંત બીજા ત્રણ ‘ફિલ્મફૅર એવોર્ડસ’ મળ્યા હતા. આ હરિફાઈમાં રાજ કપૂરની મહત્વકાંક્ષી ફિલ્મ ‘સંગમ’ આ એવોર્ડ હારી ગઈ. ‘સંગમ’ના સંગીત માટે શંકર-જયકિશન પણ ‘દોસ્તી’ના સંગીત સામે હારી ગયા. રાજ કપૂરે કયા ચોઘડીયામાં ‘સંગમ’ બનાવ્યું હશે, એ તો ખબર નથી, પણ ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા’ ગીત માટે મૂકેશ પણ આ એવોર્ડ હારી ગયો. એ દિવસોમાં આખી ફિલ્મના નહિ, ફિલ્મના કોઈ એક જ ગીત માટે એવોર્ડ મળતો. એ હિસાબે ‘ચાહુંગા મૈં તુઝે, સાંઝ સવેરે, ફિર ભી કભી અબ નામ કો તેરે આવાઝ મૈં ના દૂંગા’ માટે મુહમ્મદ રફી સાહેબ અને ગીતકાર મજરૂહ સુલતાનપુરીને મળ્યો.પણ સંગીત માટેનો એવોર્ડ આખી ફિલ્મ માટે અપાતો, એ હિસાબે સાવ નવા સવા આવેલા લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્માને આ ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ શ્રેણીના લેખો ફાઇલ કરતા, ઘણા વખતથી વાચકોની માંગ હતી કે, અગાઉ આવી ગયેલા લેખોની યાદી રજુ કરો, તો અમને ખૂટતા લેખો મળી રહે. ‘ફિલ્મ ઇન્ડિયા’ ના નિયમિત વાચક અમદાવાદના વૈષ્ણવ-સત્સંગી નિવૃત્ત સ્ટેટ બેન્ક કર્મચારી શ્રી આર. પી. શાહ પોતાની પાસે આ યાદી જાળવે છે, જે અત્રે પ્રસ્તુત છે. 

(આ પહેલા ફિલ્મ ‘અમર’ વિશેનો લેખ વાંચીને ‘બા રીટાયર થાય છે’ ના નિર્માતા કલાકારશ્રી સંજય ગોરડીયાએ પૂરક માહિતી આપી છે કે, ‘અમર’ની વાર્તાનું બીજ સ્વ. ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘પશ્ચાતાપ’માં હતું. અલબત્ત, સ્વ. મેઘાણીએ આ વાર્તાનું બીજ અંગ્રેજી નવલકથા The Master of The Mind માંથી લીઘું હોવાની સ્પષ્ટતા કરી જ હતી. 

(‘ફિલ્મ ઇન્ડિયા’) તા. ૧૬મી એપ્રિલ, ૨૦૧૦ થી શરૂ થઈ, ત્યારથી આજ સુધી આ કોલમમાં જે તે ફિલ્મો વિશે લખાયું છે, તેની તબક્કાવાર માહિતી આ સાથે પ્રસ્તુત છે.) 

No comments: